મેહુલ ચોક્સીની જ્યાં ધરપકડ થઈ તે બૅલ્જિયમનું નાગરિકત્વ કઈ રીતે મળે, કેટલો ખર્ચ આવે?

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ નૅશનલ બૅન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને બૅલ્જિયમમાં પકડવામાં આવ્યા તેના કારણે યુરોપનો આ દેશ ચર્ચામાં આવ્યો છે.
લગભગ 1.18 કરોડની વસતી ધરાવતો યુરોપનો આ દેશ યુરોપના સૌથી ધનિક દેશો પૈકી એક ગણાય છે અને માનવ વિકાસ સૂચકાંક (એચડીઆઈ)માં પણ તે ઘણો આગળ છે. 2024માં એચડીઆઈના મામલે બૅલ્જિયમ દુનિયાના 193 દેશોમાં 11મા સ્થાને હતું જ્યારે ભારત આ લિસ્ટમાં 134મા ક્રમે હતું.
આ કારણથી દુનિયાના ઘણા દેશોના લોકો બૅલ્જિયમનું નાગરિકત્વ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે. મેહુલ ચોક્સી પાસે બૅલ્જિયમની રેસિડન્સ પરમિટ હતી અને ઘણાં વર્ષથી ત્યાં રહેતા હતા તેવું માનવામાં આવે છે.
અહીં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે બૅલ્જિયમનું નાગરિકત્વ મેળવવું કેટલું મુશ્કેલ છે અને તેના માટે કઈ કઈ ચીજની જરૂર પડે છે.
લોકો બૅલ્જિયમને શા માટે પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બૅલ્જિયમ એ યુરોપનો શાંત અને નાનકડો દેશ છે પરંતુ જીવનધોરણમાં ઘણું આગળ છે. મૅન્યુફેક્ચરિંગ, સર્વિસિસ અને હાઈ-ટેકનૉલૉજી ક્ષેત્રે આ દેશ રોજગારી ઑફર કરે છે.
શિક્ષણ, આરોગ્ય અને પબ્લિક સર્વિસની બાબતમાં બૅલ્જિયમનો દેખાવ સારો છે. આ ઉપરાંત તે સેન્ટ્રલ યુરોપમાં આવેલ હોવાથી યુરોપના બીજા દેશોમાં ટ્રાવેલ કરવા માટે આદર્શ સ્થળ ગણાય છે.
મેહુલ ચોક્સી કઈ રીતે બૅલ્જિયમના રેસિડન્ટ બન્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિંદુના અહેવાલ પ્રમાણે મેહુલ ચોક્સી બૅલ્જિયમના રેસિડન્ટ બન્યા તે પહેલાંથી તેમની પાસે એન્ટીગુઆની સિટિઝનશિપ હતી જે આજે પણ છે.
તેઓ લ્યુકેમિયા અથવા બ્લડ કેન્સરથી પીડાય છે અને પાંચ વર્ષ અગાઉ સારવાર કરાવવા માટે બૅલ્જિયમ ગયા હતા. તેમનાં પત્ની બૅલ્જિયમના નાગરિક છે અને નવેમ્બર 2023માં મેહુલ ચોક્સીએ બૅલ્જિયમની રેસિડન્સ પરમિટ મેળવી હતી. બીબીસી ગુજરાતી સ્વતંત્રપણ આ બાબતની પુષ્ટિ નથી કરી શક્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅલ્જિયમના નાગરિક કઈ રીતે બની શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બૅલ્જિયમની સત્તાવાર માહિતી આપતી વેબસાઈટ belgium.be મુજબ બૅલ્જિયમના સિટિઝન બનવા માટેના ત્રણ રસ્તા છે.
પહેલો રસ્તો ઍક્વિઝિશનનો છે. કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોય, બૅલ્જિયમના નાગરિક બનવા માટેની શરતોનું પાલન કરતા હોય તો 'ઍક્વિઝિશન' દ્વારા તે બૅલ્જિયમના નાગરિક બની શકે છે.
તેના માટે અરજી કરતી વખતે વ્યક્તિ પાસે બૅલ્જિયમની અનલિમિટેડ રેસિડન્સ પરમિટ હોવી જરૂરી છે. આ ઉપરાંત કોઈ પણ વિક્ષેપ વગર વ્યક્તિ ઓછાંમાં ઓછાં પાંચ વર્ષથી બૅલ્જિયમમાં વસવાટ કરતી હોય તે જરૂરી છે. તેમાં અરજીની સાથે 50 યુરોની ફી ભરવી પડે છે.
18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ ગ્રાન્ટિંગ દ્વારા બૅલ્જિયમના નાગરિક બની શકે. માતાપિતા જ્યારે બેલ્જિયમના રેસિડન્ટ હોય અને બાળકનો જન્મ વિદેશમાં થયો હોય અથવા વિદેશથી દત્તક લેવામાં આવ્યું હોય ત્યારે આ રસ્તો અપનાવાય છે.
વિદેશી પેરન્ટના બાળકનો બૅલ્જિયમમાં જન્મ થયો હોય તો બાળકની ઉંમર 12 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ, બાળક જન્મથી જ બૅલ્જિયમમાં રહેતું હોવું જોઈએ, માતાપિતામાંથી કમસે કમ એક પેરન્ટ પાસે ઓછાંમાં ઓછાં 10 વર્ષથી બૅલ્જિયમમાં મુખ્ય રેસિડન્સ હોવું જોઈએ.
ત્રીજો રસ્તો નૅચરલાઇઝેશનનો છે. કોઈ વ્યક્તિની ઉંમર ઓછાંમાં ઓછાં 18 વર્ષ હોય, અરજી કરતી વખતે બૅલ્જિયમના લીગલ રેસિડન્ટ હોય, તેમણે વિજ્ઞાન, રમતગમત, સોશિયો-ઇકોનૉમિક ફિલ્ડમાં અસાધારણ સફળતા મેળવી હોય અને બૅલ્જિયમની પ્રતિષ્ઠા વધારે એવું કામ કર્યું હોય, તેવી સ્થિતિમાં નૅચરલાઇઝેશનથી સિટિઝનશિપ માટે અરજી કરી શકે છે.
બૅલ્જિયમના સ્થાનિક નાગરિક સાથે લગ્ન કરવાથી આપોઆપ ત્યાંનું નાગરિકત્વ મળી જતું નથી. સિટિઝનશિપ માટે કેટલીક શરતો છે. જેમ કે કોઈ વિદેશીએ બૅલ્જિયન વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય તથા નાગરિકત્વ માટે અરજી કરવી હોય તો તેઓ ઓછાંમાં ઓછાં પાંચ વર્ષથી બૅલ્જિયમમાં વસવાટ કરતા હોવા જોઈએ, તેમાંથી ત્રણ વર્ષ તેમણે પોતાના જીવનસાથી સાથે રહેવામાં કાઢ્યા હોય તે જરૂરી છે. આ ઉપરાંત બૅલ્જિયમની ત્રણ રાષ્ટ્રીય ભાષાઓ - જર્મન, ફ્રૅન્ચ અથવા ડચમાંથી કોઈ પણ એક ભાષાનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે.
ઇન્વેસ્ટર વિઝા અથવા 'ગોલ્ડન વિઝા'નો રૂટ

ઇમેજ સ્રોત, Getty Images
બૅલ્જિયમમાં જન્મ કે બૅલ્જિયમના નાગરિક સાથે લગ્ન કર્યા વગર પણ આ દેશના નાગરિક બની શકાય છે. તેને 'ઇન્વેસ્ટર વિઝા' અથવા 'ગોલ્ડન વિઝા' કહેવામાં આવે છે અને તેના માટે તગડું રોકાણ કરવું પડે છે.
વિદેશી રોકાણકારો પાંચ વર્ષના સમયગાળામાં 3.5 લાખ યુરોથી લઈને પાંચ લાખ યુરો (લગભગ 3.40 કરોડથી 4.90 કરોડ રૂપિયા) સુધીનું રોકાણ કરીને બૅલ્જિયમની રેસિડન્સી મેળવી શકે છે અને તેના આધારે આગળ જતા સિટિઝનશિપ મળી શકે છે. પાંચ વર્ષની રેસિડન્સી પછી રોકાણકાર પર્મેનન્ટ રેસિડન્સી માટે અરજી કરી શકે અને અંતે સિટિઝનશિપ મેળવી શકે છે.
રોકાણ દ્વારા બૅલ્જિયમની રેસિડન્સી મેળવવા માટે હાલની અથવા નવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે જેના આધારે બૅલ્જિયમમાં નવી રોજગારીની તકો પેદા થઈ શકે.
સાડા ત્રણ લાખથી પાંચ લાખ યુરો સુધીનું રોકાણ કર્યા પછી વ્યક્તિએ પાંચ વર્ષ સુધી બૅલ્જિયમમાં રહેવું પડે છે. ત્યાર પછી તે પર્મેનન્ટ રેસિડન્સી માટે પાત્ર બની શકે. એક વખત પર્મેનન્ટ રેસિડન્સી મળી જાય તેનાં બે વર્ષ પછી બૅલ્જિયમના નાગરિકત્વ માટે અરજી કરી શકાય છે.
આ પ્રોગ્રામની ખાસ વાત એ છે કે જીવનસાથી અથવા આશ્રિત બાળકોને પણ તેમાં સામેલ કરી શકાય છે અને મુખ્ય અરજકર્તાની સાથે પરિવારના બીજા લોકો પણ બૅલ્જિયમની સિટિઝનશિપ મેળવી શકે છે.
જોકે, તેમાં શરત એ છે કો અરજ કરનારાઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, તેમનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ ન હોવો જોઈએ અને તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ પણ મજબૂત હોવું જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












