કેરળ : 158 લોકોનાં મોત, 187 હજુ પણ ગુમ, એ ત્રણ કલાક જેણે તારાજી સર્જી

ઇમેજ સ્રોત, Getty Images
કેરળના વાયનાડમાં મેપ્પાડી પાસે મંગળવારે ભૂસ્ખલન થવાને કારણે 158 લોકોનાં મોત થયાં છે. જ્યારે 187 લોકોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી.
મુખ્ય મંત્રી કાર્યાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું છે કે અત્યાર સુધી મેપ્પડીમાં 90 લોકો અને નિલાંબુરમાં 32 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ઇજાગ્રસ્ત 192 લોકોની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોમાં બચાવદળ પહોંચી ના શકવાના લીધે ગુમ થયેલા લોકોની સંખ્યા 98 થઈ ગઈ છે.
ચાઇલ્ડ વૅલફેર કમિટીના સભ્ય બિપીન ચેમ્બથકારાએ બીબીસીને જણાવ્યું કે મેપ્પડીમાં ચાના બગીચાઓમાં કેટલા લોકો રહેતા હતા એ અંગે તેમને કોઈ માહિતી નથી. અહીં બીજાં રાજ્યોમાં આવેલા લોકો મોટા પ્રમાણમાં કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પ્રવાસીઓ પણ પ્રભાવિત થયા છે.
તેમણે ઉમેર્યું કે મેપ્પડીની એક શિબિરમાં 150 બાળકોને અન્ય લોકો સાથે રાખવામાં આવ્યાં છે. બાળકોને મનોવૈજ્ઞાનિક સહાયતા આપવામાં આવી રહી છે.
આ દરમિયાન બુધવારે સવારે કેરળ કૅબિનેટે બેઠક યોજી હતી અને એ બાદ મુખ્ય મંત્રી બચાવકાર્યોની સમિક્ષા બેઠકનું પણ આયોજન કરશે.
સોમવાર અને મંગળવાર દરમિયાન રાતે એકથી ચાર વાગ્યે વચ્ચે ત્રણ ભૂસ્ખલોએ વાયનાડના ચૂરાલમાલા, મુંડાક્કઈ જેવા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી.
મુખ્ય મંત્રી કાર્યાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, "મૃતકોની સંખ્યા 123 થઈ ગઈ છે." તેમણે એવું પણ જણાવ્યું કે સૂરજ આથમ્યા બાદ પણ સૈન્ય, નૌસેના, વાયુસેના, એનડીઆરએફ, ફાયરબ્રિગેડની મદદથી બચાવઅભિયાન ચલાવાઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીએ જણાવ્યું કે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ મુશળાધાર વરસાદ પડી રહ્યો છે. જોકે, એવામાં પણ બચાવકાર્ય ચાલુ છે. મુંડાક્કઈ ચાના બગીચાવાળો નાનો એવો કસબો છે. જ્યાં આસામ અને પશ્ચિમ બંગાળના લોકો મોટી સંખ્યામાં કામ કરે છે.
એનડીઆરએફ અને ફાયરબ્રિગેડના બચાવદળ સામે સૌથી મોટી મુશ્કેલી ચૂરાલમાલા અને મુંડાક્કઈ વચ્ચેના પુલના ધોવાઈ જવાથી ઊભી થઈ છે.
મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને સૈન્યને ભૂસ્ખલન પ્રભાવિત બે મહત્ત્વના વિસ્તારો વચ્ચે અસ્થાયી પુલ બનાવવા માટે મદદ માગી છે. જોકે, સૈન્ય ત્યાં પહોંચે એ પહેલાં એનડીઆરએફે દોરડા થકી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડ્યા.
ચૂરાલમાલા અને મુંડાક્કઈમાં બચાવકાર્ય ચાલી રહ્યું હતું એ દરમિયાન કેટલાક પ્રત્યક્ષદર્શીઓ દ્વારા એવા સમાચાર પણ મળ્યા છે કે મલ્લુપરમના નિલાંબુર વનવિસ્તાર અને ચલિયાર નદીમાં પણ માનવદેહના ટુકડા તરતા જોવા મળ્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ વિસ્તારમાં પણ ઓછામાં ઓછા 30 મૃતદેહો મળ્યા છે.


તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલી માહિતી પ્રમાણે, બચાવઅભિયાન ચાલી રહ્યું છે અને ભારતીય સેનાની 122 ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો પણ બચાવ અભિયાનમાં જોડાયા છે.
એનડીઆરએફના કમાન્ડર અખિલેશ કુમારે જણાવ્યું, “અમે મુંડક્કાઈ ગામમાંથી ઇજાગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મંગળવારે રાતે 10 વાગ્યા સુધીમાં 70 લોકોને બચાવ્યા હતા. જોકે, અમને બીક છે કે ઘણા લોકો ઇમારતોના કાટમાળની નીચે દબાયા હશે. અહીં ઘણી ટીમો કામ કરી રહી છે અને અમે ચોક્કસ મૃત્યુઆંક વિશે જણાવી ન શકીએ. લોકોને નદીની બીજી તરફ રિસોર્ટ અને મસ્જિદમાં આશ્રય આપવામાં આવ્યો છે.”
કેરળ સરકારના વનમંત્રી એ.કે. શશીધરણે બીબીસીને જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમો બચાવકાર્યમાં જોતરાયેલી છે અને નાળા મારફતે લોકોને બચાવાઈ રહ્યા છે એટલે થોડો વધારે સમય લાગી રહ્યો છે. સૈન્યની ટીમે પણ પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે."
આ દરમિયાન બચાવઅભિયાનમાં 250થી વધારે લોકોને બચાવી લેવાયા છે.
કેરળનાં સ્વાસ્થ્યમંત્રી વીના જ્યૉર્જે જણાવ્યું હતું કે ભૂસ્ખલનની ઘટના મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યે ઘટી હતી.
બીજી તરફ કેરળના વનમંત્રી એ. કે. સાસીનદ્રને બીબીસી સાથે વાત કરતા કહ્યું કે ભૂસ્ખલનને કારણે હાલમાં કેટલા લોકો ફસાયેલા છે, તેના વિશે કહેવું મુશ્કેલ છે.
મદદ માટે સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ સહિત સશસ્ત્ર બળો કામે લાગી ગયાં છે. ભારતીય વાયુદળ દ્વારા બે હૅલિકૉપ્ટરને રાહત અને બચાવ કામગીરી માટે કામે લગાડવામાં આવ્યાં છે.
અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવા માટે ભારતીય સેનાને હંગામી પુલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળના મુખ્ય મંત્રી સહિતના નેતાઓએ આ કુદરતી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ડૉ. વી. વેણુએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતાં એવું પણ જણાવ્યું, "અમને જાણવા મળ્યું છે કે કેટલાય લોકો હજુ પણ ગુમ છે અને મૃતકોનો આંક વધી શકે છે. એક મુશ્કેલી એ પણ છે કે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ રીતે અલગથલગ છે. અમે એ વિસ્તારના મોટા ભાગમાં પહોંચવા માટે સક્ષમ નથી."
ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ દરમિયાન કેરળના વનમંત્રી એ. કે. સાસીનદ્રને બીબીસી સાથે વાત કરતા કહ્યું છે કે ભૂસ્ખલનને કારણે હાલમાં કેટલા લોકો ફસાયેલા છે, તેના વિશે કહેવું મુશ્કેલ છે.
હાલમાં એન.ડીઆર.આર.એફ. કન્નુર ડિફેન્સ સિક્યૉરિટી તેમજ ઍરફૉર્સના હેલિકૉપ્ટરો બચાવકાર્યમાં જોતરાયેલાં છે પણ વરસાદને પગલે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે.
મુખ્ય મંત્રી વિજયનના કાર્યાલય તરફથી જણાવાયું છે કે ભૂસ્ખલનવાળી જગ્યા સુધી પહોંચવા માટે સૈન્યને એક અસ્થાયી પુલ બનવાવામાં મદદ કરવા માટે કહેવાયું છે.
મહત્ત્વપૂર્ણ છે કે કેરળમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કેટલીય જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં મુંડક્કઈ, અટ્ટામાલા અને કુહોમ જેવા વિસ્તારો સામેલ છે.
વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

ઇમેજ સ્રોત, Reuters
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. તેમણે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરી હતી.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખ આપવામાં આવશે, આ સિવાય ઘાયલોને રૂ. 50-50 હજાર આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્ત જલદીથી સાજા થાય તથા રેસ્ક્યૂ ઑપરેશન સફળ રહે તે માટે કામના કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, "વાયનાડના મેપાડીમાં ભૂસ્ખલન વિશે જાણીને દુખ થયું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાના પરિવારજનો પ્રત્યે સંવેદના. આશા છે કે જેઓ ફસાયેલા છે, તેમને સલામત રીતે બહાર કાઢી લેવાશે."
"મેં કેરળના મુખ્ય મંત્રી તથા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને જણાવ્યું હતું રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મેં તેમને તમામ એજન્સી વચ્ચે સંકલન તથા કંટ્રોલરૂમ શરૂ કરવાની કહ્યું છે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડ માટે શક્ય તમામ સહાય માટે વિનંતી કરીશ"

ઇમેજ સ્રોત, Reuters
કેરળનાં આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જને ટાંકતા એનએનઆઈ લખે છે, 'વૈથિરી, કાલપટ્ટા, મેપાડી, મનનથાવાડીની હૉસ્પિટલો કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સોમવાર રાત્રિથી જ આરોગ્યકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને સેવાકાર્યમાં લાગી ગયા હતા. આરોગ્યકર્મીઓની વધુ ટીમોને વાયનાડ મોકલવામાં આવશે.'
કેરળના મુખ્ય મંત્રી કાર્યાલયને ટાંકતા એએનઆઈ લખે છે, 'અગ્નિશમન તથા બચાવદળ, નાગરિક સુરક્ષા, સ્થાનિક ઇમર્જન્સી દળ તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના 250થી વધુ કર્મીઓ ચોરાલમાલા પહોંચીને રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ સિવાય એનડીઆરએફની વધુ એક ટુકડીને ત્યાં પહોંચવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.'

ઇમેજ સ્રોત, cmo
હવામાન વિભાગે આ વિસ્તારોમાં ચોવીસ કલાકમાં 204 મિમી વરસાદની આગાહી કરી છે.
કેરળના આપદા પ્રબંધન વિભાગે વરસાદની શક્યતા જોતા ઓરેન્જ, યલો ઍલર્ટ આપ્યું છે.
વાયનાડ કેરળનો પહાડી વિસ્તાર છે અને અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે.
કોઝીકોડ ઍરપૉર્ટથી વાયનાડ અંદાજે 86 કિમી દૂર છે.













