BZ ગ્રૂપ: 'ભૂપેન્દ્રસિંહ ઝાલા મહિલા પોલીસકર્મી સાથે લગ્ન કરવાનો હતો?' CID તપાસમાં બીજું શું-શું બહાર આવ્યું?

ગુજરાતના બહુચર્ચિત BZ ગ્રૂપના કથિત કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ ગુજરાત સીઆઇડી સમક્ષ કેટલાક નોંધપાત્ર ખુલાસા કર્યા હતા. આ સિવાય તપાસ એજન્સીની પડતાલમાં પણ કેટલીક નોંધપાત્ર વિગતો બહાર આવી હતી.

સીઆઇડીનાં ડીઆઇજી પરિક્ષીતા રાઠોડે સોમવારે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં એક મહિલા પોલીસ અધિકારી સાથે સંબંધ તથા એક 'આઇપીએસ અધિકારીની સંડોવણી' તથા રાજનેતાઓની ભૂમિકા વિશે માહિતી આપી હતી.

તપાસ દરમિયાન આરોપી ઝાલાએ કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી હોવાનું બહાર આવ્યું હતું.

ત્રણ ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપની યોજનાઓમાં રોકાણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે.

જોકે, કૌભાંડનો આંકડો અગાઉના બહુચર્ચિત રૂ. છ હજાર કરોડના આંકડા કરતાં 'ખૂબ ઓછો' હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.

સીઆઈડીએ આ કેસમાં અત્યારસુધીમાં આઠ શખ્સોની ધરપકડ કરી છે.

કોણે કર્યું રોકાણ, શું-શું ખરીદ્યું?

લગભગ એક મહિના કરતાં પણ વધુ સમયથી ફરાર રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ સીઆઇડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટન) કબજામાં છે, જેમાં આરોપીએ નોંધપાત્ર ખુલાસા કર્યા છે, જેના વિશે વિભાગનાં ડીઆFજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) પરીક્ષિતા રાઠોડે પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું :

"ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા BZ ગ્રૂપના બૅંક એકાઉન્ટની તપાસ કરતાં 11 હજાર જેટલા રોકાણકારો અલગ-અલગ સ્કીમમાં જોડાયા હોવાનું બહાર આવ્યું છે. જેમને રૂ. 95થી રૂ. 100 કરોડ જેટલી રકમ ચૂકવવાની નીકળે છે. જેમાંથી દસેક લોકોએ રૂ. એક કરોડ કરતાં વધુ રકમનું રોકાણ કર્યું છે."

રાઠોડના જણાવ્યા પ્રમાણે, બે ડીવાયએસપી, ઇકૉનૉમિક ઑફેન્સ વિંગ તથા પોલીસના અનેક પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ કેસમાં તપાસ કરી રહ્યા છે. જેઓ સામેથી રોકાણકારોનો સંપર્ક કરીને તેમના નિવેદન લઈ રહ્યા છે.

રાઠોડના જણાવ્યા પ્રમાણે, "ઝાલાએ પોતાના નામ સિવાય પરિવારજનો, સગાંસંબંધી કે મિત્રોના નામે કોઈ સંપત્તિ ખરીદી છે કે કેમ, તેના વિશે તપાસ હાથ ધરવામાં આવી છે."

સીઆઇડીએ ભૂપેન્દ્રસિંહના ક્રિપ્ટૉવ્યવહારોની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. આ સિવાય ઝાલાની વેબસાઇટ bztrade.inના સર્વરના, તેની પાસેથી જપ્ત થયેલા મોબાઇલો તથા ડોંગલોનો ડેટાની એફએસએલની (ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી) મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

સીઆઇડી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રાંતીજ, હિંમતનગર, વીજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રાયસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર અને રાજુલામાં મળીને એમ 17 શાખાઓમાં રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની રકમ ઉઘરાવી છે.

વિજ્ઞપ્તિ મુજબ, 17થી 18 મિલકતો વસાવી હોવાની વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવી હતી. ભૂપેન્દ્રસિંહે રૂ. 80 કરોડની સ્થાવર તથા રૂ. 20 કરોડની જંગમ મિલકતો ખરીદી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 (5), 316 (5), 318 (4), 61 (2) ; જીપીઆઈડી (ગુજરાત પ્રૉટેક્શન ઑફ ઇન્ટ્રેસ્ટ ઑફ ડિપૉઝિટર્સ) તથા ધ બૅનિંગ ઑફ અનરૅગ્યુલેટેડ ડિપૉઝિટ સ્કિમ્સ ઍક્ટ-2019ની કલમ 21 અને 23 મુજબ ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોપીને ગત શનિવારે ગ્રામ્ય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

રૂ. છ હજાર કરોડનું કૌભાંડ નહીં?

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂ. છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની વ્યાપક ચર્ચા હતી. જોકે, સીઆઇડીએ સોમવારે જે આંકડો આપ્યો, તે આના કરતાં ખૂબ ઓછો હતો.

પરીક્ષિતા રાઠોડનાં જણાવ્યાં પ્રમાણે, "ભૂપેન્દ્રસિંહ રાઠોડના આર્થિકવ્યવહારોની તપાસ કરતાં આ આંકડો લગભગ રૂ. 400થી રૂ. 450 કરોડ આસપાસનો છે. ફરિયાદીએ રૂ. છ હજાર કરોડનું કૌભાંડ હોવાનો દાવો કર્યો હતો."

પરીક્ષિતા રાઠોડનાં જણાવ્યાં પ્રમાણે, એજન્ટ્સ અને ફ્રેન્ચાઇઝી લેનારાઓ વિશે વિગતો પ્રાપ્ત થઈ છે અને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 34 દિવસની ફરાર રહેવા દરમિયાન પ્રારંભિક દિવસો મધ્ય પ્રદેશમાં ગાળ્યા હોવાની તથા ત્યાં પૂજાવિધિ કરાવી હોવાની વિગતો બહાર આવી છે. એ પછી તેમણે રાજસ્થાનમાં 15 દિવસ આશરો લીધો હતો.

જ્યારે ધરપકડ થઈ ત્યારે ઝાલા પાસેથી રૂ. સાડા ત્રણ લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી હતી.

છેલ્લા લગભગ 14 દિવસ મહેસાણાના દવાડા ગામ ખાતે આશરો લીધો હતો અને આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રવાસ ખેડ્યા હોવાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીને આશરો આપનાર સામે કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી છે.

મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન?

સેંકડો કરોડના કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિલા પોલીસ અધિકારી સાથે ગાઢ ઘરોબો ધરાવતા હતા. પત્રકારોએ આ અંગે સવાલ ઉઠાવતાં ડીઆઇજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું:

"તપાસ દરમિયાન એક મહિલા પોલીસ અધિકારી સાથેની નિકટતા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ પ્રાથમિક તપાસ પ્રમાણે, તેઓ લગ્ન કરવાનાં હતાં. આ મુલાકાતો 'વ્યક્તિગત' હતી. છતાં જો એ અધિકારીની ગુનાહિત સંડોવણી બહાર આવશે, તો તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

એક આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીની સંડોવણી સંદર્ભના અન્ય એક સવાલના જવાબમાં રાઠોડે જણાવ્યું હતું કે તેમાં કશું નક્કર બહાર નથી આવ્યું.

ત્રણ જેટલા ક્રિકેટરોએ પણ રૂ. દસ લાખથી રૂ. 25 લાખની રકમ રોકી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે, તથા હજુ સુધી તેમની પૂછપરછ ન થઈ હોવાનું પણ ઉમેર્યું છે.

આ કૌભાંડમાં ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યની સંડોવણી વિશે પણ વ્યાપક ચર્ચા હતી, જોકે, રાઠોડે આ વાતને પણ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નકારી કાઢી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.