ચંદ્રના જે દક્ષિણ ધ્રુવ પર ભારતે વિક્રમ લૅન્ડર ઉતાર્યું ત્યાં અમેરિકાએ પોતાનું યાન કેમ ઉતાર્યું?

    • લેેખક, જોનાથન એમોસ
    • પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા

પ્રથમ વખત એક ખાનગી અમેરિકન કંપનીએ ચંદ્રની સપાટી પર પોતાનો મૂન લૅન્ડર ઉતારીને ઇતિહાસ રચી દીધો છે.

ઇન્ટ્યૂટિવ મશીન્સ નામની આ કંપની પ્રથમ ખાનગી કંપની ગઈ છે, જેણે સફળતાપૂર્વક ચંદ્ર પર પોતાનો લૅન્ડર ઉતાર્યું.

કંપનીએ ઓડેસિયસ નામનું પોતાનું મૂન લૅન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ ઉતાર્યું છે.

લૅન્ડર ઉતારતી વખતે કંટ્રોલર્સ સાથે તેનો સંપર્ક અમુક સમય માટે તૂટી ગયો હતો, પરંતુ જલદી જ તેમને ફરીથી સિગ્નલ મળી ગયું.

ફ્લાઇટ ડિરેક્ટર ટિમ ક્રેને પુષ્ટિ કરતા કહ્યું છે કે, “અમે કોઈ પણ જાતની શંકા વગર પુષ્ટિ કરી શકીએ છીએ કે અમારું ઉપકરણ ચંદ્રની સપાટી સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી અમને સિગ્નલ મોકલી રહ્યું છે.”

તેમજ કંપનીના સીઈઓ સ્ટીવ આલ્ટેમસે પોતાની ટીમને કહ્યું કે, “ચંદ્ર પર સ્વાગત છે, ઓડેસિયસને નવું ઘર મળી ગયું છે.”

ઓડેસિયસને ગત અઠવાડિયે ફ્લોરિડાના કૅપ કૅનાવેરાલ લૉન્ચ સ્ટેશનેથી પ્રક્ષેપિત કરાયું હતું.

આ યાન ત્રણ લાખ 84 હજાર કિલોમીટરનું અંતર કાપીને ચંદ્ર સુધી પહોંચ્યું છે.

અમેરિકન સ્પેસ કાર્યક્રમ માટે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ

મૂન લૅન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શ્યું હોવાના સમાચાર આવતાં જ કર્મચારીઓ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા. આ માત્ર કંપની કે કૉમર્શિયલ ઉપયોગ માટેની જ નહીં, પણ અમેરિકન સ્પેસ કાર્યક્રમ માટે પણ એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મનાઈ રહી છે.

1972માં એપોલો મિશન બાદથી અમેરિકાએ ચંદ્ર પર પોતાનું મિશન નહોતું મોકલ્યું.

લગભગ પાંચ દાયકા બાદ પ્રથમ વખત ઇન્ટ્યૂટિવ મશીન્સે આ રેકૉર્ડ તોડીને પોતાનું ઓડેસિયસ લૅન્ડર ચંદ્ર પર ઉતારી દીધો છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઓડેસિયસ લૅન્ડર દ્વારા છ વૈજ્ઞાનિક ઉપકરણ ચંદ્ર પર મોકલ્યાં છે.

નાસાના ઍડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કંપનીને અભિનંદન પાઠવ્યાં છે અને આ ઘટનાને એક મોટી જીત ગણાવી છે.

તેમણે કહ્યું, “ચંદ્ર પર અમેરિકાની વાપસી થઈ ગઈ છે. આજે માનવઇતિહાસમાં પ્રથમ વખત એક કૉમર્શિયલ કંપની, એક અમેરિકન કંપનીએ ચંદ્ર સુધીની સફર ખેડી છે. આજનો દિવસ એ જણાવે છે કે નાસાની કૉમર્શિયલ પાર્ટનરશિપ કેટલી દમદાર અને મહત્ત્વાંકાક્ષી છે.”

લૅન્ડિંગ અગાઉ આવી મુસીબત

લૅન્ડિંગ અગાઉ કન્ટ્રોલર્સ સામે એક મોટો પડકાર આવી ગયો, જેનાથી આ મિશન નિષ્ફળ થવાનો ખતરો ઊભો થઈ ગયો હતો.

ચંદ્રની સપાટીથી ઓડેસિયસનું અંતર અને તેની ગતિનું આકલન કરનારા યાનમાં લાગેલા લેઝર યોગ્ય રીતે કામ નહોતાં કરી રહ્યાં. આનાથી મિશનની સફળતાને લઈને સંદેહ વધવા માંડ્યો.

પરંતુ સારી વાત એ રહી કે યાનમાં નાસાના મોકલેલા કેટલાક ઍક્સપેરિમેન્ટલ લેઝર પણ હતાં અને વૈજ્ઞાનિકોએ આનો લાભ ઉઠાવીને તેને નેવિગેશન સિસ્ટમ સાથે જોડી દીધાં.

23 વાગ્યાને 23 મિનિટ (જીએમટી) પર ઓડેસિયસ ચંદ્રની સપાટી પર ઊતર્યું. પહેલાં તો તેમાં મૂકેલા રોબોટની તરફથી વૈજ્ઞાનિકોને સિગ્નલ ન મળ્યું.

અમુક સમય બાદ યાન સાથે ફરીથી સંપર્ક પ્રસ્થાપિત થયો, જોકે એ સિગ્નલ કમજોર હતું. જેના કારણે લૅન્ડરની સ્થિતિને લઈને અમુક સમય સુધી અસમંજસની સ્થિતિ જળવાયેલી રહી.

પરંતુ કેટલાક કલાકો બાદ ઇન્ટ્યૂટિવ મશીન્સે જણાવ્યું કે ઓડેસિયસ ચંદ્રની સપાટી પર છે અને ત્યાંથી ડેટા ધરતી પર મોકલી રહ્યો છે.

લાંબા અભિયાન પર નજર

ઓડેસિયસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કે 80 ડિગ્રી દક્ષિણ તરફ ઊતર્યું છે. આ પ્રથમ યાન છે, જે હવે આ ધ્રુવની સૌથી નજીક પહોંચ્યું છે. એ ત્યાં પાંચ કિમી ઊંચા પહાડવાળા મેલાપાર્ટ પાસે એક ક્રેટર (ખાડા)ની નજીક ઊતર્યું છે.

એ એક વિસ્તાર છે, જ્યાં અમેરિકા પોતાના માનવમિશન અંતર્ગત અંતરિક્ષયાત્રીઓને ઉતારવા માગે છે. અમેરિકા આર્ટેમિસ મિશન પર કામ કરી રહ્યું છે, જેના અંતર્ગત માણસને ચંદ્ર પર ઉતારાશે અને લાંબા સમય સુધી ચંદ્ર પર માણસના રહેવાની વ્યવસ્થા કરાશે.

ચંદ્ર પર ઘણા ઊંડા ક્રેટર છે, જ્યાં ક્યારેય સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. આ વિસ્તાર હંમેશાં અંધકારમાં જ ડૂબેલો રહે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ક્રેટરમાં બરફ કે તેનાં નિશાન મળી શકે છે.

નાસાના પ્લેનેટરી સાયન્સનાં નિદેશિકા લોરી ગ્લેઝ કહે છે કે, “બરફ અમારા માટે અત્યંત આવશ્યક છે, કારણ કે જો આપણને ચંદ્ર પર બરફ મળે તો આપણે તેનો લાભ ઉઠાવી શકીશું. આપણે ત્યાં ઓછો સામાન લઈને જવું પડશે.”

“આપણે બરફને પાણીમાં કન્વર્ટ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી સ્વરૂપે કરી શકીએ છીએ. આપણે તેનાથી ઓક્સિજન અને હાઇડ્રોજન મેળવીને તેનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ચંદ્ર પર માનવવસવાટ માટે આ અત્યંત જરૂરી છે.”

ઓડેસિયસ પોતાની સાથે નાસાનાં છ ઉપકરણ લઈને ગયું છે. આ ઉપકરણ ચંદ્રની સપાટીની ધૂળનુંય અધ્યયન કરશે.

અપોલોમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓએ ચંદ્રની ધૂળને મોટી મુસીબત ગણાવી હતી. તેમનું કહેવું હતું કે આ ધૂળ તેમનાં ઉપકરણો પર પથરાઈ જઈને તેને ખરાબ કરી રહી હતી.

નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ સમજવા માગે છે કે લૅન્ડરના ઉતરાણથી આ ધૂળ કેવી રીતે સપાટીથી ઉપરની તરફ ઊઠે છે અને પછી સપાટી પર પરત બેસી જાય છે.

આવી સ્થિતિમાં ઍમ્બ્રી-રિડલ ઍરોનૉટિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ એક કૅમેરા પણ છે, જે એ સમયે ઍક્ટિવ થવો જોઈતો હતો, જ્યારે લૅન્ડર ચંદ્રની સપાટીથી 30 મીટરના અંતરે પહોંચ્યો હોત.

આ કૅમેરા લૅન્ડર ચંદ્રની સપાટીને અડકે એ સમય દરમિયાનની તસવીરો લેવા માટે બનાવાયો હતો.