IPL 2025 : ધોનીની એ ઇનિંગ જેમાં તેમણે એક હાથે સિક્સ મારી અને પાંચ હાર બાદ ચેન્નાઈની જીત થઈ, ધોનીએ કયા રેકૉર્ડ બનાવ્યા?

મહેન્દ્રસિંહ ધોની, આઇપીએલ, ક્રિકેટ, સ્પોર્ટસ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહેન્દ્રસિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત હાંસલ કરીને ચેન્નાઈ સુપરકિંગ્સની આશા જીવંત રાખી છે.
    • લેેખક, મનોજ ચતુર્વેદી

મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશિપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સના અભિયાનને સફળતા અપાવી છે.

ચેન્નાઈ સુપરકિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવીને બીજી જીત હાંસલ કરી છે. ચેન્નાઈએ પાંચ મૅચ હાર્યા બાદ આ જીત હાંસલ કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈની લડખડાતી બાજીને સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ધોનીએ વિકેટ પર રહીને શિવમ દુબેને પણ સારી પારી રમવામાં સહયોગ આપ્યો હતો. મૅચ દરમિયાન ધોની શિવમને સતત સમજાવી પણ રહ્યા હતા.

લખનૌની આ હારમાં ઋષભ પંતની ખરાબ કૅપ્ટનશીપ પણ જવાબદાર નિવડી છે. તેઓ બૉલરોનો યોગ્ય ઉપયોગ કરવામાં અસફળ નિવડ્યા હતા.

ધોની-શિવમની જોડીની કમાલ

સોમવારે જ્યારે ધોની મેદાન પર આવ્યા ત્યારે ચેન્નાઈને જીત માટે 30 બૉલમાં 56 રન બનાવવાના હતા.

ધોનીને અંદેશો હતો કે લખનૌની ટીમ વાઇડ લાઇન બૉલીંગની રણનીતિ અમલમાં મુકી શકે છે. એટલે એમણે પોતાની સામે આવેલા બૉલને મોટા શૉટમાં બદલીને લખનૌ પર દબાણ વધાર્યું હતું.

વિકેટ પર બૉલ ધીમો આવવાથી સ્પિનરો સામે મોટો શૉટ રમવો આસાન ન હતું. પણ ધોનીએ આવતા જ ચોક્કા લગાવીને બૉલરો પર દબાણ વધાર્યું. એમણે 11 બૉલમાં ચાર ચોક્કા અને એક છક્કો લગાવીને 26 રનની પારી રમી.

શિવમ દુબેની બેટિંગ માટે પણ પ્રશંસાના શબ્દો ઓછા પડે છે.

એમને આક્રમક અંદાજમાં બેટિંગ કરવા માટે ઓળખવામાં આવે છે. પણ આ મૅચમાં એમણે ટીમની જરૂરિયાત પ્રમાણે વિકેટ પર ટકીને બેટીંગ કરી. તેઓ ત્રણ ચોક્કા અને બે છક્કા લગાવીને 43 રન બનાવ્યા હતા.

ધોનીની કૅપ્ટનશીપે રંગ રાખ્યો

મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, આઇપીએલ, ક્રિકેટ, સ્પોર્ટસ, બીબીસી

ઇમેજ સ્રોત, Surjeet Yadav/MB Media/Getty Images

ઇમેજ કૅપ્શન, રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ પાડી દીધી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધોનીએ બહેતરીન કપ્તાની કરીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લખનૌ તરફથી જ્યારે અબ્દુલ સમદ અને ઋષભ પંત રમી રહ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે સ્કોર 175 સુધી પહોંચી જશે.

ધોનીએ જે રીતે સમદને રનઆઉટ કર્યા એ કાબિલેદાદ છે.

પથિરાનાની છેલ્લી ઓવરમાં પહેલો બૉલ વાઇડ થવા પર સમંદે પંતને સ્ટ્રાઇક પર લાવવા માટે રન દોડવાનો પ્રયાસ કર્યો

પણ ધોનીએ સમદને સામે છેડે રન આઉટ કરી નાખ્યો. આ પછી આ જ ઓવરમાં ધોનીએ પંતને પાછા મોકલી દીધા અને આખરે શાર્દુલ ઠાકુર પણ પાછા ફર્યા.

આ સિવાય ધોનીએ ટીમમાં બે ફેરફાર કરીને એને ફરી બેઠી કરી.

શેખ રશીદને બે વર્ષ સુધી સીએસકેના ડગ-આઉટમાં રહ્યા બાદ પહેલીવાર આઈપીએલમાં રમવાનો મોકો મળ્યો.

એણે 142 સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને છ ચોક્કા લગાવ્યા હતા. એમાં આકાશદીપની એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારવાનું ધ્યાનાકર્ષક રહ્યું.

શેખ રશીદની પારીની સૌથી મોટી ખૂબી એ રહી કે એમણે તમામ રન શાનદાર રીતે કર્યા. એમણે રચીન રવીન્દ્ર સાથે 4.2 ઓવરમાં 52 રન બનાવીને એ સાબિત કર્યુ કે જોખમ ભરેલા શૉટ રમીને પણ તેજીથી રન બનાવી શકાય છે.

શેખ રશીદે 2022માં અંડર-19 વર્લ્ડ-કપ જીતાડવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એમણે સેમિફાઇનલમાં 94 રનની પારી રમીને ભારતને જીત અપાવી હતી. અંડર-19 વર્લ્ડ-કપ ફાઇનલમાં એમણે અડધી સદી ફટકારી હતી.

શેખ રશીદના પિતાએ દીકરાને આગળ વધારવા માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી. પણ શરૂઆતમાં સફળતા નહીં મળવાથી શેખ રશીદ નિરાશામાં ધકેલાઈ ગયા હતા. પણ પિતાએ હોંસલો વધારીને દીકરાની કૅરિયરને પાટે ચડાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

સ્પિનરોએ લખનૌ ટીમને અટકાવી

નૂર અહેમદ, ઇન્ડિયન પ્રિમિયર લીગ, ક્રિકેટ, સ્પોર્ટસ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નૂર અહેમદે રનોની રફતાર પર રોક લગાવી

ચેન્નાઈ સુપરકિંગ્સના સ્પિનરો નૂર અહમદ અને રવીન્દ્ર જાડેજાની જબરી બૉલિંગે પણ લખનૌને રન કરતા અટકાવી દીધી હતી. બંનેએ સારી લેન્થ પર બૉલિંગ કરીને બૅટ્સમૅનોને મોકો નહોતો આપ્યો.

નૂર અહમદ ભલે કોઈ વિકેટ લાવી શક્યા નહીં પણ ચાર ઓવરમાં માત્ર 13 રન જ આપ્યા હતા. બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ પણ ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી.

ઋષભ પંતે મૅચ બાદ કહ્યું હતું કે 10-15 રન ઓછા રહ્યા. રન ઓછા કરવા માટે આ બે સ્પિનરો જવાબદાર હતા.

લખનૌની ટીમની ક્યાં ચૂક થઈ?

ઋષભ પંત, ઇન્ડિયન પ્રિમિયર લીગ, ક્રિકેટ, સ્પોર્ટસ, બીબીસી

ઇમેજ સ્રોત, Prakash Singh/Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાના આગવા અંદાજમાં ઋષભ પંત

ઋષભ પંત વિશે કહેવામાં આવે છે કે તેઓ કઠીન પરિસ્થિતિમાં નિખરતા ખેલાડી છે આ વાતને એમણે 63 રનની પારીથી સાબિત કરી.

પંતે આ વર્ષે આઇપીએલમાં અત્યાર સુધી 21 રનોની સૌથી મોટી પારી રમી હતી. આ સિઝનની પહેલી અડધી સદી હતી. જોકે, આ કારણે ટીમને જીત નહોતી મળી.

પંતે ટીમના સંકટ સમયે મજબૂત પારી તો રમી પણ આ બહુ ધીમી હતી જેને કારણે ચેન્નાઈ ટીમના બૉલરોને દબાણ બનાવવાનો મોકો મળ્યો.

પંતે આખરી ઓવરમાં પારીને ગતિ આપવાનો પ્રયાસ કર્યો.

અસલમાં લખનૌમાં સુપર જાયન્ટ્સની અત્યાર સુધી મળેલી જીતોમાં નિકોલસ પૂરન, મારક્રમ અને મિશેલ માર્શ મુખ્ય ભૂમિકા ભજવે છે. ટીમે અત્યાર સુધી જેટલા પણ રન બનાવ્યા છે. એમાં 73 ટકા રન આ જ ત્રિપુટીએ બનાવ્યા છે.

લખનૌની પાસે આજે સારી તક હતી એ સાબિત કરવાની કે આ ત્રિપુટી વગર પણ મૅચ જીતી શકાય છે. પણ લખનૌ ટીમ આ સાબિત કરવામાં નિષ્ફળ રહી.

પંત જે વિસ્ફોટક ખેલ માટે ઓળખવામાં આવે છે. એ અંદાજ ભલે જોવા મળ્યો ન હોય. પણ આ પારીથી એમનું મનોબળ જરૂર વધ્યું હશે અને એનો ફાયદો લખનૌ ટીમને આગળની મૅચમાં જોવા મળી શકે છે.

એમણે 38 બૉલમાં 38 રન બનાવ્યા બાદ પછીના 11 બૉલમાં 35 રન બનાવીને પોતાની સ્વભાવિક ઝલક બતાવી હતી.

પંતની કૅપ્ટનશીપની ખામીઓમાં સુધારો કર્યા વગર લખનૌ ટીમની નૌકા પાર થાય એ આસાન નથી. ઉદાહરણ તરીકે રવિ બિશ્નોઈ આ મૅચમાં સારી લયમાં બૉલિંગ કરી રહ્યા હતા. પણ તેઓ તેમની પૂરી ઓવર કરી શક્યા નહોતા.

ધોનીના રેકૉર્ડ

કૅપ્ટન ધોનીએ 11 બૉલમાં 26 રન, એક રનઆઉટ અને બે સ્ટમ્પિંગ કરવા બદલ મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ જીત્યો.

ઇમેજ સ્રોત, Getty Images

કૅપ્ટન ધોનીએ 11 બૉલમાં 26 રન, એક રનઆઉટ, એક કૅચ અને એક સ્ટમ્પિંગ કરવા બદલ મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ જીત્યો.

2019 બાદ ધોનીએ પહેલી વખત આઈપીએલમાં આ ઍવૉર્ડ જીત્યો હતો. આ પુરસ્કાર તેમણે 43 વર્ષ અને 282 દિવસની ઉંમર બાદ જીત્યો હતો જે એક રેકૉર્ડ છે. તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમર ધરાવતા પ્લેયર ઑફ ધ મૅચ જીતનારા ખેલાડી બન્યા હતા.

જ્યારે તેમણે આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યા ત્યારે તેમણે 200 વિકેટકીપિંગ ડિસમિસલ્સનો રેકૉર્ડ પણ બનાવ્યો. તેમણે જ્યારે ઋષભ પંતનો કૅચ પકડ્યો ત્યારે ધોની 155 કૅચ અને 46 સ્ટમ્પિંગ સાથે આઈપીએલ ઇતિહાસમાં વિકેટની પાછળ સૌથી વધુ શિકાર કરનાાર ખેલાડી બની ગયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.