You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑફિસ બાદ બૉસનો ફોન ઉઠાવવાની જરૂરત નહીં રહે, લોકસભામાં રજૂ થયેલા નવા બિલમાં શું છે?
ગત સપ્તાહે બારામતીની બેઠક ઉપરથી લોકસભાનાં સાંસદ સુપ્રિયા સૂલેએ પ્રાઇવેટ મેમ્બર બિલ 'ધ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025' રજૂ કર્યું હતું.
આ બિલની જોગવાઈ મુજબ, ઑફિસના કલાકો પછી બૉસના ફોનકૉલ્સ લેવામાંથી કે ઇ-મેઇલના (કે મૅસેજ) જવાબ આપવામાંથી મુક્તિ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
બિલને રજૂ કરતી વેળાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં (શરદચંદ્ર પવાર) સાંસદ સૂલેએ કહ્યું કે કર્મચારીના વ્યક્તિગત જીવન અને કામકાજની વચ્ચે સંતુલન સ્થપાય તે જરૂરી છે.
સુપ્રિયા સૂલેએ આ સિવાય વધુ બે પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યાં હતાં, જેમાં ઍપ-આધારિત કામ કરતાં શ્રમિકોનું જીવનધોરણ અને આવક સુધરે તે માટે જોગવાઈ કરતું બિલ; તથા માતા જ નહીં, પિતાને પણ બાળઉછેર માટે રજા મળે તેવી જોગવાઈ કરતું પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યાં અને તેને 'પ્રગતિશીલ' ગણાવ્યાં હતાં..
ત્યારે પ્રાઇવેટ મેમ્બર બિલ શું હોય છે, સુપ્રિયા સૂલેના બિલમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે, તેનાથી શું ફરક પડશે, શું દુનિયાના અન્ય કોઈ દેશમાં આવી જોગવાઈ છે, તેના વિશે નજર કરીએ.
આજના સમયમાં ડિજિટલ તથા કૉમ્યુનિકેશનનાં સાધનોને કારણે કામના કલાકોમાં સુગમતા અને સ્થિતિસ્થાપકતા આવી છે, પરંતુ તેના કારણે વ્યક્તિગત અને વ્યવસાયિકજીવન વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જતી હોવાની વાત સૂલેએ તેમના બિલમાં કહી છે.
લોકસભાના લિસ્ટ ઑફ બિઝનેસમાં (તા. પાંચ ડિસેમ્બર, 2025, પેજ નંબર 51) ઉપર નજર કરીએ તો સુપ્રિયા સૂલેએ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યું છે.
આ બિલની જોગવાઈઓમાં 'કર્મચારી કલ્યાણ સત્તામંડળ'ની (ઍમ્પ્લોઇઝ વૅલફેર ઑથૉરિટી) સ્થાપના કરવાની હિમાયત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્મચારીને કામના કલાકો પતાવીને જાય ત્યારે કામના કલાકો પછી અથવા રજાના દિવસે ઑફિસનાં કામ સંબંધિત ફોન કે ઇ-મેઇલ પર જવાબ આપવાથી અળગો થઈ શકે અને કર્મચારીને આ પ્રકારના તમામ સંદેશાવ્યવહારને નકારવાનો અધિકાર મળે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેના અહેવાલમાં બિલનાં 'હેતુઓ અને કારણો' વિશે માહિતી આપી છે, જે મુજબ,"કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કર્મચારીઓ પાસેથી રાઉન્ડ-ધ-ક્લૉક ઉપલબ્ધ રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે."
"વધુ પડતું કામ કરવાને લીધે ઊંઘનો અભાવ, તણાવ તથા ભાવનાત્મક થાક જેવી સમસ્યા થાય છે. વિકઍન્ડ દરમિયાન કે રજાના દિવસે પણ સતત ઇ-મેઇલ ચેક કરતા રહેવા તથા ફોન કૉલના જવાબ આપવાના કારણે કર્મચારી ઉપર ટેલિપ્રેશર ઊભું થાય છે."
સુપ્રિયા સૂલેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "દરેક કર્મચારીને કામ સંબંધિત તમામ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશન્સથી છૂટકારો મળવો જોઈએ. આજના ડિજિટલ કલ્ચરમાં કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્વસ્થ સંતુલન જળવાય તે માટે જરૂરી છે."
"કામ સંબંધિત ઇ-મેઇલ તથા મૅસેજીસ સતત જોવાના મનોદબાણને કારણે કર્મચારીને 'ઇન્ફો ઑબેસિટી' થઈ શકે છે."
બિલમાં જણાવ્યા પ્રમાણે, કંપની કર્મચારીની પ્રાઇવેટ સ્પેસનું સન્માન કરે અને કામના કલાકો પછી કામસંબંધિત ફોન કે કૉલ ન કરે તે જરૂરી છે.
ડિજિટલ ક્રાંતિને કારણે કર્મચારીના કરારમાં કામના કલાકો તથા સ્થાન વિશે સ્પષ્ટતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી દરેક કંપનીઓ આ મુદ્દે તેના કર્મચારીને અધિકાર આપે તે સમયની માંગ છે.
જો કોઈ કર્મચારી કામના કલાકોથી ઇત્તર વધારાનું કામ કરવા તૈયાર થાય તો કર્મચારીના પગારધોરણ મુજબ તેને વધારાની રકમ ચૂકવવામાં આવે, જેથી કરીને પગાર વગર કામ કરાવવામાં ન આવે.
ડિજિટલ અને કૉમ્યુનિકેશનનાં સાધનોનો વ્યક્તિગત અને વ્યવસાયિક હેતુસર વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે કર્મચારીઓ અને નાગરિકોમાં જાગૃતિ આવે, તે માટે કાઉન્સેલિંગ સેન્ટર તથા નિઃશુલ્ક ડિજિટલ ડિટૉક્સ સેન્ટર ઊભાં કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
આ બિલની જોગવાઈઓ પ્રમાણે, જો કોઈ સંસ્થા (કંપની કે સોસાયટી) તેનો ભંગ કરે, તો તેના કુલ કર્મચારીઓના કુલ પગારના એક ટકા જેટલી રકમ તેની પાસેથી દંડ પેટે વસૂલવામાં આવે.
ફ્રાન્સમાં જાન્યુઆરી-2017થી આ પ્રકારનો કાયદો અમલમાં છે, જેમાં કામના કલાકો પછી ઇ-મેઇલ કે કૉલ ન લેવાની છૂટ આપવામાં આવી હતી. શ્રમકાયદામાં સુધાર સંબંધે 50થી વધુ કર્મચારી ધરાવતી કંપનીમાં તેને લાગુ કરવામાં આવ્યા હતા.
કૅન્યા આ પ્રકારની જોગવાઈ કરનારો પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે. 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ આ અંગે યુનિયન સાથે ચર્ચા કરવી જરૂરી છે. આનો ભંગ કરનારી કંપની ઉપર ચાર હજાર ડૉલર જેટલા દંડની જોગવાઈ કરવામાં આવી હતી.
વર્ષ-2023માં બૅલ્જિયમમાં સરકારી કર્મચારીઓ માટે પહેલાં આ જોગવાઈ કરી હતી. એ પછી 20થી વધુ કર્મચારી ધરાવતી કંપનીઓ માટે આ પ્રકારની જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી.
ઑગસ્ટ-2024માં ઑસ્ટ્રેલિયામાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' બિલ પસાર થયું હતું અને કાયદો બન્યો હતો. જેમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કર્મચારી કામના કલાકો પછી બૉસના કૉલ કે મૅસેજીસને અવગણી શકે તથા બૉસ દ્વારા સજાની કોઈ ભીતિ કે આશંકા ન રહે.
તેમાં બૉસ કે કંપનીની ઉપર કર્મચારીનો સંપર્ક સાધવા ઉપર પ્રતિબંધ નથી લાદવામાં આવ્યો, પરંતુ કર્મચારીને જવાબ આપવો કે નહીં, તેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
યુરોપ અને લેટિન અમેરિકાના 20થી વધુ દેશોમાં મહદંશે આ પ્રકારના કાયદા છે.
કોઈપણ કાયદો અસ્તિત્વમાં આવે, તો તેની શરૂઆત બિલ (ખરડો કે મુસદ્દા) સ્વરૂપે થાય છે. તે સંસદનાં બંને ગૃહમાંથી કોઈ એક ગૃહમાં સૌપ્રથમ રજૂ થઈ શકે છે. તે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સમક્ષ એમ ત્રણ વખત રજૂ થાય છે.
કોઈ મંત્રી કે સામાન્ય સભ્ય પણ બિલ રજૂ કરી શકે છે. જો મંત્રી દ્વારા કોઈ બિલ રજૂ કરવામાં આવે તો તેને 'ગવર્નમેન્ટ બિલ' (કે સરકારી બિલ) કહેવામાં આવે છે.
