અલંગ : રાતા સમુદ્રના સંકટને લીધે ગુજરાતમાં જહાજો ભાંગવાના ધંધા પર કેવી અસર થઈ?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, અલંગ, ભાવનગર

રેડ સી એટલે કે રાતા સમુદ્રમાંની ‘કટોકટીના પડઘા’ ગુજરાતના અર્થતંત્રમાં પડી રહ્યા છે.

આ કટોકટીને કારણે અલંગ-સોસિયા શિપ રિસાઇકલિંગ યાર્ડ (એએસએસઆરવાય)માં ઓછાં જહાજો તોડાવાં માટે આવી રહ્યાં છે અને તેની ગુજરાતમાં રોજગાર તેમજ અસંખ્ય સંબંધિત ઉદ્યોગો તેમજ વેપાર પર નકારાત્મક અસર થઈ છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, “હૂતી બળવાખોરો દ્વારા રેડ સીમાં જહાજો પરના હુમલાને કારણે સપ્લાય-ચેઇનમાં ડિસેમ્બરના મધ્યથી વિક્ષેપ સર્જાયો છે. તેને કારણે જહાજ કંપનીઓને રૂટ્સ તથા સમયપત્રક બદલવાની ફરજ પડી છે. આ ગોઠવણને કારણે વધારાની ક્ષમતાના ઉપયોગમાં મદદ મળી છે.”

વર્લ્ડ બૅન્કના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના 30 ટકા કન્ટેનર ટ્રાફિક માટે રાતો સમુદ્ર એક મહત્ત્વપૂર્ણ દરિયાઈમાર્ગ છે.

શિપિંગ રૂટ્સ લાંબા થવાને કારણે કંપનીઓ વધારે નૂર વસૂલે છે. પરિણામે શિપિંગ કંપનીઓ તેમનાં જહાજોને રિસાઇકલિંગ માટે મોકલવાને બદલે સમારકામ કરાવીને કાર્યરત્ રાખવાનું પસંદ કરે છે.

શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ બીબીસીને કહ્યું હતું, “રેડ સીના રૂટમાં વિક્ષેપ સર્જાયો ત્યારથી જહાજોની સંખ્યામાં તબક્કા વાર ઘટાડો થયો છે.”

સંગઠનના માનદમંત્રી અનિલ જૈને ઉમેર્યું હતું કે 10-15 દિવસને બદલે હવે જહાજોએ દોઢથી બે મહિના પ્રવાસ કરવો પડે છે. પરિણામે નૂર દરમાં વધારો થયો છે અને અલંગમાં રિસાઇકલિંગ માટે આવતાં જહાજો હજુ પણ દરિયામાં અટવાયેલાં છે.

ગુપ્તાએ ઉમેર્યું હતું, “શિપિંગ કંપનીઓ જરૂરી સમારકામ કરાવે છે અને કામકાજ ચાલુ રાખે છે.”

રેડ સીની કટોકટી શું છે?

‘ઈરાન સમર્થિત’ હૂતી બળવાખોર જૂથે ઑક્ટોબર 2023માં રેડ સીમાંથી પસાર થતાં જહાજો પર હુમલા કરવાનું શરૂ કર્યું ત્યારથી આ કટોકટીની શરૂઆત થઈ હતી. તેઓ ગાઝાપટ્ટી પરના આક્રમણને સમાપ્ત કરવાની માગણી કરી રહ્યા છે.

ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, ગાઝા પરના ઇઝરાયલના બૉમ્બમારાના જવાબમાં યમનમાંના હૂતી બળવાખોરોએ લૉઅર રેડ સી વિસ્તારમાં કૉમર્શિયલ શિપિંગ પરના હુમલામાં નવેમ્બરની મધ્યથી વધારો કર્યો છે.

ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ, મૅર્સ્ક, હેપગ-લૉઇડ અને એમએસસી જેવી મોટી શિપિંગ કંપનીઓએ રેડ સીમાંની કામગીરી છેલ્લા અઠવાડિયામાં બંધ કરી દીધી.

ઍટલાન્ટિક કાઉન્સિલે નોંધ્યું છે કે બજાર હિસ્સાની દૃષ્ટિએ દસ મોટી શિપિંગ કંપનીઓ પૈકીની સાત કંપનીઓએ રેડ સીમાં કામગીરી સ્થગિત કરી દીધી છે. પરિણામે દરિયાઈમાર્ગે અંતર વધતાં નૂરમાં વધારો થયો છે. તેથી શિપિંગ કંપનીઓ તેમના હાલનાં જહાજોનો વધુ ઉપયોગ કરી રહી છે.

ગુજરાતના ભાવનગરસ્થિત શિપિંગ ઇનબૉક્સ પોર્ટલના તંત્રી મહેબૂબ કુરેશીએ બીબીસીને જણાવ્યું હતું કે અલંગમાં જહાજોની અછત હવે યાર્ડ સાથે જોડાયેલા આનુષંગિક ઉદ્યોગોને અસર કરી રહી છે.

રિસાઇકલિંગ બિઝનેસ પર અસર

અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડની ક્ષમતા આશરે 45 લાખ એલડીટીની (લાઇટ ડિસ્પ્લેસ્મૅન્ટ ટનેજ) છે. તેમાં જાહેર અને ખાનગી બન્ને ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડે (જીએમબી) એએસએસઆરવાય ખાતે પર્યાવરણીય માળખાના અપગ્રૅડેશન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જીએમબીએ 23,000થી વધુ કામદારોને તાલીમ આપી છે અને અલંગમાં એક ખાસ હૉસ્પિટલ બનાવી છે.

અલંગ ખાતે હાલ કુલ 153 પ્લૉટ્સ છે અને આગામી થોડાં વર્ષોમાં તેની સંખ્યા વધારીને 203 કરવાનું સરકારનું આયોજન છે.

બીબીસીએ જીએમબીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઑગસ્ટ-2024માં એક ભાષણમાં જાહેરાત કરી હતી કે અલંગ યાર્ડનું કદ નજીકના ભવિષ્યમાં 10 કિલોમીટરથી બમણું કરીને 20 કિલોમીટર કરવામાં આવશે.

તાજેતરના આંકડા દર્શાવે છે કે જંગી ક્ષમતા હોવા છતાં હાલ અલંગની 48 ટકા શિપ-બ્રૅકિંગ ક્ષમતા નિષ્ક્રિય છે. 153 પ્લૉટ્સમાંથી 131નો ઉપયોગ થાય છે અને એ પૈકીના 80 કાર્યરત્ છે.

ભારત સરકારનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિપ રિસાઇકલિંગ ક્ષમતામાં દેશનો હિસ્સો 98 ટકા છે અને વૈશ્વિક રિસાઇકલિંગ વૉલ્યૂમમાં 32.6 ટકા યોગદાન આપે છે.

અત્યાર સુધીમાં આ યાર્ડને રિસાઇકલિંગ માટે 2011-12માં સૌથી વધુ 415 જહાજો મળ્યાં હતાં. જોકે, એ પછી જહાજોની સંખ્યામાં ઘટાડો થયો છે.

લાલ સાગરમાં સંકટ પછી જહાજોની સંખ્યા સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે.

જીએમબી અને ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, યાર્ડ દ્વારા 2023-24માં રિસાઇકલ કરવામાં આવેલાં જહાજોની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી ઓછી એટલે કે 125 છે. 2019-20માં 202 જહાજોને રિસાઇકલ કરવામાં આવ્યાં હતાં. 2020-21માં તે સંખ્યા 187 હતી, 2021-22માં 209 હતી, જ્યારે 2022-23માં 131 હતી.

અલંગ ખાતે પ્લૉટ પણ ધરાવતા અનિલ જૈને કહ્યું હતું, “લાલ સાગરના સંકટને કારણે બિઝનેસના અભાવે ઘણા પ્લૉટમાલિકોએ કામગીરી સ્થગિત કરી દીધી છે.”

વરિષ્ઠ પત્રકાર મહેબૂબ કુરેશીએ ઉમેર્યું હતું કે નૂર દર વધવાને કારણે જહાજમાલિકોને તેમનાં જહાજો જાળવી રાખવાનું પ્રોત્સાહન મળ્યું છે અને રિસાઇકલિંગ માટેનાં જહાજોની સંખ્યામાં વધુ ઘટાડો થયો છે.

સ્થાનિક બિઝનેસ પર અસર

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલંગમાંથી લગભગ પાંચ લાખ 15 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળે છે. અલંગ ખાતે શિપ રિસાઇકલિંગમાં ઘટાડો થવાથી આ લોકોને અને સ્થાનિક ધંધા-રોજગારને પણ માઠી અસર થઈ છે.

ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો માટે સ્ટીલના ઉત્પાદન સાથે સંકળાયેલી રિ-રોલિંગ મિલ્સ તેમના કાચા માલ માટે અલંગ પર મોટા પાયે નિર્ભર છે.

એ સિવાય અલંગની આજુબાજુના 12 કિલોમીટર વિસ્તારમાં ફર્નિચરની 1,000થી વધારે દુકાનો છે, જે જહાજમાંથી મળતી રિસાઇકલ થયેલી સામગ્રી પર નિર્ભર હોય છે.

લેબર ફૉર્સ-બેરોજગારીમાં વધારો

છેલ્લાં 30 વર્ષથી અલંગમાં કામ કરતા રામલખન પાસવાન હવે બેરોજગાર છે. તેઓ એક નાનકડા કામચલાઉ મકાનમાં રહે છે, પરંતુ પોતાના ભરણપોષણના ખર્ચની વ્યવસ્થા કરી શકતા નથી. તેઓ રોજગારી માટે ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યા હતા.

રામલખન પાસવાને કહ્યું હતું, “અગાઉ હું રોજના અંદાજે રૂપિયા 500 કમાતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મને કોઈ કામ મળતું નથી. બધા કહે છે કે કોઈ શિપ આવી નથી અને તેથી કોઈ કામ નથી. હું કુશળ કામદાર છું, પરંતુ હું કોઈ પણ વેતન દરે, કોઈ પણ કામ કરવા તૈયાર છું, જેથી મારો ગુજારો કરી શકું.”

અન્ય રાજ્યોમાંથી આવેલા કર્મચારીઓ પૈકીના 30 ટકાથી વધુ કામના અભાવે વતન પાછા ફર્યા છે. સ્થાનિક મજૂરો કાં તો અન્ય નાની નોકરી શોધી રહ્યા છે અથવા તો રોજગારની શોધમાં લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે.

અલંગમાં કામ કરતા બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને અન્ય કેટલાંક રાજ્યોના શ્રમિકો વિશે વાત કરતાં અલંગ સોસિયા શિપ બ્રૅકિંગ યાર્ડ કામદાર સંઘના મહામંત્રી સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારા અંદાજ મુજબ અન્ય રાજ્યોમાંથી અહીં આવેલા મજૂરો પૈકીના 25 ટકા અલંગ છોડી ચૂક્યા છે અને અહીં પોતાનું મકાન ખરીદ્યું હોય અથવા કોઈ સંપત્તિ હોય તેવા મજૂરો ઓછા વેતન પર કામ કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે અગાઉ સામાન્ય દિવસોમાં મજૂરને રોજના રૂ. 500 મળતા હતા, જે પ્રમાણ હવે ઘટીને રૂ. 350 થઈ ગયું છે.

સ્થળાંતરિત મજૂરો ઉપરાંત અલંગની આજુબાજુ એવાં ઘણાં ગામ છે જેના લોકો અલંગ યાર્ડ પર નિર્ભર છે. અલંગ પાસેનું આવું જ એક ગામ ખાદરપર છે. આ ગામના લગભગ 300 લોકો હવે બેરોજગાર છે.

ગામના શ્રમિક મજબૂતસિંહ ગોહિલે બીબીસીને જણાવ્યું હતું કે મેં નાસ્તાની દુકાન શરૂ કરી છે, કારણ કે પ્લૉટના માલિકો કહે છે કે તેઓ મને કામ આપી શકે તેમ નથી. મને બે મહિના પહેલાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. “મને કહેવામાં આવ્યું હતું કે રિસાઇકલિંગ માટે કોઈ જહાજ નથી. તેથી ત્યાં કોઈ કામ નથી.”

તેમણે ઉમેર્યું હતું કે તેમના ગામમાં કુલ પૈકીના લગભગ અડધોઅડધ લોકો આજકાલ કંઈ કરતા નથી. તેઓ કામ શોધવાના પ્રયાસ કરે છે, પરંતુ તેમને નાનુંસરખું કામ પણ મળતું નથી. એ પૈકીના ઘણા લોકો નજીકનાં ખેતરોમાં અડધા વેતન પર કામ કરે છે.

લાઇફ બૉટ્સ જેવી આનુષંગિક ચીજોનો વેપાર

રિસાઇકલ થયેલાં જહાજોમાંની લાઇફ બોટ્સનો અલંગમાં મોટો ધંધો છે. માછીમાર સમુદાય આ લાઇફ બોટ્સના ગ્રાહકો છે. દાખલા તરીકે, વેરાવળ અને ઓખાના માછીમારો લાઇફ બોટ્સ ખરીદવા માટે મોટા પ્રમાણમાં આવે છે.

અલંગમાં લાઇફ બોટનું વેચાણ કરતા અનેક વેપારીઓ છે. લાઇફ બોટ્સના અગ્રણી વેપારી હેમરાજસિંહ વાળાએ બીબીસીને જણાવ્યું હતું કે ગુજરાતમાં અને મહારાષ્ટ્ર તેમજ તામિલનાડુ જેવાં અન્ય રાજ્યોમાં આજે પણ લાઇફ બોટ્સની માગ છે, પરંતુ જહાજો રિસાઇકલિંગ માટે આવતા ન હોવાથી અમારી પાસે એક પણ લાઇફ બોટ નથી.

તેમણે કહ્યું હતું, “અમારો ધંધો પતનના આરે છે. અમે સામાન્ય રીતે દર મહિને 10થી 15 બોટ્સ વેચતા હતા, પરંતુ હવે એ સંખ્યા ઘટીને દર મહિને એકથી બે થઈ ગઈ છે અને બે કે ત્રણ અગ્રણી વેપારીઓ જ એવું કરી શકે છે.”

અલંગમાંથી કાચો માલ ન મળવાને કારણે રોલિંગ મિલો બંધ થઈ રહી છે. અલંગથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા સિહોર શહેરમાં કુલ 120 સ્ટીલ રિ-રોલિંગ મિલ્સ છે. ગયા વર્ષ સુધી 90 મિલ ચાલુ હતી અને થોડા મહિના પહેલાં તે સંખ્યા ઘટીને માત્ર 40 થઈ ગઈ હતી.

સિહોર સ્ટીલ રિ-રોલિંગ મિલ્સના પ્રમુખ અને સચદેવ સ્ટીલ પ્રોડક્ટ્સના માલિક હરેશ પટેલે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એ 40માંથી 15 મિલ બંધ થવાને આરે છે, કારણ કે સ્ટીલની પ્લૅટ્સની અછત છે.

તેમણે કહ્યું હતું, “અમને સ્ટીલ પ્લૅટ્સનો પુરવઠો સતત મળતો નથી. તેના પરિણામે કાચા માલની અછત સર્જાઈ છે અને તેના કારણે ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે.”

આ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, જે રિ-રોલિંગ મિલ્સને અસર કરી રહ્યું છે. આ રિ-રોલિંગ મિલ્સ શિપ બ્રૅકિંગ યાર્ડમાંથી ધાતુની શિટ્સ મેળવે છે. તે શિટ્સને કાપવામાં આવે છે, ફરીથી ગરમ કરવામાં આવે છે, ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ રોલિંગ માટે મોકલવામાં આવે છે.

સિહોરમાં એક અગ્રણી રિ-રોલિંગ મિલના મૅનેજર આકાશ જહાંગીરે બીબીસીને જણાવ્યું હતું કે સ્ટીલની ઓછી પ્લૅટ્સ મળતી હોવાને કારણે તેમને ફૅકટરીના કામના કલાકો અડધા કરવાની ફરજ પડી છે અને દૈનિક ઉત્પાદન 20 ટનથી ઘટીને 15 ટનથી ઓછું થઈ ગયું છે.

ટ્રાન્સપૉર્ટ બિઝનેસને અસર

ટ્રાન્સપૉર્ટ બિઝનેસ પણ અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ પર મોટા પાયે નિર્ભર છે.

ટ્રાન્સપૉર્ટર્સના જણાવ્યા મુજબ, અલંગમાં રોજ ઓછામાં ઓછી 1,000 ટ્રક્સમાં સ્ટીલ પ્લૅટ્સ, ફર્નિચર, ભંગાર અને અન્ય સામગ્રી લોડ થતી હતી. હવે ટ્રકની દૈનિક સંખ્યા ઘટીને 10થી 20 થઈ ગઈ છે.

અગ્રણી ટ્રાન્સપૉર્ટર ભાવિન પટેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “અલંગ ખાતે ટ્રકની માગમાં ઘટાડો થવાથી ઘણા ટ્રાન્સપૉર્ટર્સને તેમની ટ્રકો વેચી મારવાની ફરજ પડી છે. ઘણાએ ટ્રકની સંખ્યા અડધી અથવા તેનાથી પણ ઓછી કરી નાખી છે. કેટલાક કોલસા અથવા લિગ્નાઇટ ટ્રાન્સપૉર્ટ જેવા નવા બિઝનેસમાં તકો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.”

જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ હાલત અસ્થાયી છે અને તેમાં જલદી ફેરફાર આવશે.

નૅશનલ મેરિટાઇમ ફાઉન્ડેશનના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેબેશ લહેરીનું કહેવું છે કે "ઈયુ ડેલિગેશન અલંગમાં બેથી ત્રણ વાર આવી ચૂક્યું છે. એટલે માની શકાય કે હજુ વધારે જહાજ અહીં આવવાની શક્યતા છે."

"દુનિયાભરમાં પોતાના જીવનના અંત સુધી પહોંચનારાં જહાજની સંખ્યા વધારે છે અને તેનો નિકાલ કરવાનું શિપ રિસાઇકલિંગ જ એક સૌથી સબળ માધ્યમ છે. એટલે હું માનું છું કે હજુ ઘણાં જહાજો આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.