રિઝર્વ બૅન્કે 2000 રૂપિયાની બૅન્ક નોટ ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કેમ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રિઝર્વ બૅન્કે જાહેરાત કરી છે કે રૂપિયા 2000ની નોટ ચલણમાંંથી બહાર થશે. જોકે તમારે ગભરાવાની જરૂર નથી. આ નોટો કાયદેસર રહેશે.
આરબીઆઈએ કહ્યું છે કે લોકો 2000 રૂપિયાની નોટોને પોતાના બૅન્ક ખાતામાં જમા કરાવી શકે છે અથવા આ નોટને કોઈ બૅન્ક શાખામાંથી બદલાવી શકે છે.
આરબીઆઈએ કહ્યું કે બધી બૅન્કોમાં આ સુવિધા 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.
રિઝર્વ બૅન્કે બધી બૅન્કોને સલાહ આપી છે કે તેઓ તત્કાળ પ્રભાવથી 2000ની નોટ જારી કરવાનું બંધ કરે.
આરબીઆઈએ વધુમાં કહ્યું છે કે, બૅન્ક શાખાઓમાં થતા સામાન્ય કાર્યમાં ખલેલ ન પડે અને આ નિર્ણયને અમલમાં મુકવામાં સરળતા રહે તે માટે બે હજાર રૂપિયાની નોટો બદલાવ માટે 20 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બૅન્ક શાખાઓમાં નોટો બદલવાનું કામ 23 મે 2023ના રોજ શરૂ થશે.
આરબીઆઈ અનુસાર બૅન્કોમાં 2000 રૂપિયાની નોટો બદલવા કે ડિપોઝિટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 રહેશે.
આરબીઆઈએ જણાવ્યું છે કે આ નિર્ણય ક્લીન નોટ પૉલિસી હેઠળ લેવામાં આવ્યો છે.

2000 રૂપિયાની નોટો કેમ બંધ કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images
- 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં જારી કરવામાં આવી હતી. તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
- આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટો 2018-2019માં છપાવાની બંધ થઈ હતી.
- એ સિવાય આરબીઆઈએ કહ્યું કે લગભગ 89 ટકા 2000 રૂપિયાની નોટો માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને હવે તે ચાર કે પાંચ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરી કરવા જઈ રહી છે.
- આરબીઆઈ અનુસાર 2000 રૂપિયાની 89 ટકા નોટો માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી.
- આ નોટોનું સર્વાધિક સર્ક્યુલેશન 31 માર્ચ 2018માં .73 લાખ કરોડ હતું.
- કેન્દ્રીય બૅન્કનું કહેવું હતું કે આ નોટો સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન માટે વપરાતી પણ ન હતી.

ક્લીન નોટ પૉલિસી પણ છે?
રિઝર્વ બૅન્કે ક્લીન નોટ પૉલિસી હેઠળ આ નિર્ણય ક્રયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરબીઆઈ લોકોના વપરાશ માટે સારી ગુણવત્તાવાળી નોટો માર્કેટમાં લાવવા માગે છે.
2000 રૂપિયાની નોટ હજુ માર્કેટમાં વપરાશે?
હા આરબીઆઈ એ સ્પષ્ટતા કરી છે કે 2000 રૂપિયાની નોટ કાયદેસર ચલણ ખરી.
તમારી પાસે જો 2000 રૂપિયાની નોટ હોય તો તમે તેને વાપરી શકો છો. તમે બજારમાં આ નોટ વાપરી શકો છો.
રિઝર્વ બૅન્કે 30 સપ્ટેમ્બર 2023ની સમયમર્યાદા આપી છે. આરબીઆઈએ આ નોટોને બૅન્કમાં ડિપોઝિટ કરવા અથવા બદલવા માટે સમય આપ્યો છે.
તમારી પાસે 2000 ની નોટ હોય તો...?
30 સપ્ટેમ્બર સુધી કોઈ સમસ્યા વગર બૅન્કમાં બદલી અથવા જમા કરાવી શકો છો.
તમે તેને બાદલી શકો છો અથવા તમારા ખાતમાં જમા કરાવી શકો છો.
આરબીઆઈ પોતાની રિજનલ ઑફિસોના 19 કેન્દ્રોમાં પણ આ સુવિધા આપી છે.
કેટલી નોટો તમે જમા કરાવી શકો
કેવાયસી નિયમો અનુસાર, બૅન્ક ખાતામાં રકમ જમા કરાવવાની મર્યાદા નથી.
કેવાયસી ન હોય તો આરબીઆઈના નિયમો લાગુ થશે.
જો તમે નોટો બદલાવવા જાઓ તો તમે એક વખતમાં 20 હજાર રૂપિયા સુધી બદલાવી શકો છો.
ક્યારથી બદલાવી શકો છો
વધુ માહિતી માટે તમે બૅન્કમાં જઈને વાત કરી શકો છો.
બૅન્કમાં નોટો બદલવા માટે પૂરતો સમય આપવામાં આવશે. આ સુવિધા 23 મે 2023એ શરૂ થશે અને આની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 રહેશે.
શું જ્યાં આપણું બૅંક એકાઉન્ટ છે ત્યાં જ નોટો બદલાવી શકાશે?
ના, ઉપર આપેલા જવાબોમાં જણાવ્યું એમ કોઈ પણ બૅન્કે જઈને નોટો બદલાવી શકાશે. જોકે, જે લોકો પાસે બૅન્ક એકાઉન્ટ નથી તેઓ 20 હજાર રૂપિયાની મર્યાદામાં નોટો બદલાવી શકશે.
જો તમારે ધંધાર્થે 20 હજાર રૂપિયા કરતાં વધુ રકમની નોટોની જરૂરિયાત હોય તો શું કરશો?
આ હેતુ માટે તમે બૅન્ક એકાઉન્ટમાં સીધું જ પેમેન્ટ કરી શકશો. તમારા ખાતામાંથી કેટલી રકમની ચુકવણી કરવી તે અંગે કોઈ મર્યાદા નથી.
બે હજાર રૂપિયાની નોટ બૅન્કમાં જમા કરાવી અને ગમે તે રીતે તે એકાઉન્ટમાંથી કાઢી શકાય છે.
શું નોટો બદલવા માટે કોઈ દર વસૂલાશે?
ના, આ માટે કોઈ દર વસૂલાશે નહીં. આ પ્રક્રિયા તદ્દન મફત રહેશે.
બૅન્ક જો તાત્કાલિક નોટો ન બદલે કે ચુકવણી ન કરે તો?
ચુકવણી અને નોટો બદલવાની પ્રક્રિયા માટે ચાર મહિનાનો સમયગાળો નક્કી કરાયો છે. તો આ સમયગાળા દરમિયાન તમારી અનુકૂળતાએ ચલણી નોટ ડિપોઝિટ કરી શકાશે.
બૅન્કોને નોટો બદલી આપવા માટે પૂરતો સમય અપાશે. આ સુવિધા મે, 2023ના અંત સુધી સર્વત્ર ઉપલબ્ધ હશે. અને ઉપર જણાવ્યા મુજબ, હાલ આરબીઆઇના નિર્દેશ અનુસાર આ નોટો 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. જો ફરિયાદ દાખલ કર્યાના 30 દિવસમાં બૅન્ક એનો નિકાલ ન કરી શકે કે સંતોષકારક જવાબ ન આપી શકે તો તમે રિઝર્વ બૅન્કની સંયુક્ત લોકપાલ યોજના (આર-આઇઓએસ) 2021 અંતર્ગત ફરિયાદ દાખલ કરી શકો છો. આરબીઆઇના પૉર્ટલ cm.rbi.org.in પર જઈને ફરિયાદ દાખલ કરી શકાય છે.

નવા નિયમો શું છે
- 23 મે 2023થી પોતાના બૅન્ક ખાતા કે અન્ય કોઈ પણ બૅન્કમાં નોટ બદલી શકાશે.
- કોઈ પણ બૅન્ક શાખામાં એક વખત 20 હજાર રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
- આ પૂરી પ્રક્રિયાની સમયસીમામાં અને જનતાને પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. બધી બૅન્કોમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી જમા કરવવાની સુવિધા રહેશે. આ વિશે બધી બૅન્કોને દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
- આરબીઆઈએ બૅન્કથી નવી 2000 રૂપિયાની નોટો જારી કરવા પર તત્કાળ રોક લગાવવાનું કહ્યું છે.
- આરબીઆઈએ કહ્યું કે આ વિશે વધુ સવાલો વિશે જાણવા માટે તેની વેબસાઇટ પર જવાબ આપવામાં આવ્યા છે.
- આરબીઆઈ અનુસાર આરબીઆઈ ઍક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016ના જારી કરવામાં આવી હતી
નવેમ્બર 2016માં એક રાત્રે અચાનક વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સો અને હજાર રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. પછી સરકાર ગુલાબી રંગની 2000 રૂપિયાની નોટ લાવી હતી.
8 નવેમ્બર 2016ની એ રાત્રે વડા પ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે રાત્રે 12 વાગ્યા બાદ પાંચ સો અને હજાર રૂપિયાની નોટો બંધ થશે અને આની જગ્યા ભારતીય રિઝર્વ બૅન્ક બે હજાર રૂપિયા અને પાંચ સો રૂપિયાની નવી નોટ જારી કરશે.
જોકે ગત વર્ષોમાં 500 રૂપિયાની નોટો તો ખૂબ ચાલી પરંતુ એટીએમ અને બૅન્કોમાં 2000 રૂપિાયની નોટોની અછત પણ સવાલ ઊઠતા રહ્યા છે.
વર્ષ 2021માં તત્કાલીન નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આરબીઆઈએ વર્ષ 2019 અને 2020માં બે હજાર રૂપિયાની નવી નોટો છાપી જ નથી.
2020માં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, "માર્ચ 2019 માં 329.10 કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટો બજારમાં ચાલતી હતી. ત્યાં જ માર્ચ 2020માં તેની કિંમત ઘટીને 273.98 કરોડ રૂપિયા રહી ગઈ."














