You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1995માં લોકોએ 2025 માટે કેવી આગાહી કરી હતી?
- લેેખક, ગ્રૅહામ ફ્રૅશર
- પદ, ટેક્નૉલૉજી રિપોર્ટર
1995માં, બીબીસીના ટુમોરોઝ વર્લ્ડ પ્રોગ્રામે 30 વર્ષ પછી એટલે કે 2025માં વિશ્વ કેવું હશે તેની આગાહી કરવાનું નક્કી કર્યું.
આ શો હવે બંધ થઈ ગયો છે. પરંતુ ત્યારે તે જમાનાનાં સૌથી ખ્યાતનામ વૈજ્ઞાનિકોમાંના એક એવા પ્રોફેસર સ્ટિફન હૉકિંગની મુલાકાત આમાં દર્શાવવામાં આવી હતી. તેમણે આગાહી કરી હતી, "2025 સુધી તો મોટા ફેરફારો અપેક્ષિત છે."
પ્રોગ્રામ ટીમ સહમત થઈ અને હૉલૉગ્રામ સર્જરીથી લઈને સ્પેસ જંક જેલ સુધી વિશ્વને હચમચાવી દેનારી નવીનતમ શોધો વિશે વાત કરી.
કેટલાક નિષ્ણાતોની મદદથી અને ત્રણ દાયકા બાદના જગતની આછીપાતળી આગાહી મુજબ અપેક્ષિત દુનિયા અંગેની ભવિષ્યવાણી કેટલી સાચી પડી તે જોઈએ.
2005ના 'સાયબરસ્પેસ હુલ્લડો'
1995માં આખી દુનિયામાં વેબનું શરૂ થઈ ચુક્યું હતું. આનો વધારે વિકાસ ટુમોરોઝ વર્લ્ડ કાર્યક્રમ મુજબ ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
તેઓએ આગાહી કરી હતી કે મોટા ઉદ્યોગપતિઓ અને બૅન્કો 2000 સુધીમાં ઇન્ટરનેટ પર નિયંત્રણ મેળવી લેશે.
સાથે જ એક "સુપરનેટ"ની સ્થાપના કરશે અને જેના પર સામાન્ય લોકોનો પ્રવેશ નિયંત્રિત હશે.
આના બદલામાં તેઓ હેકર્સ, વાઇરસ અને રમખાણોને પણ પ્રાયોજિત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચુકાદો - ઇન્ટરનેટ જેમ હતું તેમ જ રહ્યું છે. મોટેભાગે સ્વતંત્ર છે અને તેથી કોઈ હુલ્લડો થયા નથી. પરંતુ તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે હેકર્સો જરૂર લોકો માટે દુઃખનું કારણ બન્યા છે.
બીબીસીના લાઝારસ હેઇસ્ટના પોડકાસ્ટમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા જેવા રાષ્ટ્ર હેકિંગમાં ભૂમિકા ધરાવે છે, તેની આગાહી આ કાર્યક્રમ નહતો કરી શક્યો.
સરકારો અને કંપનીઓ માટે સાયબર સિક્યૉરિટી ખૂબ જ મહત્ત્વની છે. અને જે લોકો બૅન્કો પર શંકા કરે છે તેઓ તો બિટકૉઇન જેવી ક્રિપ્ટૉકરન્સી તરફ વળી તેમાં નિપુણ બની રહ્યા છે.
સ્પેસ માઇનિંગનો આકર્ષક ઉદ્યોગ
પ્રોગ્રામે એવું અનુમાન કરેલું કે સ્પેસ માઇનિંગ એક આકર્ષક ઉદ્યોગ બની જશે, જેમાં કંપનીઓ કિંમતી ધાતુઓ માટે પૃથ્વીની નજીક ઍસ્ટ્રૉઇડ પર ખોદકામ કરશે.
આ કાર્યક્રમે એવું પણ સૂચન કર્યું હતું કે સ્પેસ જંક (અવકાશી ભંગાર) એવી સમસ્યા બની જશે કે તે અવકાશયાત્રીઓ માટે સલામત નહીં રહે.
તેનો જવાબ હશે – એક વિશાળ ફૉમ જેલની રચના કે જેનાથી આ ભંગાર કે કાટમાળને ધીમો પાડી શકાશે.
ચુકાદો - કોઈ સુપર ફૉમ જેલ શોધાયું નથી, પરંતુ સ્પેસ જંકની સમસ્યા ગંભીર છે. અવકાશમાં કોઈ ખાણ ઉદ્યોગ વિકસ્યો પણ નથી, પરંતુ આ સ્થિતિ બદલાઈ શકે છે.
ભવિષ્યવાદી ટોમ પૃથ્વી બહાર ખાણ ઉદ્યોગ અંગે આશાવાદી છે. તેમણે કહ્યું, "સંભવિત સંપત્તિ અગમ્ય છે અને ટેક્નૉલૉજી સંપૂર્ણપણે આપણી મુઠ્ઠીમાં છે."
સુપર સર્જનો અને તેમના રૉબોટ્સ
ટુમોરોઝ વર્લ્ડની આગાહી હતી કે 2004 સુધીમાં યુકેની તમામ હોસ્પિટલોના સર્જન ડૉક્ટરનો સફળતાનો કોઠો પ્રકાશિત કરવાનો કાયદો પસાર કરવામાં આવશે.
ટોચના સર્જનો લોકપ્રિય બનશે વળતર પણ સારું મળશે. એટલે તેઓએ દર્દીઓ શોધવા આમતેમ જવું નહીં પડે.
તેના બદલે, દર્દીને હૉલૉગ્રામ મોકલવામાં આવશે અને ડૉક્ટર સર્જન "સ્પેશિયલ ગ્લૉવ્સ"નો ઉપયોગ કરીને ઑપરેશન કરશે. દર્દીના અંતે જે રૉબોટ સર્જનની હિલચાલની સંપૂર્ણ નકલ કરશે.
ચુકાદો - તેઓ બરાબર સમજી ના શક્યા, પરંતુ હાલમાં રૉબોટ્સ સર્જરીમાં મદદ કરી રહ્યા છે.
ફ્લૉટિંગ હેડ સાથે સ્માર્ટ સ્પીકર
આ કાર્યક્રમમાં ભવિષ્યના એક માણસ (VR હેડસેટ પહેરેલો) તેની પત્ની અને એક નાની બાળકીને કલ્પિત કરવામાં આવ્યાં હતાં, જેઓ આધુનિક લંડનમાં હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.
એક વિભાગમાં સ્ત્રીનું હરતું ફરતું માથું "સ્માર્ટ સ્પીકર" માંથી બહાર આવે છે અને તે પુરુષને જણાવે છે કે "ઇન્ડો ડિઝની"માં તેમણે માણેલી રજાને એક વર્ષ થઈ ગયું છે.
તે પુરુષને "બૅંગ્લોર શટલ" દ્વારા રજા લેવા પ્રોત્સાહિત કરે છે. જેમાં માત્ર 40 મિનિટનો જ સમય લાગશે.
ચુકાદો - અલ્ટ્રા-ફાસ્ટ મુસાફરી હંમેશાની જેટલો જ સમય લે છે, પરંતુ હૉલૉગ્રામ, સ્માર્ટ સ્પીકર્સ અને VR હેડસેટ્સ વધુ પ્રચલિત બની રહ્યા છે.
હાથમાં માઇક્રોચિપનો ઉપયોગ કરીને બૅન્કિંગ
કાર્યક્રમમાં બૅન્કિંગના ભવિષ્યનું પણ ચિત્રણ આપવામાં આવ્યું હતું.
જેમાં એક મહિલા બૅન્કમાં જઈને ફરિયાદ કરે છે કે ત્યાં કોઈ માણસો જ નથી અને પછી 100 "યુરો માર્ક્સ" બૅન્કમાંથી ઉપાડી રહી છે.
બૅન્ક તેના હાથમાં રહેલી એક ચિપને સ્કૅન સ્કેન કર્યા પછી તેને પૈસા આપી દે છે.
ચુકાદો - બૅન્કિંગ ખરેખર વધુ ને વધુ સરળ બન્યું છે. માનવ શરીરની અંદર માઇક્રૉચિપ્સ દ્વારા ચૂકવણી કરવી એ વાસ્તવિકતા હોવા છતાં અન્ય તકનીકો જેમ કે ફિંગરપ્રિન્ટ અને ચહેરો સ્કૅનિંગનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
શોનાં પ્રસ્તુતકર્તાઓની યાદો
મૉન્ટી ડૉન 30 વર્ષ પહેલાં પ્રસારિત થયેલા ટુમોરોઝ વર્લ્ડ પ્રોગ્રામના પ્રસ્તુતકર્તાઓમાંના એક હતા. તેમના સેગમેન્ટમાં આગાહી કરવામાં આવી હતી કે બ્રિટનમાં જંગલોનો વ્યાપ વધશે.
આ કામ આનુવંશિક ઇજનેરી અને બહુમાળી કૃષિ સુવિધાઓને કારણે શક્ય બનશે. આના લીધે ભૂરા રીંછ સહિતના પ્રાણીઓને પણ તેમના કુદરતી રહેઠાણમાં પરત ફરી શકશે.
હવે તેની આ આગાહી વિશે વાત કરતા તેઓ બીબીસી ન્યૂઝને કહે છે કે, તેનો કાર્યક્રમનો આ ભાગ તદ્દન કાલ્પનિક અને ભોળપણથી ભરેલો હતો.
આગામી 30 વર્ષ તરફ જોતાં તેઓ કહે છે કે, હું ખુશ છું કે વર્તમાન યુવા પેઢી "જળવાયુ પરિવર્તન પ્રત્યે વધુ સંવેદનશીલ" છે અને તેઓ માને છે કે 2055 સુધીમાં તો લોકો તેમના પૂરતો ખોરાક જાતે જ ઉગાડી લેશે.
