મેહુલ ચોક્સીની બૅલ્જિયમમાં ધરપકડ બાદ તેમના વકીલે શું કહ્યું, તેને ભારત લાવવાનું કેટલું મુશ્કેલ?

બીબીસી ગુજરાતી બેલ્જિયમ નીરવ મોદી મેહુલ ચોક્સી પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ ધરપકડ પ્રત્યાર્પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેહુલ ચોક્સી પર હજારો કરોડ રૂપિયાના બૅન્ક ગોટાળાનો આરોપ છે

ભારતથી વિદેશ ભાગી છૂટેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીની બૅલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ઑલ ઇન્ડિયા રેડિયો અનુસાર સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની વિનંતી પર તેમને પકડવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સોમવારે સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી સામે શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

હીરાના વેપારી મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી સામે સરકારી માલિકીની બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક સાથે લગભગ 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ બૅલ્જિયમથી ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે આ પગલું ભર્યું છે.

ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીની બૅલ્જિયમ ખાતે ધરપકડ થયા બાદ તેમના વકીલ વિજય અગ્રવાલે પ્રતિક્રિયા આપી છે.

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું છે, "મેહુલ ચોકસીને બૅલ્જિયમમાં પકડવામાં આવ્યા છે. તેઓ હાલ કસ્ટડીમાં છે. અમે તેની સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ."

મેહુલ ચોકસીના વકીલે કહ્યું કે અમે સ્વાસ્થ્યના આધારે તેમને છોડવાની માગ કરીશું. તેમના કૅન્સરનો ઇલાજ થઈ રહ્યો છે.

આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી બેલ્જિયમ નીરવ મોદી મેહુલ ચોક્સી પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ ધરપકડ પ્રત્યાર્પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએનબીના કૌભાંડમાં મેહુલ ચોક્સી ઉપરાંત તેમના ભત્રીજા નીરવ મોદી પણ આરોપી છે

2018ની શરૂઆતમાં પંજાબ નૅશનલ બૅન્કમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

આ કૌભાંડમાં હીરાના વેપારી નીરવ મોદી ઉપરાંત, તેમનાં પત્ની એમી, તેમના ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.

નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે અને તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. તેઓ પ્રત્યાર્પણથી ભારતને સોંપણી ન થાય તે માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે.

બૅન્કે દાવો કર્યો હતો કે આ તમામ આરોપીઓએ બૅન્કના અધિકારીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને પીએનબીને નુકસાન પહોંચાડ્યું હતું.

પંજાબ નૅશનલ બૅન્કે સૌપ્રથમ જાન્યુઆરી 2018માં નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમના સહયોગીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં તેમના પર 280 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

14 ફેબ્રુઆરીએ આંતરિક તપાસ પૂર્ણ થયા પછી પંજાબ નૅશનલ બૅન્કે બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જને છેતરપિંડી વિશે જાણ કરી હતી.

અહેવાલો પ્રમાણે ભારતનું આ સૌથી મોટું બૅન્કિંગ કૌભાંડ હતું. આ કેસમાં ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી આરોપી છે. સીબીઆઈ અને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ચોક્સીને શોધી રહ્યાં છે.

પ્રત્યાર્પણ કેમ મુશ્કેલ બની શકે છે?

બીબીસી ગુજરાતી બેલ્જિયમ નીરવ મોદી મેહુલ ચોક્સી પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ ધરપકડ પ્રત્યાર્પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેહુલ ચોક્સી પાસે બૅલ્જિયમનું નાગરિકત્વ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતની બૅલ્જિયમ સાથે પ્રત્યાર્પણ સંધિ થયેલી છે.

કૅરેબિયન ક્ષેત્રની માહિતી આપતી વેબસાઇટ ઍસોસિએટેડ ટાઇમ્સે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે મેહુલ ચોકસી બૅલ્જિયમમાં છે.

રિપોર્ટમાં જણાવાયું હતું કે, "મેહુલ ચોક્સી હાલમાં પોતાનાં પત્ની પ્રીતિ ચોક્સી સાથે બૅલ્જિયમના ઍન્ટવર્પ શહેરમાં રહે છે. તેણે દેશનું એફ રેસિડેન્સી કાર્ડ મેળવી લીધું છે."

ઍસોસિએટ્સ ટાઇમ્સનો આ અહેવાલ માર્ચ 2025 માં પ્રકાશિત થયો હતો.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારે બૅલ્જિયમના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની અપીલ કરી છે. જોકે, ભારતીય અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ અંગેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મેહુલ ચોક્સી દેશો બદલતા રહેશે તો એજન્સીઓ માટે તેનાં ઠેકાણાં શોધવાં મુશ્કેલ બની શકે છે.

સત્તાવાર કાર્યવાહી વધુ જટિલ બની શકે છે.

બૅલ્જિયમની નાગરિકતા મેળવ્યા પછી મેહુલ ચોક્સીને યુરોપિયન દેશોમાં મુક્તપણે મુસાફરી કરવાની સ્વતંત્રતા મળી શકે છે અને પ્રત્યાર્પણ માટે અરજી થયા પછી તેઓ દેશ બદલી શકે છે.

આ અગાઉ મેહુલ ચોકસીએ મુંબઈની એક કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ભારત આવવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, મેહુલ ચોકસીએ ભારતમાં કેસનો સામનો કરવા માટે પોતાની તબિયત ખરાબ હોવાનું કારણ આપ્યું હતું.

તેમણે દાવો કર્યો કે તેઓ લ્યુકેમિયાથી પીડિત છે, જેને બ્લડ કૅન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે બૅલ્જિયમના એક ડૉક્ટરની ભલામણ રજૂ કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મુસાફરી કરવા માટે "100 ટકા" અસક્ષમ છે.

ઇકૉનૉમિક ટાઇમ્સે તેના અહેવાલમાં એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે મેહુલ ચોક્સી ભારતમાં યોગ્ય સારવાર મેળવી શકે છે, જ્યાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.

બૅલ્જિયમે શું કહ્યું?

બીબીસી ગુજરાતી બેલ્જિયમ નીરવ મોદી મેહુલ ચોક્સી પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ ધરપકડ પ્રત્યાર્પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅલ્જિયમ સરકારના પ્રવક્તાએ મેહુલ ચોક્સી વિશે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખે છે

પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોક્સી બૅલ્જિયમમાં હોવાનું જાણવા મળ્યું તે મુદ્દે બૅલ્જિયમ તરફથી પણ એક નિવેદન આવ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ બૅલ્જિયમના ફેડરલ પબ્લિક સર્વિસ ફોરેન અફેર્સના સોશિયલ મીડિયા અને પ્રેસના પ્રવક્તા ડૅવિડ જૉર્ડન્સે કહ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

મેહુલ ચોક્સીની બૅલ્જિયમમાં હાજરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૅવિડ જૉર્ડન્સે કહ્યું કે, "એફપીએસ ફોરેન અફેર્સ આ વાતથી વાકેફ છે તેની હું પુષ્ટિ કરું છું. તેઓ તેને ખૂબ મહત્ત્વ આપે છે."

"અમે વ્યક્તિગત કેસો પર ટિપ્પણી કરતા નથી. પરંતુ આ મામલો ફેડરલ પબ્લિક સર્વિસ જસ્ટિસના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એફપીએસ ફોરેન અફેર્સ આ મામલા પર બારીક નજર રાખશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.