મેહુલ ચોકસી ઍન્ટિગુઆના નાગરિક કેવી રીતે બન્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેરેબિયન દેશ ઍન્ટિગુઆ ભારતમાંથી આર્થિક મામલે ગેરરીતિ આચરીને ત્યાં સ્થાયી થયેલા હીરાના વેપારી મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ શકે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ ઍન્ટિગુઆના વડા પ્રધાને કહ્યું છે કે મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ થઈ શકે છે.
વડા પ્રધાન ગૅસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોક્સી સામેના તમામ કાયદાકીય વિકલ્પો પૂરા થયા બાદ તેમની સરકાર આ પગલું ભરી શકે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં સમાચાર આવ્યા હતા કે 60 વર્ષના મેહુલ ચોકસીએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું અને ઍન્ટિગુઆમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યો હતો.
પીટીઆઈ પ્રમાણે મેહુલ ચોકસીએ નવેમ્બર 2017માં ઍન્ટિગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ લીધું હતું.
હીરા વ્યાપારી મેહુલ ચોકસી અને નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્કમાં આશરે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ છે.
નીરવ મોદી અત્યારે લંડનની જેલમાં છે. તેમની જામીન અરજી લંડનની કોર્ટે ત્રણ વખત નકારી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે મેહુલ ચોકસી બન્યા હતા ઍન્ટિગુઆના નાગરિક?

ઇમેજ સ્રોત, Getty Images
હીરાના વેપારી મેહુલ ચોકસીએ જ્યારે ઍન્ટિગુઆનું નાગરિકત્વ લીધું અને ભારતનો પાસપોર્ટ સરન્ડર કર્યો ત્યારે તેને પ્રત્યાર્પણથી બચવાની કોશિશ કહેવામાં આવી હતી.
જાન્યુઆરી 2019માં મીડિયા અહેવાલો મુજબ પાસપોર્ટ જમા કરાવવાની સાથે મેહુલ ચોકસીએ નિયત ફીનો 177 ડૉલરનો ડ્રાફ્ટ પણ રજૂ કર્યો હતો અને અધિકારીઓના કહેવા મુજબ એમણે નવું ઠેકાણું જૉલી હાર્બર માર્કસ ઍન્ટિગુઆ દર્શાવ્યું હતું.
ભારતે ગત વર્ષે ઍન્ટિગુઆને ચોકસીના પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો હતો.
મેહુલ ચોકસીએ સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ( સીઆઈપી) હેઠળ ઍન્ટિગુઆ ઍન્ડ બાર્બુડાનું નાગરિકત્વ લીધું હતું.

નાગરિકતા માટેનો આ પ્રોગ્રામ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍન્ટિગુઆ ઍન્ડ બાર્બુડામાં રોકાણ કરીને નાગરિકત્વ અને પાસપોર્ટ મેળવવાની એક સ્કીમ છે.
આ પ્રોગ્રામ હેઠળ ઍન્ટિગુઆમાં રોકાણકારો ચેરિટીમાં દાન આપી અથવા કોઈ રિયલ ઍસ્ટેટમાં રોકાણ કરીને નાગરિકત્વ અને પાસપોર્ટ મેળવી શકે છે.
ઍન્ટિગુઆ ઍન્ડ બાર્બુડા સિવાય આ પ્રકારનો સિટિઝનશિપ પ્રોગ્રામ સેન્ટ કીટ્સ ઍન્ડ નેવિસ ઍન્ડ ડોમિનિકામાં પણ ચાલી રહ્યો છે.
આ કેરેબિયન દ્વીપમાં ચાલતા આ પ્રોગ્રામ હેઠળ
- નેશનલ ડેવલપમૅન્ટ ફંડ (NDF)માં એક લાખ યુએસ ડૉલરનું રોકાણ
- યુનિવર્સિટી ફંડમાં 1,50,000 યુએસ ડૉલરનું રોકાણ
- રિયલ ઍસ્ટેટમાં 4,00,000 યુએસ ડૉલરનું રોકાણ
- અથવા 15,00,000નું વ્યાવસાયિક રોકાણ કરવા બદલ પાંચ વર્ષ માટે પાસપોર્ટ મળી જાય છે. પાંચ વર્ષ બાદ પાસપોર્ટના નવીનીકરણ કરવવા માટે ઍન્ટિગુઆમાં પાંચ દિવસ રહેવું જરૂરી છે.
એ સિવાય બિટકૉઇન અને બીજી ક્રિપ્ટોકરેન્સી પણ આ પ્રોગ્રામ હેઠળ લેવામાં આવે છે.
એ સિવાય આ સિટિઝનશિપ પ્રોગ્રામમાં અન્ય લાભ પણ જોડવામાં આવ્યા છે.
- એક વખત રોકાણ કર્યા બાદ પરિવાર અને બાળકોને આજીવન પાસપોર્ટ મળે છે.
- આ પ્રોગ્રામ હેઠળ પાસપોર્ટ મેળવતા પહેલાં અને પછી ઍન્ટિગુઆમાં વસવાટ જરૂરી નથી.
- ઍન્ટિગુઆનો પાસપોર્ટ મળ્યા બાદ યુકે સહિત યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકાય છે.
- એ સિવાય બે અથવા બેથી વધુ દેશનું નાગરિકત્વ રાખવાની પણ છૂટ મળે છે.
- અહીં કોઈ સંપત્તિ, વારસો કે ખાનગી ઇન્કમ ટૅક્સ પણ નથી ભરવો પડતો.

કોર્ટમાં બચાવનો અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા પ્રમાણે ઍન્ટિગુઆના વડા પ્રધાન બ્રાઉને કહ્યું કે જ્યારે અબજોપતિ વેપારી (મેહુલ ચોકસી) પાસે કાયદાકીય વિકલ્પ ખૂટી ગયા પછી તેમનું નાગરિકત્વ રદ કરી દેવામાં આવશે.
સોમવારે ઍન્ટિગુઆ ઑબ્ઝર્વર પ્રમાણે ગૅસ્ટન બ્રાઉને કહ્યું, "તેમના નાગરિકત્વની પ્રક્રિયા થઈ હતી જે તેમણે પસાર કરી હતી પણ સત્ય એ છે કે તેમનું નાગરિકત્વ રદ કરાશે અને તેમને પરત ભારત મોકલવામાં આવશે, તેનો એક આધાર છે."
"એવું નથી કે અમે આર્થિક મામલાના અપરાધીઓને સંરક્ષણ આપી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "જે પ્રક્રિયા હોય તે અમારે પૂરી કરવી પડે. કોર્ટમાં તેમનો એક કેસ છે, અને અમે ભારત સરકારને કહ્યું છે કે ગુનેગારને પણ આધારભૂત અધિકાર હોય છે અને ચોકસીને પણ કોર્ટમાં પોતાનો બચાવ કરવાનો અધિકાર છે."
"હું ખાતરી આપું છે કે જ્યારે તેમના કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઈ જશે ત્યારે તેમનું પ્રત્યાર્પણ કરવામાં આવશે."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ભારત સરકારનાં સૂત્રોએ કહ્યું છે, "ભારત ઍન્ટિગુઆમાં નાગરિકત્વ રદ કરવાની આંતરિક પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે."
"નાગરિકત્વ રદ થયા પછી પ્રત્યાપ્રણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ભારતે આ બાબતે ઍન્ટિગુઆ સાથે વાતચીત ચાલુ રાખી છે."
"વિદેશ મંત્રાલયને હજુ નાગરિકત્વ રદ કરવા બાબતે કોઈ આધિકારિક જાણકારી મળી નથી."
એએનઆઈએ કહ્યું, "મેહુલ ચોકસી ઍર ટ્રાવેલ કરવા માટે ફિટ છે કે નહીં તે અંગે નિષ્ણાતોની એક ટીમ બૉમ્બે હાઈકોર્ટમાં એક રિપોર્ટ આપશે."
આ પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા, "ઍન્ટિગુઆમાં મેહુલ ચોકસીએ સ્થાનિક મીડિયાને કહ્યું કે તેમના ડૉક્ટરે તેમને યાત્રા ન કરવા કહ્યું છે."
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ભારત છોડીને ભાગ્યા નહોતા પણ હૃદયની સર્જરી કરવા માટે વિદેશ ગયા હતા.
ભારતના કથિત સૌથી મોટા બૅન્કિંગ કૌભાંડના કેસમાં સીબીઆઈ અને ઈડી હીરા વેપારી મેહુલ ચોકસી અને નીરવ મોદીની ધરપકડ કરવા માગે છે.
પંજાબ નેશનલ બૅન્કમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ વર્ષ 2017માં બહાર આવ્યું હતું.
આ ભારતનું સૌથી મોટું બૅન્કિંગ કૌભાંડ માનવામાં આવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