જ્યારે કોઈ સભ્ય દ્વારા ખરડો રજૂ કરવામાં આવે તો તેને 'પ્રાઇવેટ મેમ્બર બિલ' કહેવામાં આવે છે. આ સભ્ય સત્તારૂઢ પક્ષ કે વિપક્ષમાંથી હોય શકે છે.
વર્ષ 2023માં રાજ્યસભાના સચિવાલય દ્વારા પ્રાઇવેટ મેમ્બર્સ બિલ અંગે એક પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી.
જેમાં જણાવ્યા પ્રમાણે, સંસદસભ્યોને લાગતુ હોય કે ચોક્કસ વિષય અંગે સરકારે બિલ લાવવું જોઈએ, કોઈપણ કાયદા કે તેની જોગવાઈઓમાં શું ફેરફાર કરવા જોઈએ અથવા તો જનભાવનાને ગૃહ સુધી પહોંચાડવા માટે સાંસદ પ્રાઇવેટ મેમ્બર્સ બિલ લાવે છે.
બંને ગૃહોમાં નિયમ મુજબ, બિલ આવે તે માટે એક સમિતિ તેની સમીક્ષા કરે છે. એ પછી સભ્ય આ અંગે નોટિસ આપે છે અને બિલ ગૃહમાં રજૂ થાય છે. જ્વલ્લે જ તેની ઉપર ચર્ચા કે વોટિંગ થાય છે.
મોટાભાગે સંસદનાં બંને ગૃહમાં આ પ્રકારનાં બિલ દર શુક્રવારે (અથવા એકાંતરે શુક્રવારે) રજૂ કરવામાં આવે છે.
સુપ્રિયા સૂલેએ ઑક્ટોબર-2019માં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ' રજૂ કર્યું હતું, જેમાં વર્તમાન બિલ જેવી જ જોગવાઈઓ કરવામાં આવી હતી, પરંતુ ગત લોકસભા દરમિયાન તે પસાર થઈ શક્યું ન હતું.
ભારતમાં પીઆરએસ લૅજિસ્લેટિવ રિસર્ચ, સંસદનાં બંને ગૃહોની કામગીરી, તેમાં રજૂ થયેલાં બિલ તથા રાજ્ય સરકારોએ રજૂ કરેલાં મહત્ત્વપૂર્ણ બિલ કે પસાર કરેલા કાયદાનો અભ્યાસ કરે છે.
અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ આ સંસ્થાને ટાંકતા એક અભ્યાસ રજૂ કર્યો છે. જે મુજબ, અત્યાર સુધીમાં માત્ર 14 પ્રાઇવેટ મેમ્બર બિલ્સને રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી છે અને કાયદા બન્યા છે. વર્ષ 1970 પછી એક પણ પ્રાઇવેટ મેમ્બર બિલ કાયદો નથી બન્યો.
17મી (ગત) લોકસભાનાં પાંચ વર્ષના ગાળા દરમિયાન નીચલા ગૃહમાં (9.08 કલાક) અને રાજ્યસભામાં (27.01 કલાક) પ્રાઇવેટ મેમ્બર બિલ ઉપર ચર્ચા થઈ હતી.
જ્યારે 16મી લોકસભા (વર્ષ 2019માં સમાપન) દરમિયાન રાજ્યસભામાં (0.62 કલાક) તથા (0.15 કલાક) લોકસભામાં સમય ફાળવવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, મોટાભાગે શુક્રવારે બપોરના ભાગમાં પ્રાઇવેટ મેમ્બર્સ બિલ રજૂ થતાં હોય છે. આ સમયે સંસદસભ્યોને મોટાભાગે તેમના મતક્ષેત્રમાં જવાની ઉતાવળ હોય છે, એટલે તેઓ નીકળી જતા હોય છે અને ઘણી વખત જે સભ્યનું બિલ હોય, એ જ ગૃહમાં હાજર ન હોય એવું બને.
અમુક કિસ્સાને બાદ કરતા સરકારના જવાબ પછી સભ્ય દ્વારા બિલ પાછું ખેંચી લેવામાં આવે છે.
નિષ્ણાતો એ પણ સવાલ ઉઠાવે છે કે ડિજિટલ ક્રાંતિ તથા કૉમ્યુનિકેશનનાં સાધનોને કારણે, વર્ક-ફ્રૉમ-હોમ કે રિમોટ વર્કિંગ જેવી વિભાવના વિકસી છે. કોરોનાકાળ પછી અનેક કંપનીઓએ આ અંગેની તેમની નીતિઓમાં ફેરફાર કર્યા છે, ત્યારે 'રાઇટ ટુ ડિસ્ક્નેક્ટ' કેટલું શક્ય છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન