afg vs ban : અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો, ધરખમ ટીમોને હરાવીને કેવી રીતે પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની અંતિમ સુપર 8 મૅચમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ભારે રસાકસીવાળી મૅચ રમાઈ હતી. જોકે, અફઘાનિસ્તાનની ટીમ માત્ર આઠ રનથી મૅચ જીતીને ટી-20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન મેળવવામાં માટે સફળ રહી.
અફઘાનિસ્તાન પ્રથમ વખત વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં પહોંચી શક્યું છે.
અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અફઘાનિસ્તાને ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી.
જોકે, અફઘાનિસ્તાન કોઈ મોટો સ્કોર કરી ન શક્યું અને 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને 115 રન જ કર્યા હતા. જે ટી-20 ફૉર્મેટ એક ખૂબ જ નાનો ટાર્ગેટ છે.
વરસાદને કારણે બાંગ્લાદેશ માટે ડકવર્થ લ્યુઇસના હિસાબથી બાંગ્લાદેશ માટે 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ નક્કી થયો.
જોકે, અફઘાનિસ્તાને પોતાની શાનદાર બૉલિંગ થકી મૅચમાં વાપસી કરી હતી. અફઘાનિસ્તાનના બૉલરોએ બાંગ્લાદેશના ઓપનર લિટન દાસ સિવાય એક પણ બૅટ્સમૅનને મોટો સ્કોર કરવા દીધો ન હતો. અફઘાનિસ્તાન બૉલરોએ એક પણ મોટી ભાગીદારી પણ ન થવા દીધી જેને કારણે બાંગ્લાદેશની મૅચ પર પકડ મજબૂત થઈ શકે.
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 18 ઓવરની અંદર જ 105 રન પર ઑલ-આઉટ કર્યું હતું.
આ ઐતિહાસીક જીત સાથે અફઘાનિસ્તાન પ્રથમ વખત વર્ડ કપના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાનની ધીમી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અફઘાનિસ્તાને ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી.
અફઘાનિસ્તાને પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ માત્ર 27 રન જ કર્યા હતા. ટીમનો સ્કોર 10 ઓવરના અંતે વિના વિકેટે માત્ર 58 રન જ હતો.
અફઘાનિસ્તાન તરફથી ઓપનર રહમાનઉલ્લાહ ગુરબાઝે 55 બૉલમાં સૌથી વધારે 43 રન ફટકાર્યા હતા. જોકે, તેમનો સ્ટ્રાઇક રેટ માત્ર 78.18 હતો, જે ટી-20 ફૉર્મેટમાં ખૂબ જ ખરાબ ગણી શકાય.
જોકે, કૅપ્ટન રાશિદ ખાને ઇનિંગના અંતે 10 બૉલમાં ત્રણ છગ્ગાની મદદથી 19 રન ફટકાર્યા હતા.
અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને માત્ર 115 રન જ કરી શકી હતી. જે ટી-20 ફૉર્મેટ એક ખૂબ જ નાનો સ્કોર છે.
નવીન ઉલ હક અને રાશિદ ખાનની જબરદસ્ત બૉલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશ પાસે પણ આ મૅચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાનો મોકો હતો. બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવા માટે 115 રનનો સ્કોર 12.1 ઓવરમાં હાંસલ કરવાની જરૂર હતી.
બાંગ્લાદેશે પોતાની ઇનિંગની શરૂઆત પણ સારી કરી હતી અને નવીન ઉલ હકની પહેલી જ ઓવરમાં 11 રન ફટકાર્યા હતા. જોકે, ઇનિંગની બીજી જ ઓવરમાં ફારૂકીએ તંજિદ હસનની વિકેટ મેળવી હતી.
નવીન ઉલ હક પોતાની બીજી ઓવરમાં શાનદાર વાપસી કરી હતી. નવીને પોતાની બીજી અને ટીમની ત્રીજી ઓવરમાં બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શાન્તો અને બાંગ્લાદેશના સૌથી અનુભવી ક્રિકેટર શાકિબ અલ હસનની વિકેટ મેળવી હતી. આમ, ત્રણ ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 24 રન હતો.
10 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 77 રન હતો. ટીમને મૅચ જીતવા માટે 60 બૉલમાં માત્ર 39 રનની જરૂર હતી અને મૅચ તેમની પકડમાં હતો.
જોકે, અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને આક્રમક બેટિંગ બાદ બૉલ વડે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બાંગ્લાદેશનની ઇનિંગની 11મી ઑવરમાં રાશિદ ખાને મહંમદુલ્લાહ અને રિશાદ હુસૈન બંનેની વિકેટો ઝડપી હતી અને 11મી ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર સાત વિકેટના નુકસાન પર 80 રન હતો.
જોકે, બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે એક છેડો સાચવી રાખ્યો હતો. તેમણે 49 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 54 રન ફટકારીને નોટ આઉટ રહ્યા. જોકે, તેઓ બાંગ્લાદેશને જીત ન અપાવી શક્યા. લિટન દાસ ઉપરાંત માત્ર મો. તૌહીદ હ્રદોય જ 10નો આંકડો પાર કરી શક્યા હતા. તેમણે નવ બૉલમાં 14 રન કર્યા હતા.
આમ, બાંગ્લાદેશના બૅટ્સમૅનો કોઈ મોટી ભાગીદારી ન કરી શક્યા. આ કારણે જ તેમને મૅચ ગુમાવવી પડી.
બાંગ્લાદેશ તરફથી કૅપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હકે ચાર-ચાર વિકેટો મેળવી હતી. આ ઉપરાંત ગુલબદીન નઈબ અને ફઝલહક ફારૂકીને પણ એક-એક વિકેટ મળી હતી.
આ સાથે જ રાશિદ ખાને ટી-20 ફૉર્મેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો ટિમ સાઉથીનો રેકર્ડ પણ તોડ્યો હતો. ટીમ સાઉદી 119 મૅચમાં 150 વિકેટ મેળવી હતી, જયારે રાશિદ ખાને માત્ર 92 મૅચમાં 150 વિકેટો ઝડપી છે.
મૅન ઑફ ધી મેચ નવીન ઉલ હક

ઇમેજ સ્રોત, Getty Images
નવીન ઉલ હકને તેના શાનદાર બૉલિંગ પરર્ફોમન્સ માટે મૅન ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે માત્ર 26 રન આપીને ચાર વિકેટો ઝડપી હતી.
મૅન ઑફ ધી મૅચનો ઍવૉર્ડ સ્વીકારતા નવીન ઉલ હકે કહ્યું, "આ સફળતા માટે હું અલ્લાહનો આભાર માનું છું. અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સફળતા મેળવવા માટે અથાક મહેનત કરી છે. અમે આ જ દિવસનું સપનું જોઈ રહ્યા હતા અને તેના માટે મહેનત કરી રહ્યા હતા. અમે હવે સેમિફાઇનલમાં પહોંચી ગયા છીએ અને ખૂબ જ ખુશ છીએ."
આ ઐતિહાસીક જીત પર અફધાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને કહ્યું, "એક ટીમ તરીકે સેમિફાઇનલમાં પહોંચવું એ એક સપના સમાન છે. મારી પાસે આ અનુભવને વર્ણવા માટે કોઈ શબ્દો નથી."
"અમે જ્યારે ન્યૂઝીલેન્ડને હરાવી ત્યારે અમારો આત્મવિશ્વાસ વધ્યો. અમને લાગ્યું કે આ વિકેટ 135-140 સારો સ્કોર રહેશે, પરંતુ 15-20 રન ટૂંકા પડ્યા. અમને ખબર હતી કે તેઓ આક્રમક બેટિંગ કરીને 12 ઑવરમાં આ લક્ષ્યને પૂરો કરવાની કોશિશ કરશે."
"અમે અમારી યોજનાઓ વિશે એકદમ સ્પષ્ટ હતા કે સેમિફાઇનલમાં પહોંચવા માટે 10 વિકેટો જ લેવી પડશે અને ટીમના બધાં જ સભ્યોએ શાનદાર પ્રદર્શન કર્યું."

અફઘાનિસ્તાન પહેલી વખત સેમિફાઇનલમાં

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનની ટીમે પોતાનો પ્રથમ ટી-20 વર્લ્ડપક પણ વેસ્ટઇન્ડિઝમાં જ 2010માં રમ્યો હતો.
જોકે, ટીમ એક પણ મૅચ જીતવામાં સફળ નહોતી રહી. ટીમ 2012માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પણ એક પણ જીત મેળવી શકી ન હતી.
જોકે, 2014માં બાંગ્લાદેશમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને વર્લ્ કપની પહેલી જીત મળી હતી. અફઘાનિસ્તાને હૉંગકૉંગ સામે સાત વિકેટે જીત મેળવી હતી. જોકે, ટીમ પ્રથમ રાઉન્ડથી આગળ વધી શકી ન હતી.
2016 અને 2021ના વર્લ્ કપમાં પણ ટીમ સુપર 10 અને સુપર 12 સુધી પહોંચી હતી.
2022માં રમાયેલા ટી-20 વર્ડ કપમાં પણ અફઘાનિસ્તાન સુપર 12નો ભાગ હતી. જોકે, ટીમ એક પણ મૅચ જીતી ન હતી.
આ વર્લ્ડકપમાં પણ તેમની સેમિફાઇનલ સુધીની સફર આસાન ન હતી. જોકે, અફઘાનિસ્તાને ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
વર્લ્ડકપના સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 27 જૂને થશે.
પાકિસ્તાનમાં જ અફઘાનિસ્તાને ક્રિકેટ શીખ્યું
1979માં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે લાખો લોકોએ પાકિસ્તાન પલાયન કર્યું હતું.
તેમણે શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ રમ્યું અને ત્યાં જ ક્રિકેટ શીખ્યું. એ જ લોકો જ્યારે અફઘાનિસ્તાન પરત ફર્યા ત્યારે ક્રિકેટ તેમની સાથે આવ્યું.
તમામ વિરોધવંટોળ વચ્ચે 1995માં અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડની સ્થાપના થઈ.
જોકે, પહેલાં તો તાલિબાને ક્રિકેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો પણ તેની લોકપ્રિયતાને ધ્યાને લેતાં તેણે વર્ષ 2000માં તેને માન્યતા આપવી પડી હતી.
નાની લીગમાં રમવાથી માંડીને ટેસ્ટનો દરજ્જો મેળવ્યા સુધી ટીમે લાંબી સફર ખેડી છે અને એ પણ ઘણા ઓછા સમયગાળામાં.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અતિશય ઝડપથી પ્રગતિ કરી છે. ટીમે 2010માં આઈસીસી ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ કર્યું હતું.
2012માં અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાની પ્રથમ વન-ડે મૅચ રમી હતી જેમાં તેમની સાત વિકેટથી હાર થઈ હતી. 2013 સુધીમાં અફઘાનિસ્તાનની ટીમ આઈસીસીની ઍસોસિયેટ સભ્ય ટીમ પણ બની ગઈ.
2017માં અફઘાનિસ્તાન અને આયરલૅન્ડને ટેસ્ટ સ્ટેટસ પણ મળી ગયું.
અફઘાનિસ્તાન અને આયરલૅન્ડ 11માં અને 12માં ટૅસ્ટ સ્ટેટસ પામનારા દેશો બની ગયા. 2018માં અફઘાનિસ્તાને ભારત સામે પહેલી ટૅસ્ટ મૅચ રમી હતી.












