You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
OTP હૅકિંગના કારણે બૅન્ક ખાતા ખાલી થઈ જવાની બીકનો હવે અંત આવશે, ભારતમાં નવી ટૅક્નૉલૉજી વિકસાવાઈ
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, બૅંગ્લુરુથી
તમારો ફોન હૅક કરીને સાઇબર અપરાધીઓ તમારી સાથે છેતરપિંડી કરતા હોય છે, પરંતુ હવે તે ભૂતકાળની વાત બની જશે.
બૅંગ્લુરુના રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આરઆરઆઈ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (આઈઆઈએસ)ના વૈજ્ઞાનિકોએ એવા નિર્દેશ આપ્યા છે કે બે-ત્રણ વર્ષની અંદર જ તેમણે વિકસાવેલી એક ટૅક્નૉલૉજીના કારણે ઓટીપી હૅકિંગ બંધ થઈ જશે.
તેમની ટૅક્નૉલૉજી ક્વોન્ટમ ફિઝિક્સ પર આધારિત છે. આ એવી ટૅક્નિક છે જે બૅન્કિંગ, ડિફેન્સ અને અન્ય ક્ષેત્રમાં કૉમ્યુનિકેશનને વધુ સુરક્ષિત બનાવવામાં મોટું પરિવર્તન લાવી શકે છે.
આરઆરઆઈની ક્વોન્ટમ ઇન્ફૉર્મેશન ઍન્ડ કમ્પ્યુટિંગ (ક્યુઆઈસી) લૅબનાં પ્રિન્સિપાલ પ્રોફેસર ઉર્બસી સિંહાએ બીબીસીને જણાવ્યું કે મોબાઇલની કામ કરવાની પદ્ધતિ, ઓટીપી બનાવવાની પદ્ધતિ, ડિવાઇસની ટૅક્નિક- આ બધું નવી પ્રક્રિયાથી બદલાઈ જશે. તેને ડિવાઈસ ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ નંબર જનરેશન પણ કહેવામાં આવે છે.
ક્વોન્ટમ ફિઝિક્સ પર આધારિત આ ટૅક્નૉલૉજીનું લૅબોરેટરીમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને હવે તેને લૉન્ચ કરવાનું બાકી છે.
આઈઆઈએસના હાઈ ઍનર્જી ફિઝિક્સ સેન્ટરના પ્રોફેસર અનિંદા સિંહાએ બીબીસીને જણાવ્યું કે, "હાલના પ્રોટોટાઇપ હજુ પૉર્ટેબલ નથી. તે એક ઑપ્ટિકલ ટેબલ પર છે, જેના માટે સચોટ નિયંત્રણની જરૂર પડે છે, જેવું કે બે વર્ષ અગાઉ આરઆરઆઈમાં ઉર્બસી સિંહા અને તેમના સહયોગીઓએ સાબિત કર્યું હતું. ક્યુસિન ટૅક નામના સ્ટાર્ટઅપ દ્વારા અમારું લક્ષ્યાંક તેને એક એવા બૉક્સમાં ફીટ કરવાનું છે જેને ગમે ત્યાં લઈ જઈ શકાય અને ઇન્સ્ટૉલ કરી શકાય. આ ડિવાઇસ ગિગાબિટ પ્રતિ સૅકન્ડના ટાર્ગેટ દરે ક્વોન્ટમ રેન્ડમ બિટ્સ જનરેટ કરશે."
ઓટીપી કેવી રીતે હૅક થઈ જાય છે?
પ્રોફેસર અનિંદા સિંહાએ જણાવ્યું કે એક વખત આવું થઈ જશે તો તેનો ઉપયોગ વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) અને ઍન્ક્રિપ્ટેડ કૉમ્યુનિકેશનને સુરક્ષિત રાખવા માટે કરી શકાશે.
આઈઆઈએસનાં પ્રોફેસર ઉર્બસી સિંહા, અનિંદા સિંહા અને પીએચડીના સ્ટુડન્ટ પિંગલ પ્રત્યૂષના આ રિસર્ચ સાથે આરઆરઆઈ, આઈઆઈએસ અને કૅનેડાની કેલગરી યુનિવર્સિટી પણ સંકળાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રિસર્ચનાં તારણો 'ફ્રન્ટિયર્સ ઇન ક્વોન્ટમ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી' નામના મૅગેઝિનમાં પણ પ્રકાશિત થયાં છે.
પ્રોફેસર ઉર્બસી સિંહાએ એક રેફ્રિજરેટરનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે કઈ રીતે એક ઉપકરણમાં પ્રોસેસની ખામીઓ અને ત્રૂટીઓ પેદા થાય છે.
તેમણે જણાવ્યું કે આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ કાયમ માટે નથી કરી શકતા, કારણ કે આપણે જાણીએ છીએ કે સમય વીતવાની સાથે તેની ક્ષમતા ઘટતી જશે અને અંતે આપણે તેને બદલવું પડે છે. હાલના રેન્ડમ નંબર જનરેટર માટે પણ આ વાત લાગુ પડે છે. કોઈ પણ ડિવાઇસ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી હોતી, ભલે તે ગમે તેટલી આધુનિક હોય. તેમાં કેટલાંક ડિવાઇસને લગતી ખામીઓ હોય છે. જેમ જેમ ડિવાઇસ જૂનું થાય, તેમ તે ખરાબ થવા લાગે છે. કેટલાક લોકો નાની-નાની ખામીઓનો ફાયદો ઉઠાવીને હુમલો કરી શકે છે. તેથી આપણે તેને એવી ટૅક્નિકથી બદલવા માંગીએ છીએ જે ડિવાઇસ આધારિત સમસ્યાઓથી મુક્ત હોય."
