બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : એનડીએની જંગી જીતનાં ચાર કારણો કયાં છે?

બિહારમાં ભાજપ અને જેડીયુ કેમ જીત્યા, બિહારમાં કૉંગ્રેસ અને રાજદ કેમ હાર્યા, એનડીઓનો વિજય, મહાગઠબંધનનો પરાજય, નીતીશ કુમાર મુખ્ય મંત્રી બનશે, નરેન્દ્ર મોદી, તેજસ્વી યાદવ, જેડીયુ, ભાજપ, કોંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને નીતીશકુમારની ફાઇલ તસવીર

શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં અને મધ્ય બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું કે બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનશે.

ચૂંટણીપરિણામો (અને વલણો) મુજબ, એનડીએ 202 બેઠક ઉપર અગ્રેસર છે, જ્યારે મહાગઠબંધન માત્ર 37 બેઠક ઉપર આટોપાઈ ગયું છે.

એનડીએમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. ગઠબંધનમાં તેનું કદ જોતા નીતીશકુમાર જ આગામી મુખ્ય મંત્રી હશે કે કેમ તેના અંગે અટકળો થવા લાગી છે.

અનેક રાજકીયપક્ષો માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પોતાની પાર્ટી જનસુરાજ પાર્ટી માટેની આગાહી અક્ષરશઃ સાચી પડી હતી. ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું કે, 'કાં તો અમે સિંહાસન ઉપર હોઈશું અથવા ફર્શ ઉપર.' તેમની પાર્ટી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે.

આ સાથે જ રાજકીય પક્ષો, નેતાઓ, પત્રકારો અને જનતામાં ચર્ચા ચાલી રહી છે કે એવી કઈ બાબતો હતી કે એનડીએની તરફેણમાં રહી હતી, જેના કારણે આ ગઠબંધનને આટલો ભવ્ય વિજય મળ્યો. જોકે, તે વર્ષ 2010ના સર્વોત્તમ પ્રદર્શનથી હજુ પણ દૂર છે.

બિહારમાં સોશિયલ ઍન્જિનિયરિંગની ચૂંટણી પર અસર

બિહારમાં ભાજપ અને જેડીયુ કેમ જીત્યા, બિહારમાં કૉંગ્રેસ અને રાજદ કેમ હાર્યા, એનડીઓનો વિજય, મહાગઠબંધનનો પરાજય, નીતીશ કુમાર મુખ્ય મંત્રી બનશે, નરેન્દ્ર મોદી, તેજસ્વી યાદવ, જેડીયુ, ભાજપ, કોંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિજયની ઊજવણી કરી રહેલાં એનડીએના કાર્યકરો

આમ તો દેશના દરેક રાજ્યમાં રાજકીય પાર્ટીઓ 'જ્ઞાતિ-જાતિનું સમીકરણ' બેસાડતી હોય છે, છતાં પરંપરાગત રીતે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં તેની વિશેષ અસર જોવા મળે છે.

રાજકીય વિશેષજ્ઞ અને ઇલેક્શન ઍનાલિસ્ટ યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, "આ ચૂંટણીપરિણામોથી મને આશ્ચર્ય નથી થયું, કારણ કે પહેલા દિવસથી જ આ ચૂંટણી એનડીએની તરફેણમાં હતી, તે બહુ મોટું રાજકીય ગઠબંધન છે. મહાગઠબંધનની સરખામણીમાં એનડીએને પહેલા દિવસથી જ ઓછામાં ઓછી પાંચ ટકા સરસાઈ હતી."

"બિહારના જાતીય ગણિતમાં એનડીઓનું સોશિયલ અલાયન્સ મોટું છે. બિહારના જાતીય ગણિત ઉપર નજર કરીએ તો મહાગઠબંધન કુલ 40 જાતીય સમીકરણના તળાવમાંથી પોતાના વોટ મેળવે છે. એનડીએનું તળાવ ઓછામાં ઓછું 50 ટકાનું છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2010માં જેડીયુ તથા ભાજપ મળીને ચૂંટણી લડ્યા હતા અને રેકૉર્ડ 206 બેઠક ઉપર વિજય મળ્યો હતો. એ પછી વર્ષ 2015માં ભાજપે એકલા હાથે જેડીયુને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

આ વખતે ફરી એક વખત લોકજનશક્તિ પાર્ટી, હિંદુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના સથવારે એનડીએ ભવ્ય પ્રદર્શન કર્યું છે.

યાદવ આગળ કહે છે, "આ પહેલાં ભાજપે નીતીશકુમારને હરાવવાનો પ્રયાસ કરી લીધો, પરંતુ તેમાં સફળતા ન મળી. ભાજપને ખબર પડી ગઈ કે નીતીશકુમાર વગર ચાલે તેમ નથી. એટલે ભાજપે ઇમાનદારીપૂર્વક મોટું ગઠબંધન બનાવાનો પ્રયાસ કર્યો. ભાજપે જે કૌશલ્ય દાખવ્યું, તે મને લાગે છે કે વિપક્ષે પણ શીખવું રહ્યું."

યાદવ ઉમેરે છે, "જો મુસલમાન ઉત્સાહપૂર્વક રાજદના સમર્થનમાં આવે, તો ભાજપને ધ્રુવીકરણ કરવામાં મદદ મળે છે. જો યાદવ અતિઉત્સાહથી રસ્તા ઉપર ઊતરે, તો તેમને જોઈને માત્ર ઉચ્ચ જ્ઞાતિઓ જ નહીં, પરંતુ પછાત જ્ઞાતિના લોકો પણ સંશયિત થઈ જાય છે અને ભયભીત થઈ જાય છે. જેના કારણે લાભ કરતાં નુકસાન વધુ થાય છે અને મને લાગે છે કે આ વખતે પણ એવું જ થયું છે."

કોઈપણ ચૂંટણી દરમિયાન ગઠબંધનના ઘટકદળો વચ્ચેનું સંકલન અને એકબીજાના 'વોટ ટ્રાન્સફર' કરવાની ક્ષમતા પણ ચૂંટણીપરિણામોને અસર કરતી હોય છે.

હિંદુસ્તાન ટાઇમ્સના પૉલિટિકલ ઍડિટર સુનેત્રા ચૌધરીનું કહેવું છે કે, 'બિહારમાં મહાગઠબંધન નબળું સાબિત થયું છે. કૉંગ્રેસનું પહેલાંથી કહેવું હતું કે તે મજબૂત સ્થિતિમાં છે. ત્યાં રાહુલ ગાંધીએ માત્ર ચાર દિવસ જ પ્રચાર કર્યો. કૉંગ્રેસે જોઈએ તેવા પ્રયત્ન પણ નથી કર્યા.'

મહિલાઓમાં લોકપ્રિયતા

ચૂંટણી પહેલાંથી જ મહિલાઓમાં નીતીશકુમારની છાપની રાજકીય વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા હતા.

મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તથા દારૂબંધીને નીતીશકુમારના 'મોટા પ્લસ પૉઇન્ટ' માનવામાં આવે છે.

ન કેવળ નીતીશકુમાર પરંતુ ભાજપ અને એનડીએ દ્વારા પણ અલગ-અલગ રાજ્યોમાં મહિલા મતદારોને પોતાની તરફે કરવાના સક્રિય પ્રયાસ થયા છે.

યોગેન્દ્ર યાદવ કહે છે, "બંને ગઠબંધનની વચ્ચે મતનો ગાળો 10 ટકા જેટલો છે. જો આ તફાવત માત્ર બે-ત્રણ ટકાનો હોત, તો મેં સ્વીકાર્યું હોત કે મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આમ છતાં મહિલા મતદારો બે કારણથી મહત્ત્વપૂર્ણ છે."

"એક તો મહિલાઓ દ્વારા મતદાનની ટકાવારી વધી છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ ઓછી નોંધાયેલી છે, પરંતુ પુરુષોની સરખામણીમાં વધુ મતદાન કરીને તેમણે આ વાતની કસર પૂરી કરી દીધી. તો એ લોકશાહી માટે શુભ સંકેત છે."

"બીજું કે મહિલાઓ જાત અને બિરાદરીથી એક-બે ડગલું ખસીને મતદાન કરે છે, જેનો લાભ આજની તારીખે નીતીશકુમારને મળી રહ્યો હોય તેમ દેખાય છે. જેમણે આને માટે પ્રયાસ કર્યો હતો."

ચૂંટણી પહેલાં નીતીશકુમારની સરકારે રાજ્યની 75 લાખ મહિલાઓનાં ખાતામાં રૂ. 10-10 હજાર જમા કરાવ્યા હતા. સરકારનું કહેવું હતું કે તે "પાયાની મૂડી" તરીકે આપવામાં આવ્યા છે, જેની મદદથી આ મહિલાઓ કોઈ રોજગાર શરૂ કરી શકશે.

કેટલાંક સ્થળોએ આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પણ આ રકમ લાભાર્થીઓને મળી હતી. વિપક્ષે તેને મહિલાઓને 'રુશ્વત' ગણાવી. જોકે, ચૂંટણીપંચે તેને 'ચાલુ યોજના' ગણાવીને આ અંગે કોઈ પગલાં ન લીધાં. જેના અંગે વિવાદ થયો હતો.

જોકે, સેફૉલૉજિસ્ટ (ચૂંટણીપરિણામનું અનુમાન અને વિશ્લેષણ કરનાર) યશવંત દેશમુખે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "લખી રાખો, ભારતના રાજકારણમાં ધરમૂળથી પરિવર્તન લાવનારી ક્ષણ છે, અગાઉ જેવું કંઈ નહીં રહે. મહિલાઓએ બિહાર જેવા રાજ્યમાં પણ જ્ઞાતિ અને ધર્મના ગણિત વીખી નાખ્યું છે. આ વાત તેઓ કેમ સમજી નથી શકતા?"

ચૂંટણી જાહેર થઈ તે પહેલાં બિહાર સરકારે વિધવા તથા વૃદ્ધોને આપવામાં આવતી માસિક સહાયની રકમમાં પણ વધારો કર્યો હતો.

નીતીશકુમારની છાપ

બિહારમાં ભાજપ અને જેડીયુ કેમ જીત્યા, બિહારમાં કૉંગ્રેસ અને રાજદ કેમ હાર્યા, એનડીઓનો વિજય, મહાગઠબંધનનો પરાજય, નીતીશ કુમાર મુખ્ય મંત્રી બનશે, નરેન્દ્ર મોદી, તેજસ્વી યાદવ, જેડીયુ, ભાજપ, કોંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એનડીએના ઘટકદળના નેતા જીતનરામ માંઝી (ડાબે) એક સમયે નીતીશકુમારની પાર્ટીમાં જ હતા

વર્ષ 2005માં નીતીશકુમાર પહેલી વખત બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ અત્યાર સુધી નવ વખત મુખ્ય મંત્રીપદના શપથ લઈ ચૂક્યા છે.

યોગેન્દ્ર યાદવનું કહેવું છે, "ચૂંટણીપરિણામોથી સ્પષ્ટ છે કે આજે પણ નીતીશકુમાર બિહારના રાજકીય પરિદૃશ્યમાં કેન્દ્રસ્થાને છે અને ભાજપ તેમના વગર કામ ચલાવી શકે એમ નથી. આ કોઈ છૂપી વાત નથી."

યાદવે ઉમેર્યું, "હું પોતે આશ્ચર્યચકિત છું. બિહારની જે બદહાલી છે, જે મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો, આમ છતાં ધરાતલ ઉપર નીતીશકુમાર પ્રત્યે એટલો ગુસ્સો કે અલોકપ્રિયતા ન હતા."

નીતીશકુમારે બે વખત રાજદના ટેકાથી બનેલી સરકારનું નેતૃત્વ કર્યું હતું. તેમનાં સ્વાસ્થય અંગે અનેક અટકળો છતાં એનડીએ તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડ્યું હતું.

બીબીસી હિંદીના ઍડિટર નીતિન શ્રીવાસ્તવનું કહેવું છે કે 'નીતીશકુમાર સૌથી મોટું ફૅક્ટર છે. લોકોએ નીતીશકુમારનાં 20 વર્ષના શાસન પર ફરી એક વાર ભરોસો મૂક્યો છે. તેમણે જે કામ કર્યું તેના પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો. પ્રચાર દરમિયાન પણ નીતીશકુમારની સામે બિહારના લોકોમાં ઍન્ટીઇન્કમ્બમ્સી જોવા નહોતી મળી.'

રાજકીય વિશ્લેષક સબા નકવીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "સવારે સાડા અગ્યાર વાગ્યાની સ્થિતિ પ્રમાણે, ભાજપને 90થી વધુ બેઠક મળતી દેખાય રહી છે, જેડીયુથી વધુ. તે નેતૃત્વની ભૂમિકામાં સરકાર રચી શકે છે. ચિરાગ પાસવાન તેનું સર્જન છે."

"અને બીજાને મૅનેજ કરી શકાય છે તથા જરૂર પડ્યે જેડી(યુ)ને તોડી શકે છે. અથવા તો એકનાથ શિંદે સાથે કર્યું તેમ નીતીશકુમારને નાયબમુખ્ય મંત્રી બનાવી શકે છે. હું અહીં માત્ર સર્જનાત્મક વિચારો રજૂ કરી રહું છું. આમ કરવાથી બિહાર સીધું જ ભાજપના શાસન હેઠળ આવી જશે. એ ખરું કે નક્કર આંકડાની રાહ જોવી રહી."

નકવીએ પત્રકાર તરીકે વર્ષો સુધી નવી દિલ્હીમાં ભાજપનું કવરેજ કર્યું છે. નકવીએ 'સર્જનાત્મક વિચાર'ના નામે હળવાશથી આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ બિહારના રાજકીય વર્તુળોમાં આ બાબતની લાંબા સમયથી ચર્ચા છે.

'તંત્ર એનડીએ સાથે હતું '

બિહારમાં ભાજપ અને જેડીયુ કેમ જીત્યા, બિહારમાં કૉંગ્રેસ અને રાજદ કેમ હાર્યા, એનડીઓનો વિજય, મહાગઠબંધનનો પરાજય, નીતીશ કુમાર મુખ્ય મંત્રી બનશે, નરેન્દ્ર મોદી, તેજસ્વી યાદવ, જેડીયુ, ભાજપ, કોંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર હતા

ચૂંટણી પહેલાં જનસુરાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ તથા કૉંગ્રેસ ભારે સક્રિય દેખાય રહ્યા હતા, પરંતુ જેમ-જેમ ચૂંટણી આગળ વધતી ગઈ, તેમ-તેમ ભાજપ અને એનડીએના ઘટકદળો દરેક મોરચે સરસાઈ મેળવતા ગયા, જે ચૂંટણીપરિણામના દિવસે ફળસ્વરૂપે જોવા મળી.

સુનેત્રા ચૌધરીનું કહેવું છે કે 'એનડીએનો વ્યાપ વધારે છે જેના કારણે તેની મશીનરી પણ વધુ છે. ચૂંટણીમાં બૂથ મૅનેજમેન્ટ મહત્ત્વપૂર્ણ હોય છે. સીઆરપાટીલ બૂથ મૅનેજમેન્ટમાં માહેર છે. ભાજપે ધર્મેન્દ્ર પ્રધાને બિહારના ઇનચાર્જ બનાવ્યા હતા, પણ સીઆર પાટીલને સહપ્રભારી બનાવાયા હતા. તેથી એમની રણનીતિ પણ કામે લાગી.'

યોગેન્દ્ર યાદવે ચૂંટણી દરમિયાન મહાગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું, "સમગ્ર સરકારીતંત્ર, પૈસા, મીડિયા અને ચૂંટણીપંચ આ બધા એકતરફી છે. આ બધાને કારણે એનડીએ અગ્રેસર છે અને જીતશે એ વાતમાં મને કોઈ શંકા ન હતી."

યાદવે ઉમેર્યું હતું, "હવે જ્યારે 200થી વધુ બેઠક મળશે એવું દેખાય રહ્યું છે, તેનાથી હું ચોંક્યો છું અને મનમાં થોડો સંદેહ થાય કે શું જીત્યા ખરા, પરંતુ સાથે સ્ટિરોઇડ તો નહોતું?"

ક્યાંથી કોણ જીત્યું અને ક્યાં કોણ હાર્યું તેના વિશે આગામી દિવસો દરમિયાન ચર્ચા થતી રહેશે, પરંતુ આગામી મુખ્ય મંત્રી નીતીશકુમાર જ હશે કે કેમ, તે ચર્ચાનો નવો વિષય બન્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન