અફઘાનિસ્તાન: તાલિબાન સાથે સતત યુદ્ધ વચ્ચે ક્રિકેટ રમનારી ટીમ કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયનોને હરાવવા લાગી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બોથરાજ
- પદ, બીબીસી સંવાદદાતા
"આપકે જૂતે ઊતારો ઔર ઉન્હેં ફેંક દો.
સડક પર આઓ, નાચો ઔર ગાઓ.
હમ ગરીબોં કે લિયે યે ખુશી દુર્લભ હૈ."
અફઘાનિસ્તાનની એક લોકપ્રિય કવિતાની આ પંક્તિઓ છે.
આ એવો દુર્લભ આનંદ છે કે જે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તેના લોકોને વિશ્વકપની મૅચમાં જીત મેળવીને આપી રહી છે. વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની દરેક જીતની ઉજવણી દેશના લોકો કરે છે.
ભૂરાજકીય સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, માળખાકીય સુવિધાઓ અને અન્ય વિવિધ અવરોધોને પાર કરી, અફઘાનિસ્તાનની ટીમ પરિપક્વ ક્રિકેટનું પ્રદર્શન કરી વર્લ્ડકપની દરેક મૅચમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર આ સ્થાન સુધી પહોંચવા અફઘાનિસ્તાનની ટીમે ઘણાં વર્ષો સુધી મહેનત કરી છે. ભલે અફઘાનિસ્તાનના વિકાસ માટે અબજો ડૉલરનો ખર્ચ કરાયો હોય છતાં ક્રિકેટ ટીમ સૌથી વધુ સફળ રહી છે. ક્રિકેટની રમતે દેશનો ચહેરો બદલી નાખ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
દરેક તબક્કામાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શને લોકોને ખૂબ જ તાજગી અને પ્રેરણા આપી છે સાથે જ ક્રિકેટમાં લોકોને રસ જગાડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો એ જાણીએ કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની અહીં સુધી પહોંચવાની સફર કેવી રહી છે?
અફઘાનિસ્તાનની ટીમ બની કેવી રીતે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપમાં ત્રણ ત્રણ પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ટીમને હરાવીને અફઘાનિસ્તાનની ટીમે મોટા અપસેટ સર્જ્યાં છે. આ એજ ટીમ છે જે અગાઉના વર્લ્ડકપમાં માત્ર એક જ મૅચ જીતી શકી હતી.
અફઘાનિસ્તાન ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ હદે આગળ વધે તે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના યોગદાન વિના અફઘાનિસ્તાન ક્રિકેટનો પ્રારંભિક વિકાસ થયો ન હોત. પરંતુ આ વખતે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે.
અફઘાનિસ્તાનનો ક્રિકેટ સાથેનો સંબંધ 19મી સદીથી શરૂ થાય છે.
અફઘાનિસ્તાનમાં રહેતા બ્રિટિશરો 19મી સદીથી ક્રિકેટ રમતા હતા. જોકે, ક્રિકેટ પાકિસ્તાનમાં આશ્રય લેનારા અફઘાન શરણાર્થીઓમાં લોકપ્રિય બન્યું જ્યાં તેમને નિયમિત ક્રિકેટ રમવાની આદત પડી ગઈ હતી.
1995માં, અલ્લાહ દાદ નૂરીએ એક પ્રયોગ તરીકે અફઘાનિસ્તાન માટે પ્રથમ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું અને પાકિસ્તાનમાં ગ્રેડ-2 ટુર્નામેન્ટમાં ભાગ લીધો.
તાલિબાને ક્રિકેટ પર પ્રતિબંધ ન મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ, અફઘાનિસ્તાનના લોકો તેમના વતન પરત ફર્યા પછી, 1995માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રયાસોથી અફઘાનિસ્તાન ક્રિકેટ સંગઠનની રચના કરાઈ હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી, અન્ય રમતોની જેમ ક્રિકેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પરંતુ પછી કોઈ અજાણ્યા કારણોસર તાલિબાને તેનો વિચાર બદલ્યો અને ક્રિકેટને પ્રતિબંધમાંથી અપવાદ તરીકે રાખ્યું.
પાકિસ્તાન બન્યું 'પાલક માતા'

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનનો 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)માં સભ્ય દેશ તરીકે સમાવેશ કરાયો હતો. અફઘાનિસ્તાનને 2003માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)માં પણ સામેલ કરવામાં આવ્યું. લગભગ 10 વર્ષ સુધી વિવિધ દેશોમાં ક્રિકેટ રમ્યા બાદ, અફઘાનિસ્તાનને આઈસીસીના પૂર્ણ-સમયના સદસ્ય તરીકે માન્યતા આપવામાં આવી.
2001 થી 2007 સુધી એ પાકિસ્તાનની જ ટીમ હતી. જેણે અફઘાનિસ્તાન ક્રિકેટની ટીમને સ્વીકારી અને તેમની સાથે ક્રિકેટ મૅચ રમી. અફઘાનિસ્તાન ક્રિકેટના વિકાસમાં પાકિસ્તાન ક્રિકેટનો પણ ફાળો હતો તે ભૂલી શકાય નહીં.
પહેલી જીત ક્યારે મળી?

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાનને પહેલી જીત 2004માં બહેરીન સામે મળી હતી. અફઘાનિસ્તાને 2007માં નવરોઝ મંગલની કપ્તાની હેઠળ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટી-20 ચૅમ્પિયનશિપ જીતી હતી. અફઘાનિસ્તાને આ ટ્રૉફી જીતી તેના કારણે દેશના લોકોમાં ક્રિકેટ પ્રત્યે ભારે રસ જાગ્યો હતો.
તે સિવાય અફઘાનિસ્તાને આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-5, ડિવિઝન-4 અને ડિવિઝન-3માં પણ જીત મેળવી હતી.
વન-ડેમાં કઈ રીતે આગળ વધ્યું અફઘાનિસ્તાન?

ઇમેજ સ્રોત, Getty Images
આ જીત બાદ અફઘાનિસ્તાનને 2011 વર્લ્ડકપ ક્વૉલિફાયરમાં ભાગ લેવાની તક મળી. જોકે અફઘાન ટીમ તેમાં નિષ્ફળ રહી હતી. જોકે, પહેલીવાર અફઘાનિસ્તાનને 4 વર્ષની વન-ડે માટેની યોગ્યતા આપવામાં આવી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયો.
તે પછી અફઘાનિસ્તાનની ટીમે સ્કૉટલૅન્ડ, ઝિમ્બાબ્વે અને નેધરલૅન્ડની ટીમો સાથે ક્રિકેટ મૅચ રમીને પોતાનું નામ બનાવ્યું. પશ્ચિમી દેશોમાં ખેલાડીઓ પાસે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનાથી અડધું પણ અફઘાનિસ્તાનના ખેલાડીઓ પાસે નથી. છતાં તેમની પાસે જે પણ સુવિધાઓ હતી તેનો ઉપયોગ કરીને, તેમણે ધીરે ધીરે તેમની ક્રિકેટ ટીમનો વિકાસ કર્યો.
તે સિવાય, અફઘાનિસ્તાન ટીમ 2010માં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સમાં રમી હતી અને ફાઇનલ મૅચમાં આયર્લૅન્ડને 8 વિકેટથી હરાવીને વર્લ્ડકપમાં ભાગ લેવાની અફઘાનિસ્તાનને તક મળી હતી.
ટી-20 વર્લ્ડ કપ

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટીમોની શ્રેણી એવા ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ભાગીદારી એ અફઘાનિસ્તાન માટે મોટી ક્ષણ હતી. જોકે, અફઘાનિસ્તાન પ્રથમ રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હારીને બહાર થઈ ગયું હતું.
અફઘાનિસ્તાનની ટીમે આ હારમાંથી ઝડપથી બહાર નીકળીને દુબઈમાં આયોજિત આઈસીસી ઇન્ટરકોન્ટિનેન્ટલ ટી-20 કપમાં સ્કૉટલૅન્ડને હરાવીને ચૅમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
પાકિસ્તાન સામેની પહેલી મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
2012માં, આઈસીસીના પૂર્ણકાલીન સભ્ય પાકિસ્તાન સામેની મૅચમાં પ્રથમ વખત, અફઘાનિસ્તાન ટીમનું નેતૃત્વ નવરોઝ મંગલે કર્યું હતું. અફઘાનિસ્તાન 10 ફેબ્રુઆરી, 2012ના રોજ શારજહાંમાં પાકિસ્તાન સામે 7 વિકેટે હારી ગયું હતું.
2013માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને મોટી ઓળખ મળી. આઈસીસીએ માન્યતા પ્રાપ્ત સભ્યમાંથી તેને ઍસોસિયેટ સદસ્ય બનાવ્યું.
અફઘાનિસ્તાન 2011 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મળેલી નિષ્ફળતાથી નિરાશ ન હતું. અફઘાનિસ્તાને 2015 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભાગ લીધો હતો. તેમણે ફાઇનલમાં કેન્યાને 7 વિકેટથી હરાવ્યું અને 2015ના વન-ડે વર્લ્ડકપ શ્રેણીમાં ભાગ લીધો.
અફઘાનિસ્તાને 2015 વર્લ્ડકપ શ્રેણીમાં ઘણી હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેમની સૌથી યાદગાર ક્ષણ સ્કોટલૅન્ડ સામેની તેમની એક વિકેટથી મળેલી જીત હતી. અફઘાનિસ્તાનની જીતનો જશ્ન મનાવવા દેશના લોકો તેમના ઘરો અને શેરીઓમાં ઉમટી પડ્યા હતા.
અફઘાનિસ્તાનની ટીમે 2019માં વર્લ્ડકપમાં સતત બીજી વખત ભાગ લીધો હતો. પરંતુ અફઘાનિસ્તાન રાઉન્ડ રોબિન ફૉર્મેટમાં રમાયેલી તમામ મૅચ હારી ગયું હતું.
ત્રીજી વાર વર્લ્ડકપમાં ભાગ લેતી ટીમ સારા ફોર્મમાં છે

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાન નવા લોગો સાથે સતત ત્રીજી વખત વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યું છે.
અફઘાનિસ્તાનની ટીમ પોતાની રમતમાંં એટલે કે બૉલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ અને ટીમની એકતામાં ઘણી પરિપક્વ બની છે.
જેના કારણે વર્તમાન ચૅમ્પિયન ઇંગ્લૅંડ, પૂર્વ ચૅમ્પિયન શ્રીલંકા અને પાકિસ્તાનને મોટો આંચકો આપીને તેણે પરાજય આપ્યો છે.
ખાસ કરીને અફઘાનિસ્તાનની ટીમે શ્રીલંકાની ટીમે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા પોતાની બેટિંગ કુશળતા સાબિત કરીને જીત મેળવી હતી.
2015 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા, પાકિસ્તાન અને ઇંગ્લૅંડ સામે જીતવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ પછીના 8 વર્ષમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે 2023 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લૅંડને હરાવીને પોતાને સાબિત કરી બતાવી છે.
બીજી ટેસ્ટમાં જીત
22 જૂન 2017ના રોજ, આઈસીસીએ અફઘાનિસ્તાન અને આયર્લૅન્ડને સંપૂર્ણ સભ્યપદ આપ્યું. ત્યારબાદ 2018માં 14 જૂને અફઘાનિસ્તાનની ટીમે બેંગલુરૂમાં ભારતીય ટીમ સામે પ્રથમ ટેસ્ટ મૅચમાં ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનની આ પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મૅચ હતી.
અફઘાનિસ્તાને માર્ચ 2019માં આયર્લૅન્ડ સામે ટેસ્ટ મૅચ જીતી હતી. આ અફઘાનિસ્તાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મૅચમાં મેળવેલી પહેલી જીત હતી. અફઘાનિસ્તાને બીજી ટેસ્ટમાં પહેલી જીત મેળવી હતી. અફઘાનિસ્તાને તેની સ્પિન બૉલિંગને કારણે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે 224 રનથી ટેસ્ટ જીતી હતી.
યુવાઓને તૈયાર કર્યા
અફઘાનિસ્તાનની ટીમ આજે યુવા ખેલાડીઓને કારણે મજબૂત બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડીંગ ધરાવે છે. મોટાભાગના ખેલાડીઓ અગાઉ અંડર-19 ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
અફઘાનિસ્તાને 2010માં પહેલીવાર આઈસીસી અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો પરંતુ તે જીતી શક્યું ન હતું. જો કે, અફઘાનિસ્તાને 2018 વર્લ્ડકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યાં તેને ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. છતાં, તેમણે પાકિસ્તાનને 185 રનથી હરાવીને અંડર-19 એશિયા કપ જીત્યો. મુજીબ-ઉર-રહેમાન, ઝાકિર ખાન, વબદર મહોમ્મદ, રાશિદ ખાન અને પેટર ઇશાનુલ્લાને અંડર-19 ટીમમાંથી પસંદ કરાયા હતા.
આઈપીએલમાં ભાગ લેવામાં ભારતે કર્યો સહયોગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અફઘાનિસ્તાન ક્રિકેટના વિકાસ અને યુવાનોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારે સહયોગ કર્યો છે. યુવાનોને ક્રિકેટ કોચિંગ આપવા દેશની મુલાકાત લેવી, દેશના ક્રિકેટરોને જરૂરી સહાય પૂરી પાડવી અને અફઘાન ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપવાથી તેમને ક્રિકેટમાં વધુ ઊંચા સ્તરે પહોંચવામાં મદદ મળી.
ખાસ કરીને આઈપીએલ જેવા સૌથી મોટા પ્લૅટફોર્મ પર રમવાથી અફઘાનિસ્તાનના ક્રિકેટરોને તેમની ક્રિકેટ કારકિર્દીને વધુ સારી બનાવવામાં મદદ મળી છે.
આઈપીએલ શ્રેણીમાં ભાગ લીધા બાદ આર્થિક રીતે નબળા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પોતાની જરૂરિયાતો પૂરી કરી અને માતૃભૂમિને પણ શક્ય તેટલી મદદ કરી.
પૂર્વ રાષ્ટ્રપતિ જેમણે પહેલ કરી

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાન સત્તામાં આવ્યું તે પહેલા અફઘાનિસ્તાનના પ્રમુખ હામીદ કરઝાઈએ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે નવી ઓળખ અને વિવિધ માળખાકીય સુવિધાઓ બનાવવાની પહેલ કરી હતી.
2 જૂન, 2009ના રોજ, તત્કાલીન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં સુધારા કરવાનો આદેશ જારી કર્યો. તેનાથી અફઘાનિસ્તાનને આઈસીસી અને એસીસી વતી વિવિધ નાણાકીય સહાય અને માળખાકીય સહાય મળી.
અનેક અવરોધો પાર કરીને સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અફઘાન ટીમે આ સફળતા હાંસલ કરવા વિવિધ અવરોધો અને સામાજિક સમસ્યાઓની સામે બાથ ભીડી છે.
કોઈ ટીમ પાસે જીતવા માટે તમામ સુવિધાઓ હોવી તે સામાન્ય વાત છે. પણ તેનાથી વધુ નોંધપાત્ર વાત એ છે કે અફઘાનિસ્તાને ગંભીર રાજકીય અને આર્થિક અસ્થિરતાવાળી પરિસ્થિતિમાં ક્રિકેટના પ્રેમમાં પડ્યા પછી આવો વિકાસ કર્યો છે.
આજની અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ જેમ કે રાશિદ ખાન, મોહમ્મદ નબી, મુજીબ-ઉર-રહેમાન, રહેમત શાહ, ઝાદરાન, બરુકી, રહેમતુલ્લાહ ગુરબાઝ વગેરેએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ પહેલાં કુલુદ્દીન નાયબ, મૉહમ્મદ શેઝાદ, પૂર્વ કપ્તાન અસગર અફઘાન અને હામિદ હસને પણ અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવામાં યોગદાન આપ્યું છે.
આઈસીસી ટી-20 બૉલર રૅન્કિંગમાં અફઘાનિસ્તાનનો બૅટ્સમેન રાશિદ ખાન ટોચ પર છે, ફારૂકી ટોપ 10માં છે.
ઑલરાઉન્ડર કેટેગરીમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી વન-ડે રૅન્કિંગમાં ટોપ 10 બૉલર્સ કેટેગરીમાં છે, આ બંને ઓલરાઉન્ડર કેટેગરીમાં પણ ટોપ-10માં છે.
તે પણ હકીકત છે કે આંતરરાષ્ટ્રીય ટીમો માટે પડકારરૂપ બૉલિંગ કરીને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો આવો વિકાસ થયો અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી.














