You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમાસની રાતે વેરાન પ્રદેશોમાં વીંછીનું ઝેર કાઢવા જતી ટુકડીને શું મળ્યું?
- લેેખક, ઉમર નાંગિયાના
- પદ, બીબીસી ઊર્દૂ
જ્યારે હું વાનમાંથી અતિશય અંધારામાં અને શુદ્ધ હવા ધરાવતા પહાડોમાં ઊતર્યો ત્યારે હું ખડકાળ પ્રદેશોમાં ઊતર્યો હોવ તેવું હું રીતસર અનુભવી શકતો હતો.
આગળ વધતાં પહેલાં મારી આગળ ચાલી રહેલા ત્રણ લોકોએ પારજાંબલી પ્રકાશ ફેંકતી ટૉર્ચ શરૂ કરી અને એ સાથે જ અમારી આસપાસ રહેલી વેરાન અને ઉજ્જડ જમીનનો સરવે શરૂ થયો.
દરેક વ્યક્તિ પાસે લાંબા મોટા ચીપિયાની જોડી, ઘૂંટણ સુધીના શૂઝ, લાંબી બાંયનો શર્ટ અને યુવી-પ્રોટેક્શન ગૉગલ્સ હતાં.
આ સંશોધકો મધ્ય પાકિસ્તાનમાં આવેલી યુનિવર્સિટી ઑફ ઍજ્યુકેશન, લાહોરના હતા. અમે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં તૌંસા સિટી નજીક આવેલી કોહ-એ-સુલેમાન પર્વતમાળા પર હતા.
આ જગ્યા વીંછીઓ અને ઝેરીલા સાપ શોધવા માટેની આદર્શ જગ્યા ગણાય છે.
હું થોડો આગળ વધ્યો ત્યાં જ ડૉ. મોહસિન અહસાને કહ્યું કે, "અહીં તે (વીંછી અને સાપ) વિપુલ પ્રમાણમાં મળી આવે છે અને એટલે જ આપણે અહીં આવ્યા છીએ."
ડૉ. અહસાન અને તેમની ટીમ પાકિસ્તાનમાં મળી આવતાં ઘાતકમાં ઘાતક વીંછીને શોધી રહ્યા છે. તેઓ તેમના ઝેરનો ઉપયોગ તબીબી સંશોધનો માટે કરવા ઇચ્છે છે.
વીંછીને કઈ રીતે પકડવામાં આવે છે?
વીંછી અને સાપની શોધમાં નીકળેલા આ સંશોધકો અતિશય અનુભવી છે. આ કામમાં અતિશય ગરમી ધરાવતાં પ્રદેશોમાં જવું, સાપ કરડવાનું અતિશય જોખમ, અને કાળી પૂંછડીવાળા વીંછી કરડવાનું જોખમ જેવા પડકારો હોવા છતાં તેઓ છેલ્લા દસ વર્ષથી વીંછીઓને જીવતા પકડવાનું કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઝેર ચેતાતંત્ર પર સીધો હુમલો કરે છે, જેના કારણે પેરેલિસિસ થઈ શકે છે અને શ્વસનતંત્ર બંધ પણ પડી શકે છે.
ડૉ. અહસાન કહે છે, "પરંતુ અમારા માટે આ સૌથી મહત્ત્વની પ્રજાતિઓ છે, જેનું ઝેર ખૂબ મહત્ત્વનું છે. આવા વીંછીઓને શોધવા માટે આજે રાત્રિ જેવી ચંદ્રવિહીન અંધારી રાત સૌથી અનુકૂળ પરિસ્થિતિ છે."
સૂર્ય આથમી જાય તે પછી તરત જ વીંછીઓ તેમની બખોલમાંથી બહાર આવે છે અને ત્રણથી ચાર કલાક સુધી જીવડાંઓ અને તેમનો અન્ય ખોરાક શોધે છે.
થોડી જ વાર પછી આ ટુકડીમાંથી એક વૈજ્ઞાનિક સંકેત આપે છે. પારજાંબલી પ્રકાશની રિંગમાં કોઈ પદાર્થ લીલો ચમકી રહ્યો હતો.
ડૉ. અહસાન બારીકાઈથી જોઇને કહે છે, "એ કાળી જાડી પૂંછવાળો વીંછી છે."
એ ખૂબ મોટો અંદાજે 10 સેમી જેટલો લાંબો વીંછી હતો જેને જાડી પૂંછ હતી તથા તેની પકડ પણ ખૂબ મોટી હતી. કાળું ઝેર તેના ડંખની પાછળ જ ચમકી રહ્યું હતું.
આવા વીંછી સેકન્ડોમાં જ બહાર આવે છે, જીવાતોને દબોચીને ડંખ મારે છે અને પછી ઝડપથી બખોલમાં જતાં રહે છે. આ બધું જાણે કે ઘડીના છઠ્ઠા ભાગમાં થાય છે.
વીંછીમાં રહેલાં હ્યાલિનને કારણે વીંછી પારજાંબલી પ્રકાશમાં ચમકે છે એવું ડૉ. અહસાન કહે છે.
તેઓ વીંછીની બખોલમાં હાથ નાખે છે અને તેને લાંબા ચીપીયાથી પકડી લઇને કન્ટેનરમાં નાખે છે. વીંછી તેમના શિકારથી બચી શકતો નથી.
શોધખોળ મધ્યરાત્રિ સુધી ચાલે છે. અંદાજે ટીમ ડઝનેક વીંછીને પકડે છે જેમાં ઇન્ડિયન રેડ અને અરેબિયન્સ પ્રજાતિની વીંછી તથા કાળી જાડી પૂંછડીવાળા વીંછી સામેલ છે.
વીંછીનું ઝેર આટલું મોંઘું કેમ હોય છે?
આ વખતે વીંછી શોધવા જતાં કોઈ અકસ્માત થયો નથી. હકીકતમાં, આ પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી માત્ર એક જ ગંભીર અકસ્માત સામે આવ્યો છે. એક પીએચડી કરી રહેલા વિદ્યાર્થીને પીળી જાડી પૂંછડીવાળા વીંછીએ ડંખ માર્યો હતો. આ વીંછી એ અતિશય લડાયક ઍન્ડ્રોક્ટૉનસ પ્રજાતિના હોય છે.
યુનિવર્સિટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. મોહમ્મદ તાહિર કહે છે, "તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પણ રાહતની વાત એ હતી કે તે એટલું ગંભીર ન બન્યું."
તેઓ કહે છે, "અમે તે જગ્યાએ બરફ લગાવી દીધો હતો અને ડૉક્ટરોએ તેમને પેઇનકિલર આપી હતી."
વીંછીના ડંખની અસર નાબૂદ કરવા માટેની દવાઓ ઉપલબ્ધ છે પરંતુ તે સામાન્ય રીતે પાકિસ્તાનમાં ઉપલબ્ધ નથી.
ડૉ. તાહિર કહે છે, "વીંછીનું ઝેર એ વિશ્વનું સૌથી મોંઘામાં મોંઘું દ્રવ્ય છે."
તેઓ કહે છે, "ઘણા અહેવાલો કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક લિટર વીંછીના ઝેરના લાખો મિલિયન ડૉલર મળે છે."
તેમની આટલી ઊંચી કિંમત મળવાનું કારણ તેમની દુર્લભતા છે.
વીંછીને દૂધ પાઈને ઝેર કેવી રીતે મેળવવામાં આવે છે?
યુનિવર્સિટીના ફૈસલાબાદ કૅમ્પસમાં પકડાયેલા વીંછીઓને અલગ કન્ટેનરમાં રાખવામાં આવ્યા છે. કારણ કે તેઓ એકબીજાને ખાઈ જાય છે. તેમને અનુકૂળ થવા માટે થોડા દિવસો આપવામાં આવે છે, અને પછી તેમને તેમના ઝેર માટે દૂધ પીવડાવવામાં આવે છે. એક સમયે એક નાનું ટીપું દૂધ આપવામાં આવે છે.
ડઝનેક વીંછીને એક વખત દૂધ આપવામાં આવે ત્યારે માત્ર થોડા માઇક્રોગ્રામ ઝેર મળે છે. આ ઝેરને માઈનસ 86C તાપમાને ખાસ ફ્રીઝરમાં સંગ્રહિત કરવું પડે છે.
આ અત્યંત મૂલ્યવાન પ્રવાહી અલબત્ત, વેચાણ માટે તો નથી. યુનિવર્સિટીના આ પ્રૉજેક્ટને સરકારની મંજૂરી છે અને તેઓ તેમના પોતાના સંશોધન માટે ઝેરનો ઉપયોગ કરે છે. તેઓ પાકિસ્તાન અને વિદેશની અન્ય સંસ્થાઓના સહયોગીઓને પણ ઝેર આપે છે.
પાકિસ્તાનમાં વીંછીના અન્ય શિકારીઓ પણ છે. દાણચોરો ગામડાંના લોકોને છેતરીને કામ કરવા માટે ફસાવે છે.
ડૉ. અહેસાન કહે છે, "આ લોકોને કહેવામાં આવ્યું છે કે જો તેઓ 80 ગ્રામ અથવા 100 ગ્રામ વજનના વીંછીને પકડી શકે તો તેમને લાખો રૂપિયા ઈનામમાં આપવામાં આવશે."
હકીકતમાં આટલી મોટી સાઇઝના વીંછી હોતા જ નથી પરંતુ તેઓ કહે છે કે ગામડાંઓના લોકોને આવી ખબર નથી.
સહેલાઈથી નાણાં મળી રહે તેના માટે તેઓ જે પણ વીંછીઓ શોધી શકે છે તેને પકડવાનું શરૂ કરે છે. પરંતુ તેમણે પકડેલાં વીંછીનું વજન દાણચોરો દ્વારા નિર્દિષ્ટ કરેલા આંકડા કરતાં અનિવાર્યપણે ઘણું ઓછું હોવાથી, તેમને માત્ર થોડાં રૂપિયા જ ચૂકવવામાં આવે છે.
ડૉ. અહેસાન કહે છે, "પરંતુ પછી દાણચોરો આ વીંછીઓને રાખે છે અને પાકિસ્તાનની બહાર કાળાબજારમાં વેચે છે, જ્યાં તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ, સંશોધન કરતા લોકો અને અન્ય લોકો જે કે જેઓ વીંછીને પાલતુ પ્રાણી તરીકે રાખવા માંગે છે તેને વેચે છે."
વીંછીનું ઝેર અત્યંત ઝેરી હોવા છતાં તે દવામાં ઉપયોગ માટે પ્રબળ સંભાવના ધરાવે છે તેવું માનવામાં આવે છે.
ડૉ. અહેસાન કહે છે કે યુનિવર્સિટીએ અલ્બીનો ઉંદર પર ટ્રાયલ હાથ ધર્યા છે જે સૂચવે છે કે ઝેરમાં રહેલા સંયોજનો કૅન્સરના કોષો સામે લડવામાં મદદ કરી શકે છે. તે કૅન્સરના કોષોની વૃદ્ધિને અવરોધે છે અને કોષોને મૃત બનાવે છે.
અભ્યાસ પૂર્ણ થયા પછી તેઓ તેમના પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવા માગે છે.
વીંછીનું ઝેર ક્યાં ઉપયોગમાં આવે છે?
ડૉ. તાહિર સમજાવે છે કે ઝેર પીડાની સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે.
તેઓ સમજાવે છે, "કેટલાક ઝેરમાં પેપ્ટાઇડ્સ હોય છે જે ચેતાતંત્રમાં પીડા કે દર્દના સિગ્નલોને અવરોધિત કરી શકે છે, જે ક્રૉનિક પીડાને સંચાલિત કરવા માટે એક આશાસ્પદ માર્ગ પ્રદાન કરે છે."
વેનમ પેપ્ટાઇડ્સમાં પણ બળતરા ઘટાડવાની ક્ષમતા હોવાનું જાણવા મળ્યું છે.
જીસી લાહોર યુનિવર્સિટીની એક ટીમ આ પેપ્ટાઇડ્સને ઝેરમાંથી અલગ તારવે છે અને પછી તેઓ કેટલી સારી રીતે કામ કરે છે તે નક્કી કરવા માટે ટ્રાયલ કરે છે. ડૉ. તાહિર કહે છે કે તેમણે આશાસ્પદ પરિણામો પ્રાપ્ત કર્યાં છે અને તેમને આશા છે કે આ સંશોધન ભવિષ્યમાં નવી ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી દવાઓમાં પરિણમશે.
તેમની દેખરેખ હેઠળ કામ કરતા સંશોધકોની એક ટીમ પણ વીંછીના કરડવા માટે મારણ વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેઓ પાકિસ્તાનના ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા વીંછીની પ્રજાતિઓનું જીઓ-ટેગિંગ કરે છે અને તેમને ઓળખે છે. ત્યારપછી આ વીંછીનું ઝેર કેટલું કાતિલ છે તે જોવા માટે તેને પ્રાણીઓમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
ડૉ તાહિર કહે છે, "એકવાર અમે તે ચોક્કસ પ્રજાતિના ઝેરની અસર નક્કી કરી લઇએ તે પછી અમે તે જ વિસ્તારમાંથી અમુક છોડ અને નીંદણ લઈએ છીએ અને વીંછીની તે પ્રજાતિ માટે મારણ તૈયાર કરીએ છીએ." સંભવિત મારણ પછી તે અસરકારક છે કે કેમ તે જોવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવે છે.
આ ટીમને આશા છે કે તેમનું કાર્ય સુનિશ્ચિત કરશે કે જીવન બચાવનારું વીંછીના ઝેરનું મારણ પાકિસ્તાનમાં જ એક દિવસ ઉપલબ્ધ થશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)