You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : કામદારોના કામના કલાક વધારતા બિલને કેમ 'મજૂરોના શોષણનું હથિયાર' ગણાવાઈ રહ્યું છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં ગુજરાત સરકારે કારાખાના ધારા, 1948માં ફેરફાર કરતું બિલ પસાર ગુજરાત વિધાનસભામાં પસાર કર્યું છે. અને આ ફેરફારથી રાજ્યમાં ઘણા લોકો નારાજ છે.
ઘણાનું માનવું છે કે આ ફેરફારને કારણે કામદારોનું શોષણ વધશે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં ગત બુધવારે ઇન્ડસ્ટ્રિયલ કામ માટેના કામકાજના કલાકોમાં વધારો કરતું સુધારા બિલ - કારખાના ( ગુજરાત સુધારા) બિલ, 2025 પસાર કરાયું હતું. જે અંતર્ગત હવે ફૅક્ટરીમાં કામ કરતા કામદારો માટે દૈનિક કામનો સમય નવ કલાકમાંથી વધારીને 12 કલાક કરી દેવાની જોગવાઈ કરાઈ છે.
આ નવા બિલ અંતર્ગત ફૅક્ટરીમાં કામ કરતાં મહિલા કામદારો માટેના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.
નવા ફેરફારમાં મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની મંજૂરીની પણ જોગવાઈ કરાઈ છે. જે પ્રમાણે કાયદો અમલમાં આવ્યા બાદ મહિલાઓ ફૅક્ટરીમાં સાંજના સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીની પાળીમાં કામ કરી શકશે. જેની મંજૂરી અગાઉ નહોતી.
મહિલાઓનું માનવું છે કે તેમના માટે રાતની શિફ્ટ મહિલાઓ માટે શક્ય જ નથી, કારણ કે તેમણે બીજાં ઘણાં કામ કરવાનાં હોય છે.
કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના વિરોધની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત વિધાનસભામાં આ બિલ પસાર કરી દીધું હતું.
રાજ્ય સરકારનું કહેવું છે કે બિલની જોગવાઈઓમાં કામદારોનાં હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા તેના કારણે રોજગારની નવી તકો વધશે અને આર્થિક સદ્ધરતા વધશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત બિલ દ્વારા સૂચિત ફેરફારોના બચાવમાં અઠવાડિયામાં જે-તે કામદાર પાસેથી 48 કલાક કરતાં વધુ સમય માટે કામ ન કરાવી શકવાની મર્યાદાની જોગવાઈને પણ ટાંકવામાં આવી રહી છે.
બીબીસી ગુજરાતીએ આ કાયદાની અસર અંગે જાણવા માટે વિવિધ હિતધારકો સાથે વાત કરી.
શ્રમિક સંગઠનો શું માને છે?
કામદારોના હકો માટે ગુજરાત મજદૂર સભા નામની સંસ્થા વર્ષોથી કામ કરી રહી છે. કામદારોના કામના કલાકો, તેમના હકો વગેરે માટે અનેક આંદોલનો કરનારા વકીલ અરીશભાઈ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
અરીશભાઈ પટેલ કહે છે, "આ કાયદો ખૂબ જ ખરાબ રીતે બદલવાનો પ્રયાસ છે. તેની વર્કિંગ ક્લાસના લોકો ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે."
"હું માનું છું કે મૂડીવાદના ઉદય પછી આ પ્રકારનું બિલ દુનિયાભરમાં પ્રથમ વખત લાવવામાં આવ્યો છે, જ્યારે કામના કલાકો માનવીય રીતે વધારવામાં આવ્યા હોય."
તેમણે એ પણ કહ્યું કે સૌપ્રથમ તો 12 કલાકની શિફ્ટ 'સામાન્ય માનવી માટે શક્ય જ નથી', કારણ કે ગુજરાતમાં અનેક કામદારો છે, જેઓ ઈંટોના ભઠ્ઠામાં, કાચની ફૅક્ટરીઓમાં કે કેમિકલની ફૅક્ટરીમાં કામ કરે છે, જ્યાં તાપમાન ખૂબ વધારે હોય છે.
પટેલનું માનવું છે કે, "આ કાયદાના અમલીકરણ પછી મજૂરવર્ગનું 'અપેક્ષિત આયુષ્ય' ઓછું થઈ જવાની શક્યતા પૂરેપૂરી છે, તેની સાથે તેમને પૈસાનું પણ નુકસાન થવાનું છે, કારણ કે ઓવરટાઇમ માત્ર કાગળ ઉપર હોય છે તેના પૈસા ક્યારેય મળતા નથી."
ગુજરાતભરમાં વિવિધ લેબર યુનિયન મારફતે મજૂરોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરનારા પટેલે વધુમાં બીબીસી ગુજરાતીને જણાવ્યું:
"આના કારણે આવનારા દિવસોમાં બેરોજગારી વધશે, કારણ કે લોકો કામ નહીં કરી શકે અને જે લોકો કામ કરશે તેઓ બીમાર પડશે. પરંતુ ફૅક્ટરી માલિકોના નફામાં કોઈ ફરક નહીં પડે."
મહિલા કામદારોનું શું કહેવું છે?
બીબીસી ગુજરાતી રંજનબહેન લેઉવા નામનાં એક મહિલા કામદાર સાથે વાત કરી તો તેમણે કહ્યું, "જો આ પ્રકારનો કાયદો અમલમાં આવે તો અમારે તો કામ છોડવું પડે. સામાન્ય રીતે એક મહિલા ઘરનું અને ફૅક્ટરીનું એમ બંને કામ કરતી હોય છે."
"ફૅક્ટરીનું કામ પતાવીને તેણે બાળકોનું કામ કરવાનું હોય છે, રસોઈ કરવાની હોય છે, ઘરકામ કરવાનું હોય છે, ઘરમાં વૃદ્ધ માતાપિતા કે સાસુસસરાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આવી સ્થિતિમાં મહિલાને જો 12 કલાક કામ કરવાનું કહેવામાં આવે, તો તે કામ ન જ કરી શકે."
રંજનબહેન હાલમાં સિલાઈ મશીન પર કામ કરે છે અને માને છે કે જો આવું જ થશે, તો તેમને કામ છોડીને ઘરે બેસવું પડશે.
મનીષાબહેન યાદવ પણ તેમની જેમ જ હાલમાં દસ કલાક સુધી કામ કરે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે:
"આ કાયદો પુરુષો માટે સારો હશે, પરંતુ મહિલાઓને તો આ કાયદાના અમલીકરણ પછી કામ છોડવું જ પડશે. અત્યારે પણ એવું થાય છે કે ઓવરટાઇમ કરાવી લેવામાં આવે છે, પણ તેનો પગાર મળતો નથી. તો આવનારા દિવસોમાં વધુ કલાકો સુધી કામ કર્યા પછી પણ શું ગૅરંટી છે કે એ કામનો પૂરો પગાર મળશે?"
ઘણા લોકો એવું માનવું છે કે નોકરી કરતી વખતે જો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવે તો તેમને બીજે દિવસે નોકરીથી કાઢી મૂકવામાં આવે, એટલા માટે આવા પ્રસ્તાવિત કાયદાઓનો વિરોધ મોટા પ્રમાણમાં નથી થયો.
એક જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અંતર્ગત વિકસિત વિસ્તાર) માં કામ કરતા કામદાર કાલુરામે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ નવા કાયદાથી કામદારોનું શોષણ કરવા માટે કાયદેસરનું હથિયાર ફૅક્ટરીના માલિકોને મળી ગયું છે."
"અત્યારે આઠ કે નવ કલાકની શિફ્ટ હોય ત્યારે પણ અમારે બે-ત્રણ વહેલા આવવું પડે છે અને બેથી ત્રણ કલાક વધારે રોકાવું પડે છે. આઠ કલાકની શિફ્ટ પણ 14 કલાકની થઈ જાય છે."
"જો શિફ્ટના કાયદેસરના સમયને 12 કલાક કરવામાં આવશે, તો અમને ઘરે જવા માટે માત્ર પાંચ-છ કલાકનો જ સમય મળશે. એ સિવાય અમે કંઈ જ કરી નહીં શકીએ. એટલે અમારે કામ છોડી દેવાનો જ વારો આવે."
જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઇટાયિલાએ કર્યો વિરોધ
આ કાયદા વિશે વાત કરતા વડગામની બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું હતું:
"ગુજરાતના તમામ ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા મોકલવા જોઈએ, જેથી તેમને ખબર પડે કે 45 ડિગ્રી તાપમાનમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. આ કાયદો મૂડીવાદીઓને ફાયદો કરાવનારો અને મજૂરોનું શોષણ કરનારો છે."
જ્યારે આ બિલને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણાએ પણ તેનો વિરોધ કર્યો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઇટાલિયાએ કહ્યું, "આ પ્રકારનો કાયદો પસાર કરવા માટે સરકારને કોણે માંગણી કરી છે એ સરકારે કહેવું જોઈએ. આ કાયદાથી મજૂરોનો ફાયદો થશે અને તેમની કમાણી વધશે તે વાત મજૂર વર્ગના લોકોને ગેરમાર્ગે દોરનારી છે."
"તેમનાં હિતો માટે કરવામાં આવેલી વાતો આ કાયદામાં માત્ર કાગળ પર રહેવાની છે, કારણ કે મજૂરોનો કોઈ અવાજ નથી અને તેઓ ફૅક્ટરી માલિકોની સામે કોઈ ફરિયાદ નહીં કરી શકે, જો કરશે તો તેમની નોકરી જતી રહેશે."
વિધાનસભામાં આ બિલ પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઉમેશ મકવાણાએ તેને ફાડી નાખ્યું હતું. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આ કાયદાના કારણે સૌથી વધુ સમસ્યા SC, STઆ કાયદા વિશે વાત કરતા વડગામની બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું હતું:
"ગુજરાતના તમામ ધારાસભ્યોને ઇંટોના ભઠ્ઠામાં કામ કરવા મોકલવા જોઈએ, જેથી તેમને ખબર પડે કે, 45 ડિગ્રી તાપમાનમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. આ કાયદો પૂંજીપતીઓને ફાયદો કરાવનારો અને મજૂરોનું શોષણ કરનારો છે."
જ્યારે આ બિલને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણાએ પણ તેનો વિરોધ કર્યો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઇટાલિયાએ કહ્યું, "આ પ્રકારનો કાયદો પસાર કરવા માટે સરકારને કોણે માંગણી કરી છે, તે સરકારે કહેવું જોઈએ. આ કાયદાથી મજૂરોનો ફાયદો થશે અને તેમની કમાણી વધશે તે વાત મજૂર વર્ગના લોકોને ગેરમાર્ગે દોરનારી છે."
"તેમના હિતો માટે કરવામાં આવેલી વાતો આ કાયદામાં માત્ર કાગળ પર રહેવાની છે, કારણ કે મજૂરોનો કોઈ અવાજ નથી અને તેઓ ફૅક્ટરી માલિકોની સામે કોઈ ફરિયાદ નહીં કરી શકે, જો કરશે તો તેમની નોકરી જતી રહેશે."
વિધાનસભામાં આ બિલ પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઉમેશ મકવાણાએ તેને ફાડી નાખ્યું હતું. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આ કાયદાના કારણે સૌથી વધુ સમસ્યા SC, ST અને OBC સમાજના લોકોને થવાની શક્યતા છે, કારણ કે મજૂર વર્ગના લોકો મોટા ભાગે આ સમાજમાંથી આવે છે."
જોકે, આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાતના એક ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ફૅકટરી ચલાવનાર માલિક સાથે વાત કરી તો પોતાનું નામ ન આપવાની શરતે તેમણે કહ્યું હતું:
"આજની તારીખમાં એ શક્ય જ નથી કે ફૅક્ટરી માલિક કામદારનું શોષણ કરી શકે. તેમની પાસે અનેક વિકલ્પો છે, જો હું તેની પાસે વધારે કામ કરાવીશ, તો તે તરત જ બીજે જતા રહેશે. એટલે આ કાયદો માત્ર કાગળ પર જ રહેવાનો છે, તેનાથી ગ્રાઉન્ડ પર ખરેખર કોઈ ફરક નહીં પડે."
સરકારે કર્યો બિલનો બચાવ
વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રમાં ગુજરાત સરકારે કારખાના (ગુજરાત સુધારા) બિલ 2025 નામનું બિલ ધ્વનિમતથી પસાર કરાવ્યું હતું.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, "બિલ મારફતે નવી તકો, નવો રોજગાર અને વધુ આર્થિક સદ્ધરતા તરફ જઈ શકાશે."
આ બિલમાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે એક અઠવાડિયામાં કોઈ પણ શ્રમિક પાસેથી 48 કલાકથી વધુ કામ નહીં લઈ શકાય.
બળવંતસિંહ રાજપૂતે એવું પણ જણાવ્યું હતું કે, "આ માટે ફૅક્ટરી માલિકોએ અલગ-અલગ 16 શરતો માનવી પડશે અને જો તેમની સામે એક પણ ફરિયાદ થશે તો ચલાવી નહીં લેવાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન