પૃથ્વી પરથી ગાયબ થઈ ગયેલો આખો કાળખંડ ક્યાં ગયો? તેનું રહસ્ય શું છે?

પૃથ્વીની સપાટી પર પડેલો ખડક એક રહસ્ય સમાવીને બેઠો છે, આ ખડક એક ગાયબ કાળખંડની કહાણી સંઘરીને બેઠો છે.

પર્વતો, ખીણો અને અન્ય ભૂમિપ્રદેશ બનાવતા પહાડના પોપડા પુસ્તકનાં પાનાં જેવા છે જે આપણને જણાવે છે કે આજે આપણે જે પૃથ્વી જોઈએ છીએ તે ક્યારે અને કેવી રીતે રચાઈ હતી.

પૃથ્વીના પોપડાને અડીને આવેલો ખડક આ પુસ્તકના શરૂઆતનાં પાનાં છે. આ પાનાં જે પૃથ્વીનો પ્રારંભિક ઇતિહાસ રજૂ કરે છે.

પછીના પોપડા વિશે જાણવા સાથે આપણને પૃથ્વી વિશે વધુ જાણકારી મળે છે. પણ પ્રશ્ન એ છે કે પુસ્તકનાં પાનાં ગાયબ હોય તો શું થાય? જો તમે તેનાં પ્રકરણો પણ વાંચી શકતાં નથી, તો પછી તમે કહાણી કેવી રીતે સમજશો?

આ પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રીય રેકૉર્ડ સાથે પણ એવું જ થયું છે. પૃથ્વી પર હાજર સૌથી જૂના અને નવા ખડકોના સ્તરો વચ્ચે એક વિશાળ અંતર છે. અર્થાત કે ઘણાં પાનાં ગાયબ છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જિયોફિઝિકલ યુનિયન (એજીયુ) અનુસાર, અંતર એક હજાર મિલિયન વર્ષનું હોઈ શકે છે.

આ વિશાળ અંતર એક વિશાળ વિસંવાદિતા જેવું છે. જે ભૂસ્તરશાસ્ત્રના સૌથી મોટા કોયડાઓ પૈકીનો એક છે.

કોલોરાડો બૉલ્ડર યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાન વિભાગમાં ડૉક્ટરલ ઉમેદવાર અને ભૂસ્તરશાસ્ત્રી બારા પીક કહે છે, "એક અબજ વર્ષ એટલે પૃથ્વીના ઇતિહાસના લગભગ ચોથા ભાગનો ગણાય. અર્થાત કે એટલા સમયની માહિતી ખૂટે છે. તેનો અર્થ એ કે મોટો કાળખંડ ગાયબ છે."

યુનિવર્સિટીના સંશોધકોના એક જૂથે આ માહિતીની ગેરહાજરીને એક મોટી ભૂસ્તરશાસ્ત્રીય વિસ્મૃતિ ગણાવી છે.

આખરે આ ખોવાયેલા સમયનું રહસ્ય શું છે અને તેને ઉકેલવું શા માટે જરૂરી છે?

કાળના પોપડા

ભૂસ્તરશાસ્ત્રમાં સમયગાળો ખડકો અને કાંપના પોપડામાં સંગ્રહિત થાય છે. આ પોપડા એકબીજા પર રચાતા રહે છે. નીચેનો પોપડો સૌથી જૂનો છે અને ઉપરનો પોપડો સૌથી નવો છે.

ખડકોના પોપડા અને દરેક પોપડાનું સ્થાન જણાવે છે કે તે વિસ્તારની માટી કેવી રીતે અને ક્યારે બની હતી. પોપડાના આ અભ્યાસને સ્ટ્રેટિગ્રાફી કહેવામાં આવે છે. જ્યારે પોપડા રચાયા હશે ત્યારે પૃથ્વી કેવી બની હશે?

આ પોપડાની જ્યાં સ્પષ્ટ ઓળખ મળે છે તે છે યુએસમાં એરિઝોનાની ગ્રાન્ડ કેન્યોન.

અહીં દરેક આડી રેખા બતાવે છે કે પોપડા બનાવતા ખડકો કેવી રીતે અને ક્યાં જમા થયા હતા.

ગ્રાન્ડ કેન્યોનમાં પહેલી વાર એવું જાણવા મળ્યું કે આટલા મોટા સમયગાળાની માહિતી ખૂટે છે.

ભૂસ્તરશાસ્ત્રી જૉન વેસ્લી પૉવેલે 1869માં પ્રથમ વખત તેની નોંધ લીધી. તેમણે કહ્યું કે ખડકોના પોપડામાં આટલા લાંબા સમયનો ઇતિહાસ અંકિત જ નથી.

વચ્ચેના ખડકો ક્યાં ગયા? પીક જણાવે છે કે આ પોપડા ગાયબ છે, કારણ કે ખડકો પાણી અથવા ધોવાણથી ગાયબ થઈ ગયા છે. આ કારણે તે રેતીમાં ફેરવાઈ ગયા અને દરિયામાં જમા થઈ ગયા. પરંતુ અન્ય સ્થળોએ તે સ્પષ્ટ નથી થયું કે આ પોપડા ક્યારેય અસ્તિત્વમાં હતા કે નહીં.

તેઓ કહે છે, “સંભવ છે કે આવાં સ્થળોએ ક્યારેય એવી રેતી કે માટી જ નહીં હોય જે પાછળથી ખડકોમાં તબદિલ થઈ જાય. તે એમાં કંઈક આવું જ થયું હોવું જોઈએ.”

તેની ભાળ કેમ નથી મળતી?

ટૂંકો જવાબ એ છે કે તેના વિશે કોઈ જાણતું નથી. જોકે, પીક કહે છે કે આ ખોવાયેલા કાળખંડના વિશ્લેષણને માટેની ઓછામાં ઓછી ચાર પૂર્વધારણા છે.

પ્રથમ પ્રાચીન કાળખંડ રોડિનિયાની રચના સાથે સંબંધિત છે. તે એક અબજથી 800 મિલિયન વર્ષો પહેલાં બન્યો હોવો જોઈએ. આ પ્રખ્યાત સુપરકૉન્ટિનેન્ટ પેન્જિયા પહેલાં હતો.

પૃથ્વીની રચના વખતે રોડિનિયાની રચના થઈ ત્યારે મોટી સંખ્યામાં ખડકો વાતાવરણના સંપર્કમાં આવ્યા. એવું બની શકે કે તેનાથી આકાર લઈ રહેલી પહાડની સામગ્રીનો નાશ થયો હોય.

  • પીક કહે છે, "જ્યારે ખડકો યુવાન હોય છે ત્યારે તેઓ તેમને નષ્ટ કરનાર પ્રક્રિયા વિશે ખૂબ જ શંકાશીલ હોય છે."
  • બીજો ખ્યાલ પણ આવો જ છે. બીજા કાળખંડની રચનાને પેનોટિયા કહેવામાં આવે છે. તેનું નિર્માણ 58 કરોડ વર્ષ પહેલાં થયું હોવું જોઈએ.
  • ત્રીજો ખ્યાલ પણ રોડિનિયા સાથે સંબંધિત છે પરંતુ તે કાળખંડની રચના સાથે સંબંધિત નથી પરંતુ તેના ટુકડામાં વિભાજન સાથે સંબંધિત છે. આ પ્રક્રિયા 75 કરોડ વર્ષો પહેલાં થઈ હોવી જોઈએ.

પૃથ્વીના આ દ્રવ્યમાનને અલગ કરવાની પ્રક્રિયામાં ઘણી બધી સામગ્રીનો નાશ થયો હતો, જેને ભૂસ્તરશાસ્ત્રીઓ તાજા ખડક કહે છે.

આબોહવાની કલ્પના

ચોથી કલ્પનાનો પીકે ઉલ્લેખ કર્યો છે તેને કાળખંડ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે પૃથ્વીના ઇતિહાસમાં જળવાયુ પરિવર્તન સાથે સંબંધિત છે.

તેઓ કહે છે કે એવા પુરાવા છે કે તે અજ્ઞાત સમયમાં પણ પૃથ્વી ઠંડી હોવાનો એક તબક્કો હતો. આ સમય 70 કરોડ વર્ષો પહેલાંનો હતો.

તે સમયે આ પૃથ્વી સંપૂર્ણપણે ગ્લેશિયરથી ઢંકાયેલી હશે. આથી પૂર્વધારણા કે તે પૃથ્વીનું સૌથી બહારનું પડ હતું અને તે પછીથી દૂર થઈ ગયું હતું.

તેઓ કહે છે, "જો આખી પૃથ્વી બરફથી ઢંકાયેલી હોત તો નવા ખડકો તરીકે વધુ સામગ્રી જમા થઈ ન થઈ શકી હોત."

પીક કહે છે કે ખડકોના નિર્માણ દરમિયાન ગાયબ થયેલા કાળખંડને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ નથી મળ્યો. આ માટે કોઈ કારણ શોધી શકાયું નથી.

ખોવાયેલા કાળખંડનું રહસ્ય શું છે?

ગુમ થયેલા ખડકોની ઉંમર જાણવા માટે ભૂસ્તરશાસ્ત્રીઓ ખડકોના ઘટી રહેલા કિરણોત્સર્ગને માપે છે. તેઓ જેમાં એક કાળખંડમાં વિઘટન થયું તેવાં રાસાયણિક તત્ત્વોનું વિશ્લેષણ કરે છે.

આ બધી વસ્તુઓને એકસાથે મૂકીને તેઓ તારણ આપે છે કે પોપડાના અદૃશ્ય થવાનો સમય કહી શકે છે કે તે સમયે પૃથ્વી કેવી હતી. જાણકારી મેળવવાની આ એક રીત હોઈ શકે છે.

પીક મુજબ, એ જરૂરી છે કે તે સમય દરમિયાન માત્ર ભૂસ્તરશાસ્ત્રીય રીતે જ નહીં પરંતુ જૈવિક રીતે પણ મોટા ફેરફારો થયા હતા. આનાથી પૃથ્વી પરના જીવનના વિકાસ વિશે માહિતી મળી શકે છે.

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે પોપડાના અદૃશ્ય થવાની પ્રક્રિયા વિજ્ઞાનના અન્ય રહસ્ય સાથે જોડાયેલી છે. તે રહસ્ય હતું, ઇડિયેકરણ સમયગાળામાં જટિલ જીવનના અચાનક ઉદભવનું. આ સમય સાડા 63 કરોડથી લઈને 54 કરોડ વર્ષ પહેલાંનો છે, જ્યારે કેમ્બ્રિયન સમય 54 કરોડ વર્ષથી લઈને 48 કરોડ વર્ષ પહેલાંનો છે.

ભૂસ્તરશાસ્ત્રી ફ્રાન્સિસ મેકડોનાલ્ડના મતે, કેમ્બ્રિયન વિસ્ફોટ પોતે ડાર્વિનની દુવિધા રહી છે. આ 200 વર્ષ જૂનો પ્રશ્ન છે. જો આપણે તેનો ઉકેલ લાવી શકીએ, તો આપણે ઘણા સફળ ગણાઈશું.