કેરળ માનવબલિ મામલો : આરોપીના બગીચામાંથી મૃતદેહોના 61 ટુકડા મળ્યા, પાડોશીઓએ કહ્યું, 'વધુ હત્યાઓ થઈ હોઈ શકે છે'

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, બી સુધાકર
- પદ, બીબીસી તામિલ માટે

- કેરળમાં એક દંપતીએ બે મહિલાઓની માનવબલિ આપી હતી
- ધારદાર ચપ્પુ વડે મહિલાઓના એકદમ સટીક ટુકડા કરવામાં આવ્યા હતા
- હત્યા કર્યા બાદ તમામ ટુકડાઓ ઘરની બહાર બગીચામાં દફનાવી દેવાયા હતા
- ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે મૃતદેહોના ટુકડા તપાસ માટો મોકલ્યા
- પાડોશીઓની આશંકા છે કે અહીં વધુ હત્યાઓ થઈ પણ હોઈ શકે છે

ચેતવણી : આ અહેવાલનું વિવરણ આપને વિચલિત કરી શકે છે.
કેરળમાં બે મહિલાઓનું બલિ ચઢાવવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણની તપાસ કરી રહેલી પોલીસ પાસે માત્ર અપહરણનાં જ નહીં પરંતુ હત્યા અને માનવબલિ સુધીના પુરાવા સામે આવ્યા.
કેરળના આ ચકચારી માનવબલિ કેસ અંગે રોજ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે.
આ ઘટના સામે આવ્યા બાદ ઇલાનથૂરના લોકો આઘાતમાં છે. અહીં રહેનારા લોકોને શંકા છે કે ધરપકડ કરાયેલ શફી નામના આરોપીએ આ બે હત્યા સિવાય પણ અન્ય હત્યાઓ કરી હશે.
ડિંડીગુલમાં રહેતાં એક મહિલાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેઓ અન્ય આરોપી ભગાવલ સિંહના ઘર પાસે જ રહેતાં હતાં. તેમનો દાવો છે કે તેઓ પણ રહસ્યમય વ્યક્તિ શફીના ચક્કરમાં ફસાઈ જ જવાનાં હતાં પણ અંતિમ સમયે તેઓ બચી ગયાં.
તેઓ પોતાના બચવા વિશે કહે છે, "હું શફીને મળવાની હતી. તેણે મને કહ્યું હતું કે મને એક લાખ રૂપિયા આપશે, પણ છેલ્લી ઘડીએ મારું મન ન માન્યું એટલે હું ન ગઈ અને શફી રોઝલિનને લઈ ગયો."
શફીનાં પત્નીનું કહેવું છે કે તેમને માનવામાં જ નથી આવી રહ્યું કે તેમનો પતિ આટલી હદે બીભત્સ કૃત્ય કરી શકે છે.
પોલીસને ભગાવલ સિંહના ઘરના ગાર્ડનમાંથી હત્યા કરાયેલી મહિલાઓના મૃતદેહના 61 ટુકડા મળ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે એક ધારદાર ચપ્પુ વડે તેમને બર્બરતાથી કાપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 61માંથી 56 ટુકડા પદ્મા નામનાં મહિલાના હતા. જ્યારે હાડકાંના પાંચ ટુકડા રોઝલિનના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે તેમાંથી 35 ટુકડાને પોસ્ટમૉર્ટમ અને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. અન્ય ટુકડા ગુરુવારે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
બંને મહિલાઓના મૃતદેહોના ટુકડા મળ્યા હોવાથી ડીએનએ ટેસ્ટ માટે તેમના પરિવારજનોનાં બ્લડ સૅમ્પલ પણ લેવામાં આવ્યાં છે.

શું કહે છે સ્થાનિક લોકો?

ઇલાનથૂરના રહેવાસી શાજી કહે છે, "આ હત્યાકાંડ વિશે જાણકારી મળ્યા બાદથી અમે આઘાત છીએ. આજે જ્યારે સમાજ શિક્ષિત થઈ ગયો છે અને આગળ વધી રહ્યો છે, ત્યારે આ ઘટના ભયાવહ અને કલંકિત કરનારી છે. પૈસા માટે માનવબલિ ચઢાવાયો. આ કૂડાથયીની ઘટનાથી પણ વધારે બીભત્સ છે, જ્યાં એક પરિવારના છ લોકોને ઝેર આપવામાં આવ્યું હતું."
શાજી એ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેમાં એક મહિલાએ સાઇનાઇડ ઝેર ખવડાવીને પોતાના પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી.
સ્થાનિક દુકાનદાર જોસે ભગાવલ સિંહના ઘર પાસે છેલ્લાં બે વર્ષથી રહે છે. તેઓ ભગાવલ સિંહના પરિવારને સારી રીતે ઓળખતા તો નથી પણ આવતાજતાં હસવાનો સંબંધ ચોક્કસ હતો.
તેઓ કહે છે, "એ આયુર્વેદ વૈદ્ય છે. ઘણા લોકો તેમની પાસે સારવાર કરાવવા જતા હતા. તેઓ અને તેમની પત્ની લૈલા લોકો સાથે સારી રીતે વર્તતાં હતાં. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી તો અમને લાગ્યું કે આ નિર્દોષ દંપતીને શા માટે પોલીસ લઈ જઈ રહી છે? પણ જ્યારે સત્ય જાણવા મળ્યું તો અમે સૌ
ચોંકી ઊઠ્યા હતા."
તેઓ કહે છે કે આ મામલે પોલીસે વધુ ગંભીરતાથી ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કારણ કે ઘણા લોકોને લાગે છે કે ત્યાં વધારે હત્યા થઈ હોઈ શકે છે.

પોલીસતપાસ

સ્થાનિક પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે પાડોશીઓ ભગાવલ સિંહ વિશે કેટલું જાણતા હતા.
જ્યારે મૃતદેહોના ટુકડા કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે પંચાયત સભ્ય સાલી લાલુ ત્યાં જ હાજર હતા. તેઓ ઘટનાક્રમના સરકારી સાક્ષી છે.
સાલી લાલૂ જણાવે છે, "આરોપી પોલીસને જગ્યા બતાવી રહ્યા હતા અને ત્યાંથી જ મૃતદેહોના ટુકડા કાઢવામાં આવી રહ્યા હતા. હું તેની સાક્ષી છું. એવું લાગતું હતું કે જાણે ખેતરમાંથી બટાકા કાઢવામાં આવી રહ્યા હોય. મૃતદેહના ટુકડાઓને એકદમ સચોટ રીતે કાપવામાં આવ્યા હતા. વરસાદ વરસી રહ્યો હતો અને મૃતદેહના ટુકડા માટીથી લથપથ હતા."
ઘટનાસ્થળ પર આવેલી રોઝલિનનાં એક પુત્રી મંજૂ વર્ગીસે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "તેઓ જાન્યુઆરી 2015થી 2022 વચ્ચે ઉત્તર પ્રદેશમાં શિક્ષિકા તરીકે કામ કરતાં હતાં. તેઓ કેરળમાં કલાડીમાં પોતાનાં માતા સાથે રહેવા જાન્યુઆરીમાં આવ્યાં હતાં. આગલા દિવસે તેમણે એક ટ્રસ્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું."

'મારી માતા લૉટરીની ટિકિટ નહોતી વેચતી'

મંજૂએ કલાડી પોલીસ સ્ટેશનમાં છ જૂને પોતાનાં માતા ગુમ થયાં હોવાની જાણવાજોગ નોંધાવી હતી. બાદમાં 15 ઑગસ્ટે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
તેઓ કહે છે કે મીડિયામાં અહેવાલો પરથી દંપતી સહિત ત્રણ લોકોની ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મંજૂ કહે છે કે તેમનાં માતા કલાડીમાં, ભાઈ ઇડુકીમાં અને તેઓ વડક્કનચેરીમાં રહેતાં હતાં. જ્યારે મંજૂએ પોતાનાં માતાને સાથે રહેવા આવવાનું કહ્યું તો તેમણે એમ કહીને ના પડી દીધી હતી કે 'બધો સામાન લઈને આવવું મુશ્કેલ થશે.'
મીડિયા અહેવાલોમાં રોઝલિન વિશે કહેવામાં આવ્યું હતું કે તેઓ લૉટરી ટિકિટ વેચતાં હતાં. જોકે, મંજૂ આ વાતને રદિયો આપે છે. તેઓ કહે છે કે તેમનાં માતા આયુર્વેદિક ઉત્પાદનોનાં વૅન્ડર હતાં.
પોલીસકર્મીઓએ છત્રી, કૉસ્મેટિક વસ્તુઓ અને બૅગ મંજૂને બતાવી. જેની ઓળખ મંજૂએ પોતાનાં માતાના સામાન તરીકે કરી.

ડીએનએ તપાસ

રોઝલિનની ઓળખ માટે પૂરતા પુરાવા એકત્ર કરવા મંજૂનાં ડીએનએ સૅમ્પલ લેવામાં આવ્યાં છે અને તપાસ માટે ત્રિવેન્દ્રમ મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યાં છે.
જ્યારે શફી વિશે પૂછવામાં આવ્યું તો મંજૂનું કહેવું હતું કે તેઓ તેને ઓળખતાં નથી.
ગુરુવારે ઍર્નાકુલમ કોર્ટે શફી, ભગાવલ સિંહ અને લૈલાના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ વચ્ચે તામિલનાડુમાં રહેતા પદ્માના પુત્ર આર સેટ્ટૂએ તામિલનાડુના મુખ્ય મંત્રીને આ મામલે દરમિયાનગિરી કરવા અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ઘરે લાવવા મદદ કરવાની અપીલ કરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













