છોટાઉદેપુર : 'નળ લાગ્યા પણ એકેય વખત પાણી આવ્યું નથી', લગ્નના દિવસે દુલ્હને માથે બેડું લઈને કેમ પાણી ભરવા જવું પડ્યું

પાણીનું બેડુ ભરીને જતા દુલ્હન આમના અને તેમની બહેનપણીઓ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, પાણીનું બેડું ભરીને જતા દુલ્હન આમના અને તેમની બહેનપણીઓ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લગ્નના દિવસે દુલ્હન મતદાન કેન્દ્રમાં મત આપવા જાય કે પછી કૉલેજમાં પરીક્ષા આપવા જતી હોવાનાં દૃશ્યો અવાર નવાર જોવા મળે છે. પરંતુ છોટાઉદેપુર કવાંટમાં સોળે શણગાર સજેલી દુલ્હન બેડું ઉપાડીને પાણી ભરવા ગઈ હોવાનો વીડિયો ચર્ચામાં આવ્યો છે.

કવાંટ તાલુકના કલધરા ગામમાં પાણીની અછત છે. ગામમાં નારણભાઈ રાઠવાના ઘરે દીકરીનાં લગ્ન હતાં.

લગ્નમાં આવનાર મહેમાનો માટે વેચાતું પાણી લાવવામાં આવ્યું હતું. મહેમાનો વધી જતાં પાણી ખતમ થઈ ગયું અને ઘરની મહિલાઓ પાણી ભરવા જઈ રહી હતી.

ઘરની મહિલાઓ સાથે દુલ્હને પણ માથે પાણીનું બેડું ઉપાડ્યું હતું.

સામાન્ય રીતે લગ્નના દિવસે દુલ્હનને પાણીનો ગ્લાસ પણ હાથમાં આપવામાં આવે છે.

ત્યારે લગ્નના દિવસે પાણી ભરવા જવા અંગે વાત કરતાં દુલ્હન કહે છે કે, "ગામમાં પાણીની અછત અંગે સરકારને એક સંદેશ જાય અને સમસ્યા અંગે સરકારનું ધ્યાન ખેંચાય તે માટે હું પણ પાણી ભરવા ગઈ હતી."

મળતી માહિતી અનુસાર કેલધરા ગામમાં નલસેજલ યોજના અંર્તગત સરકારે આશરે છ વર્ષથી પાણીની ટાંકી બનાવી છે અને ઘરે ઘરે નળ પણ લગાવ્યા છે. પરંતુ ગામલોકો કહે છે કે તે શોભાના ગાંઠીયા સમાન છે.

જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે, "પાણી પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે."

ગામલોકો કહે છે કે ટાંકી બની છે પરંતુ આજદિન સુધી એક પણ વખત નળમાં પાણી આવ્યું જ નથી.

લગ્નના દિવસે દુલ્હને કેમ માથે બેડું ઉપાડી પાણી ભર્યું ?

હેન્ડપંપ પર પાણી ભરતી દુલ્હન

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, હૅન્ડપમ્પ પર પાણી ભરતી દુલ્હન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેલધરા ગામના નારણભાઈ રાઠવાનાં દીકરી ઓમનાનાં 14 એપ્રિલના રોજ લગ્ન હતાં..લગ્નના દિવસે તેમના પરિવારે ટૅન્કર અને પાણીના જગ મંગાવ્યા હતા. પરંતુ મહેમાનો વધી જતા હતા.

દુલ્હનના પિતા નારણ રાઠવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મહેમાનો માટે પાણી ખૂટી પડતા અમારા પરિવારની મહિલાઓ બાજુની ફળિયામાં આવેલા હૅન્ડપમ્પ પર પાણી ભરવા જઈ રહી હતી. તે જોઈને મારી દીકરીએ કહ્યું કે હું પણ બેડું લઈને પાણી ભરવા આવીશ."

"મારી દીકરીના કહેવાથી અમે લોકો ઢોલ નગારા સાથે પાણી ભરવા ગયા હતા. પાણી ભરવા માટે મારી દીકરીની બહેનપણીઓ પણ સાથે જોડાઈ હતી."

ઓમના રાઠવાએ જણાવ્યું હતું કે, "અમારી સમસ્યા સરકાર સુધી પહોંચે સરકારનું ધ્યાન ખેંચાય તે માટે તેઓ લગ્નના દિવસે બહેનપણીઓ સાથે પાણી ભરવા ગઈ હતી."

નારણભાઈ રાઠવા જણાવે છે કે "અમારા ગામમા પીવાની પાણીની સમસ્યાને લઈને અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે. પરંતુ અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી. અમારા ગામમાં પાણીની ટાંકી બનાવી છે તેમજ ઘરે-ઘરે નળ પણ લગાવ્યા છે. પરંતુ નળમાં પાણી આવતું નથી. નળ લગાવ્યા બાદ એક પણ વખત નળમાં પાણી આવ્યું નથી."

આ સમગ્ર મામલે બીબીસી ગુજરાતીએ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી હતી.

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પાણીની પાઇપલાઇનમાં લીકેજનો પ્રશ્ન હતો તે રિપેર કરી દેવામાં આવ્યો છે. ગામ લોકોને પાણી મળવા લાગશે."

'હાફેશ્વર ડૅમનું પાણી અમને કેમ નથી મળતુं?'

કેલધરા ગામમાં આશરે 6 વર્ષ પહેલા પાણીની ટાંકી બની છે પરંતુ પાણી આવતુ નથી.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, કેલધરા ગામમાં આશરે છ વર્ષ પહેલાં પાણીની ટાંકી બની છે પરંતુ પાણી આવતું નથી.

કેલધરા ગામથી આશરે 25 કિમી જેટલા અંતર પર હાફેશ્વર ડૅમ પરથી નર્મદાનું પાણી હાફેશ્વર પાણી પુરવઠા યોજના અંર્તગત પાઇપલાઈનથી દાહોદ સુધી લઈ જવામાં આવે છે.

આ અંગે વાત કરતાં નારણભાઈ જણાવે છે કે, "અમારા વિસ્તારનું હાફેશ્વર ડૅમનું પાણી છેક દાહોદ સુધી લઈ જવામાં આવે છે. હાફેશ્વર ડેમ અમારા ગામથી 25 કિમી જ દૂર છે પરંતુ અમે પીવાના પાણી માટે પણ વલખાં મારીએ છીએ. અમે સિંચાઈના પાણીની તો વાત જ નથી."

નારણ રાઠવા વધુમાં જણાવે છે કે, "અમે એવું નથી માનતા કે હાફેશ્વરનું પાણી બીજા લોકોને ન મળવું જોઈએ. અમે તો માનવતાવાદી છીએ. અમે માનીએ છીએ કે પીવાનું પાણી દરેકને મળવું જોઈએ. પાણીના અછતની સમસ્યા માત્ર અમારા ગામની જ નહીં પરંતુ અમારા સમગ્ર વિસ્તારની છે."

નલસેજલ યોજના અંર્તગત ગામમાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે અને લોકોના ઘરે ઘરે નળ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ ગામલોકો અનુસાર પાણી આવતું નથી.

કેલધરા ગામના પૂર્વ સંરપંચ મહેશભાઈ રાઠવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમારા ગામમાં લગભગ છ વર્ષ પહેલાં પાણીની ઓવરહેડ ટાંકી બનાવી છે. લોકોના ઘરે નળ પણ નાંખવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી. લોકોના ઘરે ઘરે પાણી આપવા માટે અમે અવાર નવાર રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી."

કેલધરા ગામ બૈઇડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે.

બૈઈડા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી દેવેશ્વરી ભટ્ટે જણાવ્યુ હતું કે "હું છેલ્લા છ મહિનાથી જ આ ગામમાં તલાટી તરીકે ફરજ બજાવું છું. અગાઉ શું હતું તે અંગે તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે પાણીની ટાંકીમાં પાણી ઉપર ચડવામાં સમસ્યા છે. રસ્તામાં પાઇપલાઇનનું ભંગાણને કારણે પાણી પ્રેશરથી આવતું નથી.આ અંગે કામગીરી ચાલી રહી છે."

ગામમાં હૅન્ડપમ્પ પણ બંધ હોવાથી મહિલાઓએ બીજા ગામ પાણી ભરવા જવું પડે છે?

ગામમા હેન્ડપંપ પણ બંધ હોવાથી મહિલાઓએ બીજા ગામ પાણી ભરવા જવું પડે છે.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ગામમા હૅન્ડપમ્પ પણ બંધ હોવાથી મહિલાઓએ બીજા ગામ પાણી ભરવા જવું પડે છે.

નારણભાઈ વધુમાં કહે છે કે, "અમારા ગામમાં નળમાં તો પાણી નથી આવતું પરંતુ જે હૅન્ડપમ્પ લગાવવમાં આવ્યો છે તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ છે. અમે તે હૅન્ડપમ્પની રિપૅર કરવા માટે પણ અવારનવાર રજૂઆત કરી છે."

"પરંતુ તે પણ આજ સુધી રિપેર કરાયો નથી. જેથી અમારા ગામની મહિલાઓએ બીજા ગામમાંથી માથે ઊંચકીને પાણી લાવવું પડે છે."

દેવેશ્વરી ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "એક મહિના પહેલાં જ તેમનો હૅન્ડપમ્પ બંધ થઈ ગયો હતો. ગામના લોકોએ હૅન્ડપમ્પ રિપૅર કરાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી ન હતી. ગામથી અડધો કિલોમીટર દૂર એક ગામમાં હૅન્ડપમ્પ ચાલુ છે. ગામ લોકો ત્યાંથી પાણી ભરે છે."

ગામમાં પાણીની સમસ્યા કેટલી વિકટ છે?

ઢોલ શરણાઈ સાથે પાણી ભરવા જતી દુલ્હન

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ઢોલ શરણાઈ સાથે પાણી ભરવા જતી દુલ્હન

પૂર્વ સરપંચ મહેશ રાઠવાએ જણાવ્યું કે, "પાણીની અછતની સમસ્યા માત્ર અમારા ગામની જ નથી. પરંતુ અમારા કવાંટ નવસારી તાલુકાની છે. અમારા વિસ્તારમાં વરસાદ પડે છે પરંતુ ગામમાં તળાવ કે નાના ચેક ડૅમ નથી જેથી પાણીનો સંગ્રહ થતો નથી. પરંતુ પાણી નદીમાં વહી જાય છે."

"અમારા ગામમાં પાણીનાં તળ નીચે ગયાં છે. બોર બનાવીએ તો પણ ફેઇલ જાય છે. બોરનું પાણી 300 ફૂટ કરતાં પણ વધારે ઊંડું જતું રહ્યું છે. જો આવી જ રીતે ચાલશે તો આવનારા સમયમાં સમસ્યા વિકટ થશે."

મહેશભાઈ જણાવે છે કે, "અમે અગાઉ પણ રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાં કોતરો છે તેમાં પાણી છોડવામાં આવશે તો પાણીનાં તળ ઊંચાં આવશે. તો જ સમસ્યા નિવારી શકાશે. ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર બનાવ્યા છે. તેમના બોરમાંથી ગામના લોકો પાણી લાવીને વાપરે છે."

"જો કે ઉનાળામાં તો બોરમાં પણ પાણી ચાલતું નથી. અમારા ગામમાં 100 કરતાં વધારે બોર છે જેના પાણીનું સ્તર નીચે ગયું છે."

નારણભાઈ જણાવે છે કે "અમારા વિસ્તારમાં માત્ર પાણીની સમસ્યા તો છે જ. પરંતુ વિજળી- રસ્તા જેવી સમસ્યાઓ પણ વિકટ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.