You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૌરવ ખન્ના કોણ છે જેઓ બિગ બૉસના વિજેતા થયા, અગાઉ કઈ સ્પર્ધા જીતી ચુક્યા છે?
- લેેખક, રવિ જૈન
- પદ, બીબીસી માટે
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં જન્મેલા અને ટીવીની દુનિયાના જાણીતા કલાકાર ગૌરવ ખન્નાએ બિગ બૉસ 19ની ટ્રૉફી જીતી લીધી છે. તેમણે બે વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી સહિત કુલ 17 હરીફોને હરાવ્યા હતા.
ગૌરવ ખન્નાએ પોતાની પરિપક્વતા, સ્માર્ટ ગેઇમ અને યોગ્ય રીતે ટાસ્ક પાર પાડવાની ક્ષમતા દેખાડી હતી. બીજા સ્પર્ધકોની તુલનામાં શાલીન વર્તન અને ફૅન્સના પૉપ્યુલર વોટના આધારે બિગ બૉસ 19 જીતવામાં સફળતા મેળવી છે.
105 દિવસ સુધી ચાલેલા આ રિયાલિટી શોમાં શરૂઆતથી જ ગૌરવ ખન્નાને મજબૂત દાવેદાર ગણવામાં આવતા હતા.
હોસ્ટ સલમાન ખાને પણ આ શો દરમિયાન ઘણી વખત ગૌરવ ખન્નાની વર્તણૂકની પ્રશંસા કરી હતી.
તેનાથી ગૌરવની લોકપ્રિયતા રોજેરોજ વધતી ગઈ અને અંતે તેમણે શો જીતી લીધો.
50 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું
જીત્યા પછી ગૌરવ ખન્નાએ બીબીસીને કહ્યું કે, "બિગ બૉસના ઘરમાં 15 લોકોને ખુશ કરવામાં મને કોઈ રસ ન હતો, પરંતુ ઘરની બહાર 150 કરોડ લોકો સુધી સીધા જોડાવા માટે આ ઘરમાં આવ્યો હતો. હું આત્મસન્માન અને પોતાના અસલી વ્યક્તિત્વ સાથે આ ગેઇમ રમ્યો. હું દર્શકોનો આભારી છું કે તેઓ મારી આ ખાસિયતને સમજ્યા અને મને એક વિજેતા તરીકે પસંદ કર્યો."
43 વર્ષના ગૌરવ ખન્નાનો ટૉપ 2માં જમ્મુ-કાશ્મીરનાં ફરહાના ભટ સાથે મુકાબલો થયો હતો. ફિનાલેના તણાવપૂર્ણ માહોલમાં એક વખતે લાગતું હતું કે છેલ્લાં કેટલાય વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવવા પ્રયાસ કરતાં ફરહાનાને સલમાન ખાન વિજેતા જાહેર કરી દેશે. પરંતુ અંતમાં સલમાને પોતાના જાણીતા અંદાજમાં ગૌરવ ખન્નાને બિગ બૉસ 19ના વિજેતા જાહેર કર્યા હતા.
આ જાહેરાત પછી સલમાને તેમને શોની ચમકદાર ટ્રૉફી આપી હતી અને ચૅનલ તરફથી ઇનામની રકમ તરીકે 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૌરવ ખન્નાની ઍક્ટિંગ કૅરિયર
કાનપુર શહેરમાં ઉછરેલા અને ત્યાંની જ એક કૉલેજમાંથી એમબીએની ડિગ્રી મેળવનારા 43 વર્ષીય ગૌરવ ખન્ના છેલ્લા બે દાયકાથી ટીવી સિરિયલો, ટીવી શો અને ઓટીટીની દુનિયામાં સક્રિય છે.
તેમણે સિદ્ધાંત, ભાભી, કુમકુમ, મેરી ડોલી તેરે અંગના, અર્ધાંગિની, સંતાન, જીવનસાથી, લવ ને મિલા દી જોડી, યે પ્યાર ના હોગા કમ, દિલ સે દિયા વચન, બ્યાહ હમારી બહુ કા, અનુપમા જેવી અનેક સિરિયલોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
વર્ષ 2014માં તેમણે સોની ટીવીના શો 'સીઆઈડી'માં કૅવિન નામે એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા પણ ભજવી હતી.
એટલું જ નહીં, ગૌરવ ખન્ના એક જાણીતા ટીવી હોસ્ટ તરીકે પણ ઓળખાય છે. તેઓ ટીવી પર જાતજાતના રિયાલિટી શોને હોસ્ટ કરી ચુક્યા છે.
તેમણે કલર્સ ટીવીના રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટરશેફ ઇન્ડિયાની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેઓ આ શોમાં શરૂઆતમાં વિજેતા બન્યા હતા.
બિગ બૉસ 19ના ફિનાલેથી બે અઠવાડિયા અગાઉ ગૌરવનાં પત્ની આકાંક્ષા ચમોલા ઘરમાં આવ્યાં હતાં અને ગૌરવ સાથે થોડો સમય વીતાવ્યો હતો. બંનેએ પોતાનાં લગ્નની નવમી વર્ષગાંઠ આ શો દરમિયાન ઉજવી હતી.
ફિનાલેના દિવસે પણ ગૌરવ ખન્નાનાં પત્ની હાજર રહ્યાં હતાં.
તેમણે ફિનાલે દરમિયાન સલમાનને કહ્યું કે ગૌરવ ભલે બિગ બૉસના હાઉસમાં વધારે અને ઊંચા અવાજમાં વાત કરતા જોવા ન મળે, પરંતુ ઘરમાં તેઓ ઊંચા અવાજે વાત કરે છે.
ગૌરવ અને તેમનાં પત્નીની આ વાતો સાંભળીને સલમાન પણ હસી પડ્યાં હતાં.
અન્ય સ્પર્ધકો કોણ હતા?
ગૌરવ ખન્ના ઉપરાંત ટૉપ 5માં ફરહાના ભટ, પ્રણીત મોરે, અમાલ મલિક અને તાન્યા મિત્તલ પણ પહોંચ્યાં હતાં.
ટૉપ પાંચમાંથી સૌથી પહેલાં મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિક નીકળી ગયા હતા, સલમાને તેમને એક મજબૂત સ્પર્ધક ગણાવ્યા હતા.
સલમાને અમાલ વિશે કહ્યું કે "શોની શરૂઆત તેમણે સારી કરી, પરંતુ સેકન્ડ હાફમાં તેઓ નબળા સાબિત થયા જે તેમની હારનું કારણ બન્યું."
ટૉપ 5માંથી નીકળનારાં બીજા ઉમેદવાર તાન્યા મિત્તલ હતાં. તાન્યાને વિદાય આપતા સલમાને કહ્યું કે શોને મનોરંજક બનાવવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ત્યાર પછી ટૉપ 3 કન્ટેસ્ટન્ટ તરીકે ગૌરવ ખન્ના, ફરહાના ભટ અને પ્રણીત મોરેએ સ્થાન મેળવ્યું હતું.
એક સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે ક્યારેક સલમાન ખાનની મજાક ઉડાવનારા અને તેના કારણે આ શોમાં ટીકા સહન કરનારા પ્રણીત મોરે ટૉપ 2માં જગ્યા બનાવી શક્યા ન હતા.
સલમાને તેમની સફરના અંતની જાહેરાત કરતા તેમને ગળે લગાવ્યા અને તાકીદ કરી કે સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે તેઓ ભવિષ્યમાં ક્યારેય મફતમાં કોઈ શો ન કરે.
શો દરમિયાન ગૌરવ ખન્ના અને પ્રણીત મોરે વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી અને પ્રણીત બહાર થયા ત્યારે ગૌરવ પણ ભાવુક દેખાયા હતા.
સલમાનની આંખોમાં કેમ આંસુ આવી ગયા?
બિગ બૉસ 19ના ફિનાલે એપિસોડ દરમિયાન સલમાન ખાને દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને યાદ કર્યા અને ભાવુક થઈને રડતાં રડતાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
બિગ બૉસની અલગ અલગ સિઝનમાં મહેમાન તરીકે આવેલા ધર્મેન્દ્રની કેટલીક મસ્તીભરી ક્લિપ્સ પણ ફિનાલે દરમિયાન દેખાડવામાં આવી હતી.
ધર્મેન્દ્રની સાથે બિગ બૉસ દરમિયાન ગાળવામાં આવેલી મસ્તીભરી પળોને મોટા પડદા પર જોઈને સલમાન પોતાની લાગણીઓ પર કાબૂ રાખી ન શક્યા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
દિવંગત ધર્મેન્દ્ર વિશે વાત કરતાં સલમાને કહ્યું કે, "આપણે ઇન્ડસ્ટ્રીના હી-મૅન ગુમાવી દીધા. મને નથી લાગતું કે ધર્મેન્દ્રજી કરતાં બહેતર કોઈ વ્યક્તિ હોય. તેઓ એક રાજાની જેમ દિલ ખોલીને પોતાનું જીવન જીવ્યા. 60 વર્ષ સુધી લોકોનું મનોરંજન કર્યું. ધર્મેન્દ્રજીની ખાસ વાત એ હતી કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા ત્યારથી તેમનો માત્ર એક જ લક્ષ્ય હતું કે માત્ર સારું કામ કરવું છે."
સલમાને આગળ કહ્યું કે, "તેમણે દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવી. તેમણે કૉમેડી કરી, ડ્રામા કર્યો, ઇમોશનલ રૉલ ભજવ્યા, દરેક પાત્રમાં લોકોનું મનોરંજન કર્યું. હું મારી કારકિર્દીમાં માત્ર ધર્મેન્દ્રજીના માર્ગે ચાલ્યો છું. તેઓ એક ચાર્મિંગ પર્સનાલિટીના સ્વામી હતા જે અંત સુધી તેમના વ્યક્તિત્વનો હિસ્સો રહ્યું."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન