AUSvsAFG : આ અફઘાન ખેલાડીએ કઈ રીતે ઑસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું?

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે.
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલાં બેટિંગ કરવા ઊતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝે 49 બૉલ પર 60 રન ફટકાર્યા હતા. ઓપનિંગ બૅટ્સમૅન ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝરદાને 118 રનની શાનદાન ભાગીદારી નોંધાવી હતી.
આ ટી20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે.
149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં માત્ર 127 રન જ બનાવી શકી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ગ્લેન મૅક્સવેલે 41 બૉલમાં 59 રન બનાવ્યા હતા. બીજી તરફ, અફઘાનિસ્તાનના ફાસ્ટ બૉલર ગુલબદીન નાયબે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ મેળવી હતી.
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર પૅટ કમિન્સે આ મૅચમાં હૅટ્રિક લઈને પણ ઇતિહાસ રચ્યો હતો. કોઈ પણ ટી20 વર્લ્ડકપમાં બીજી વખત હૅટ્રિક લેનારા તેઓ વિશ્વના પ્રથમ બૉલ બની ગયા છે.
કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. આ પહેલાં કમિન્સે ગત મૅચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પણ હૅટ્રિક વિકેટ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ અહીં એ વાત પણ નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયાની ટીમ પોતાની પ્રથમ મૅચ હારી છે.

અફધાનિસ્તાનના ઓપનરોની મજબુત ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
અફધાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 148 બનાવ્યા હતા.
ટીમના ઓપનિંગ બૅટ્સમૅન રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહીમ ઝદરાન બંનેએ અફધાનિસ્તાનને જબરદસ્ત શરૂઆત આપી હતી. બંનેએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી અને 118 રનની ભાગીદારી નોંધાવી હતી.
રહમાનુલ્લાહ ગુરબાઝે 49 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 122.44ની સ્ટ્રાઇક રેટ સાથે 60 રન ફટકાર્યા હતા. જ્યારે ઇબ્રાહિમ ઝાદરાને 48 બૉલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા હતા. જોકે, આ ઉપરાંત ટીમના અન્ય કોઈ ખેલાડીએ મોટો સ્કોર કર્યો ન હતો.
ઑસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. જ્યારે ઍડમ ઝામ્પાએ ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયના ઑલ-રાઉન્ડર માર્કસ સ્ટૉયનિસની પણ એક સફળતા મળી હતી.
ઑસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયા પોતાની આક્રમક શરૂઆત માટે જાણીતું છે, ખાસ કરીને પાવર પ્લેમાં ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બૅટ્સમૅનો આક્રમક બેટિંગ કરતા આવ્યા છે. જોકે, ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બૅટ્સમૅનો અફધાનિસ્તાન સામે ખાસ કંઈ કરી ન શક્યા.
ટ્રૈવિસ હેડ પોતાનું ખાતું પણ ખોલી ન શક્યા અને પહેલી જ ઓવરમાં નવીન ઉલ હકનો શિકાર બન્યા હતા. જ્યારે અનુભવી અને આક્રમક ડેવિડ વૉર્નર પણ માત્ર ત્રણ રન ના સ્કોર પર નબીનો શિકાર બન્યા.
ઑસ્ટ્રેલિયાના કોઈ પણ બૅટ્સમૅન ગ્લેન મૅકસવેલનો સાથ ન આપ્યો અને આ કારણે જે ઑસ્ટ્રેલિયાનો 21 રને પરાજય થયો હતો.
ઑસ્ટ્રેલિયા તરફથી મૅક્સવેલે 41 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી સૌથી વધારે 59 રન ફટકાર્યા હતા. મૅક્સવેલ ઉપરાંત સ્ટૉયનિશ અને કૅપ્ટન માર્શ જ દસથી વધારે રન કરી શક્યા હતા. સ્ટૉયનિશે 11 અને માર્શે 12 રન ફટકાર્યા હતા.
અફધાનિસ્તાન તરફથી સૌથી વધારે ગુલબદીન નઈબે ચાર વિકેટો ઝડપી હતી. તેમણે પોતાની ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને મૅકસવેલ, સ્ટૉયનિસ, ડેવિડ અને કમિન્સ વિકેટો ઝડપી હતી.
આ ઉપરાંત નવીન ઉલ હકે પોતાની ચાર ઓવરોમાં 20 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. કૅપ્ટન રાશિદ ખાન, અઝમતઉલ્લાહ ઓમરઝાઈ અને મોહમ્મદ નબીને એક-એક સફળતા મળી હતી.
અફધાનિસ્તાને પોતાના જબરદસ્ત બૉલિંગ પ્રદર્શન વડે ઑસ્ટ્રેલિયાને માત્ર 127 રનના સ્કોર પર ઑલ-આઉટ કરીને વર્લ્ડ કપના સેમીફાઇનલ પહોંચવાની આશા જીવંત રાખી છે.
ગુલબદીન નાઇબ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાને હરાવવામાં અફઘાન ખેલાડી ગુલબદીન નાઇબ રહ્યા. નાઇબે 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ લીધી અને ઑસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું.
ઑસ્ટ્રેલિયન ખેલાડી મૅક્સવેલે અફઘાનિસ્તાનના હાથમાંથી મૅચ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો પણ ગુલબદીને એમને પણ અટકાવી દીધા હતા.
મૅક્સવેલે 41 બૉલ પર 59 રન બનાવ્યા હતા. જોકે, ગુલબદીને એમની મહત્ત્વપૂર્ણ વિકેટ હાંસલ કરીને ઑસ્ટ્રેલિયાનું મૅચમાં પરત ફરવાનું સપનું તોડી નાખ્યું હતું.
વર્ષ 2023માં 200 રન ફટકાવરના મૅક્સવેલ આ વખતે પણ ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન કરવાના મૂડમાં હતા. જોકે, નાઇબે અણીના સમયે જ એમને આઉટ કરી દીધા હતા. ગુલબદીને મૅક્સવેલને એ વખતે આઉટ કર્યા જ્યારે અફઘાનિસ્તાનને એમની વિકેટની ખાસ જરૂર હતી.
મૅક્સવેલ છઠ્ઠી વિકેટના રૂપે પવેલિનય પરત ફર્યા. આ રીતે ગલબદીને ચાર વિકેટ લઈને મૅચને એકદમ પલટી નાખવાનું કામ કર્યું હતું.












