You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાવર ઑફ સાયલન્સઃ પારસીઓ મૃતદેહોનું દફન કે દહન કેમ કરતા નથી?
પારસીઓ પ્રિયજનોના મૃત્યુ પછી તેમના મૃતદેહોને જ્યાં છોડી દે છે તેને ‘ટાવર ઑફ સાયલન્સ’ કહેવામાં આવે છે.
આ પારસી સમુદાયની પ્રાચીન પરંપરા છે. તેને ‘દખમા’ કહેવામાં આવે છે.
પારસી લોકો માને છે કે માનવ શરીર કુદરતની ભેટ છે. તેથી તેને નિસર્ગને સ્વાધીન કરવું જોઈએ.
સમગ્ર વિશ્વના પારસી લોકો આ જ રીતે મૃતકોના અંતિમસંસ્કાર કરે છે. કોલકાતામાં પણ આ પ્રથાનું અનુસરણ કરવામાં આવે છે.
પૂર્વ એશિયાનો સૌપ્રથમ ટાવર ઑફ સાયલન્સ
પૂર્વ એશિયાના સૌપ્રથમ ટાવર ઑફ સાયલન્સનું નિર્માણ કોલકાતામાં કરવામાં આવ્યું હતું. એ સમયે કોલકાતામાં મોટી સંખ્યામાં પારસીઓ રહેતા હતા.
કોલકાતાના બેલેઘાટ ખાતેના પારસી બાગમાં આ ટાવર ઑફ સાયલન્સનું નિર્માણ 1822માં શરૂ કરવામાં આવ્યું હતું, જે 1828માં પૂર્ણ થયું હતું.
આ ટાવર ઑફ સાયલન્સનું નિર્માણ વિખ્યાત ઉદ્યોગપતિ નૌરોજી સોરાબજી ઉમરીગરે કરાવ્યું હતું.
સંશોધક અને લેખિકા પ્રોચી મહેતાના જણાવ્યા મુજબ, જે વ્યક્તિ ટાવર ઑફ સાયલન્સના નિર્માણ માટે દાન આપે છે અથવા નિર્માણ કરાવે છે, તેનું શરીર સૌથી પહેલાં ત્યાં પહોંચે છે, એવું માનવામાં આવે છે. કોલકાતામાં પણ આવી ઘટના બની હતી. અહીં જેમણે ટાવર ઑફ સાયલન્સનું નિર્માણ કરાવ્યું હતું તેનો મૃતદેહ જ સૌપ્રથમ અહીં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એક શ્વાન પાળ્યો હતો. તેઓ તેને બહુ જ પ્રેમ કરતા હતા. માલિકના મૃત્યુ પછી તે શ્વાને ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. સાત દિવસ પછી તે પણ મૃત્યુ પામ્યો હતો. તેને ટાવર ઑફ સાયલન્સની બહાર દફનાવવામાં આવ્યો હતો.
તે ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે કોલકાતા ‘કલકત્તા’ નામે ઓળખાતું હતું. કોલકાતાના ટાવર ઑફ સાયલન્સમાં રંગૂન, મલેશિયા અને સિંગાપોરથી પણ મૃતદેહો લાવવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે.
ટાવર ઑફ સાયલન્સમાં રાખવામાં આવેલા મૃતદેહોને ગીધ ખાઈ જાય છે. એ પછી બાકીનો હિસ્સો ગરમી અને વરસાદને લીધે ધીમે ધીમે સડી જાય છે.
આ પ્રકારના અંતિમસંસ્કારનો મુખ્ય હેતુ વ્યક્તિના જીવનની છેલ્લી ઘટનાને પરોપકારનું કામ બનાવવાનો હોય છે.
કોલકાતાની પારસી અગિયારીના પૂજારી જીમી હોમી તારાપોરવાલાએ જણાવ્યુ હતું કે ગીધ જેવાં પક્ષીઓ ઉપરાંત સૂર્યની ગરમીનો પ્રભાવ પણ મૃતદેહો પર પડે છે.
પારસીઓ માને છે કે મૃતદેહોને દફનાવવા અથવા નદીમાં વહાવી દેવાથી પ્રકૃતિને નુકસાન થાય છે. તેથી તેઓ ટાવર ઑફ સાયલન્સમાં મૃતદેહોને છોડી દેવાની પરંપરાને વર્ષોથી અનુસરે છે.
ટાવર ઑફ સાયલન્સની ડિઝાઈન
કોલકાતાના પારસી સમુદાયના ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી નૂમી મહેતાના જણાવ્યા મુજબ, પ્રત્યેક મૃતદેહ “નાસો”નો સ્રોત હોય છે. અમારી ભાષામાં નાસો એટલે પ્રદૂષણ. કોઈના મૃતદેહથી કોઈ સ્થળ પ્રદૂષિત થાય તે અમને સ્વીકાર્ય નથી.
મૃતદેહ નદીમાં પધરાવવાથી પાણી પ્રદૂષિત થાય છે, અગ્નિદાહ આપવાથી હવા પ્રદૂષિત થાય છે. તેથી અમે મૃતદેહને નિસર્ગને સ્વાધીન કરીએ છીએ.
ટાવર ઑફ સાયલન્સનું નિર્માણ ખાસ રીતે કરવામાં આવે છે તેમાં ભારે મૃતદેહને ટોચના હિસ્સામાં, મહિલાઓના તથા ઓછા વજનવાળા મૃતદેહોને મધ્ય ભાગમાં અને બાળકોના મૃતદેહને નીચેના હિસ્સામાં મૂકવામાં આવે છે.
મૃતદેહોને ગીધ તથા અન્ય પક્ષીઓ ખાઈ જાય છે, જ્યારે બાકીનાં હાડકાં નીચે કૂવામાં પડે છે. વર્ષ દરમિયાન કૂવામાં એકઠા થયેલાં હાડકાંનો નિકાલ કરવામાં આવે છે.
પારસીઓની સંખ્યામાં ઘટાડો
એક સમયે કોલકાતામાં મોટી સંખ્યામાં પારસીઓ રહેતા હતા, પરંતુ હવે માત્ર 370 બચ્યા છે. એ પૈકીના 220 લોકોની વય 60 વર્ષથી વધુ છે. 30ની ઉંમર 20 વર્ષથી ઓછી છે. તેથી અહીંના ટાવર ઑફ સાયલન્સમાં બહુ ઓછા મૃતદેહો આવે છે.
સ્થાનિક રહેવાસી બબલી સામંતાએ જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં ત્રણ વખત આ પ્રક્રિયાના સાક્ષી બન્યાં છે. એ વખતે બધા લોકો સફેદ વસ્ત્રો પહેરે છે.
“અમે ક્યારેય ટાવર ઑફ સાયલન્સ સુધી ગયા નથી, કારણ કે તે ભાગમાં જંગલ છે. મેં આ બધું એક બિલ્ડિંગની છત પરથી જોયું છે. મૃતદેહો લઈ જવામાં આવે ત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવે છે. એ પછી મૃતદેહને ટાવર ઑફ સાયલન્સ પર લઈ જવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકો એકસાથે પોકાર કરતા હોય છે.”
નવી પેઢીનો દૃષ્ટિકોણ
સમય હવે બદલાઈ રહ્યો છે. ગીધ પણ લુપ્ત થવાને આરે છે. એ જ સમયે ટાવર ઑફ સાયલન્સની આજુબાજુના પરિસરમાં લોકોની વસ્તી પણ વધવા લાગી છે.
લોકોની વિચારસરણી પણ બદલાઈ ગઈ છે. તેથી પારસીઓમાં આજકાલ મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કે દફનાવવાનું ચલણ વધ્યું છે.
ગુલનાર મહેતાએ કહ્યું હતું, “મારા પિતાનું અવસાન થયું ત્યારે અમે તેમના મૃતદેહને ટાવર ઑફ સાયલન્સ સુધી લઈ જઈ શક્યા ન હતા. આજના સમયમાં એમ કરવું શક્ય પણ નથી.”
“ગીધની સંખ્યા ઘટવાને કારણે ત્યાં મૃતદેહનો કુદરતી નિકાલ થતો નથી. તેથી અમે મારા પિતાના અંતિમસંસ્કારનો નિર્ણય કર્યો હતો. અમે તેમની રાખને ટાવર ઑફ સાયલન્સમાં દફનાવીને ત્યાં એક વૃક્ષ વાવ્યું હતું. હું વર્ષમાં એક વખત તો ત્યાં જાઉં જ છું.”
પ્રોફેશનલ જહાં મહેતાએ કહ્યું હતું, “ટાવર ઑફ સાયલન્સ વિશે જેટલું લખાયું છે, તેટલું જ અમે જાણીએ છીએ. અમે ત્યાં બહુ જતા નથી. તે અંતિમસંસ્કારની પદ્ધતિ કદાચ હવે નથી. સમગ્ર પ્રક્રિયાને પર્યાવરણને અનુકૂળ કહી શકાય નહીં. સમયની સાથે આપણે પણ આગળ વધવું પડશે અને શ્રેષ્ઠ વિકલ્પ શોધવો પડશે.”
સાન્યા મહેતા-વ્યાસે કહ્યું હતું, “નવી પેઢી તેને સ્વીકારશે? શું આ પદ્ધતિ યોગ્ય છે? આ યોગ્ય હોય તેવું મને લાગતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે હવે અમે શહેરોમાં રહીએ છીએ. શરીરના અવયવો ગમે ત્યા વિખેરાયેલા હોય તે તમે જોઈ શકો? તમને લાગે છે કે આવું કરવું યોગ્ય છે?”
પારસી પૂજારીઓની પ્રથામાં આસ્થા
પારસીઓની નવી પેઢી હવે આ પ્રથાથી દૂર જઈ રહી છે, પરંતુ પારસી ઉપાસકોને હજુ પણ આ પ્રથામાં આસ્થા છે.
જીમી હોમી તારાપોરવાલાના કહેવા મુજબ, “તમને ધર્મમાં શ્રદ્ધા જ ન હોય તો તમે ગમે તે નિર્ણય લઈ શકો. તમે ભગવાનમાં ન માનતા હો અથવા કોઈ પ્રથાને અનુસરતા ન હો તો તે તમારો વ્યક્તિગત નિર્ણય હશે, પરંતુ મોટા ભાગના પારસીઓ સામાન્ય રીતે તેમની પરંપરાનું પાલન કરે છે. તેથી જ ટાવર ઑફ સાયલન્સનું મહત્ત્વ આજે પણ યથાવત્ છે.”