You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BZ ગ્રૂપ: ટાઇલ્સ લગાવનાર પિતાના પુત્ર ભૂપેન્દ્રસિંહે 450 કરોડનું કથિત કૌભાંડ કેવી રીતે કર્યું?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
BZ ગ્રૂપના સ્થાપક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આચરેલા કથિત 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં પોલીસે હજી સુધી 450 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો શોધી કાઢ્યા છે. હાલ પોલીસ રિમાન્ડમાં રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી વધુને વધુ વિગતો મળી રહી છે.
પોલીસે આપેલી માહિતી ઉપરાંત ઝાલાના પરિવારજનો પાસેથી મળેલી વિગતો અનુસાર તેમના પિતા પાસે બે વીઘા જેટલી જમીન હતી અને તેઓ નબળી આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે મંદિરોમાં ટાઇલ્સ લગાવવાનું કામ પણ કરતા હતા.
જોકે, પોલીસના અને પરિવારજનોના જણાવ્યા અનુસાર આર્થિક રીતે સમૃદ્ધ અને સમાજમાં પ્રભાવશાળી અગ્રણી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભૂપેન્દ્રસિંહે ખેતી અને અન્ય કામને બદલે કૉલેજના અભ્યાસના સમયથી જ મલ્ટિ લેવલ માર્કેટિંગ, ફૉરેક્સ ટ્રેડિંગ જેવા આર્થિક વ્યવસાયોનો અનુભવ મેળવ્યો હતો.
આ ઉપરાંત પોતાની શિક્ષક તરીકેની નોકરી વખતે પણ કેવી રીતે સામાજિક સંપર્કો અને પ્રભાવ વધારી શકાય તેની સમજ કેળવી. આ તમામ પ્રકારના અનુભવોથી ઝાલાને આ કથિત કૌભાંડ આચરવાની યોજના ઘડવામાં મદદ મળી હોવાનું પોલીસનું માનવું છે.
શું કહે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌટુંબિક સગા?
માત્ર ચાર જ વર્ષમાં કરોડપતિ બનેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડમાં હવે નવા નવા ખુલાસા કરતી વિગતો જાહેર થઈ રહી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલા હિંમતનગર જિલ્લાના વાગડી ગામના નાનકડા ખેડૂત હોવાનું તેમના કૌટુંબિક ભાઈ કિશોરસિંહ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું.
કિશોરસિંહ ચૌહાણે કહ્યું, "ઝાલાના પરિવારજનો અનુસાર મૂળ પાલવી ઠાકોર કુટુંબમાં જન્મેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલા પાસે ખેતીની મોટી જમીન નહોતી, એટલે એ કુટુંબનું ભરણપોષણ કરવા માટે ખેતી ઉપરાંત મંદિરમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા."
તેમણે વધુમાં કહ્યું, "ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિજ્ઞાનનો સ્નાતક થયો, એ પહેલાથી જ કૉલેજના અભ્યાસ સમયે એક મલ્ટિ લેવલ માર્કેટિંગ કંપનીમાં એજન્ટ બની ગયો હતો. એ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપની બંધ થઈ ગયા બાદ એ પોતાના બી.એડ.ના અભ્યાસ દરમિયાન ફૉરેક્સમાં ટ્રેડિંગ કરતી કંપનીમાં કામ કરતો હતો. આ વિસ્તારમાં સરકારી નોકરી અને શિક્ષકની નોકરીનું મહત્ત્વ વધુ એટલે એ થોડા સમય માટે શિક્ષક પણ થયો."
ચૌહાણના જણાવ્યા અનુસાર મલ્ટિ લેવલ માર્કેટિંગ, ફૉરેક્સ ટ્રેડિંગ અને શિક્ષકની નોકરી આ તમામ બાબતોના અનુભવનો તેણે ઝડપથી વધુ પૈસા કમાઈ લેવાની પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવામાં ઉપયોગ કર્યો.
ચૌહાણે જણાવ્યું, "આ સમયમાં એ ફૉરેક્સ ટ્રેડિંગ કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં કેવી રીતે પૈસા કમાવાય એ શીખી ગયો હતો. એને કોરોના પહેલાં પોતાની મલ્ટિ લેવલ માર્કેટિંગ સ્કીમ ચાલુ કરી હતી. એ સમયે એ ક્રિપ્ટોકરન્સીમાં ઘણા પૈસા કમાયો હતો. કોરોના સમયે કોઈની પાસે પૈસા નહોતા ત્યારે એની પાસે પૈસા આવી ગયા હતા."
CID ક્રાઇમ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સર્વરનું ફોરેન્સિક ઑડિટ કેમ કરવા માંગે છે?
ચૌહાણે કરેલી આ વાતનો પડઘો હાલ પોલીસ રિમાન્ડમાં ઝાલાની પૂછપરછ દરમિયાન બહાર આવેલી વિગતોમાં પણ પડતો જોવા મળે છે.
સીઆઇડી ક્રાઇમના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીત કરી. તેમણે કહ્યું, "એના રિમાન્ડ દરમિયાન કરેલી પૂછપરછમાં અમારી પાસે એ વિગતો બહાર આવી છે કે એણે એ સમયે બનાવટી સ્કીમ ચાલુ કરી હતી એની પાસે મલ્ટિ લેવલ માર્કેટિંગ કંપનીનો અનુભવ હતો."
"આ વિસ્તારમાં મોટા ભાગે શિક્ષકો વધુ છે અને એણે શિક્ષકોને પોતાની સ્કીમમાં સામેલ કરી લીધા હતા. એટલે એની પાસે કોરોના સમય પહેલાંના સમયમાં લોકો પાસેથી ભેગા કરેલા દસ કરોડ રૂપિયા હતા જેને એણે વાઇફાઇ કોઇનમાં રોક્યા હતા."
માંડલિકે જણાવ્યા અનુસાર વાઇફાઇ કોઈન પૈસા રોકવા માટેનું એક પ્રકારનું વર્ચ્યુઅલ એક્સ્ચેન્જ છે.
તેમણે વધુમાં જણાવ્યું, "એ સમયે વાઇફાઇ કોઇન ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય હતો. કારણ કે વાઇફાઇ કોઇન સેન્ટ્રલાઇઝ્ડ અને ડિસેન્ટ્રલાઇઝડ ક્રિપ્ટો એક્સ્ચેન્જ છે. જેમાં બીટમાર્ટ અને યુનિસ્વેપ જેવાં એક્સ્ચેન્જ ટ્રેડિંગ કરે છે."
માંડલિકે વધુમાં કહ્યું, "આ સમયમાં એના દસ કરોડ રૂપિયાના વાઇફાઇ કોઇનની કિંમત 18 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. પૈસા આવતા એણે પોતાનો ધંધો વધારવાનું નક્કી કર્યું અને અમદાવાદના એક કંપની સેક્રેટરીની સલાહ લીધી હતી."
"એણે લાઇસન્સ લીધા વિના કામ કરવાની ના પાડી દીધી હતી. એટલે એણે એક સી.એ.ની મદદથી સમગ્ર કારોબાર શરૂ કર્યો."
તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતા સીઆઇડી ક્રાઇમનાં ઇન્ચાર્જ ડીઆઇજી પરીક્ષિતા રાઠોડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:
"એણે વર્ચ્યુઅલ કરન્સીમાં પૈસા રોક્યા છે, એ વાત સાચી છે હાલ એનું ક્રિપ્ટોકરન્સીમાં મોટું રોકાણ નથી, પણ એણે પોતાની વેબસાઇટ માટે એક સર્વર ભાડે લીધું હતું. એમાંથી અમને ઘણી વિગતો મળી છે. "
રાઠોડના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ટેકનૉલૉજીનો જાણકાર છે એટલે એણે પોતાનો જૂનો વર્ચ્યુઅલ કરન્સીના ટ્રેડિંગમાં રોકેલા પૈસાનો ડેટા ઉડાડી દીધો હોવાની શક્યતા છે અને પોલીસ એને પરત મેળવવા ફોરેન્સિક ઑડિટ કરાવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું, "આ સર્વરમાં એના એકાઉન્ટની ડિજિટલ લૉગ હોય તેવી શક્યતા છે. ફોરેન્સિક ઑડિટથી એના એકાઉન્ટમાં શરૂઆતથી માંડી અત્યાર સુધી થયેલાં તમામ રોકાણોની જાણકારી મળી જશે."
"હાલ 11 હજાર રોકાણકારોની વિગત અમારી પાસે છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો પણ બહાર આવી શકે છે."
ભૂપેન્દ્રસિંહના જૂન 2025માં લગ્ન કરવાના ઓરતા અધૂરા રહેશે?
1994માં જન્મેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં લગ્ન થયાં નથી પણ એનાં લગ્ન એમની જ જ્ઞાતિનાં એક મહિલા પોલીસકર્મી સાથે થવાનાં હતાં.
ચૈતન્ય માંડલિકે કહ્યું, "રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું કે એનાં લગ્ન એક પોલીસકર્મી સાથે જૂન 2025માં થવાનાં હતાં. આ લગ્ન જ્ઞાતિના રીતરિવાજ મુજબ બંનેના પરિવારોની સહમતીથી થવાનાં હતાં."
સીઆઇડી ક્રાઇમનાં ઇન્ચાર્જ ડીઆઇજી પરીક્ષિતા રાઠોડે કહ્યું હતું "આ એમનો અંગત મામલો છે, પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને છુપાવવામાં આ પોલીસકર્મીની કોઈ ભૂમિકા બહાર આવી નથી. આમ છતાં અમે વધુ તપાસ કરી રહ્યાં છીએ. એને પણ હળવાશથી નથી લઈ રહ્યાં."
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 'CAની આંગળી પકડી' કેવી રીતે કૌભાંડ કર્યું?
તપાસ ચાલુ હોવાથી ચાર્ટડ એકાઉન્ટન્ટનું નામ જાહેર નહીં કરવાની શરતે એસપી ચૈતન્ય માંડલિકે બીબીસીને જણાવ્યું, "અમારા રિમાન્ડ દરમિયાન ઝાલાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વાઇફાઇ કોઈનમાં સતત નફો નહોતો થતો, એટલે ભૂપેન્દ્રસિંહે સી.એ.ની સલાહ મુજબ જમીનમાં રોકાણ કરવા માટે અલગ કંપની બનાવી હતી, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાની અલગ કંપની બનાવી હતી, જે જમીનના ધંધામાં રોકાણ કરતી હતી."
"એ લોકો મોકાની જગ્યા પર આવેલી જમીનમાં રોકાણ કરતા હતા અને એ જમીનનો ભાવ થોડા સમયમાં વધી જાય એટલે એને વેચી બીજી જમીન ખરીદતા હતા. જેથી લોકો પાસેથી ઉઘરાવેલા પૈસા જમીનમાં રોકી વધુ નફો મેળવી લેતા હતા."
"ટૅક્સની બચત માટે સીએસઆર હેઠળ એનજીઓમાં ફંડિંગ પણ થતું હતું. ભૂપેન્દ્રસિંહે સી.એ.ની સલાહથી જ લોકો પાસેથી એની કંપનીમાં પૈસાનું રોકાણ કરાવ્યું."
નોંધપાત્ર બાબત એ છે કે બીઝેડ કંપનીએ રોકાણકારો પાસેથી પૈસા વાર્ષિક 7% વ્યાજે ઉધાર લીધા હોવાના કરાર કાગળ પર કરાવ્યા છે. જ્યારે તે વાતચીત દરમિયાન વાર્ષિક 18 ટકા વ્યાજ આપવાનો મૌખિક વાયદો કરતો હોવાનું અગાઉ પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે.
પોલીસનું માનવું છે કે, ફોરેન્સિક ઑડિટમાં તમામ ઊલટા-સીધા વ્યવહારો બહાર આવી જશે. આ ઉપરાંત પોલીસે ઝાલાને સલાહ આપનારા સી.એ. વિરુદ્ધ પણ પુરાવા એકત્ર કર્યા છે અને ટૂંક સમયમાં તેમની પણ અટકાયત થઈ શકે તેમ છે.
માંડલિકે વધુમાં જણાવ્યું, "અમે જીપીઆઈડી (ગુજરાત પ્રોટેક્શન ઑફ ઇન્ટરસ્ટ ઑફ ડિપૉઝિટર્સ એક્ટ) ઉપરાંત ધ બૅનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપૉઝિટ સ્કીમ ઍક્ટની કલમ પણ લગાડી છે."
"એટલે ગુજરાત બહાર ભારતમાં એણે બીજાં રાજ્યોમાં પૈસા રોક્યા હોય તો એ એક જ કાનૂની કાર્યવાહી હેઠળ સ્થાવર કે જંગમ મિલકત જપ્ત કરીને નાણાં રોકાણકારોને પરત અપાવી શકાય."
"અમારી પાસે એ સી.એ. વિરુદ્ધ તમામ પુરાવા એકત્રિત થઈ ગયા છે. ટૂંક સમયમાં મલ્ટિ લેવલ માર્કેટિંગની કાનૂની છટકબારીઓ બતાવવા અને વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણની સલાહ આપવા બદલ આ સી.એ.ની પણ અટકાયત કરવામાં આવશે."
ભૂપેન્દ્રસિંહને માટે સર્વર ભાડે લેનાર કોણ કામ કરતું હતું ?
પોલીસે જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સેલિબ્રિટી સાથેના ફોટોગ્રાફ્સ, એના દ્વારા ઉત્તર ગુજરાતમાં યોજાતાં ડાયરા, સમૂહલગ્નો, રાજ્ય મંત્રીમંડળના પ્રધાનો અને બીજા રાજકીય નેતાઓ સાથેના નિકટના સંબંધો, પ્રસ્થાપિત કરતા વીડિયો અને ફોટાને ઓનલાઇન અપલોડ કરવાનું કામ અમદાવાદના રામોલમાં રહેતા ભાવેશ પટેલને સોંપ્યું હતું.
પોલીસનો દાવો છે કે, ટેકનૉલૉજીના જાણકાર ભાવેશ પટેલે એની એક વેબસાઇટ બનાવી હતી, એમણે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે સર્વર ભાડે લીધું હતું. હાલ ઑફલાઇન થઈ ગયેલી આ વેબસાઇટના નામે ભાડે લેવાયેલા સર્વરમાં આર્થિક વ્યવહારનો ઘણો ડેટા પડ્યો છે.
માંડલિકે જણાવ્યુ હતું કે, સીઆઇડી ક્રાઇમે ભાવેશ પટેલની અટક કરી એમની પણ તપાસ હાથ ધરી છે. જેથી એક કરતાં વધુ બીજા કોઈના નામે સર્વર ભાડે લેવાયાં છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન