આરબીઆઈના નવા પગલાંથી શું નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બચી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય રિઝર્વ બૅન્ક(આરબીઆઈ)એ હાલમાં લીધેલું એ પગલું હવે વિવાદોમાં ઘેરાતું નજરે ચડે છે. જેમાં વિલફુલ ડિફૉલ્ટર્સ (ઇરાદાપૂર્વક ચૂકી જનારા) અને છેતરપિંડીમાં સામેલ લોન ખાતાઓમાં બૅન્કની સાથે પોતાની બાકી બચેલી રકમની ચુકવણી માટે સમાધાન કરવાની પરવાનગી આપવાની વાત કરવામાં આવી છે.
8 જૂને “ફ્રેમવર્ક ફૉર કૉમ્પ્રોમાઇઝ સેટલમૅન્ટ્સ ઍન્ડ ટેકનિકલ રાઇટ-ઑફસ” શીર્ષકવાળા એક નોટિફિકેશનમાં આરબીઆઈએ કહ્યું કે વિલફુલ ડિફૉલ્ટર્સ અથવા છેતરપિંડીથી સકંળાયેલા ખાતાઓને લઈને બૅન્કના દેવાદારોની વિરુદ્ધ ચાલી રહેલી ગુનાહિત કાર્યવાહી પર પ્રતિકૂળ પ્રભાવ પાડ્યા વગર સમાધાન અથવા તકનીકી રાઇટ-ઑફ કરી શકે છે.
આરબીઆઈના નવા દિશા-નિર્દેશો મુજબ વિલફુલ ડિફૉલ્ટર અથવા છેતરપિંડીમાં સામેલ કંપની બૅન્ક સાથે સમાધાન કર્યાના 12 મહિના પછી નવી લોન મેળવી શકે છે.
સવાલ એટલા માટે પણ ઊઠી રહ્યા છે કે 8 જૂનથી સર્ક્યુલરમાં આરબીઆઈએ વિલફૂલ ડિફૉલ્ટર્સને સમાધાન કરવાથી બહાર રાખવાની પોતાની નીતિને ફેરવી તોળી છે.
7 જૂન 2019માં આરબીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે છેતરપિંડી, ગુનો અથવા ઇરાદાપૂર્વક ચૂક કરનારા અને દેવાદારો સાથે સમાધાન નહીં કરવામાં આવે.
સંસદમાં આપેલ જાણકારી અનુસાર માર્ચ 2022ના અંત સુધીમાં 50થી વધારે મોટા વિલફુલ ડિફૉલ્ટર્સ ઉપર બૅન્કોનું 92,570 કરોડ રૂપિયાનું દેવું છે. જેમાં 7848 કરોડ રૂપિયાની સૌથી વધુ દેવું મેહુલ ચોક્સીની કંપનીનું છે.
મળતી માહિતી પ્રમાણે ભારતમાં ડિસેમ્બર 2022 સુધી 3,40,570 કરોડ રૂપિયાની રકમવાળાં 15,778 વિલફુલ ડિફૉલ્ટ ખાતાં છે. જેમાંથી લગભગ 85 ટકા ડિફૉલ્ટ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક, યૂનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા અને બૅન્ક ઑફ બરોડા જેવી સાર્વજનિક ક્ષેત્રની બૅન્કોનાં હતાં.

કૉંગ્રેસના સરકાર પર પ્રહાર

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષી કૉંગ્રેસ પાર્ટીએ આરબીઆઈના આ પગલાંને લઈને સરકાર ઉપર નિશાન સાધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને પાર્ટીના કૉમ્યુનિકેશન મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી કહ્યું છે કે આરબીઆઈએ સ્પષ્ટતા કરવી જોઈએ કે કેમ તેમણે શા માટે ‘ઇરાદાપૂર્વક લોન ન ચુકવનારાઓ’ અને ‘છેતરપિંડી’થી સંબંધિત પોતાના જ નિયમોમાં બદલાવ કર્યો.
તેમણે કહ્યું, “એ પણ ત્યારે જ્યારે અખિલ ભારતીય બૅન્ક અધિકારી પરિસંઘ અને અખિલ ભારતીય બૅન્ક કર્મચારી સંઘે સ્પષ્ટ પણે કહ્યું કે આ પગલાંથી “બૅન્કિંગ ક્ષેત્રમાં જનતાનો વિશ્વાસ ઓછો થશે, જમાકરનારાઓનો ભરોસો ઓછો થશે, નિયમોની અવગણના કરનારાની સંસ્કૃતિને બળ મળશે અને બૅંન્કો તથા તેમના કર્મચારીઓને આનું પરિણામ ભોગવવું પડશે””
જયરામ રમેશે એક નિવેદન બહાર પાડી એમ પણ કહ્યું કે, “ઇમાનદાર લોન લેનાર-ખેડૂત, નાના અને મધ્યમ ઉદ્યોગો, મિડલ ક્લાસ ઈએમઆઈના ભાર હેઠળ દબાયેલા છે. તેમને ક્યારેય લોન ઉપર વાતચીત કરવા કે એના ભારને ઓછું કરવાનો અવસર ક્યારેય નથી આપવામાં આવતો.”
“પણ સરકારે હવે નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા ફ્રૉડ્સ અને ઇરાદાપૂર્વક લોનની ચુકવણી ન કરનારાને ફરીથી તેમની પહેલાંની સ્થિતિમાં પરત ફરવાના રસ્તા ખોલી આપ્યા છે. ભાજપના ધનાઢ્ય પૂંજીપતિઓને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઇમાનદાર ભારતીયોને પોતાની લોન ચુકાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.”
કૉંગ્રેસનું કહેવું છે કે “આરબીઆઈએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમણે કેમ વિચાર્યું કે આ નિર્દેશ હાલના સમયમાં જરૂરી છે, જ્યારે વારંવાર તેમણે આની વિરુદ્ધ નિર્દેશ આપ્યા હતા અને ચેતવણી પણ આપી હતી.”
પાર્ટીએ એમ પણ કહ્યું કે આરબીઆઈએ એ જણાવવું જોઈએ કે શું આ નિર્દેશોને બહાર પાડવા માટે મોદી સરકારનું શું કોઈ દબાણ હતું.

બૅન્ક સંઘોએ નારાજગી વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Getty Images
અખિલ ભારતીય બૅન્ક અધિકારી પરિસંઘ અને અખિલ ભારતીય બૅન્ક કર્મચારી સંઘ છ લાખથી વધુ બૅન્ક કર્મચારીઓનો સામૂહિક અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.
આ બન્નેએ આરબીઆઈના આ પગલાંની આકરી ટીકા કરી છે. જેની અંતર્ગત બૅન્કોને સમાધાનની હેઠળ વિલફુલ ડિફૉલ્ટર્સને લોનના નિપટારા માટેની પરવાનગી આપવામાં આવી છે.
આ સંઘોએ કહ્યું છે કે આરબીઆઈનું આ પગલું બૅન્કિંગ પ્રણાલીની અખંડતા ઉપર અસર પાડી શકે છે અને વિલફુલ ડિફૉલ્ટર્સથી અસરકારક રૂપે નિપટવાના પ્રયત્નોને નબળા પાડી શકે છે.
તેમણે એમ પણ કહ્યું છે કે છેતરપિંડી કે વિલફુલ ડિફૉલ્ટર્સના રૂપમાં વર્ગીકરણ થયેલાં ખાતાં માટે સમાધાન કરી નિપટવાની પરવાનગી આપવી ન્યાય અને જવાબદેહીના સિદ્ધાંતોનું અપમાન છે. આ સંઘોના પ્રમાણે આ ન માત્ર બેઈમાન લોનધારકોને ઇનામ આપવા યોગ્ય છે, પરંતુ ઈમાનદાર લોનધારકોને એક દુખદ સંદેશ પણ આપે છે જે તેમના નાણાકીય જવાબદારી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.
સાથે જ આ સંઘોએ એમ પણ કહ્યું કે આ ધ્યાન આપવા યોગ્ય છે કે વિલફુલ ડિફૉલ્ટર્સનો બૅન્કોની નાણાકીય સ્થિરતા અને સમગ્ર અર્થવ્યવસ્થા પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડતો હોય છે. “તેમને સમાધાનની અંતર્ગત પોતાના દેવાથી નિપટવા માટેની પરવાનગી આપી આરબીઆઈ જરૂરિયાત મુજબ તેમના ખોટાં કાર્યોને માફ કરી રહી છે અને સામાન્ય નાગરિકો અને મહેનતું બૅન્ક કર્મચારીઓના ખભા ઉપર ખરાબ કાર્યોનો ભાર નાખી રહી છે.”

‘કેટલાક ગણ્યાંગાંઠ્યાં લોકોને ફાયદો પહોંચાડવાની કોશિશ’

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક બાબતોના જાણકાર અને જેએનયૂના પૂર્વ પ્રોફેસર અરૂણ કુમારનું કહેવું છે કે આરબીઆઈનું નવું પગલું એક સારું ઉદાહરણ રજૂ નથી કરતું.
તેઓ કહે છે કે,"આપણા દેશમાં ઘણું બધું ડિફૉલ્ટ થાય છે. ખેડૂતો પણ ડિફૉલ્ટ થાય છે. ત્યાં તો એવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવતી. તો આ જે મોટા મોટા ડિફૉલ્ટર છે જે ખાસકરીને વિલફુલ ડિફૉલ્ટર છે તેમના માટે આવી જોગવાઈ લાવવી યોગ્ય નથી લાગતું.”
પ્રોફેસર અરુણ કુમાર મુજબ જો અર્થવ્યવસ્થામાં મંદીના કારણે કોઈ એવી કંપની સાથે કોઈ સમસ્યા આવતી હોય, જે પહેલાં ઠીક-ઠાક પોતાનું દેવાની ચુકવણી કરતી હતી, પરંતુ મંદીના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે તો એમની સાથે આ પ્રકારે સમાધાન કરવું સમજમાં આવે છે. “પરંતુ વિલફુલ ડિફૉલ્ટરની સાથે સમાધાન ન કરવું જોઈએ. આવા મામલામાં તો કેસ ચલાવવો જોઈએ જેથી ભવિષ્યમાં લોકો આવું ન કરે. નહીં તો થશે એવું કે લોકો વિલફુલ ડિફૉલ્ટ કરી પછીથી સમાધાન કરી લેશે.”
પ્રોફેસર કુમાર કહે છે કે ભારતમાં ક્રોની કૅપિટલિઝમ (એક એવી વ્યવસ્થા જેમાં વેપારની સફળતા વેપારી અને સરકારી સત્તાધીશો વચ્ચેના સંબંધોથી નક્કી થાય છે) બહુ છે તો તેના લીધે લોકો રાજકીય દબાણ લાવશે અને બધું ગોઠવી લેશે.
તેઓ કહે છે કે,”મોટાભાગે વિલફુલ ડિફૉલ્ટર એ જ લોકો હોય છે જેમનું રાજકીય જોડાણ હોય છે. ત્યારે જ તો તેઓ વિચારે છે કે તેઓ આગળ ચાલીને આને મૅનેજ કરી લેવાશે. મને નથી લાગતું કે યોગ્ય દાખલો બેસાડવામાં આવી રહ્યો છે.”
પ્રોફેસર અરુણ કુમારનું માનવું છે કે આરબીઆઈને આ વાતનું વર્ગીકરણ કરવું જોઈએ કે ડિફૉલ્ટ આર્થિક મંદી જેવા કારણોથી થયું કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું.
તેઓ કહે છે કે, “આપણે ત્યાં બૅન્કિંગ સિસ્ટમમાં જો નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ થયા હતા એ ક્રોનિઝ્મના કારણે થયા હતા જ્યાં લોન દેતા પહેલાં જે તપાસ કરવી જોઈતી હતી કે તેઓ રાજનૈતિક દબાણના કારણે નથી કરવામાં આવી. આ કારણે વધું નોન-પર્ફોર્મિંગ ઍસેટ્સ થઈ ગઈ. કારણ કે જો ક્રોની કૅપિટલિસ્ટ હતા તેમને લાગ્યું કે હવે અમને લોન મળી ગઈ છે તો અમારે તેને ચુકવવાની જરૂર નથી, અમે તો તેને રાજનૈતિક રૂપે મૅનેજ કરી લઈશું. આની અસર એ થઈ કે આપણી બૅન્કોમાં એનપીએ ખૂબ જ વધી ગયું હતું. એનપીએ વધવાથી લોન મળવાનું ઘટી ગયું. ઘણી બૅન્કો આરબીઆઈની નજરમાં આવી ગઈ જે લોન નહોતી આપી શકતી. એનાથી ફરી વેપારનું વાતાવરણ ખરાબ થઈ ગયું.”
પ્રોફેસર કુમાર કહે છે કે તેમને ડર છે કે ક્રોનિઝમના કારણે બૅન્કોના એનપીએ ફરી વધી શકે છે જેના લીધે અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓ વધી શકે છે.
સાથે જ તેઓ માને છે કે આ નિર્ણય અમુક પસંદ કરેલા લોકોને ફાયદો પહોંચાડવા માટે લીધો હોય એવું લાગે છે. “કેટલાક ખાસ લોકો જે મુશ્કેલીમાં હશે તેમને મદદ પહોંચાડવા માટે કદાચ આ કરવામાં આવી રહ્યું છે કારણ કે એ જ લોકો પછીથી ધન ઉપલબ્ધ કરાવશે. એક વિચાર એ હોઈ શકે છે કે આ ફાયદો અત્યારે પહોંચાડી દેવામાં આવે, આવનારી સામાન્ય ચૂંટણી નજીક હોય ત્યારે નહીં. અત્યારે જેને બચાવી શકાય તેમને બચાવી લઈએ.”

‘નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ડિફૉલ્ટરોને કોઈ ફાયદો નહીં થાય’

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ સુવ્રોકમલ દત્તા એક જાણીતા દક્ષિણપંથી રાજનૈતિક અને આર્થિક નિષ્ણાત છે.
તેઓ કહે છે કે સીમાંકન રેખા સાવ સ્પષ્ટ છે. “જે લોકોએ નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ માત્ર પૈસાની હેરાફેરી માટે ડિફૉલ્ટ થયા છે, તેમના માટે બચવાના કોઈ રસ્તા નથી.”
ડૉ. દત્તાના મુજબ ઘણી નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ કંપનીઓના કોવિડ દરમિયાન ખરેખર જે સમસ્યાનો સામનો કર્યો છે અને તેમની કાર્યપ્રણાલી મહામારીના કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. તેઓ કહે છે કે મહામારી જેવી અપ્રાકૃતિક ઘટનાના કારણે તેમને નુકસાન પહોંચ્યું છે અને સંકટથી બહાર નીકળવું તેમના હાથમાં નહોતું.
તેઓ કહે છે કે, “તમામ નાના ડિફૉલ્ટર કે જે કાયદાનું પાલન કરે છે અને જેમણે ભૂતકાળમાં ચુક નથી કરી તેમને કોઈ એવી બાબત માટે દંડ ન આપવામાં આવે જે તેમના હાથમાં નહોતું. કેમ આમને નિર્દયતાથી સજા આપવામાં આવે અને તેમની સાથે નીરવ મોદી, વિજય માલ્યા અને અન્ય મોટા નાણાકીય ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવે. મધ્યમ અને લઘુ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ચલાવનારા એ લોકોને આરબીઆઈ પાસેથી છૂટની જરૂરત છે, જેમના ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થાના મૂળમાં છે. જો તેમને આ પ્રકારની છૂટ ન આપવામાં આવે તો તેઓ બરબાદ થઈ જશે.”
ડૉ દત્તા કહે છે કે આ જ કારણ છે કે આરબીઆઈ આ નીતિને લઈ આવી છે જેમાં એ લોકોને ફાયદો મળશે જે કાયદાકીય રીતે સાબિત થઈ શકે છે કે જો સંજોગો તેમના હાથમાં હોત તો તેઓ તેમની લોન ચુકવવામાં ચૂકી ન જાત.
“જે લોકો આની નિંદા કરી રહ્યા છે કે તેઓ માત્ર નિંદા કરવાના ઇરાદા સાથે નિંદા કરી રહ્યા છે. અને મોટાભાગે નિંદા રાજનૈતિક છે. જ્યારે ખેડૂત સંકટમાં હતા ત્યારે યુપીએ સરકારે લગભગ 70 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી હતી.”

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ સવાલ એ વાત ઉપર ઊભો થાય છે કે શું આ લોકો સાથે બૅન્કોએ સમાધાન કરવું જોઈએ જેમણે હાથે કરીને પોતાની લોન નથી ચૂકવી?
ડૉ દત્તા કહે છે કે,“એ જોવું જોઈએ કે કોઈ વ્યક્તિ કે કંપનીએ કેટલીવાર ડિફૉલ્ટ કર્યું છે. શું ડિફૉલ્ટ પહેલી વાર થયું છે કે પછી વારંવાર. એટલે જો કોઈ કંપનીએ પહેલી વાર આવા કારણોથી ડિફૉલ્ટ કર્યું છે જે વાસ્તવિક છે અને જેણે કંપની તરફથી કાયદાની દૃષ્ટીએ સાબિત કરી શકાય છે, તો એવા ડિફૉલ્ટરોને એક ચેતવણી સાથે છૂટ આપી શકાય છે કે આને તેઓ ફરીવાર આનું પુનરાવર્તન ન કરે.”
“નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ક્રિમિનલ ડિફૉલ્ટર્સે જાણી જોઈને પૈસા ઓળવી જવાના ઇરાદા સાથે ડિફૉલ્ટ કર્યું છે, તો તેની શ્રેણી અલગ છે. તેમને કોઈ ફાયદો નથી થવાનો. તેમની વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ છે. ભારત સરકાર આમના પ્રત્યાપર્ણ માટે જોર-શોરથી પ્રયત્ન કરી રહી છે. તેમની સંપત્તિ કબજે કરેલી છે.”
ડૉ દત્તા પ્રમાણે આરબીઆઈ એ નથી કહી રહી કે તેઓ નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ડિફૉલ્ટર્સને કોઈ છૂટ આપવા જઈ રહ્યા છે.
“જેમનો પાછલો નાણાકીય રૅકોર્ડ સારો રહ્યો છે અને પોતાના નિયંત્રણથી બહારનાં કારણોથી જો તે પહેલી વાર ચૂકી ગયા છે તો તેમને માફ કરવાની જરૂર છે.”