તેમણે ઉમેર્યું: "આવતીકાલની દુનિયા જ માનવજાત અ વિશ્વને બદલી શકે છે અને સુધારી શકે તેમ છે. આપણે હંમેશા જોયું છે કે છે કે માનવજાત વસ્તુઓને વધુને વધુ ખરાબ કરવાની ટેવ ધરાવે છે."
"ખાસ કરીને પર્યાવરણને પ્રકૃતિને સુધારવા અને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાને બદલે આપણે તેની સાથે રહી કામ કરવું પડશે."
વિવિએન પેરી આ આગાહીનાં શોમાં દવા વિશેની વાત કરનારા અન્ય પ્રસ્તુતકર્તા હતાં.
તેઓ આ શોનું ફિલ્માંકનનાં દિવસને યાદ કરતા કહે છે કે, "મારે એકદમ સ્થિર જ રહેવું પડતું હતું."
"મારાં ચશ્માની સાથે એક નાનો કૅમેરો જોડાયેલો હતો અને મારા મોં પર ટકી રહ્યો હતો, જેને કોઈક ચીકણી સામગ્રીથી ચોંટાડવામાં આવ્યો હતો.
"એ દિવસે ગરમી હતી અને આ કાળી સામગ્રી ધીમે-ધીમે મારા ચહેરા પરથી ઝરવા લાગી અને હું હલનચલન કરી શકતી ન હતી. મૅક-અપ (ટીમ)માંથી કોઈ વ્યક્તિ તેને સાફ કરવા માટે સાફ કરવા માટે રૂ અને લાંબી લાકડી સાથે આવી."
વિવિએન 2013થી જિનોમિક્સ ઇંગ્લૅન્ડની સાથે સંકળાયેલાં છે અને કહે છે કે જિનોમિક સિક્વન્સિંગ અંગેની 1995 ટુમોરોઝ વર્લ્ડની કેટલીક આગાહીઓ સાચી પડી છે.
તેઓ હાલમાં આનુવંશિક પરિસ્થિતિઓના નિદાન અને સારવાર અંગેનાં સંશોધનો પર અભ્યાસ કરી રહ્યાં છે.
તો 2055માં વિશ્વ કેવું હશે?
ભવિષ્યવેતા ટ્રેસી ફોલો કહે છે કે 1995ના આ પ્રોગ્રામે ઘણા ખરા ભવિષ્યનાં મોટા વિચારોની ભાખ્યા હતા. પરંતુ તે છેલ્લા 30 વર્ષની બે સૌથી મોટી થીમ ચૂકી ગયા હતો. તે હતી મોટી ટેક કંપનીઓનો ફેલાવો અને સોશિયલ મીડિયા.
ટ્રેસી ફોલો કહે છે કે, 2055 સુધીમાં ઘણા લોકો "જ્ઞાનાત્મક રીતે જોડાયેલા" હશે. સર્વર દ્વારા માનવોનાં મન ટેક્નૉલૉજીનો મધપૂડાની જેમ જોડાયેલા હશે. આનાથી વિચારોનાં આદાન પ્રદાનમાં સરળતા રહેશે.
"વૈચારિક મંથન સાચા અર્થમાં વિચારમંથન હશે. કે જ્યાં તમે ખાલી વિચારીને જ તેને અન્ય લોકોને જણાવી શકાશે."
ટોમ ચિઝ્યુરાઇટ માને છે કે આગામી 30 વર્ષની સૌથી મોટી આકર્ષક સંભાવનાઓ એ મટિરિયલ્સ સાયન્સ અને બાયૉએન્જિનિયરિંગ હશે.
મટિરિયલ્સમાં વધુ મજબૂત, હળવા અને પાતળા ઉપકરણોની શોધ અને રચના વિશ્વને બદલી નાખશે.
જ્યારે બાયોએન્જિનિયરિંગ કડક નિયમન સાથે દવાઓમાં ક્રાંતિકારી પરિવર્તિત લાવશે.
આ ઉપરાંત "માનવજાતાના સૌથી મોટા પડકારો જેવા કે ડીકાર્બોનાઇઝેશન, સ્વચ્છ પાણી, ખોરાકનો નીવેડો લાવવાની શક્તિ પણ તે ધરાવે છે.
તમને શું લાગે છે, 30 વર્ષ બાદની દુનિયા કેવી હશે? આ સવાલ માટે તમારા જવાબો ગમે તે હોય, પરંતુ ત્રણ દાયકા પહેલા પ્રોફેસર હૉકિંગે ટુમોરોઝ વર્લ્ડને કહ્યું હતું એ તમને જાણવું ગમશે.
"આમાંના કેટલાક ફેરફારો ખૂબ જ રોમાંચક છે અને કેટલાક ચિંતાજનક છે. એક બાબત જે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે તે ખૂબ જ નોખું જગત હશે અને કદાચ આપણે તેની અપેક્ષા પણ નહીં કરી હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન