બે હજાર રૂપિયાની નોટ કેમ પાછી ખેંચાઈ, શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતની રિઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી છે, તેમજ ભાજપના કેટલાક નેતાઓનું કહેવું છે કે આ ‘નોટબંધી’ નથી બલકે ‘નોટવાપસી’ છે.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે સરકારે બે હજારની નોટો પરત ખેંચવાનો નિર્ણય કેમ કર્યો તે પાછળના કારણને લઈને સ્પષ્ટતા નથી.
આરબીઆઈએ કહ્યું કે લોકો 30 સપ્ટેમ્બર સુધી આ નોટોને કાં તો પોતાના બૅન્ક ખાતામાં જમા કરાવી શકશે કાં તો બદલી શકશે. જોકે, એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયાની બે હજારની નોટો જ બદલી શકાશે.
ભારત સરકારે 8 નવેમ્બર 2016ના રોજ 500 રૂપિયા અને એક હજાર રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રક્રિયા ‘નોટબંધી’ કહેવાઈ હતી.
લગભગ સાડા છ વર્ષ પહેલાં થયેલી આ નોટબંધીની પ્રક્રિયા બાદ સરકારે બે હજાર રૂપિયાની નવી નોટો ચલણમાં મૂકી હતી. આરબીઆઈએ આરબીઆઈ ઍક્ટની કલમ 24 (1) અંતર્ગત નવેમ્બર માસમાં બે હજાર રૂપિયાની નોટો જાહેર કરી હતી.
આરબીઆઈએ શુક્રવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આવું નોટબંધી બાદ પેદા થયેલી જરૂરિયાતોની પૂર્તિ માટે કરવું પડ્યું હતું.
આરબીઆઈએ કહ્યું, “આ ઉદ્દેશ બજારમાં અન્ય નોટ પૂરતા પ્રમાણમાં આવી જવાથી પૂરો થઈ ગયો હતો અને તેથી વર્ષ 2018-19માં બે હજાર રૂપિયાના નોટ છાપવાનું બંધ કરી દેવાયું હતું.”
બે હજાર રૂપિયાના નોટનો ધીરે-ધીરે ઉપયોગ થવાનું ખૂબ ઘટી ગયું હતું. આરબીઆઈએ બે હજાર રૂપિયાની 89 ટકા નોટ માર્ચ 2017 પહેલાં બહાર પાડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટો પાછી લેવાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું છે કે બૅન્ક આ પગલું બૅન્કની ક્લીન નોટ પૉલિસી અંતર્ગત કરાઈ રહ્યું છે.
જોકે, આરબીઆઈએ બૅન્કોને બે હજાર રૂપિયાના ચલણમાં ચુકવણી કરવા તાત્કાલિક આદેશથી ના પાડી દીધી છે.

‘ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક’

ઇમેજ સ્રોત, Getty Images
આ નિર્ણય બાદ પ્રતિક્રિયા આપતાં ભાજપના નેતાઓએ આ પગલાને ભ્રષ્ટાચાર મામલે સર્જિકલ સ્ટ્રાઇક ગણાવ્યું છે.
બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશીલકુમાર મોદીએ મીડિયાને આપેલ એક નિવેદનમાં કહ્યું હતું કે, "આ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં લેવાયેલું પગલું છે. આ ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક છે. જેનાથી કાળું ધન બહાર આવી શકે."
ખાનગી સમાચાર ચેનલ આજતક સાથેની વાતચીતમાં સુશીલ મોદીએ કહ્યું, "બે હજાર રૂપિયાની નોટોનો ઉપયોગ ટેરર ફંડિંગ અને અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે. આ સ્થિતિમાં મંશા આ નોટોનો સંપૂર્ણપણે ખતમ કરવાની છે."
એવું ઘણી વાર કહેવાતું રહ્યું છે કે બજાર માટે મોટી નોટો એ સારી વાત નથી હોતી. જ્યારે 500 અને હજાર રૂપિયાની નોટ પાછી ખેંચાઈ ત્યારે એવો તર્ક અપાયો હતો કે આવું કાળા ધનના ચક્રને તોડવા માટે કરાઈ રહ્યું છે.
કંઈક આવો જ તર્ક બે હજારની નોટો માટેના આ નિર્ણય માટે પણ કરાઈ રહ્યો છે.

શું ખરેખર કાળા ધનવાળાને આનાથી કોઈ નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, વિશ્લેષક સત્તાધારી ભાજપના આ તર્ક પર પ્રશ્ન ઉઠાવે છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આર્થિક મામલાના વિશેષજ્ઞ અરુણકુમાર જણાવે છે કે, "અત્યાર સુધી ભાજપ તરફથી જે પ્રતિક્રિયા આવી છે તે કંઈક નોટબંધી સમયે હતી એવી જ છે. એવો તર્ક અપાઈ રહ્યો છે કે આ ભ્રષ્ટાચાર, કાળું ધન અને આતંકવાદ પર ચોટ છે."
અરુણકુમાર આનાથી કાળા ધન પર અસર થશે એવા સરકારના તર્કને પણ ફગાવે છે.
પ્રોફેસર અરુણકુમાર કહે છે કે, "પરંતુ અહીં સમજવાની બાબત એ છે કે કાળું ધન અને કાળી કમાણી બંનેમાં ફેર હોય છે."
"કાળા ધનને બંધ કરી દેવાય છતાં કાળી કમાણીની પ્રવૃત્તિ ચાલુ રહશે અને જો કાળી કમાણી થશે તો કાળું ધન પણ બનશે. કાળી કમાણીની બચત જ કાળા ધનમાં પરિવર્તિત થાય છે."

નિર્ણય પાછળનાં કારણો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરબીઆઈ પ્રમાણે બે હજાર રૂપિયાની નોટો ધીરે-ધીરે ચલણથી બહાર થઈ રહી હતી. આરબીઆઈ પ્રમાણે 31 માર્ચ 2018 સુધી બજારમાં 6.73 લાખ કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટો હતી જે કુલ નોટોના 37.3 ટકા હતી.
જ્યારે 31 માર્ચ 2023 સુધી બજારમાં કુલ 3.62 લાખ કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટ હતી જે કુલ નોટોના 10.8 ટકા હતી.
પ્રોફેસર કુમાર કહે છે કે, “કહેવાઈ રહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટોનો કાળા ધનની સંગ્રહખોરીમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં હાલ 3.62 લાખ કરોડ રૂપિયાની બે હજારની નોટો ચલણમાં છે.”
“જો એવું પણ માની લેવાય કે ભારતમાં લોકો એક લાખ રૂપિયા આ નોટો ખર્ચ પેટે પોતાના ઘરે રાખતા હસે, તેમ છતાં આવા લોકોની સંખ્યા ઝાઝી નહીં હોય. આવી સ્થિતિમાં આવું કેમ કરાઈ રહ્યું છે એ સમજાતું નથી, આની પાછળ શું નીતિ કે હેતુ છે?”
ભારતમાં રોકડ ટ્રાન્ઝેક્શન પણ વધી રહ્યું છે. નોટબંધી સમયે બજારમાં લગભગ 18 લાખ કરોડ રૂપિયાની નોટો હતી જે હવે વધીને 35 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ભારતના અર્થતંત્રમાં થઈ રહેલા વધારાની સાથોસાથ બજારમાં નોટો પણ વધી રહી છે.
આરબીઆઈ ધીરે ધીરે જાતે જ બે હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી હતી. માર્ચ 2018 બાદ નવી નોટો છપાઈ નહોતી. પહેલાંની સરખામણીએ બજારમાંથી પણ આ નોટોનું પ્રમાણ ઘટીને અડધું થઈ ગયું હતું. આવી સ્થિતિમાં આ નિર્ણય પાછળનો હેતુ શું છે, એ સવાલ ઊઠી રહ્યો છે.

શું નોટબંધી જેવી અસર થશે?
નવેમ્બર 2016માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કાળા ધન, ભ્રષ્ટાચાર અને આતંકવાદ પર પ્રહાર કરતાં’ અચાનક 500 અને હજાર રૂપિયાની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી ત્યારે દેશમાં અફરાતફરી સર્જાઈ હતી.
ઘણા મહિના સુધી બૅન્કોની બહાર નોટો બદલવા માટે લાઇનો લાગી હતી અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્લેષક માને છે કે આ પગલાની ભારતના અર્થતંત્ર પર પણ વ્યાપક અસર પડી છે.
પરંતુ બે હજાર રૂપિયાની નોટો ચલણથી બહાર થશે તેની નોટબંધી જેવી અસર નહીં થાય.
પ્રોફેસર અરુણકુમાર જણાવે છે કે, “બે હાજર રૂપિયાની નોટો બજારમાંથી પાછી ખેંચવાની અસર નોટબંધી જેવી નહીં થાય.”
“જે લઘુ ઉદ્યોગો પોતાની રોકડની જરૂરિયાતો માટે બે હજાર રૂપિયાની નોટો રાખે છે કે જે ખેડૂત પોતાની બચત આ નોટમાં રાખે છે તેમને જરૂર મુશ્કેલી પડશે.”
નોટબંધી સમયે બૅન્કો પરનું ભારણ વધી ગયું હતું અને બૅંકના કર્મચારીઓએ ઘણા મહિના સુધી વધારાનું કામ કરવું પડ્યું હતું. બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાના કારણે પણ બૅન્કોના કામકાજ પર અસર પડશે.

અર્થતંત્ર પર કેટલી અસર?
પ્રોફેસર કુમાર કહે છે કે, “સરકાર જો દસ દિવસની અંદર આ તમામ નોટોને પાછી લેશે તો તેનો અર્થ એ છે કે આ દરમિયાન વધારાનાં દસ કરોડ ટ્રાન્ઝેક્શન થશે, આનાથી બૅન્કો પરનો બોજો વધશે અને લોકોનો બૅન્કોમાં વધુ સમય વેડફાશે.”
બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચાઈ એ પહેલાં પણ આ નોટ બંધ કરાશે એવા ઘણી વાર કયાસ લગાવાયા હતા. આ નોટો બંધ કરવાની માગ પણ ઊઠી રહી હતી અને મીડિયાના રિપોર્ટોમાં પણ આ નોટોનું પ્રમાણ બજારમાં ઘટી ગયું હોવાની જાણકારી મળી રહી હતી.
જોકે, વિશ્લેષકો માને છે કે ભલે આ નિર્ણયથી વસતિનો મોટો ભાગ પ્રભાવિત ન થાય પરંતુ આની અસર રોકડની વિશ્વસનીયતા પર જરૂર પડી શકે છે.
પ્રોફેસર અરુણકુમાર કહે છે કે, “આ સિવાય આ નોટ બંધ થવાથી અર્થતંત્રમાં રોકડની વિશ્વસનીયતા પણ ઘટશે. લોકોનાં મનમાં એવો પણ પ્રશ્ન પેદા થઈ શકે છે કે આગામી નંબર 500ની નોટનો પણ આવી શકે છે.”
“રોકડનો ઉપયોગ ચુકવણી માટે કરાય છે. તેમાં પણ અવરોધો પેદા થઈ શકે છે. ભારતીય અર્થતંત્ર અગાઉથી જ પડકારોનો સામનો કરી રહ્યો છે, અસંગઠિત ક્ષેત્ર તકલીફમાં છે, તેની સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે.”
“નોટોનો ઉપયોગ લેવડદેવડ માટે કરાય છે. નોટોમાં વિશ્વાસ ઘટવાથી ટ્રાન્ઝેક્શન પણ ઘટી શકે છે અને તેની સીધી અસર અર્થતંત્ર પર પડી શકે છે.”














