ગુજરાતના 49% પોલીસકર્મી આરોપીને 'ઢોર માર' મારવાનું યોગ્ય માને છે, નવા રિપોર્ટમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
2011થી 2022 દરમિયાન પોલીસ કસ્ટડીમાં 1,100 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડો રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યુરો(એનસીઆરબી)નો છે. એટલું જ નહીં, આ મૃત્યુ માટે અત્યાર સુધી કોઈ દોષી જણાયું નથી.
કસ્ટડીમાં શકમંદો કે આરોપીઓ સાથે હિંસા થતી જ હોય છે, એવી સામાન્ય ધારણા છે, પરંતુ મોટો સવાલ એ છે કે આખરે એવા કેટલા પોલીસકર્મીઓ છે, જે આરોપીઓ પર હિંસા આચરવામાં કે તે કસ્ટડીમાં હોય ત્યારે ટૉર્ચર કે ત્રાસના ઉપયોગમાં વિશ્વાસ રાખે છે?
આ જાણવા માટે દિલ્હી સહિતનાં 16 રાજ્યોમાં લગભગ 8,200 પોલીસ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વેક્ષણનો અહેવાલ ગયા માર્ચમાં આવ્યો હતો.
'સ્ટેટસ ઑફ પોલિસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2025: પોલીસ એબ્યુઝ ઍન્ડ ઇર્રિસ્પોન્સિબિલિટી' શિર્ષક ધરાવતો આ અહેવાલ કૉમન કોઝ નામના સામાજિક સંગઠન અને સંશોધન સંગઠન સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (સીએસડીએસ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે-તૃતિયાંશ પોલીસ અધિકારીઓ ટૉર્ચરને વાજબી માને છે. કુલ 30 ટકા પોલીસ કર્મચારીઓ ટૉર્ચરને મહદઅંશે વાજબી માને છે, જ્યારે 32 ટકા લોકો તેને અમુક અંશે વાજબી માને છે. ફક્ત 15 ટકા કર્મચારીઓએ જ ટૉર્ચરને ઓછું સમર્થન આપ્યું છે.
આવો અભિપ્રાય ધરાવતા મોટાભાગના કર્મચારીઓ કૉન્સ્ટેબલ અને આઈપીએસ અધિકારીઓ હતા. ઝારખંડ (50 ટકા) અને ગુજરાત (49 ટકા)ના પોલીસ અધિકારીઓમાં ટૉર્ચર માટે સૌથી વધુ સમર્થન જોવા મળ્યું છે, જ્યારે કેરળ (એક ટકા) અને નાગાલૅન્ડ (આઠ ટકા)ના અધિકારીઓમાં ટૉર્ચરને સૌથી ઓછું સમર્થન જોવા મળ્યું છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, "એક ચિંતાજનક વલણ એવું જોવા મળ્યું છે કે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ ટૉર્ચરને ટેકો આપે છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયાનો આદર કરતા નથી."
પોલીસ અધિકારીઓ આરોપીઓ સામેની હિંસા અને કસ્ટડીમાં ત્રાસને કેટલી હદે સમર્થન આપે છે તે જાણવા માટે આ સર્વેમાં તેમને વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાખલા તરીકે, તેમને પૂછવામાં આવ્યું હતું કે ગંભીર ગુનાના શકમંદો સામે પોલીસ દ્વારા હિંસાનો ઉપયોગ સમાજના ભલા માટે વાજબી છે કે કેમ? આ સવાલના જવાબમાં લગભગ બે-તૃતિયાંશ પોલીસ અધિકારીઓએ કોઈને કોઈ રીતે તેનું સમર્થન કર્યું હતું.
30 ટકા અધિકારીઓ એવું પણ માને છે કે ગંભીર ગુના ઉકેલવા માટે 'થર્ડ-ડિગ્રી' ટૉર્ચરનો ઉપયોગ કરવો વાજબી છે. પગનાં તળિયા પર માર મારવો, શરીરના ભાગો પર મરચાની ભૂકી છાંટવી, આરોપીને ઊંધો લટકાવવો વગેરે થર્ડ ડિગ્રી ટૉર્ચર હેઠળ આવે છે. શકમંદો કે આરોપીઓની પૂછપરછ કરતા આઈપીએસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ થર્ડ ડિગ્રી ટૉર્ચરને મહદઅંશે વાજબી ગણાવે છે.
'ઍન્કાઉન્ટર' દ્વારા હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
22 ટકા પોલીસ અધિકારીઓ માને છે કે "ખતરનાક ગુનેગારો"ને મારી નાખવા અથવા તેમનું "ઍન્કાઉન્ટર" કરવું એ તેમને ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવાની તક આપવા કરતાં વધુ અસરકારક છે. આનાથી સમાજને ફાયદો થશે, એવું તેઓ માને છે. જોકે, 74 ટકા પોલીસકર્મીઓએ કહ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરવી જોઈએ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ ખુદને કાયદાના પ્રથમ રક્ષક માને છે અને કોર્ટ તથા કાનૂની પ્રક્રિયાને અવરોધ માને છે.
25થી 28 ટકા અધિકારીઓ માને છે કે "ગુના અટકાવવાના સંદર્ભમાં કાનૂની પ્રક્રિયા નબળી અને ધીમી છે."
66 ટકા લોકો માને છે કે "કાયદામાં છટકબારીઓ છે, છતાં તેનાથી ગુનાખોરી અટકે છે."
ધરપકડ વખતે કાયદાની પ્રક્રિયાનું કાયમ પાલન કરવામાં આવે છે, એ વાત સાથે માત્ર 40 ટકા અધિકારીઓ સંમત થયા હતા. કાનૂની પ્રક્રિયાના પાલનમાં ધરપકડનો મેમો તૈયાર કરવો, તેના પર સહી કરાવવી, ધરપકડ કરવામાં આવી હોય તે વ્યક્તિના પરિવારના સભ્યોને તેના વિશે જાણ કરવી અને ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ કરાવવી વગેરેનો સમાવેશ થાય છે.
પોલીસકર્મીઓનો એક વર્ગ એવું પણ માને છે કે જાતીય હિંસા, બાળકોના અપહરણ, ચેઇન સ્નેચિંગ અને ગૌહત્યા જેવા ગુના માટે શંકાસ્પદોને ટોળા દ્વારા આપવામાં આવતી સજા યોગ્ય છે.
રિપોર્ટ જણાવે છે, "ટોળાની હિંસા માટે ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે સમર્થન જોવા મળ્યું હતું, જ્યારે કેરળના પોલીસકર્મીઓમાં સૌથી ઓછું સમર્થન જોવા મળ્યું હતું.
પોલીસકર્મીઓને એ પણ પૂછવામાં આવ્યું હતું કે મુખ્યત્વે ક્યા સમુદાયના લોકો ગુનાખોરી કરતા હોવાનું તેઓ માને છે. મોટાભાગના પોલીસકર્મી માને છે કે "શ્રીમંત અને વગદાર લોકોમાં અપરાધની પ્રવૃત્તિ વધારે હોય છે. એ પછી ક્રમે મુસ્લિમો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને સ્થળાંતર કરનારા લોકો વગેરે આવે છે."
દિલ્હી અને રાજસ્થાનના મોટાભાગના પોલીસકર્મીઓ માને છે કે "મુસ્લિમો સ્વાભાવિક રીતે જ ગુનાઓ આચરવા તૈયાર હોય છે.ઠ
ગુજરાતમાં બે-તૃતિયાંશ પોલીસ અધિકારીઓ 'દલિતો વિશે આવો અભિપ્રાય' ધરાવે છે.
જ્યારે આ ડેટાનું ધાર્મિક પરિપ્રેક્ષ્યને આધારે વિશ્લેષણ કરાયું તો માલૂમ પડ્યું કે 19 ટકા હિંદુ પોલીસવાળા એવું માનતા હતા કે મુસ્લિમોમાં "ઘણી ખરી હદે" સ્વાભાવિકપણે ગુનો આચરવાનું વલણ જોવા મળે છે. જ્યારે 34 ટકા માનતા હતા કે તેઓ "કેટલીક હદે" આવું વલણ ધરાવે છે. જ્યારે બીજી તરફ 18 ટકા મુસ્લિમ પોલીસવાળા માનતા હતા કે "મુસ્લિમો ઘણી ખરી હદે ગુનો આચરવાનું વલણ" ધરાવે છે, જ્યારે 2ા ટકાએ માન્યું કે "મુસ્લિમો કેટલાક અંશે આવું વલણ" ધરાવે છે.
ડેટાનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસ કસ્ટડીમાં થયેલાં મૃત્યુના ચોક્કસ આંકડા ઉપલબ્ધ ન હોવાનું પણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. એનસીઆરબી અને નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી) પાસે અલગ-અલગ ડેટા ઉપલબ્ધ છે.
એનસીઆરબીની માહિતી મુજબ, 2020માં પોલીસ કસ્ટડીમાં 76 લોકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે એનએચઆરસી મુજબ 90 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
પોલીસ કસ્ટડીમાંના મોટાભાગનાં મૃત્યુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયાં છે. એનએચઆરસીના ડેટા અનુસાર, 2023માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઍન્કાઉન્ટર કિલિંગ થયાં હતાં.
આ સર્વેક્ષણ કરનાર લોકોને શંકા હતી કે પોલીસકર્મીઓ ટૉર્ચર વિશે મોકળાશથી વાત નહીં કરે અને કદાચ યોગ્ય જવાબ નહીં આપે. આવો ઉલ્લેખ રિપોર્ટમાં છે.
આ રિપોર્ટ તૈયાર કરવામાં રાધિકા ઝાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાધિકા ઝાએ બીબીસીને કહ્યું હતું, "આ વિષય પર સંશોધન કરવામાં શરૂઆતમાં અમને થોડો ખચકાટ થયો હતો. આ વિષય ખૂબ જ વિવાદાસ્પદ છે. અમને લાગ્યું હતું કે પોલીસ 'પોલિટિકલી કરેક્ટ' જવાબ આપશે, પરંતુ પોલીસ હિંસા અને ખાસ કરીને ટૉર્ચરને કેટલી હદે ખુલ્લેઆમ સમર્થન આપે છે, એ જાણવું અમારા માટે આઘાતજનક હતું."
આ અહેવાલ વિશે નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રકાશસિંહે ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારમાં લખ્યું છે કે આ અભ્યાસનાં તારણો ચોંકાવનારાં છે, પરંતુ તેમાં કેટલીક સારી બાબતો પણ છે. દાખલા તરીકે, 79 ટકા પોલીસ અધિકારીઓને માનવાધિકારની તાલીમમાં ભરોસો છે અને 71 ટકા અધિકારીઓને ટૉર્ચર રોકવાની ટ્રેનિંગમાં વિશ્વાસ છે.
તેમણે નિર્દેશ કર્યો છે કે આ રિપોર્ટમાં એક ગંભીર ખામી છે.
ટૉર્ચરના ઉપયોગ માટે જવાબદાર પરિબળો વિશે તેમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એ પરિબળોમાં બ્રિટિશ યુગથી પ્રચલિત પોલીસ કલ્ચર, રાજકારણીઓ તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા દબાણ અને 'શૉર્ટ કટ' પગલાંઓને જાહેર સમર્થનનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












