BZ કૌભાંડ : ભૂપેન્દ્ર ઝાલાની 'બિટકૉઇનથી' શરૂ થયેલી કહાણી કેવી રીતે 6000 કરોડના કથિત કૌભાંડ સુધી પહોંચી?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી BZ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા ચર્ચામાં છે.

ચાર વર્ષ પહેલાં તેમના વિસ્તારમાં જેને કોઈ ઓળખતું નહોતું. તે BZ આજકાલ સમાચારોની હેડલાઇનમાં છવાયેલા છે.

ઝાલાને પોતાને પણ કદાચ એવી ખબર નહીં હોય કે રોકાણકારો પોતાની કમાણીના રૂ. 6000 કરોડ સુધીની માતબર રકમ તેમને આપી દેશે. બિટકોઇનના વેપારથી શરૂ થયેલી તેમની કહાણી હવે હજારો કરોડના કથિત કૌભાંડના સૂત્રધાર હોવાના આરોપ સુધી પહોંચી છે.

સાબરકાંઠા જિલ્લાના ઝાલાનગરમાં રહીને મોટા થયેલા ભૂપેન્દ્ર ઝાલા, હજુ પણ તેમનાં માતા-પિતા સાથે રહે છે.

તેમના વિસ્તારમાં રહેતા લોકો પ્રમાણે તેમનાં લગ્ન થયાં નથી. બીબીસીના સહયોગી અંકિત ચૌહાણે તેમના ઘરેની મુલાકાત લીધી ત્યારે તેમના ઘરે કોઈ હાજર ન હતું કે તેમના વિશે વાત કરવા માટે પણ કોઈ તૈયાર ન હતા.

જોકે ઝાલા વિશે બીબીસી ગુજરાતીએ બીજા અનેક લોકો સાથે વાત કરી, જેમાં પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ વગેરે સામેલ છે.

ઝાલાને રૂબરૂ મળેલા લોકો પ્રમાણે તેમની જીવનશૈલી કોઈ રાજકીય નેતા કે વી.આઈ.પી કરતા ઓછી ન હતી. તેઓ પર્સનલ બૉડીગાર્ડ લઈને ફરતા હતા અને લગભગ દરેક મોટા કાર્યક્રમમાં હાજરી આપતા હતા.

જોકે મોટા ભાગના લોકો કે જેમણે તેમની કંપની BZ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે, તેમાંથી ઘણા લોકોએ તો તેમને ક્યારેય જોયા જ નથી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાનમાં પોલીસ જ્યારે ગ્રાહકના સ્વાંગમાં તેમની ઑફિસોની મુલાકાત લઈ રહી હતી, ત્યારે પણ ઝાલા તેમને જોવા મળ્યા ન હતા.

સી.આઈ.ડી ક્રાઇમના પોલીસ ઇન્સપેક્ટર, અજય ડામોરે સૌપ્રથમ તેમની વિવિધ ઑફિસોમાં એક રોકાણકારનો સ્વાંગ કરીને મુલાકાત લીધી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "ઝાલાની ઑફિસનો એક કૉર્પોરેટ લુક જોવા મળ્યો હતો. પરંતુ તેની અંદર કામ કરતા લોકો ઓછા ભણેલા અને ઓછી સમજણવાળા જોવા મળ્યા હતા."

"અમે રોકાણકાર તરીકે પણ જ્યારે તેમને થોડાક વધારે સવાલ કરતા તો તેઓ તેમના ઉપરી એજન્ટ સાથે પોતાના ફોનથી વાત કરાવતા હતા, જોકે ઝાલા સાથે તો તેઓ પણ વાત નહોતા કરતા. ઝાલા નીચેના લોકોના વધારે સંપર્કમાં નહીં રહેતા હોય તેવું અમને જાણવા મળ્યું હતું."

ઑફિસ બૉયથી શરૂ થઈને ઝાલાનું નેટવર્ક તેમના વિવિધ એજન્ટ, તેમની સાથે જોડાયેલા રોકાણકારો જે પોતે પણ એજન્ટ બનીને બીજા રોકણકારોને આકર્ષે, એજન્ટોના એજન્ટ અને રોકાણકારોના ય રોકાણકાર સુધી ફેલાયેલું હતું.

પોલીસ તપાસ અનુસાર, 'ટૂંકમાં ઝાલાએ પોતાની આસપાસ એજન્ટ અને રોકાણકારોનું એક ખૂબ મોટું નેટવર્ક ઊભું કરી રાખ્યું હતું, જેમાં તેમને સહેલાઈથી કરોડો રૂપિયાનું રોકાણ મળી રહ્યું હતું.'

ડામોર કહે છે કે, "અમારી પ્રાથમિક તપાસ દરમિયાન અમે ઘણા રોકાણકારોને મળ્યા હતા. આ રોકાણકારોને તેમના ઍગ્રીમેન્ટમાં લખેલા વ્યાજદર પ્રમાણે વ્યાજ મળતું રહેતું હતું. એટલા માટે તેઓ એક પછી એક બીજા રોકાણકારોને પ્રોત્સાહિત કરતા હતા."

કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા?

ઝાલાની સામે હાલમાં બે ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એકમાં ફરિયાદી ડામોર પોતે છે, જ્યારે બીજી ફરિયાદ સુરેશ વણકાર નામના એક રોકાણકારે પોતાના 4.50 લાખ રૂપિયાની રકમ પાછી ન મળતા નોંધાવી છે.

ઝાલાના કેસમાં પોલીસે હજી સુધી તેના મુખ્ય એજન્ટ મયૂર દરજી સહિત સાત લોકોની ધરપકડ કરી છે.

જ્યારે ઝાલાનો હાલમાં કોઈ પત્તો મળતો નથી. તેમનું ઘર બંધ છે, અને તેમના પરિવારજનો વગેરેનો પણ કોઈ સંપર્ક થતો નથી.

ઝાલાની આસપાસના લોકો પ્રમાણે તેમને મોંઘી ગાડીઓનો ખૂબ શોખ છે. હાલમાં પોલીસે તેમની પાસેથી એક હાઈ ઍન્ડ કાર જેમ કે પોર્શે, વૉલ્વો, મર્સિડીઝ એસયુવી વેગેરે જેવી કારો જપ્ત કરી છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે ઝાલાની બે મોંઘી ગાડીઓનું રજિસ્ટ્રેશન નંબર ‘12’ હતું, જે નંબર ખરીદવા માટે પણ તેમણે મોટી રકમ ચૂકવી હતી.

એક રાજકીય નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, સૌપ્રથમ ઝાલા બિટકૉઇનનો જ વેપાર કરતા હતા, તેમાં એકાદ વખત સારો ફાયદો દેખાયો હશે તો લોકોના પૈસા ઉઘરાવીને વધારે બિટકૉઇન ખરીદવાનો ધંધો શરૂ કર્યો, જે અંતે BZ Finance કંપની અને બીજી અનેક કંપનીઓમાં પરિવર્તિત થઈ ગઈ.

BZ Finance તરીકે તેમની દુબઈ સહિત અનેક શહેરોમાં ઑફિસ હતી અને ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં તેમની ફાઇનાન્સ કંપનીનો પ્રચાર કરતા હતા.

આ નેતાઓ વધુમાં જણાવ્યું કે મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમોમાં તેમનો ફાળો રહેતો હતો, માટે જિલ્લાના દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક જોવા મળતી હતી.

તેમની નજીકના અમુક લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે તેમણે BZ નામથી પોતાની વિવિધ પ્રોડક્ટ બજારમાં મૂકી હતી, જેમ કે BZ Air Cooler, BZ Air conditioner વગેરે.

એક પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી, "આ તમામ પ્રોડક્ટને તેમની કંપનીમાં અસેમ્બલ કરીને તેના પર BZનું બ્રાન્ડિંગ કરીને વેચવામાં આવતી હતી, જેને BZ ઇલેક્ટ્રોનિક્સની વિવિધ દુકાનોથી વેચવામાં આવતી હતી."

કથિત 'રાજકીય કાર્યક્રમોમાં દાન'

પોલીસનું પ્રાથમિક તબક્કે માનવું છે કે ચાર વર્ષના ટૂંકા સમયમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક સમાન્ય રોકાણકારથી BZ ગ્રૂપના સીઈઓ તરીકેની સફર કરી, જેમાં તેઓ વિવિધ રિટાયર્ડ સરકારી અધિકારીઓ તેમજ શિક્ષકો સાથે તથાકથિત રીતે જોડાયા.

જોકે મીડિયા સાથે વાત કરતા, ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે જો કોઈ પણ શિક્ષક કે અધિકારીનો BZ ગ્રૂપ સાથે ઘરોબો દેખાય તો અમે તેમને છોડીશું નહીં, અને પોલીસના રિપોર્ટ બાદ તેવા શિક્ષકો વગેરેની સામે શિક્ષણ વિભાગ પણ આકરાં પગલાં લેશે.

પોલીસ અનુસાર વધુ ને વધુ રોકાણકારો BZ Finance સાથે જોડાય તે માટે ઝાલા વિવિધ પૈંતરા અપનાવતા હતા.

એક રાજકીય નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું, "મોટા રાજકીય કાર્યક્રમમાં મોટું દાન આપવું, વિવિધ નેતાઓને પૈસા તેમજ વૉલેન્ટિયર તરીકે કામ કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પૂરા પાડવા અને ધાર્મિક કાર્યક્રમોમાં ડાયરાના પ્રખ્યાત કલાકારોને બોલાવવા, તેમની સાથે રીલ્સ બનાવવી, આ બધું કરીને ઝાલા લોકો વચ્ચે ખૂબ પ્રખ્યાત થયા."

ભાજપ સાથે સંબંધનો કૉંગ્રેસનો આરોપ

કથિત બીઝેડ કૌભાંડ મામલે રાજકીય આક્ષેપો પણ થયા છે. કૉંગ્રેસ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભાજપ સાથે નિકટતાનો આક્ષેપ મૂક્યો હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યું હતું. જોકે તેમણે પાછળથી ફૉર્મ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ મામલો સામે આવતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું, "ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો પ્રાથમિક સભ્ય છે. ભાજપના નેતાઓ સાથે તેની તસવીરો છે."

મુખ્ય મંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથેના ફોટો બતાવીને મનિષ દોશીએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપ સાથે ઘરોબો હોવાના આક્ષેપ કર્યા હતા.

જોકે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ કૉંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કૉંગ્રેસના આરોપોને રદિયો આપ્યો હતો.

તેમણે કહ્યું, "ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 1 કરોડ સભ્ય છે. કોઈપણ વ્યક્તિ ફોન પરથી એક મિસકૉલ કરીને સભ્ય થઈ શકે છે. તેમજ કોઈપણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ફોટો પડાવે એટલે તે પદાધિકારી નથી થઈ જતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા વૉર્ડ કે પંચાયતના પણ કોઈપણ હોદ્દાની કોઈ જવાબદારી પર નથી."

યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પ્રજાના પૈસા ડૂબી ન જાય તે માટે સીઆઈડી ક્રાઇમે તપાસ કરીને ફરિયાદ દાખલ કરી હતી અને તેમણે કહ્યું કે કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે.

પોલીસ ફરિયાદ પ્રમાણે કેવી રીતે ચાલતું હતું નેટવર્ક?

ફરિયાદી સુરેશ વણકર પ્રમાણે તેમણે અલગ અલગ સમયમાં રૂ. 4.50 લાખ જેટલી રકમ તેમના અને તેમના ભાઈના નામ પર મૂકી હતી.

વણકરે પોતાની ફરિયાદમાં નોંધ્યું છે કે, "પહેલાં મેં માત્ર 50 હજાર રૂપિયા મૂક્યા હતા, જેનું 1500 રૂપિયા વ્યાજ મને દર મહિનાની 5 તારીખે મળી જતું હતું, પછી મને જ્યારે વિશ્વાસ આવી ગયો ત્યારે એક વખત ત્રણ લાખ અને બીજી વખત બીજા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું."

તેઓ કહે છે કે, "ઝાલાની ઑફિસમાં એક નીકેત પટેલ નામનો માણસ કામ કરતો હતો, તેણે મને તમામ સ્કીમ સમજાવી હતી અને કહ્યું હતું કે ઝાલા પોતે બિટકૉઇનમાં ખૂબ મોટું ઇનેવેસ્ટમેન્ટ કરે છે, માટે તેમને સારું વળતર મળે છે, એટલા માટે એ વળતર એ નાના રોકાણકારોને પાછું આપવા માંગે છે."

કેવી રીતે સામે આવ્યો કથિત બીઝેડ કૌભાંડનો મામલો?

ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા રૂપિયા 6,000 કરોડનું કથિત કૌભાંડ પકડવામાં આવ્યું હતું જેમાં બીઝેડ (BZ) ગ્રૂપ તરીકે ઓળખાતા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતી ખાનગી પેઢીની ઑફિસો પર મોડાસા, હિમ્મતનગર, મહેસાણા, ગાંધીનગર જેવાં ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોમાં દરોડા પાડીને દસ્તાવેજો એકઠા કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે પોલીસે મળેલી એક નામ વિનાની અરજીને આધારે પગલાં ભરીને દરોડા પાડવાની આ તમામ કાર્યવાહી કરી હતી. દરોડામાં મળેલા દસ્તાવેજોને આધારે પોલીસે 27 નવેમ્બરના રોજ બીઝેડ ગ્રૂપના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને ગ્રૂપ માટે રોકાણ લઈ આવવાનું કામ કરતા સાત એજન્ટોની અટકાયત કરી હતી.

પોતાનાં રોકાણ પર વધુ વ્યાજ કમાઈ લેવાની લાલચમાં આવીને ઉત્તર ગુજરાતના હજારો લોકોએ કરોડો રૂપિયોનું રોકાણ કર્યું હોવાની સીઆઇડી ક્રાઇમને માહિતી મળી હતી.

પોલીસ ફરિયાદમાં બીજું શું છે?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા રોકાણકારોને ઍગ્રીમેન્ટ કરી આપવામાં આવતા હતા. ઍગ્રીમેન્ટમાં લેખિતમાં 7 ટકા વ્યાજ તેમજ મૌખિક 18 ટકા વ્યાજની આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ યોજનાઓમાં પાંચ લાખનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત 32 ઇંચનું એલઈડી ટીવી અને 10 લાખ રૂપિયાનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત ગોવાની ટ્રીપ ઑફર કરવામાં આવતી હતી.

મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતાં રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે BZ ગ્રૂપ દ્વારા મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. વધારે વળતર આપવાની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું.

લોકોને ભરોસો અપાવવા માટે શરૂઆતમાં થોડું-થોડું વળતર પણ આપવામાં આવતું હતું. રોકાણ લાવવા માટે એજન્ટ રાખવામાં આવતા હતા. આ એજન્ટોને BZ ગ્રૂપ દ્વારા 5 ટકાથી 25 ટકા સુધી કમિશન આપવામાં આવતું હોવાની માહિતી મળી છે. અન્ય એજન્ટો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ફરિયાદમાં અનુસાર અન્ય સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂતો પણ આ સ્કીમનો ભોગ બન્યા હોવાનું જણાય છે.

સીઆઈડી ક્રાઇમ દ્વારા 28 નવેમ્બર, ગુરુવારે તપાસ કાર્યવાહી અંગે જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યું હતું કે અટક કરાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે આરોપી ભુપેન્દ્ર ઝાલાએ રોકાણકારોનાં નાણાંમાંથી ફૉર્ચ્યુનર અને હૅરિયર જેવી એસયુવી ખરીદી છે. પોલીસે આ ગાડીઓ કબજે કરવા કાર્યવાહી શરૂ કરી છે.

એજન્ટો વધુમાં વધું રોકાણ લાવે તેને ભુપેન્દ્રસિંહ ઝાલા તરફથી ઑડી અને ફૉર્ચ્યુનર જેવાં મોંઘાં વાહનો ભેટમાં આપતાં હોવાનું પોલીસ પણ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.

આ કથિત કૌભાંડનો ભોગ બનેલું કોઈ ફરિયાદ કરવા આગળ નથી આવ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.