અમરેલી : પત્નીની હત્યા બાદ પ્રેમિકા સાથે રહેતો આરોપી પતિ છ મહિના બાદ કેવી રીતે પકડાયો?

પત્નીની હત્યા કર્યા બાદ પ્રેમિકા સાથે રહેતો પતિ

ઇમેજ સ્રોત, KALPESH KHER

ઇમેજ કૅપ્શન, સુરેશ સોલંકી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • સાવરકુંડલામાં પ્રણયત્રિકોણની અજીબોગરીબ ઘટના
  • પતિ પત્નીની હત્યા કર્યા બાદ પ્રેમિકા સાથે શાંતિથી રહેતો હતો
  • બાળકોના ભવિષ્યને લઈને પત્ની પ્રેમિકાને સાથે રાખવા તૈયાર હતી
  • પતિએ ભુવા પાસે લઈ જવાનું કહી પત્નીની હત્યા કરી, મૃતદેહ છોડીને પાછો આવ્યો
  • શહેર છોડીને પ્રેમિકા અને ચાર બાળકો સાથે છ મહિના સુધી પોલીસથી બચ્યો
  • પ્રેમિકાનો ફોન ચાલુ થતાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો
લાઇન

"મારા પિતાએ મારી વાત પર ભરોસો કર્યો હોત અને મેં મારી પ્રેમિકાની વાત માનીને તેનો ફોન રિચાર્જ ન કરાવ્યો હોત તો આજે પણ બધાથી દૂર આરામથી રહેતો હોત."

આ શબ્દો છે પત્ની શોભાની કથિત હત્યાના આરોપમાં પકડાયેલા અમરેલીના સુરેશ સોલંકીના.

સુરેશ સોલંકીના પોલીસ રિમાંડ ગુરુવારે પૂરા થયાં અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાવમાં આવ્યા છે.

મૂળ સાવરકુંડલાના સુરેશ સોલંકીનાં લગ્ન બાબરામાં રહેતા તેમની જ જ્ઞાતિના રમેશભાઈ દાનવડિયાનાં પુત્રી શોભા સાથે થયાં હતાં.

બંનેનાં લગ્નજીવનમાં તેમને ચાર બાળકો થયાં હતાં. માત્ર સુરેશની કમાણીથી છ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું શક્ય ન હોવાથી સુરેશની સાથેસાથે શોભા પણ મજૂરીકામ કરતાં હતાં.

સુરેશના પિતા રાજાભાઈ સોલંકીના કહેવા પ્રમાણે, "પરિવારમાં કોઈને ખ્યાલ ન આવ્યો કે કેવી રીતે સુરેશને મહોલ્લામાં જ રહેતાં એક યુવતી રેખા (નામ બદલ્યું છે) સાથે પ્રેમ થયો."

1px transparent line

આરોપીના પિતાએ જ પોલીસકેસ કર્યો

પત્નીની હત્યા કર્યા બાદ પ્રેમિકા સાથે રહેતો પતિ

ઇમેજ સ્રોત, KALPESH KHER

ઇમેજ કૅપ્શન, સાવરકુંડલા ટાઉન પોલીસસ્ટેશન

શોભાના પિતા રમેશભાઈ દાનવડિયા જણાવે છે કે જ્યારથી શોભાએ સુરેશ સાથે મજૂરીકામે જવાની શરૂઆત કરી ત્યારથી સુરેશનાં નખરાં વધી ગયાં હતાં.

તેઓ કહે છે, "તે સમયે તેમના મહોલ્લામાં રહેતાં રેખા તેમના પતિ સાથે અણબનાવ થતાં પિયર આવી ગયાં હતાં. અમારા જમાઈ અને રેખા વચ્ચે પ્રેમ પાંગર્યો તેની કોઈને ખબર ન પડી."

સુરેશના પિતા રાજાભાઈ જણાવે છે, "રેખાના કારણે શોભા અને સુરેશ વચ્ચે ઝઘડા થતા હતા. ઘણી વખત અમે વચ્ચે પડીને સમાધાન પણ કરાવ્યું હતું. પણ સુરેશ યુવતીને છોડવા તૈયાર ન હતો. છેલ્લે બાળકોના કારણે શોભા એ રેખાને પણ સાથે રાખવાં તૈયાર થઈ ગયાં હતાં."

રમેશભાઈ દાનવડિયા કહે છે, "શોભા અને રેખા બંને એકસાથે ત્રણ વર્ષ સુધી સુરેશ સાથે રહ્યાં. રેખા કોઈ કામ કરતી ન હતી. આ કારણથી પણ બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા."

આ દરમિયાન અચાનક એક દિવસ સુરેશ, શોભા અને ચાર બાળકો એકસાથે ગુમ થઈ ગયા. રમેશભાઈ જણાવે છે, "અમે તપાસ કરી તો ખબર પડી કે રેખા પણ તે જ દિવસથી ગુમ હતી. થોડા સમય સુધી તેમની ભાળ ન મળતાં મેં અને મારા વેવાઈ રાજાભાઈએ પોલીસફરિયાદ નોંધાવી હતી."

તેઓ વધુમાં કહે છે, "આ દરમિયાન અમને ખબર પડી કે એ લોકો સુરતમાં છે, તેમ છતાં કોઈ પત્તો ન મળતાં વેવાઈ રાજાભાઈએ તેમને શોધવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી."

1px transparent line

પોલીસને કેવી રીતે મળી ભાળ

પત્નીની હત્યા કર્યા બાદ પ્રેમિકા સાથે રહેતો પતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ કેસ સાથે સંકળાયેલા અમરેલીના ડીવાયએસપી હરેશ વોરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સાવરકુંડલાના પોલીસ ઇન્સ્પૅક્ટર આ કેસની તપાસ કરી રહ્યા હતા.

શરૂઆતમાં સુરતથી સુરેશ સોલંકીએ એક વખત ફોન કર્યો હતો અને મળવા માટે પોલીસસ્ટેશન પણ આવ્યો હતો. ત્યારે સુરેશે કહ્યું હતું કે સુરતમાં તેમનાં પત્ની શાક લેવાં ગયાં બાદ ગુમ થઈ ગયાં છે, એ આવશે એટલે લઈને ફરીથી પોલીસસ્ટેશન આવવાની ખાતરી આપી.

તેઓ આગળ કહે છે, "બાદમાં એ ગુમ થઈ ગયો હતો. છ મહિના સુધી તેની કોઈ ભાળ ન મળતાં અમે તેનો, રેખાનો અને બંનેના મિત્રોના ફોન પણ સર્વેલન્સમાં મૂક્યાં હતાં. સર્વેલન્સ સિવાય અમે હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લઈ રહ્યા હતા. બંનેના ફોન બંધ આવતા હતા પણ જાણવા મળ્યું કે રેખા અને સુરેશ બંનેનો એક મિત્ર વારંવાર ગોંડલ જતો હતો."

"અને અચાનક એક દિવસ રેખાનો ફોન ચાલુ થયો અને તે ગોંડલમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે એ મિત્રની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેણે કહ્યું કે સુરેશ અને રેખા ચાર બાળકો સાથે ગોંડલમાં રહે છે."

ડીવાયએસપી વોરા આગળ જણાવે છે, "આ જાણીને અમે તાત્કાલિક એક ટીમ ગોંડલ મોકલી હતી. ત્યાંથી સુરેશ અને તેની પ્રેમિકા રેખા ચારેય બાળકો સાથે મળી આવ્યાં, પણ તેમનાં પત્ની શોભા ક્યાંય ન હતાં."

અમરેલીના જિલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સુરેશ સોલંકી પૂછપરછમાં એક જ વાતને અડી રહ્યો હતો કે શોભા એકસાંજે શાક લેવાં ગયાં અને ભાગી ગયાં હતાં.

તેઓ આગળ જણાવે છે, "સુરેશની આ વાત ગળે ઊતરે એમ ન હતી. કારણ કે જો શોભા તેને છોડવાં જ માગતાં હોત તો તેમની અને રેખા સાથે ત્રણ વર્ષ સુધી એક જ છત નીચે કેમ રહ્યાં? આ ઉપરાંત સુરેશે સુરતમાં પોતાનાં પત્ની ગુમ થયાં હોવાની ફરિયાદ પણ નોંધાવી ન હતી."

"અમે તેની અને રેખાની અલગઅલગ બેસાડીને ભારપૂર્વક પૂછપરછ કરી. જેમાં રેખાએ કહ્યું કે છ મહિના પહેલાં સુરેશ શોભાને પિયર મૂકવા ગયો હતો અને ત્યાર બાદથી તે પાછી આવી નથી. રેખાનું આ નિવેદન અમારા માટે પૂરતું હતું."

1px transparent line

નવું સીમકાર્ડ ન મળતાં જૂનો નંબર ચાલુ કર્યો અને...

પત્નીની હત્યા કર્યા બાદ પ્રેમિકા સાથે રહેતો પતિ

ઇમેજ સ્રોત, KALPESH KHER

ઇમેજ કૅપ્શન, પકડાયા બાદ સુરેશ સોલંકી

એસપી હિમકરસિંહ કહે છે કે, "રેખાનાં નિવેદન બાદ સુરેશની તલસ્પર્શી પૂછપરછ કરાઈ. જેમાં તેણે બધી વાત કહી દીધી."

તેઓ કહે છે, "સુરેશે કબૂલ્યું કે શોભા ભુવાઓમાં માનતાં હોવાથી તેમણે પ્રેમિકા રેખા અને તેમની વચ્ચે ઝઘડા બંધ કરાવવા લીલીયામાં એક ભુવા પાસે લઈ જવાની વાત કરી હતી. વાતમાં ભોળવાઈ ગયેલાં શોભા સુરેશ સાથે સુરતથી નીકળ્યાં હતાં અને સુરેશે લીલીયાથી થોડે જ દૂર એક અવાવરું જગ્યાએ પ્રેમની વાતો કરીને શોભાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી."

હિમકરસિંહ અનુસાર, "સુરેશે પોલીસ સમક્ષ કબૂલ્યું કે આ જગ્યા પર લોકોની અવરજવર હોતી નથી. જેથી શોભાની હત્યા કર્યા બાદ મૃતદેહ ત્યાં જ છોડીને પાછો આવતો રહ્યો. પાછો આવ્યા બાદ મેં મારો અને રેખાનો ફોન બંધ કરી દીધો હતો. મેં સુરતના મારા મિત્રના નામે સીમકાર્ડ લીધું અને હું એ વાપરતો હતો."

"રેખા માટે નવું સીમકાર્ડ ન મળતા તેનો ફોન રિચાર્જ કરાવીને ગામમાં વાત કરી."

પોલીસના જણાવ્યા પ્રમાણે, હત્યા કર્યા બાદ સુરેશે મૃતદેહ જંગલમાં જ તરછોડી દીધો હતો. ઍપ્રિલ મહિનામાં લીલીયા પાસેનાં જંગલોમાં જંગલી પ્રાણીઓની હાજરી હોવાથી લોકોની અવરજવર ઘણી ઓછી હોય છે. જેથી મૃતદેહ પર કોઈની નજર પણ ન પડી.

અમરેલીના એસપી વધુમાં જણાવે છે, "સુરેશની કબૂલાત બાદ જ્યારે તેને લઈને મૃતદેહ શોધવા જંગલમાં ગયા તો ત્યાંથી માનવકંકાલ મળી આવ્યું હતું. ડીએનએ ટેસ્ટ કર્યા બાદ એ કંકાલ શોભાનું હોવાની પુષ્ટિ થઈ હતી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન