શું રોહિતનો આ મોટો દાવ ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચાડશે?

    • લેેખક, નવીન નેગી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદથી લગભગ 650 કિલોમીટર દૂર આવીને હવે ભારતીય ક્રિકેટ ટીમ મહારાષ્ટ્રના પુણે શહેર પહોંચી ચૂકી છે.

પુણેની હવામાં થોડો ભેજ અને અને આકાશમાં થોડાં વાદળ છે, પરંતુ વાતાવરણમાં ક્રિકેટ વર્લ્ડકપની ગરમી સ્પષ્ટ નજરે પડે છે.

ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવીને હવે બાંગ્લાદેશનો સામનો કરવા તૈયાર છે.

તેમજ બાંગ્લાદેશ પોતાની ત્રણમાંથી એક મૅચમાં જીત હાંસલ કરી શક્યું છે. ટીમ ખેલાડીઓના ફૉર્મ અને ફિટનેસને કારણે સંઘર્ષ કરી રહી છે.

ટીમ ઇન્ડિયાની શું હશે વ્યૂહરચના?

સામાન્ય રીતે જ્યારે કોઈ ટીમ જીતે છે તો તેની ઘણી નાની-નાની ખામીઓ જીતના રાજીપા વચ્ચે છુપાઈ જાય છે.

ટીમ ઇન્ડિયા પણ હાલ જીતના રથ પર સવાર છે, પરંતુ એક એવી કડી છે જે આગામી મૅચોમાં કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના માથાનો દુખાવો બની શકે છે.

આ વાત થઈ રહી છે મીડિયમ પેસ ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરની.

આ વર્લ્ડકપમાં ત્રણમાંથી બે મૅચ રમનાર શાર્દૂલ ઠાકુરને અત્યાર સુધી બેટિંગ કરવાની તક જ નથી સાંપડી, તેમજ કપ્તાને તેમને બૉલિંગ માટે પણ ખૂબ ઓછી ઓવર આપી હતી.

તેમણે અફઘાનિસ્તાન વિરુદ્ધ છ તો પાકિસ્તાન વિરુદ્ધ માત્ર બે ઓવર કરી. આવી સ્થિતિને કારણે ઘણા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે શાર્દૂલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમી કે પછી સૂર્યકુમાર યાદવ સારો વિકલ્પ હોઈ શકે.

મીડિયા સાથેની વાતચીતમાં ટીમ ઇન્ડિયાના બૉલિંગ કોચ પારસ મહામ્બ્રેને જ્યારે ટીમ કૉમ્બિનેશનમાં બદલાવ અંગે સવાલો પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે તેઓ જીતનારી ટીમ સાથે જ આગળ વધવા માગશે.

સૂર્યકુમાર યાદવ વિશે તેમણે કહ્યું કે તેઓ એક ચૅમ્પિયન ખેલાડી છે, પરંતુ તેમને કોના સ્થાને ટીમમાં સ્થાન અપાય, એ વાતનો જવાબ હાલ તેમની પાસે નથી.

પારસ મહામ્બ્રેના આ જવાબ છતાં પુણેમાં મોજૂદ પત્રકારો વચ્ચે સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી હતી કે ટીમ ઇન્ડિયા કોઈ ખેલાડીને આરામ આપવાનું વિચારી શકે કે કેમ?

લાંબી ટુર્નામેન્ટમાં ખેલાડીઓને થાક અને ફિટનેસના પ્રશ્નો થઈ શકે

હાલનો વર્લ્ડકપ રાઉન્ડ રૉબિન ફૉર્મેટમાં રમાઈ રહ્યો છે. એટલે કે તેમા ભાગ લઈ રહેલી તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે. આના કારણે દરેક ટીમે ઓછામાં ઓછી નવ મૅચ રમવી પડશે.

ભારતીય ટીમ ઇચ્છશે કે સેમિફાઇનલમાં પહોંચવાની સ્થિતિમાં તેના મહત્ત્વપૂર્ણ ખેલાડી સંપૂર્ણપણે ફિટ અને ફ્રેશ રહે.

તેથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું બાંગ્લાદેશ વિરુદ્ધ શુભમનને આરામ આપીને ઈશાન કિશનને પિચ પર ઉતારાઈ શકે છે.

મૅચની પ્રથમ સાંજે શુભમન અને ઈશાન બંને પ્રૅક્ટિસ કરવા આવેલા, બંનેએ એક કલાક સુધી પરસેવો પાડેલો.

બીજો બદલાવ બૉલિંગમાં આવી શકે, જ્યાં બુમરાહને આરામ આપીને મોહમ્મદ શમીને સામેલ કરી શકાય.

શમીએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી એકેય મૅચ નથી રમી. તેમજ બુમરાહ એક વર્ષ સુધી ઈજાગ્રસ્ત રહ્યા બાદ અમુક મહિના પહેલાં જ ટીમમાં પરત ફર્યા છે.

ટીમ મૅનેજમૅન્ટ પોતાના આ ખેલાડીઓના બૉડી મૅનેજમૅન્ટ પર ધ્યાન આપવા માગશે.

શું બાંગ્લાદેશ કરશે વળતો પ્રહાર?

આમ તો આ વર્લ્ડકપમાં બે અપસેટ સર્જાઈ ચૂક્યા છે.

જે કારણે અફઘાનિસ્તાને હાલના વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સે દક્ષિણ આફ્રિકાને હરાવ્યા તેનાથી મોટી ટીમો આશ્ચર્યમાં છે.

બાંગ્લાદેશે પણ મોટી ટુર્નામેન્ટમાં અપસેટ સર્જવા માટે ઓળખાય છે.

મૅચ પહેલાં જ્યારે બાંગ્લાદેશના કોચ ચંદિકા હથુરુસિંઘે મીડિયા સામે આવ્યા, ત્યારે તેમની આંખમાં આ પ્રકારના જ અપસેટની આશા જોવા મળી રહી હતી.

તેમણે કહ્યું, “વર્લ્ડકપમાં છેલ્લે જે બે અપસેટ સર્જાયા છે, તેના કારણે ટુર્નામેન્ટ ઓપન થઈ ચૂકી છે. અમને પણ આનાથી પ્રેરણા મળી છે. અમારી પાસે છ મૅચ છે અને અમે જીત માટે મેદાનમા ઊતરીશું.”

વર્ષ 2007ના વર્લ્ડકપમાં ભારતે બાંગ્લાદેશ સામે હાર સ્વીકારવી પડી હતી જે તે સમયે એક મોટો અપસેટ હતો.

જો પાછલો રેકૉર્ડ જોવામાં આવે તો પાછલાં 12 મહિનામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ ચાર વનડે મૅચ થઈ છે, જેમાંથી બાંગ્લાદેશે ત્રણ મૅચ જીતી છે, જ્યારે ભારતને માત્ર એક જ મૅચમાં જીત મળી છે.

એટલું જ નહીં, બંને ટીમો વચ્ચે હાલમાં જ રમાયેલ એશિયા કપની મૅચમાંય બાંગ્લાદેશની જ જીત થઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ વર્લ્ડકપમાં નવા અપસેટનો શિકાર ન બને તેનું ધ્યાન રાખશે.

બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહીમ, લિટનદાસ, શાકિબ અલ હસન, મેહદી હસન મિરાઝ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે.

પુણેની પીચ કેવી છે અને અહીં રમાયેલી મૅચો કેવી રહે છે?

પુણેની પિચની વાત કરીએ તો એ સંપૂર્ણપણે બૅટ્સમૅનો માટે લાભકારી દેખાઈ રહી છે.

આ સાથે મેદાનની બાઉન્ડરી પણ ખાસ મોટી નથી. સૌથી નાની બાઉન્ડરી 53 મીટરની છે, તેમજ સૌથી મોટી બાઉન્ડરી ફ્રન્ટમાં – 74 મીટરની છે.

આ મેદાનમાં અત્યાર સુધી કુલ સાત વનડે ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે, જે પૈકી ચાર મૅચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે.

કુલ મળીને પુણેમાં જ્યાં ટીમ ઇન્ડિયા પોતાની જીતનો ચોગ્ગો ફટકારવા માગશે, ત્યાં સામેની બાજુએ બાંગ્લાદેશની ટીમ પોતાના સંઘર્ષપૂર્ણ અંદાજ સાથે આ મૅચમાં પોતાની છાપ છોડવાની પૂરી કોશિશ કરશે.