You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલદીવ ચીનને લીધે ફરીથી ભારતની નજીક આવી રહ્યું છે?
- લેેખક, જૅસ્મિન નિહલાની
- પદ, બીબીસી સંવાદદાતા
આ મહિનાની શરૂઆતમાં જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ દિલ્હી પ્રવાસ કર્યો ત્યારે ભારતે ચલણી સંકટમાંથી પસાર થઈ રહેલા આ દેશને 6305 કરોડ રૂપિયાની નાણાકીય મદદ કરવાનો વાયદો કર્યો હતો.
આ યાત્રામાં માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય પર્યટકોને તેમના દેશ આવવા માટે અપીલ પણ કરી હતી.
આ પ્રવાસ 2024માં બનેલા ઘટનાક્રમથી બિલકુલ ઊલટ હતો. મુઇઝ્ઝુએ જ તેમના રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના અભિયાનમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો.
વિવાદ
જાન્યુઆરી 2024માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લક્ષદ્વીપની યાત્રાએ ગયા ત્યારે એક વિવાદ શરૂ થયો હતો અને ટૂરિઝમ ડૅસ્ટિનેશન માટે માલદીવની સરખામણી લક્ષદ્વીપ સાથે કરવામાં આવી હતી.
આ મામલાએ ત્યારે રાજકીય વિવાદનું સ્વરૂપ લઈ લીધું જ્યારે માલદીવના મંત્રીઓએ ભારત અને પીએમ મોદી સામે વિવાદિત ટિપ્પણીઓ કરી હતી.
આ વિવાદ પછી ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સે માલદીવ જવાનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય પર્યટકોમાં ઘટાડો
આ વિવાદોને કારણે માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો હતો. માલદીવની અર્થવ્યવસ્થા પર્યટન પર ખૂબ જ નિર્ભર છે.
વર્ષ 2022માં માલદીવની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો 22.5 ટકા હતો.
2020થી 2023 સુધી, ભારત માલદીવમાં આવનારા પ્રવાસીઓની સંખ્યાના સંદર્ભમાં પ્રથમ ક્રમે હતું, પરંતુ 2024માં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું હતું.
2023માં જાન્યુઆરીથી ઑગસ્ટ વચ્ચે 1.35 લાખ ભારતીયોએ માલદીવની મુલાકાત લીધી હતી. 2024માં આ સંખ્યા ઘટીને 81,500 થઈ ગઈ એટલે કે 40%નો ઘટાડો થયો હતો.
પહેલા ચીન પ્રવાસીઓનો મુખ્ય સ્રોત હતો પરંતુ કોરોનાકાળ દરમિયાન ચીની પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો અને 2024માં ચીન ટોચના સ્થાને પહોંચ્યું.
આર્થિક સંકટ
માલદીવનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે.
સપ્ટેમ્બર 2024ના અંતે માલદીવના વિદેશી હૂંડિયામણના અનામતમાં માત્ર 371 મિલિયન ડૉલર જ બચ્યા હતા. ડિસેમ્બર 2013 પછી આ સૌથી નીચેના સ્તરે છે.
આ વિદેશી વિનિમય અનામત માત્ર એક મહિના માટે દેશના આયાત બિલને આવરી લેવા માટે પૂરતું છે.
IMFનું કહેવું છે કે દેશો પાસે ત્રણ મહિનાના આયાત બિલને આવરી લેવા માટે પૂરતો વિદેશી હૂંડિયામણ અનામત હોવું જોઈએ.
ચીન પર કેટલી નિર્ભરતા
મે 2024માં IMFએ માલદીવને દેવું વધવા અંગે ચેતવણી આપી હતી.
માલદીવનું કુલ દેવું 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી જીડીપીના 110% આસપાસ હતું. માલદીવમાં સરકારી દેવું તેને કહેવાય છે જ્યારે સરકાર ખર્ચ કરવા માટે નાણાં ઉછીનાં લે છે.
લાંબા સમયથી ચીન આ દેશને સૌથી વધુ વિદેશી ધિરાણ આપતું રહ્યું છે.
2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલદીવના વિદેશી દેવામાં ચીનની નિકાસ આયાત બૅન્કનો હિસ્સો 20 ટકા હતો અને બૉન્ડધારકોનો હિસ્સો 20 ટકા હતો. આ સિવાય 18 ટકા ભારતની ઍક્સપૉર્ટ ઇમ્પૉર્ટ બૅન્કની લોન છે.
જો કુલ ધિરાણમાં કોઈ એક દેશનો સૌથી વધુ હિસ્સો હોય, તો દેવાની જાળમાં ફસાઈ જવાની વધુ સંભાવના છે, કારણ કે ધિરાણકર્તા પછી પોતાનાં હિત સાધવામાં સફળ થાય છે.
ભારત પરની નિર્ભરતા
માલદીવની ભારત પરની નિર્ભરતા પણ ઓછી નથી.
માલદીવમાં માત્ર 10% ખાદ્યપદાર્થોનું સ્થાનિક રીતે ઉત્પાદન થાય છે.
તેથી જ માલદીવ અનાજ અને અન્ય ખાદ્યચીજોની આયાત માટે 100% નિર્ભર છે.
એ જ રીતે, સંબંધોમાં તણાવ હોવા છતાં, પ્રવાસન અને વિદેશી લોન માટે ચીન પર વધુ નિર્ભરતાને કારણે માલદીવ માટે ભારત એક મહત્ત્વપૂર્ણ પાડોશી દેશ છે.
2023ના ડેટા અનુસાર, માલદીવની 16% આયાત ભારતમાંથી થઈ હતી, જે ઓમાન, UAE અને ચીન પછી સૌથી વધુ છે.
છેલ્લાં 10 વર્ષના વેપારના આંકડા દર્શાવે છે કે આયાત માટે માલદીવની ભારત પર નિર્ભરતા સતત વધી રહી છે.
માલદીવ દવાઓ અને ખાદ્યપદાર્થો માટે ભારત પર અતિશય નિર્ભર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન