દરરોજ દરિયાનું પાણી ઘરોમાં ઘૂસી જાય, એ ટાપુ ઉપર લોકો કેવી રીતે જીવે છે?

ઇમેજ સ્રોત, Ivan Batara/BBC
- લેેખક, આયોમી અમિડોની
- પદ, બીબીસી ન્યૂઝ ઇન્ડોનેશિયન
સુવંદીના ઘરમાં રોજ સવારથી પૂરનું પાણી ભરાતું શરૂ થાય છે અને તેમાં ધીમે ધીમે વધારો થાય છે. બપોર સુધીમાં તે લગભગ 30 સેન્ટીમીટર સુધી પહોંચી જાય છે. તેનાથી ઘરનું ફર્નિચર ભીંજાઈ જાય છે.
ઇન્ડોનેશિયામાં જાવાદ્વીપના ઉત્તર કિનારે ઇન્દ્રમાયુમાં આવેલા પોતાના ઘરમાં સુવંદીએ છેલ્લા એક દાયકાથી રોજ પાણી ભરાતું જોયું છે. સમુદ્રનાં મોજાં અને જમીન ડૂબવાને કારણે એવું થઈ રહ્યું છે.
સુવંદી આંખમાં આંસુ સાથે કહે છે, "મારા પગ દિવસના 12 કલાક સૂકાતા જ નથી. હું કોઈ ઉભયજીવી માણસ હોઉં એવું લાગે છે."
સુવંદીને યાદ છે કે 1990ના દાયકાની મધ્યમાં કિનારો તેમના ઘરથી એક કિલોમીટર કરતાં વધારે દૂર હતો, પરંતુ 2014માં અચાનક આવેલાં પૂરે મહત્ત્વપૂર્ણ દરિયાઈ દીવાલનો નાશ કર્યો હતો.
જમીન સંરક્ષણની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભરતીનાં મોજાંએ તેના પર કબજો જમાવ્યો અને અગાઉના કિનારાને ધીમે ધીમે જાણે કે ભૂંસી નાખ્યો.
સુવંદીનું ગામ ઇન્દ્રમાયુ પ્રદેશમાં આવેલું છે અને તે હવે સવારથી મધરાત સુધી પાણીમાં ડૂબેલું રહે છે.
તેમાં પ્રવેશનો એકમાત્ર સાંકડો માર્ગ એક મીટર પહોળો પથ્થરનો દુર્ગમ રસ્તો છે.
આ કારણસર અહીંનો સમુદાય બાકીના ઇન્ડોનેશિયાથી લગભગ સંપૂર્ણપણે વિખૂટો પડી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Ayomi Amindoni/BBC
સુવંદી અને નિગસિહ જેવા તેમના પાડોશીઓ તેમના પાણી ભરેલા ગામમાંથી પસાર થવા માટે જાતે બનાવેલા તરાપાનો ઉપયોગ કરવો પડે છે.
નિગસિહનાં બાળકો શાળાએ જવા માટે સ્ટાયરોફોમના ભંગાર અને જૂના ગાદલામાંથી જાતે બનાવેલા તરાપાનો ઉપયોગ કરે છે.
નિગસિહ કહે છે, "મારાં બાળકોને શાળા સુધી પહોંચાડવાનું મુશ્કેલ છે. શાળા ચાલુ હોય એ દિવસે પાણીનું સ્તર ઊંચું હોય તો તેમને ત્યાં પહોંચાડવા માટે તરાપાનો ઉપયોગ કરવો પડે છે."
પૂરને કારણે બહાર વ્યાપક વિનાશ થયો છે. લાકડાં ઝડપથી સડી જાય છે અને ઘરો તૂટી પડે છે.
નિગસિહ માને છે કે ગામ હવે રહેવા જેવું રહ્યું નથી. તે ગામ છોડીને અન્યત્ર જવા તલપાપડ છે, પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ કંગાળ છે. તેથી તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
નિગસિહ પૂછે છે, "મારે સ્થળાંતર તો કરવું છે, પણ હું ક્યાં જાઉં?"
જમીન ધસવાની સમસ્યા

ઇમેજ સ્રોત, Ivan Batara/BBC
સમર્પિત સંરક્ષણવાદી વાસિટો કિનારાની સમાંતરે તેમણે વાવેલા મૅન્ગ્રૂવ્સ પર નજર રાખે છે.
ઇન્દ્રમાયુના રહેવાસીઓની જેમ, વાસિટો અને કૅન્ડલમાં રહેતો તેમનો સમુદાય પણ ભરતીના જોરદાર પૂરનો સામનો કરી રહ્યા છે. એ પૂર વર્ષમાં એકવાર નહીં, પણ હવે દર મહિને એક વાર આવે છે.
પોતાના રસોડા અને દીવાનખાનામાં ભરાયેલા પાણી તરફ નજર કરતાં વાસિટો કહે છે, "આ ગઈકાલે બપોરે આવેલા ભરતીના પૂરના અવશેષો છે. પાણી આજે સવારથી ઓસરવાનું શરૂ થયું હતું."
કૅન્ડલના દરિયાકાંઠે અગાઉ મૅન્ગ્રૂવનાં જંગલ હતાં. મૅન્ગ્રૂવ્ઝ ભરતીના પૂર સામે કુદરતી અવરોધ તરીકે કામ કરવા માટે જાણીતા છે.
કૅન્ડલના દરિયાકાંઠાના આ લીલા વિસ્તારના વિનાશને કારણે સમસ્યા સર્જાતી હોવાની વાસિટોને શંકા છે.
તેઓ કહે છે, "કેટલાક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રિયલ સાઇટ્સ બનાવવામાં આવી છે અને અન્યમાં ફિશ ફાર્મ્સ બનાવવામાં આવ્યાં છે."
વાસિટોએ તેમના ઘરની આજુબાજુના વિસ્તારમાં મૅન્ગ્રૂવ્ઝ વાવ્યાં હતાં, જેથી ભરતીના પૂરના પાણી સામે રક્ષણ મળી શકે.

ઇમેજ સ્રોત, Ivan Batara/BBC
કિનારાના આ ભાગમાં ઉદ્યોગોનું વિસ્તરણ મુખ્યત્વે કૅન્ડલ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનને લીધે થયું છે.
આ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન રોકાણ આકર્ષવા અને કર પ્રોત્સાહનો સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવેલી સરકાર સમર્થિત એક વિશાળ પહેલ છે.
કૅન્ડલ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનનાં પ્રવક્તા જુલિયાની કુસુમાનિગ્રમ અહીંના ઔદ્યોગિક સંકુલમાંથી એકપણ મૅન્ગ્રૂવ દૂર કરવામાં આવ્યાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
તેઓ કહે છે, "જે કંઈ થઈ રહ્યું છે તે જમીન ધસી પડવાને કારણે થઈ રહ્યું છે. જાવાના ઉત્તર કિનારાની જમીન ડૂબી રહી છે. આવું બધું મોટા ભાગે રહેણાક વિસ્તારોમાં થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રિયલ ઝોનની અંદર નહીં."
બેવડી સમસ્યા

ઇમેજ સ્રોત, Ivan Batara/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાવા એ ઇન્ડોનેશિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ છે. રાજધાની જાકાર્તા અને દેશના 284 મિલિયન લોકો પૈકીના 50 ટકાથી વધુ લોકો અહીં વસવાટ કરે છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં તેનો 55 ટકાથી વધુ હિસ્સો છે, પરંતુ તેનો ઉત્તર કિનારો ઝડપથી અદૃશ્ય થઈ રહ્યો છે.
પૂરની વૈશ્વિક પરિસ્થિતિનું આકલન કરતી સંસ્થા ક્લાઇમેટ સેન્ટ્રલે આગાહી કરી છે કે 2050 સુધીમાં ઘણા વિસ્તારો ડૂબી જશે. આગામી દાયકાઓમાં રાજધાનીને અન્ય ટાપુ પર સ્થાનાંતરિત કરવાની સરકારની યોજના છે.
અહીંનો દરિયાકિનારો બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. એ કુદરતી રીતે નીચાણવાળા વિસ્તારમાં છે. આ બાબત તેને ખાસ કરીને આબોહવા પરિવર્તનના કારણે વૈશ્વિક દરિયાઈ સપાટીના સ્તરમાં વધારા માટે વધારે દયનીય બનાવે છે.
સમુદ્રની સપાટી વધી રહી છે તેના કરતાં જમીન વધારે ઝડપથી ડૂબી રહી છે.
મુખ્યત્વે ઝડપી વસ્તી વૃદ્ધિ અને શહેરીકરણને લીધે દાયકાઓથી ભૂગર્ભજળના વધુ પડતા નિષ્કર્ષણને કારણે આવું થયું છે.
ઘણા વિસ્તારોમાં નળ દ્વારા પાણી સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી લોકો ભૂગર્ભમાંથી પાણી પમ્પ કરે છે. તેને કારણે જમીન ફૂગ્ગાની માફક ફસકતી જાય છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પ્રક્રિયાને મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ વેગ આપી રહ્યા છે.
વાસિટો જેવા સંરક્ષણવાદીઓ ચેતવણી આપે છે કે કૅન્ડલ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન જાવાના ઉત્તર કિનારાને નુકસાન પહોંચાડી શકે છે.
ડૂબતો દરિયાકિનારો

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
દરિયાકાંઠામાં દર વર્ષે સરેરાશ 1-20 સેમી ઘટાડો નોંધાય છે.
અહીંની જમીન કુદરતી રીતે અસ્થિર છે. એ જમીન રેતી અને માટી જેવી નરમ સામગ્રીની બનેલી છે. તે સરળતાથી સંકોચાય છે.
બાદુંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના ભૂસ્તરશાસ્ત્ર ઍન્જિનિયરિંગ નિષ્ણાત ડૉ. હેરી ઍન્ડ્રેસના કહેવા મુજબ, આ કુદરતી સંકોચન વાર્ષિક બે સેન્ટીમીટરના ઘટાડા માટે જવાબદાર હોઈ શકે. બાકીનાનું કારણ બીજું હોવું જોઈએ, એવું તેઓ માને છે.
ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ આ પ્રદેશ હવે ભારે ઔદ્યોગિક પ્રેશરનો સામનો કરી રહ્યો છે. અહીં 18,882 હેક્ટર જમીન કૅન્ડલ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન જેવા ઔદ્યોગિક ક્ષેત્રો માટે ફાળવવામાં આવી છે.
સૅટેલાઇટ મૅપિંગ દર્શાવે છે કે સૌથી વધુ ભૂસ્ખલનવાળા વિસ્તારો મોટા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ, સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન અને બહુમાળી કૉમર્શિયલ ઇમારતો સાથે સતત ઓવરલૅપ થાય છે. તે બંને વચ્ચેનો સંબંધ સૂચવે છે.
ડૉ. ઍન્ડ્રિઆસનો અંદાજ છે કે બીજું બે સેન્ટીમીટર ભૂસ્ખલન ઔદ્યોગિક બાંધકામને કારણે થયું હોય તે શક્ય છે, કારણ કે ફૅક્ટરીઓ, રસ્તાઓ અને વેરહાઉસ જેવી માળખાકીય સુવિધાઓના વજનને કારણે નરમ માટી પર દબાણ આવે છે.
બાકીના ઘટાડા માટે તેઓ ભૂગર્ભજળ જેવાં સંસાધનોના નિષ્કર્ષણને જવાબદાર માને છે. આ દાયકાઓથી થઈ રહ્યું છે, પરંતુ હવે ઉદ્યોગોને કારણે તે જટિલ બની રહ્યું હોવાનું તેમનું માનવું છે.
તેઓ કહે છે, "જાવાના સમગ્ર ઉત્તર કિનારા પર વિકાસના યુગ પહેલાંથી જ થઈ રહી હતી. ઉદ્યોગોએ સમસ્યામાં વધારો કર્યો છે."
ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જાવાના ઉત્તર કિનારે આવેલી છે અને તે ભરતીના પૂરનું વારંવાર જોખમ ધરાવતા વિસ્તારો પૈકીનો એક છે.
જોકે, જાવા એકમાત્ર આવો પ્રદેશ નથી
નેધરલૅન્ડ્સમાં ડેલ્ટેરેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગર્ભજળના નિષ્ણાત ડૉ. ગિલ્સ એર્કેન્સ જણાવે છે કે વિશ્વભરના ઘણા દરિયાકાંઠાના વિસ્તારો દરિયાની સપાટી વધવા કરતાં દસ ગણી ઝડપથી ડૂબી રહ્યા છે. મુખ્યત્વે ભૂગર્ભજળના વધુ પડતા પમ્પિંગને કારણે એવું થઈ રહ્યું છે.
તેઓ કહે છે, "આજથી 100 વર્ષ પછી સમુદ્રની સપાટીમાં વધારો સૌથી મોટી સમસ્યા હશે, પરંતુ ત્યાં સુધી જમીનનું ફસકી જવાનું પ્રભુત્વ રહેશે અને તે નુકસાનમાં વધારો કરશે."
જાવાના ઉત્તર કિનારે "નવી ફૅક્ટરીઓ જમીન ફસકી જવાનું કારણ હોય એવી પાક્કી શક્યતા છે" એ વાત સાથે તેઓ સંમત થાય છે.
સમુદ્ર સામે વિરાટ દીવાલ

ઇમેજ સ્રોત, Ayomi Amindoni/BBC
ઉત્તર જાવાના કિનારા પરના સંકટ માટે ઔદ્યોગિક પ્રકલ્પો જવાબદાર હોવાનો ઇન્ડોનેશિયાના આર્થિક બાબતોના નાયબ સંકલન પ્રધાન ઍલેન સેટિયાદી ઇનકાર કરે છે.
તેઓ કહે છે, "જાવાના સમગ્ર ઉત્તર કિનારામાં જમીન ફસકી જવાની સમસ્યા છે અને સ્પેશિયલ ઇકોનનૉમિક ઝોનની સ્થાપના પહેલાંથી જ તે મોટી ચિંતાનો વિષય છે."
તેઓ જણાવે છે કે જે કંપનીઓ પર્યાવરણીય અસરના વિશ્લેષણ અને પૂર વ્યવસ્થાપન યોજનાઓ સહિતની શરતોનું પાલન કરે છે તેમજ સરકાર જાયન્ટ સી વૉલ પ્રોજેક્ટ વડે સમસ્યાનો સક્રિયપણે જવાબ આપી રહી છે.
રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ આશરે 500 કિલોમીટર લાંબી દરિયાઈ દીવાલ બનાવવાનો પ્રસ્તાવ ગયા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "આ કામમાં 20 વર્ષ થઈ શકે છે, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારે તત્કાળ શરૂઆત કરવી પડશે."
બાદમાં તેમણે દાવો કર્યો હતો કે એ વિશાળ દરિયાઈ દીવાલ જાવાના ઉત્તર કિનારા વિસ્તારમાં રહેતા પાંચ કરોડ લોકોને બચાવી શકે છે. આવું શક્ય હોવા છતાં પ્રસ્તુત દરખાસ્ત શંકાસ્પદ બની ગઈ છે.
ડૉ. એર્કેન્સ કહે છે, "તેનાથી પૂરના જોખમને દૂર કરવામાં મદદ મળી શકે, પરંતુ જમીન ડૂબવાની બાબતમાં કશું ન કરી શકે."
એવી જ રીતે ડૉ. ઍન્ડ્રેસ દલીલ કરે છે કે જાવાના ડૂબતા દરિયાકાંઠાને બચાવવા દીવાલ બાંધવામાં ખૂબ મોડું થઈ ગયું છે. તેને વાસ્તવિક સમસ્યા ગણવા તેઓ સરકારને વિનંતી કરે છે.
તેઓ કહે છે, "ભૂગર્ભજળના નિષ્કર્ષણનું નિયંત્રણ તે જ એકમાત્ર ઇલાજ છે."
(આ સ્ટોરી પુલિત્ઝર સેન્ટર સાથેના સહયોગથી કરવામાં આવી છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












