મહિલા ટી-20 વર્લ્ડકપ : ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું, અરુંધતી રેડ્ડી અને શેફાલી વર્માએ જીત કેવી રીતે જીત અપાવી?

દુબઈમાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની સાતમી મૅચમાં ભારતે તેના પરંપરાગત હરીફ પાકિસ્તાનને છ વિકેટે પરાજય આપ્યો હતો.

વર્લ્ડ કપની પહેલી જ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે પરંપરાગત હરીફ પાકિસ્તાનને હરાવીને આ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવ્યો છે.

યુએઈના 'દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ' ખાતે આયોજિત વિશ્વશ્રેણીમાં ફાતિમા સનાના નેતૃત્વમાં રમતા પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 105 રનનો સ્કોર ખડક્યો હતો.

ભારતે આ લક્ષ્યાંક માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી શેફાલી વર્મા અને કૅપ્ટન હરમનપ્રીત કૌરે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.

રેડ્ડીને પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાનની ઇનિંગ

પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પોતાની પહેલી મૅચમાં શ્રીલંકાને હરાવીને ટુર્નામેન્ટમાં સકારાત્મક શરૂઆત કરનાર પાકિસ્તાનની બીજી મૅચની શરૂઆત ખાસ સારી નહોતી રહી.

પાકિસ્તાનનો સ્કૉર છ રન હતો, ત્યારે પહેલી વિકેટ પડી હતી. ત્યારબાદ એક પછી એક વિકેટો ખરતી રહી હતી.

એક તબક્કે માત્ર 52 રનના સ્કૉરે પાકિસ્તાનની પાંચ મહત્ત્વપૂર્ણ વિકેટો પડી ગઈ હતી.

પાકિસ્તાનનાં વિકૅટકીપર અને ઑપનર મુબીના અલીએ 17 રન, ગુલ ફેરોઝાએ શૂન્ય, સિદરા અમીને આઠ તથા ઓમિમા સોહેલે ત્રણ રન કર્યાં હતાં.

પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધુ 28 રન ફટકાર્યા હતા, જ્યારે ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ સૌથી વધુ ત્રણ વિકેટ (19 રન) લીધી હતી. આ સિવાય રેણુકા સિંહ, દિપ્તી શર્મા અને શ્રેયાંકા પાટીલે પણ વિકેટો લીધી હતી.

ભારતની ઇનિંગ

ભારતે તેનો પહેલો મૅચ ન્યૂઝીલૅન્ડ સામે રમ્યો હતો, જેમાં તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ પછી તેની ઉપર પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમવાનું મનોવૈજ્ઞાનિક દબાણ હતું.

ભારતીય ટીમ 106 રનના લક્ષ્યાંકને પાર કરવાના લક્ષ્યાંક સાથે મેદાન ઉપર ઊતરી હતી. પરંતુ તેની શરૂઆત સારી નહોતી રહી. માત્ર 18 રને પહેલી વિકેટ ગુમાવી દીધી હતી.

સ્મૃતિ મંધાના માત્ર આઠ રન બનાવી શક્યાં હતાં. સાદિયા ઇકબાલે તેમની વિકેટ ખેરવી હતી.

શેફાલી વર્માએ ભારત તરફથી સૌથી વધુ 35 દડામાં 32 રન ફટકાર્યાં હતાં. જ્યારે ભારતની ટીમ વિજયના લક્ષ્યાંકથી માત્ર બે રન દૂર હતી, ત્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌર 29 રનના વ્યક્તિગત સ્કૉરે રિટાયર્ડ હર્ટ થયાં હતાં.

ભારતીય ટીમની આગામી મૅચો ક્યારે છે?

ભારતની આગામી મૅચ 9 ઑક્ટોબરે શ્રીલંકા સામે છે. ત્યારબાદ 13 ઑક્ટોબરે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે રમશે.

ટી20 વર્લ્ડકપની ફાઇનલ 20 ઑક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા એક જ ગ્રૂપમાં છે

ભારત જે ગ્રૂપમાં છે તેમાં કઠિન સ્પર્ધા જોવા મળશે.

ગ્રૂપ 'એ'માં ભારતને ઑસ્ટ્રેલિયાની સાથે ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાનો પડકાર હશે. ગ્રૂપ 'બી'માં ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને સ્કૉટલૅન્ડનો સમાવેશ થાય છે.

જૂથમાંની ટીમો એકબીજા સાથે રાઉન્ડ રૉબિન ફેશનમાં એટલે કે એક વખત રમશે. દરેક ગ્રૂપમાં ટોચની બે ટીમો પછી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

સેમિફાઇનલ 17 અને 18 ઑક્ટોબરે રમાશે જ્યારે ફાઇનલ 20 ઑક્ટોબરે રમાશે.

ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની સ્થિતિ

ટી20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા મહિલા પ્રદર્શન પ્રભુત્વના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.

2009 થી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મહિલા ટી20 વર્લ્ડકપનું આયોજન કરી રહી છે.

અત્યાર સુધી યોજાયેલા 8 મહિલા ટી20 વર્લ્ કપમાંથી 6 વર્લ્ડકપ એકલા ઑસ્ટ્રેલિયા દ્વારા યોજવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયા છેલ્લા ત્રણ ટી-20 વર્લ્ડકપ જીત્યું છે.

ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ અને ખિતાબ એક નિશ્ચિત સમીકરણ હોય તેમ લાગે છે.

ઑસ્ટ્રેલિયાના ખિતાબ જીતવાના રેકૉર્ડની નજીક કોઈ આવી શક્યું નથી. 8માંથી 6 વર્લ્ડકપ એકલા ઑસ્ટ્રેલિયાના નામે છે.

2007માં ઇંગ્લૅન્ડ અને 2016માં વેસ્ટ ઇન્ડિઝે જીતેલા ખિતાબને બાદ કરતાં ઑસ્ટ્રેલિયાએ દરેક વખતે ટી20 વર્લ્ડકપમાં પોતાનું નિર્વિવાદ વર્ચસ્વ સાબિત કર્યું છે.

તેથી આ વખતે પણ ઑસ્ટ્રેલિયાને ખિતાબ માટે મુખ્ય દાવેદાર માનવામાં આવે તે સ્વાભાવિક છે. ટી20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાનું પ્રદર્શન સપના જેવું રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.