earth day : પૃથ્વીની હદ કેટલી છે અને અંતરિક્ષની શરૂઆત ક્યાંથી થાય?

દર વર્ષે 22 એપ્રિલે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

એની પાછળનું કારણ એ છે કે 22 ઍપ્રિલ 1970ના રોજ અમેરિકાનાં વિવિધ શહેરોમાં બે કરોડથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા હતા અને માણસોની ગતિવિધિઓથી પર્યાવરણને થનારા નુકસાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

આ વખતે પૃથ્વી દિવસ પર એક નજર એ વાતો પણ જે આ ગ્રહને ખાસ બનાવે છે, એ ગ્રહ જેને મનુષ્ય પોતાનું ઘર કહે છે.

1. પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી

સામાન્ય રીતે આપણે કહીએ છીએ અને સાંભળતા આવ્યા છીએ કે 'પૃથ્વી ગોળ છે.'

પરંતુ એ સંપૂર્ણપણે ગોળ નથી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પૃથ્વી ચપટી છે. એટલે જો તેના આકારનું યોગ્ય રીતે વર્ણન કરવું હોઈએ તો આપણે કહેવું જોઈએ - 'ઑબલેટ સ્ફેરૉઇડ'

અન્ય ગ્રહોની જેમ ગુરુત્વાકર્ષણના પ્રભાવથી અને પોતાની ધરી પર પરિભ્રમણના કારણે ઉદ્ભવતો સૅન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્તને ચપટો બનાવે છે. તેથી જ વિષુવવૃત્ત પર પૃથ્વીનો વ્યાસ એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધીના વ્યાસ કરતાં 43 કિલોમીટર વધુ છે.

2. માત્ર 10 કિલોમીટર દૂર અંતરિક્ષ

વાયુમંડળ અને અંતરિક્ષ વચ્ચેની સીમાને કારમન રેખા કહેવાય છે, જે સમુદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએ આવેલી છે.

લગભગ 75 ટકા વાયુમંડળનો ભાર સમુદ્રની સપાટીથી 11 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં જ મળે છે.

એટલે કહી શકાય કે કારમન રેખા જણાવે છે કે પૃથ્વીની હદ ક્યાં સુધી છે અને ક્યાંથી અંતરિક્ષની શરૂઆત થાય છે.

3. પૃથ્વીના કેન્દ્રમાં લોખંડ છે

પૃથ્વી સૂર્યમંડળનો સૌથી નક્કર અને પાંચમો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વીની વચ્ચોવચ લગભગ 1200 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો છે.

આ ગોળો મુખ્ય રીતે લોખંડનો બનેલો છે. તેના વજનનો 85 ટકા ભાગ લોખંડનો હોય છે. આ સિવાય નિકલનું વજન પણ 10 ટકા જેટલું હોય છે.

4. પૃથ્વી એક માત્ર ગ્રહ, જ્યાં જીવન છે

બ્રહ્માંડમાં પૃથ્વી એક માત્ર ખગોળીય પિંડ છે જેના પર આપણે જીવી શકીએ છીએ. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવામાં આવી રહી છે.

હાલમાં પૃથ્વી પર લગભગ 12 લાખ સૂચિબદ્ધ પશુ પ્રજાતિઓ છે. જોકે, માનવામાં આવે છે કે આ કુલ પ્રજાતિઓનો એક નાનકડો ભાગ જ છે.

2011માં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વિશ્વમાં સમગ્ર રૂપે લગભગ 80 લાખ પ્રજાતિઓ સામેલ છે.

પૃથ્વીનું નિર્માણ લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં થયું હતું અને પૃથ્વીના ભૌતિક ગુણો તેમજ ઇતિહાસે લાખો વર્ષો સુધી જીવનને અસ્તિત્વમાં ટકાવી રાખ્યું છે. એટલે વર્ષો બાદ પણ ત્યાં જીવન છે.

5. પૃથ્વી પર દરેક જગ્યાએ એકસમાન ગુરુત્વાકર્ષણ નથી

આપણો ગ્રહ હકીકતમાં એક આદર્શ ક્ષેત્ર નથી અને તે સિવાય દ્રવ્યમાન દરેક જગ્યાએ સરખું નથી. તેથી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તાકાત જગ્યા પ્રમાણે બદલાતી રહે છે.

દાખલા તરીકે, જેવા આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ આગળ વધીઓ તો ગુરુત્વાકર્ષણની તીવ્રતા વધે છે. જોકે લોકોને આ ફેરફાર વિશે સીધી ખબર પડતી નથી.

6. વિરોધાભાસથી ભરપૂર ગ્રહ

આપણો ગ્રહ વિરોધાભાસથી ભરેલો છે. તેના ભૌગોલિક ક્ષેત્રો અને જળવાયુની વિવિધતાનો અર્થ એ છે કે લગભગ તમામ ક્ષેત્રની પોતાની ખાસિયત છે.

પૃથ્વી પર સૌથી ગરમ માનવામાં આવતી ઘણી જગ્યાઓ છે પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન અમેરિકામાં ડૅથ વૅલીમાં નોંધાયું છે. 10 જુલાઈ 1913ના રોજ ત્યાં 56.6 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જ્યારે ઍન્ટાર્કટિકામાં સૌથી ઠંડું તાપમાન નોંધાયું હતું. 31 જુલાઈ 1983ના રોજ ત્યાં -89 ડિગ્રી તાપમાન હતું.

7. પૃથ્વી પરની સૌથી મોટી જીવિત સંરચના

ગ્રેટ બૅરિયર રીફ, ઑસ્ટ્રેટિલાયના તટ પર આવેલ છે. તે ગ્રહ પર રહેતા જીવોથી બનેલી સૌથી મોટી સંરચના છે. આ એકમાત્ર એવી સંરચના છે જેને અંતરિક્ષમાંથી જોઈ શકાય છે.

તે બે હજાર કિલોમિટરથી વધુ વિસ્તારમાં ફેલાયલ છે અને હજારો સમુદ્રી પ્રજાતિઓનું ઘર છે. વર્ષ 1981માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હૅરિટેજ સાઇટની જાહેરાત કરી હતી.

8. ટૅક્ટોનિક પ્લેટ્સ ધરાવતો સૌરમંડળનો એકમાત્ર ગ્રહ

ટૅક્નોનિક પ્લેટ્સ હોવી અને તેની ગતિનો અર્થ એ છે કે આપણા ગ્રહની સપાટી સતત બદલાઈ રહી છે. આ પ્લેટ્સ પહાડો બનાવવા, ભૂકંપ અને જ્વાળામુખીઓના નિર્માણ માટે પણ જવાબદાર છે.

આ પ્લેટ્સ પૃથ્વીના તાપમાનને રૅગ્યુલેટ કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમુદ્ર સપાટીને રિન્યૂ કરીને કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગ્રીનહાઉસ ગૅસને રિસાઇકલ કરવાનું કામ કરે છે.

9. ધરતી પાસે રક્ષાત્મક કવચ છે

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૂરજથી આવનારા ઊર્જા કણોના સતત બૉમ્બમારા સામે ઢાલ તરીકે કામ કરે છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા રસ્તા પણ શોધી શકાય છે. હોકાયંત્ર આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા કામ કરે છે અને દિશા શોધે છે.

10. ધરતીનો 70 ટકા ભાગ પાણી છે

પૃથ્વી પર પાણી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હાજર છે.

તે સિવાય ગ્લેશિયર, કાદવ, ઝીલ, નદી, સમુદ્ર અને મહાસાગર તરીકે પણ પૃથ્વીના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેલાયલું છે.

ધરતી પર ઉપલબ્ધ કૂલ પાણીનો 97 ટકા ભાગ સમુદ્રનું ખારું પાણી છે.