તેનો ઉકેલ શોધવા માટે સંશોધનકારોએ કૉમ્યુનિકેશનને સુરક્ષિત કરવા માટે "ડિવાઇસ ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ નંબર જનરેશન" નામની નવી પ્રક્રિયા શરૂ કરી છે. આ ટૅક્નૉલૉજી બૅન્કિંગ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં અસરકારક રહેશે.
પ્રોફેસર ઉર્બસી સિંહાએ જણાવ્યું કે "મોબાઇલ ફોનના મામલામાં ઓટીપી જનરેટ કરવા માટે રેન્ડમ સંખ્યાઓની જરૂર પડે છે. ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતોનો ફાયદો ઉઠાવીને આ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકાય છે. પાછલાં કેટલાંક વર્ષોથી આપણે 'લેગેટ ગર્ગ ઇન-ઇક્વલિટીઝ'ની મદદથી ડિવાઇસ વગર રેન્ડમ નંબર જનરેટ કરનારી ટૅક્નિક પર કામ કરી રહ્યા છીએ."
પ્રોફેસર ઉર્બસી સિંહાએ સમજાવ્યું કે તેમની ટૅક્નિક પાછલાં કેટલાંક વર્ષોમાં ટેબલ-ટૉપ ક્વોન્ટમ ઑપ્ટિક્સ આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે.
તેમણે કહ્યું કે "ક્યારેક ક્યારેક આપણને એવી ખોટી ધારણા હોઈ શકે છે કે આ પદ્ધતિઓના વ્યવસાયિક રૂપથી વ્યવહારુ ઉત્પાદનો નહીં બને, પરંતુ આ કામ દ્વારા અમે આ ખોટી ધારણાને દૂર કરવામાં સફળ રહ્યા છીએ."
નવી પ્રક્રિયા કેટલી ખર્ચાળ છે?
પ્રોફેસર અનિંદા સિંહાએ જણાવ્યું કે "હાલમાં ક્લાઉડ આધારિત ક્વોન્ટમ કમ્પ્યુટર્સ પર કામ કરવું મોંઘું છે. પરંતુ આગળ જતા ખર્ચ ઘટી જશે કારણ કે આપણે જે અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે, તે માત્ર એક ક્યૂબિટનો ઉપયોગ કરે છે."
તો હવે આગળ શું થવાનું છે?
તેમણે કહ્યું કે "આરઆરઆઈ અને આપણા સ્ટાર્ટ અપ ક્યુસિક ટૅક.ના નેતૃત્વમાં આગળનું લક્ષ્ય એક કૉમ્પેક્ટ ઉપકરણ રેન્ડમનેસ બૉક્સ બનાવવાનું છે જે લેગેટ-ગર્ગ ઇન-ઇક્વલિટીઝનો ઉપયોગ કરીને પ્રમાણિત વાસ્તવિક રેન્ડમ નંબર જનરેટ કરશે. તેનો પ્રોટોટાઇપ બનાવવાનું મોંઘું પડશે, પરંતુ એક વખત આપણે તેને સ્વદેશી રીતે બનાવી લેશું, ત્યાર પછી તેનો ખર્ચ ઘટી જશે. ત્યાર બાદ તે કિફાયતી બની જશે. બૅન્કિંગ, ડિફેન્સ અને સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે આ ટૅક્નૉલૉજી ઉપયોગી બનશે."
પરંતુ બૅન્ક રેન્ડમ નંબર કઈ રીતે જનરેટ કરશે?
પ્રોફેસર અનિંદા સિંહાએ જણાવ્યું હતું કે બૅન્કને OTP જનરેટ કરવા માટે આ નાના યુનિટમાંથી એકની જરૂર પડશે.
તેઓ કહે છે, "અમારું લક્ષ્યાંક ખર્ચ ઘટાડવાનો છે. હાલમાં, કૉમર્શિયલ રેન્ડમ નંબર જનરેટર સંપૂર્ણપણે સર્ટિફાઇડ નથી. સંપૂર્ણ સર્ટિફિકેશ એ બાબતની ખાતરી કરે છે કે કોઈ તેમની સાથે ચેડાં કરી શકે નહીં, સૈદ્ધાંતિક રીતે પણ નહીં."
તેમને લાગે છે કે પહેલો પૉર્ટેબલ પ્રોટોટાઇપ તૈયાર થવામાં બે કે ત્રણ વર્ષ લાગશે.
પ્રોફેસર ઉર્બશી સિંહા માને છે કે નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે ડિવાઇસમાં ફેરફાર જરૂરી બનશે, કારણ કે બધા રેન્ડમ નંબર જનરેટર ડિવાઇસ ડિપેન્ડન્ટ હોય છે.
આ ઉપરાંત, મોબાઇલમાં ડેટા સ્ટોર કરવાની રીત પણ બદલાશે, પરંતુ ફોન પોતે ચોક્કસપણે નહીં બદલાય.
પરંતુ જો હૅકર્સ અથવા ડાર્ક વેબના નિષ્ણાતો તેને હૅક કરવાનો પ્રયાસ કરે તો શું?
પ્રોફેસર અનિંદા સિંહાએ કહ્યું, "આ ક્વોન્ટમ ફિઝિક્સની શક્તિ છે. જો કોઈ આવી ડિવાઇસ બનાવી પણ લેશે, તો તે અન્ય કોઈપણ સર્ટિફાઈડ યુનિટમાંથી રેન્ડમ સંખ્યાઓની આગાહી કરી શકશે નહીં. આ કારણથી જ તેને હેક કરી શકાતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન