You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલદીવના ભારતવિરોધી મનાતા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ ભારત પાસેથી શું ઇચ્છે છે?
- લેેખક, અનબરાસન એથિરાજન
- પદ, પ્રાદેશિક સંપાદક, દક્ષિણ એશિયા, બીબીસી
માલદીવાના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ બીબીસીને જણાવ્યું છે કે તેમને વિશ્વાસ છે કે માલદીવને આર્થિકસંકટમાંથી ઉગારવા માટે ભારત પહેલ કરશે અને તેને મદદ કરશે.
માલદીવ ઉપર ભારે દેવું છે, જેના કારણે હાલમાં તેણે ભારે આર્થિકસંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં માલદીવ પાસે 44 કરોડ ડૉલરનું વિદેશીભંડોળ વધ્યું હતું, જેના દ્વારા માત્ર દોઢ મહિનાની આયાત થઈ શકે તેમ છે.
એવું માનવામાં આવે છે કે મુઇઝ્ઝુ તેમની ભારતયાત્રા દરમિયાન આર્થિકમદદની માગ કરશે.
મુઇઝ્ઝુની પાંચદિવસની ભારતયાત્રા રવિવારથી શરૂ થઈ, જે 10મી ઑક્ટોબર સુધી ચાલશે.
બીબીસીને ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
પોતાની ભારતયાત્રા સંદર્ભે મુઇઝ્ઝુએ બીબીસીને ઈ-મેલ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું, "ભારત અમારા વિકાસના સૌથી મોટા ભાગીદારોમાંથી એક છે અને અમારી પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ છે. અમને આશા છે કે ભારત અમારી સામે આવનારા દરેક પડકારના સારા વિકલ્પ અને ઉકેલ શોધવા માટે હંમેશાં તૈયાર રહેશે."
છેલ્લા કેટલાક સમયથી ભારત-માલદીવના સંબંધમાં તણાવ વકર્યો છે. ખુદ મુઇઝ્ઝુએ 'ઇન્ડિયા આઉટ'નો નારો આપીને ચૂંટણી લડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિએ આ અભિયાન વિશે પ્રત્યક્ષ રીતે તો કશું નથી કહ્યું, પરંતુ તેમનું કહેવું છે કે કોઈપણ વિવાદને પરસ્પર સંવાદ દ્વારા ઉકેલી શકાય છે.
માલદીવની આર્થિકસ્થિતિને જોતાં મુઇઝ્ઝુની ભારતયાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તાજેતરના સમયમાં બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં સત્તાપરિવર્તનને પગલે ભારત માટે માલદીવ સાથેના સંબંધોમાં સુધારનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
મુઇઝ્ઝુ ગતવર્ષે સત્તારૂઢ થયા હતા. મુઇઝ્ઝુની દ્વિપક્ષી વાટાઘાટો માટે તેમની આ પ્રથમ ભારતયાત્રા છે.
મુઇઝ્ઝુએ ચૂંટણીપ્રચાર દરમિયાન માલદીવ ઉપરથી ભારતની અસરને ઓછી કરવાની વાત કહી હતી. જાણકારોના કહેવા પ્રમાણે, મુઇઝ્ઝુની ભારતયાત્રાથી સ્પષ્ટ થઈ ગયું છે કે માલદીવ તેના વિશાળ પાડોશી દેશને અવગણી શકે તેમ નથી.
વિવાદના વાવેતર
સપ્ટેમ્બર-2024માં વૈશ્વિક ક્રૅડિટ રૅટિંગ એજન્સી મૂડીઝે માલદીવનું રૅટિંગ ઘટાડ્યું હતું અને નોંધ્યું હતું કે "માલદીવ નાદારી નોંધાવે એની શક્યતા ખૂબ જ વધી ગઈ છે."
ભારતની આર્થિકમદદથી માલદીવના વિદેશી મુદ્રાભંડારમાં વધારો થશે. મુઇઝ્ઝુએ ભારત આવતાં પહેલાં તુર્કી અને ચીનની યાત્રા કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
મુઇઝ્ઝુએ જાન્યુઆરી મહિનામાં બંને દેશોની યાત્રા ખેડી ત્યારે તેને ભારતના ઉચ્ચસ્તરીય કૂટનીતિક અપમાન તરીકે તેનું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
અગાઉ માલદીવના નેતા ચૂંટણી જીત્યા પહેલાં સામાન્યતઃ સૌ પહેલાં ભારતની યાત્રા ખેડતા.
મુઇઝ્ઝુ સત્તા ઉપર આવ્યા, એ પછી ભારત સાથે વિવાદ થયો હતો. તેમના મંત્રીઓ તથા કેટલાક નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
એ અરસામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની યાત્રા ખેડી હતી. તેમણે કહ્યું હતું કે 'જે લોકો રૉમાંચ ઇચ્છે છે, તેમણે લક્ષદ્વીપ આવવું જોઈએ.'
એ પછી માલદીવમાં અનેક લોકોએ બંને જગ્યાની સરખામણી કરીને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
વૅસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને માલદીવની બાબતોના નિષ્ણાત અઝીમ ઝહીરના કહેવા પ્રમાણે, "મુઇઝ્ઝુની યાત્રા અનેક રીતે મોટા પરિવર્તનની સૂચક છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારત ઉપર માલદીવ કેટલો બધો મદાર રાખે છે. અન્ય કોઈ દેશ તેને સરળતાથી પૂર્ણ નહીં કરી શકે."
ભારતની મદદની માલદીવને જરૂર કેમ?
માલદીવ હિંદ મહાસાગરની મધ્યે આવેલું છે અને તે એક હજાર 200 જેટલા દ્વીપનો સમૂહ છે.
માલદીવની વસતિ પાંચ લાખ આસપાસ છે, જ્યારે ભારતની વસતિ 140 કરોડ જેટલી છે.
માલદીવ તેનાં ખાન-પાન, માળખાકીય સુવિધાઓના નિર્માણ તથા આરોગ્યલક્ષી સેવાઓ માટે મહદંશે તેના પાડોશી દેશ ભારત ઉપર નિર્ભર છે.
મુઇઝ્ઝુની ભારતયાત્રા દરમિયાન આર્થિક પૅકેજ વિશે ચર્ચા થશે, તેના વિશે ભારત કે માલદીવે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી, છતાં એવું માનવામાં આવે છે કે તેના વિશે ચર્ચા થશે.
માલદીવના એક વરિષ્ઠ સંપાદકે નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું, "મુઇઝ્ઝુ તેમની યાત્રા દરમિયાન મુખ્યત્વે આર્થિક સહાયતા અને દેવું ચૂકવવા માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તથા લૉન મેળવવા ઇચ્છશે."
મૂડીઝના રિપોર્ટ મુજબ, "સરકારનાં દેવાંની સામે માલદીવ પાસે વિદેશી ભંડોળ ખૂબ જ ઓછું છે. જે વર્ષ 2025માં 60 કરોડ ડૉલર તથા વર્ષ 2026માં એક અબજ ડૉલરને પાર કરી જશે."
માલદીવનું જાહેરદેવું લગભગ આઠ અબજ ડૉલર છે, જેમાં ભારત અને ચીનનાં લગભગ એક અબજ 40 કરોડ ડૉલરનાં દેવાંનો સમાવેશ થાય છે.
સંપાદકના કહેવા પ્રમાણે, "મુઇઝ્ઝુએ અનેક વખત જાહેરમાં કહ્યું છે કે ચીને લૉન ચૂકવવામાં પાંચ વર્ષની રાહત આપી છે, છતાં માલદીવને ચીન તરફથી કોઈપણ પ્રકારની મદદ મળી નથી."
માલદીવનું વ્યૂહાત્મક મહત્ત્વ
ભારતનો માલદીવ ઉપર લાંબા સમયથી પ્રભાવ રહ્યો છે. માલદીવ વ્યૂહાત્મકસ્થળે આવેલું હોવાથી, હિંદ મહાસાગરનાં મહત્ત્વપૂર્ણ સ્થાનો ઉપર નજર રાખી શકાય છે.
મુઇઝ્ઝુ ચીનની નજીક જઈને યથાસ્થિતિમાં પરિવર્તન ઇચ્છતા હતા. મુઇઝ્ઝુએ જાન્યુઆરી મહિનામાં ભારતને તેના 80 સૈનિક પરત બોલાવી લેવા અલ્ટિમૅટમ આપ્યું હતું.
ભારતનું કહેવું હતું કે આ કર્મચારીઓ બે બચાવ અને તપાસ હૅલિકૉપ્ટર તથા ડૉનિયર વિમાનને ચલાવવા અને તેની સંભાળ રાખવાનું કામ કરતા હતા. ભારતે વર્ષો પહેલાં આ સાધનો માલદીવને સહાયપેટે આપ્યા હતા.
બંને દેશો છેવટે સંચાલન માટે સૈનિકોના બદલ ભારતના સિવિલ ટેક્નિકલ સ્ટાફને રાખવા માટે સહમત થયા હતા.
મુઇઝ્ઝુની સરકારે પદભાર સંભાળ્યાના પહેલા મહિનામાં જ ભારત સાથેના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરારને આગળ નહીં વધારવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
અગાઉની સરકારે માલદીવની હદવિસ્તારમાં આવતાં દરિયાતળનો નક્શો તૈયાર કરવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
મુઇઝ્ઝુના ત્રણ નાયબમંત્રીઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘસાતી ટિપ્પણી કરી હતી અને તેમને "ઇઝરાયલની કઠપૂતળી" સુદ્ધા કહ્યા હતા. જેના કારણે ભારે વિવાદ થયો હતો.
માલદીવની સરકારે આ ટિપ્પણીઓને 'વ્યક્તિગત' જણાવીને તેનાથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ત્રણેય મંત્રીઓને મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.
ભારતના સોશિયલ મીડિયા ઉપર માલદીવનો બહિષ્કાર કરવાની માગ થવા લાગી હતી.
મુઇઝ્ઝુએ તેના ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "અમે (કદમાં) નાના છીએ, પરંતુ એનાથી અમને ધમકાવવાનું લાઇસન્સ તમને નથી મળી જતું."
ચીન સાથે નિકટતા
મુઇઝ્ઝુની સરકારે ચીનના શોધ જહાજ જિયાંગ યાંગ હૉંગ-3ને પોતાના બંદરે લાંગરવાની મંજૂરી આપી હતી, જેના કારણે ભારત ખૂબ જ નારાજ થયું હતું.
કેટલાક લોકોના મતે આ ચીન દ્વારા હાથ ધરવામાં આવેલું ડૅટા એકત્રીકરણ અભિયાન હતું. ચીનની સેના દ્વારા ભવિષ્યનાં સબમરીન અભિયાનો માટે આ ડૅટાનો ઉપયોગ થઈ શકે છે.
જૂન મહિનામાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન બન્યા. મુઇઝ્ઝુ આ શપથગ્રહણના કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેના કારણે બંને દેશોના સંબંધોમાં સુધાર થયો હતો.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઑગસ્ટ મહિનામાં માલદીવની યાત્રા ખેડી હતી, એ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રાણસંચાર થયો હતો.
જયશંકરના કહેવા પ્રમાણે, "માલદીવ અમારી 'પાડોશી પહેલાંની નીતિ'ના આધારસ્તંભોમાંથી એક છે."
તેમણે કહ્યું હતું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં સંક્ષેપમાં કહીએ તો – ભારત માટે પાડોશની પ્રાથમિકતા છે અને પાડોશમાં માલદીવ પ્રાથમિકતા છે."
ભારત માટે બંને દેશોના સંબંધમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન છે, કારણ કે તાજેતરમાં જ બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન થયું છે અને ભારતનાં નિકટનાં મિત્ર શેખ હસિનાની સરકારનું પતન થયું છે.
કેપી શર્મા નેપાળના નવા વડા પ્રધાન બન્યા છે. તેમની ઓળખ ભારતની નીતિઓના ટીકાકાર તરીકેની રહી છે.
મુઝ્ઝુને અહેસાસ થઈ ગયો છે કે તેમની પાસે ભારતને નારાજ કરવાનો કોઈ વિકલ્પ નથી અને તેમનું આ વ્યવહારિક વલણ અકારણ પણ નથી.
ગત વર્ષમાં માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં 50 હજાર જેટલો ઘટાડો થયો છે, જેના કારણે ટાપુરાષ્ટ્રને લગભગ 15 કરોડ ડૉલરનું નુકસાન થયું છે.
મુઇઝ્ઝુ જાણે છે કે ભારત દ્વારા આર્થિકમદદ કરવામાં નહીં આવે તો "પૅરેડાઇઝ લૉસ્ટ" થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન