બિહાર વિધાનસભા ચૂંટણી : એ પાંચ કારણો જેના લીધે મહાગઠબંધનનો પરાજય થયો?

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ હોય, રાજકારણ કે રમતનું મેદાન, કોઈ એક પક્ષ માત્ર પોતાની તાકતથી નથી જીતતો, પરંતુ હરીફ પક્ષની નબળાઈ પણ કારણભૂત હોઈ શકે છે. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું.
ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ છે કે બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનશે તથા વધુ પાંચ વર્ષ માટે મહાગઠબંધને સત્તાની બહાર રહેવું પડશે.
અત્યાર સુધીનાં પરિણામો જોતાં એનડીએને 202 અને મહાગઠબંધનને 35 સીટ મળી છે.
ભાજપ તથા એનડીએનાં ઘટકદળોએ ચૂંટણીપ્રચાર અભિયાન 'જંગલરાજ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. લગભગ 20 વર્ષથી સત્તાથી વિમુખ રહેવા છતાં આ બાબત આજે પણ રાજદની સામે 'મુદ્દો' બની જાય છે.
ત્યારે મહાગઠબંધનથી એવી તે ગઈ ચૂક થઈ અને એનડીએના પક્ષે કઈ બાબતો રહી કે જેના કારણે મહાગઠબંધનનો પરાજય થયો.
ભાજપને પહેલાંથી જ સરસાઈ

ઇમેજ સ્રોત, Getty Images
બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ, ત્યારે એનડીએના સાથી પક્ષોમાં બેઠકોની સંખ્યા અંગે ખેંચતાણ જોવા મળી હતી, જે તેમણે ઉકેલી લીધી હતી.
વરિષ્ઠ ચૂંટણી પરિણામ વિશેષજ્ઞ યોગેન્દ્ર યાદવ કહે છે, "આ ચૂંટણી પરિણામોથી મને આશ્ચર્ય નથી થયું, કારણ કે પહેલા દિવસથી જ આ ચૂંટણી એનડીએની તરફેણમાં હતી, કારણ કે તે બહુ મોટું રાજકીય ગઠબંધન છે. મહાગઠબંધનની સરખામણીમાં એનડીએને પહેલાં દિવસથી જ ઓછામાં ઓછી પાંચ ટકા સરસાઈ હતી."
"બિહારના જાતીય ગણિતમાં એનડીએનું સોશિયલ અલાયન્સ મોટું છે. બિહારના જાતીય ગણિત ઉપર નજર કરીએ તો મહાગઠબંધન કુલ 40 જાતીય સમીકરણના તળાવમાંથી પોતાના વોટ મેળવે છે. એનડીએનું તળાવ ઓછામાં ઓછું 50 ટકાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ પહેલાં ભાજપે નીતીશકુમારને હરાવવાનો પ્રયાસ કરી લીધો, પરંતુ તેમાં સફળતા ન મળી. ભાજપને ખબર પડી ગઈ કે નીતીશકુમાર વગર ચાલે તેમ નથી. એટલે ભાજપે ઇમાનદારીપૂર્વક મોટું ગઠબંધન બનાવાનો પ્રયાસ કર્યો. ભાજપે જે કૌશલ્ય દાખવ્યું, તે મને લાગે છે કે વિપક્ષે પણ શીખવું રહ્યું."
ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનમાં પણ ખેંચતાણ જોવા મળી હતી. અમુક બેઠકો ઉપર નિર્ણય થઈ ગયો, આમ છતાં કેટલીક બેઠકો ઉપર 'ફ્રેન્ડલી ફાઇટ' થઈ. સ્વાભાવિક છે કે એનડીએવિરોધી મતોનું વિભાજનનો લાભ સત્તારૂઢ ગઠબંધનને થયો.
મુસ્લિમ-યાદવ સમીકરણ સામે ધ્રુવીકરણ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહાગઠબંધનના મુખ્ય ઘટકદળ રાષ્ટ્રીય જનતા દળે મુસ્લિમ-યાદવ સમીકરણ પર ભારે મદાર રાખ્યો હતો.
યોગેન્દ્ર યાદવ કહે છે, "બિહારમાં વિપક્ષએ નાનકડા સામાજિક ગઠબંધન જેવું નામરૂપ રહ્યું છે. લાલુપ્રસાદ યાદવના સમયમાં જે સામાજિક ક્રાંતિ આવી તે બિહારના ગરીબ-વંચિતોની ક્રાંતિ હતી. તે માત્ર યાદવ અને મુસલમાનોનું ગઠબંધન ન હતું. જ્યારે આજે (બિહારમાં) વિપક્ષ યાદવ, મુસલમાન તથા અન્ય કેટલીક જાતિઓ પૂરતો મર્યાદિત થઈ ગયો છે."
યાદવ ઉમેરે છે, "મંડલ પંચ પછી જે ક્રાંતિ થઈ હતી, તે બિહારના તમામ બહુજન સમાજનું ગઠબંધન હતું. તે ક્યારેય માત્ર ને માત્ર 'એમ-વાય' (મુસ્લિમ યાદવ) ન હતું. બિહારના તમામ દબાયેલા, પછાત અને બહિષ્કૃત સમાજના અલાયન્સનું માત્ર મુસ્લિમ યાદવ બની જવું એ તેની સૌથી મોટી ત્રાસદી છે."
વરિષ્ઠ પત્રકાર સંજયસિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "લાલુ યાદવનો રાજકીય ઉદય થયો, તે પહેલાં બિહારના રાજકારણમાં મૈથિલી બ્રાહ્મણોનો દબદબો હતો. કહેવાય છે કે લાલુ યાદવ આ પ્રભુત્વને દરેક સ્તરે તોડવા માગતા હતા."
"લાલુ યાદવે પછાતો, દલિતો અને લઘુમતીઓના હિતેચ્છુ તરીકેની છાપ ઊભી કરી. દાયકાઓના રાજકારણ છતાં લાલુ યાદવ એ છાપમાંથી બહાર નથી નીકળવા માગતા."
બિહારમાં 'જંગલરાજ'નો ડાઘ

ઇમેજ સ્રોત, ANI
લાલુપ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન જે જંગલરાજનો ડાઘ લાગ્યો હતો, તેને સાફ કરવામાં હજુ સુધી સફળ નથી થયા. તેમાં મીડિયા અને ભાજપની ભૂમિકા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેજસ્વી યાદવ કે જેઓ લાલુપ્રસાદના ઉત્તરાધિકારી છે, તેઓ આ ડાઘને પૂર્ણપણે સાફ કરવામાં સમર્થ નથી રહ્યા.
યાદવનું માનવું છે, "જો મુસલમાન ઉત્સાહપૂર્વક રાજદના સમર્થનમાં આવે, તો ભાજપને ધ્રુવીકરણ કરવામાં મદદ મળે છે. જો યાદવ અતિઉત્સાહથી રસ્તા પર ઊતરે, તો તેમને જોઈને માત્ર ઉચ્ચ જ્ઞાતિઓ જ નહીં, પરંતુ પછાત જ્ઞાતિના લોકો પણ સંશયિત થઈ જાય છે અને ભયભીત થઈ જાય છે. જેના કારણે લાભ કરતાં નુકસાન વધુ થાય છે અને મને લાગે છે કે આ વખતે પણ એવું જ થયું છે."
ચૂંટણી દરમિયાન બિહારમાં બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. રાઘવેન્દ્ર રાવનું કહેવું છે: 'સરકાર સામે આરજેડી અને કૉંગ્રેસ વિરોધપક્ષ પણ 'મુદ્દાસર' સરકાર સામે ઍન્ટીઇન્કમબન્સી ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએના નેતાઓએ બિહારમાં લાલુપ્રસાદ યાદવ તથા રાબડી દેવીના કાર્યકાળને 'જંગલરાજ' કહી મત માગ્યા હતા.
સંજયસિંહ કહે છે, "લાલુપ્રસાદ યાદવનાં પત્ની રાબડીદેવીના કાર્યકાળ દરમિયાન બિહાર પાટા ઉપર ન હતું. તેજસ્વી યાદવ હજુ પણ એ રાજકીય છાયામાંથી બહાર નથી નીકળી શક્યા. જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે એક નૅરેટિવ ચાલે છે કે જો યાદવોને સત્તા મળી તો તેઓ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લેશે."
સંજયસિંહ માને છે કે આગામી દિવસોમાં તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટાચારનો ખટલો ચાલવાનો છે એટલે તેમના માટે આગામી સમય કપરો હશે.
વ્યક્તિ કેન્દ્રિત પ્રચાર અને પરિવારમાં ભંગાણ

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
24 જૂન, 2025ના રોજ લાલુપ્રસાદ યાદવ સતત 13મી વખત રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા. લાલુપ્રસાદ સિવાય કોઈ પણ વ્યક્તિ રાજદની અધ્યક્ષ નથી બની. 77 વર્ષીય લાલુ યાદવ આરોગ્ય સંબંધિત સમસ્યાથી પણ પીડિત છે.
1990ના દાયકામાં બિહારમાં હિંદુસ્તાન ટાઇમ્સ માટે પૉલિટિકલ રિપોર્ટિંગ કરનારા સંજયસિંહ કહે છે, "લાલુ યાદવનો એક વારસો એ તેજસ્વીની તાકત છે. એ છે એમ-વાય સમીકરણ. યાદવો અને મુસલમાન આજે પણ આરજેડીની સાથે છે."
સંજયસિંહ ઉમેરે છે, "પરિવારમાં પહેલાંથી જ ભંગાણ પડેલું છે. લાલુ યાદવની તબિયત સારી નથી રહેતી. જ્યારે કૉંગ્રેસ ખૂબ જ નબળી હતી, પરંતુ આજે એવું નથી."
શિવાનંદ તિવારી એક સમયે રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાયેલા હતા અને રાબડીદેવીની સરકારના સમયમાં આબકારી મંત્રી પણ હતા. તેઓ કહે છે કે તેજસ્વી યાદવ તેમના પિતાના સમયનું રાજકારણ અત્યારે કરી રહ્યા છે. જો તેમને લાગતું હોય કે આમ કરવાથી સફળતા મળશે, તો આ તેમનું ખોટું આકલન છે.
શિવાનંદ તિવારી કહે છે, "તેજસ્વી યાદવે પૂર્ણપણે પાર્ટીને વન-મૅન શો બનાવી દીધી છે. પાર્ટીનું સમગ્ર પ્રચાર અભિયાન જોશો, તો તે એક વ્યક્તિની પરિઘમાં જ રહ્યું. લાલુ યાદવના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી."
"હવે તો પરિવારની અંદર જ સત્તા માટે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. હું રાબડીદેવીની સરકારમાં મંત્રી હતો. મને ખબર છે કે સરકાર કેવી રીતે ચાલતી હતી. જો લોકોને એવું લાગતું હોય કે લાલુરાજમાં કાયદો અને વ્યવસ્થા એક જ પરિવારના હાથમાં આવી જશે, તો એ વાતમાં તથ્ય પણ છે."
શિવાનંદ તિવારી ઉમેરે છે કે યાદવો તેજસ્વીની સાથે છે, પરંતુ મુસલમાનો મજબૂરીમાં તેમની સાથે છે.
'મહિલાઓને રૂ. 10 હજારની લાંચ અપાઈ'

ઇમેજ સ્રોત, Getty Images
ગત અમુક ચૂંટણીથી બિહારમાં મહિલાઓએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે અને તેમણે આગળ આવીને મતદાન કર્યું છે. 'સુશાસનબાબુ' તરીકે વિખ્યાત નીતીશકુમાર મહિલાઓમાં વિશેષ લોકપ્રિય હોવાનું માનવામાં આવે છે.
રાઘવેન્દ્ર રાવનું કહેવું છે, 'ચૂંટણીના અઠવાડિયા પહેલાં જ પીએમ મોદીએ મહિલાઓ માટે વેલફેર સ્કીમ લૉન્ચ કરી. 75 લાખ લાભાર્થી મહિલાના ખાતામાં 10 હજાર જમા થયા હતા. મહિલાઓએ પણ આ ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન કર્યું. ચૂંટણીના એક મહિના પહેલાં નીતીશકુમારે પણ વિધવા અને વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો કર્યો હતો.'
યોગેન્દ્ર યાદવ ઉમેરે છે, "છેલ્લી અમુક ચૂંટણીથી ભાજપે મહિલા ઉમેદવારોને પોતાની તરફે કરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે એ વાતમાં કોઈ શંકા નથી. ચાહે તે છોકરીઓને સાઇકલ આપવાની વાત હોય કે નશાબંધીની યોજના હોય. એટલે ભાજપે મહિલાઓને પોતાના પક્ષે કરવાનો પ્રયાસ કર્યો હોય, તે પહેલી વખત ન હતું."
"પરંતુ આ રીતે રૂ. 10 હજાર આપવા એ સ્પષ્ટરૂપે લાંચ છે અને તેનું બીજું કોઈ નામ ન હોઈ શકે. મધ્ય પ્રદેશ તથા અન્યત્ર મહિલાઓ માટે કાયમી યોજના શરૂ કરવામાં આવી હતી અને તેનું નામ હતું, પરંતુ બિહારમાં જે રકમ આપવામાં આવી તેનું કોઈ નામ નથી. ચૂંટણી પહેલાં રૂ. 10 હજાર આપ્યા. એ પહેલાં કંઈ નહીં અને પછી કંઈ નહીં."
"આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો એ પછી પૈસા આપવામાં આવ્યા છે. એટલે હું એમ નથી કહેતો કે માત્ર આ કારણ અને ચૂંટણીપંચની ગફલત કે સાઠગાંઠથી જ આવું પરિણામ આવ્યું. પરંતુ જે કંઈ ઘટ્યું, તેણે દેશભરમાં ખોટો દાખલો બેસાડ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












