નરેન્દ્ર મોદી : પાણીની તકલીફ ગુજરાત અને રાજસ્થાનના લોકો જાણે

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ આપી રહ્યા છે.
મોદીએ લોકસભામાં બોલતાં કહ્યું કે અનેક દાયકાઓ બાદ દેશમાં મજબૂત સરકાર આવી છે.
તેમણે કહ્યું, "મતદારો પોતાનાથી વધારે પોતાના દેશ માટે નિર્ણય કરે છે એ વાત આ ચૂંટણીમાં નજર આવી છે. દેશના મતદારો અભિનંદનના અધિકારી છે."
"2014માં અમે સાવ નવા હતા, દેશ માટે અજાણ્યા હતા આ હાલતમાંથી બહાર નીકળવા માટે દેશે અમને એક તક આપી."
"જોકે, 2019નો જનાદેશ તમામ બાબતોને ચકાસ્યા બાદ, ત્રાજવે તોળ્યા બાદ મળ્યો છે."

જેનું કોઈ નહીં તેમના માટે આ સરકાર : મોદી

ઇમેજ સ્રોત, Reuters
મોદીએ કહ્યું કે જનતા માટે ઝઝૂમવું, ખપી જવું 5 વર્ષની તપસ્યાના રૂપે મળ્યું છે. કોણ હાર્યું કોણ જીત્યું તે અમારા વિચારનો ભાગ નથી.
દેશવાસીઓની આશા અને તેમનાં સપનાં મારી નજર સામે રહે છે. 2014માં જ્યારે જીત મળી ત્યારે સેન્ટ્ર્લ હૉલમાં આપેલા ભાષણમાં મેં કહ્યું હતું કે આ સરકાર ગરીબોની છે.
છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળમાં અમારા મનમાં એ જ ભાવ રહ્યો છે કે જેમનું કોઈ નથી તેમની માટે સરકાર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે સ્થિતિને બદલવા માટે ખૂબ મહેનત પડે છે. 70 વર્ષની બીમારીઓને 5 વર્ષમાં દૂર કરવી કઠિન છે.
જોકે, અમારી સરકારે એ દિશા પકડી અને મુશ્કેલીઓ હોવા છતાં પણ અમે તે દિશા છોડી નહીં.

'કટોકટીનો એ દાગ ક્યારેય નહીં ભુલાય'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે આજે 25 જૂન છે, આજની રાત્રે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. દેશના આત્માને કચડી નાખવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે મીડિયાને દબોચી લેવામાં આવ્યું હતું, હિંદુસ્તાનને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. માત્ર એટલા માટે કે કોઈની સત્તા ના જતી રહે.
મોદીએ કહ્યું કે દેશની ન્યાયપાલિકાનો અનાદર કેવી રીતે થઈ શકે તે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. બંધારણને કચડવાનું પાપ કોઈ ભૂલી શકે નહીં.
આ દાગ ક્યારેય ભૂંસાશે નહીં, આ દાગને વારંવાર યાદ કરવો જોઈએ જેથી ફરીથી કોઈ આવું ના કરે.

'પાણીની તકલીફ ગુજરાતના લોકો જાણે'

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ કહ્યું કે વિપક્ષના ભાષણમાં બાબાસાહેબ આંબેડકરના નામનો ઉલ્લેખ થયો હોત તો સારું થતું.
તેમણે કહ્યું કે શું કરે એક ઊંચાઈ પર પહોંચ્યા પછી તેમને દેખાતું નથી, જ્યારે પાણી અને ડૅમોની વાત આવે ત્યારે આ મામલે આંબેડકરનું કામ સર્વોપરી છે.
સરદાર સરોવરનો પાયો નહેરુએ નાખ્યો હતો પરંતુ દાયકાઓ સુધી મંજૂરી મળી ન હતી.
એ સમયે જે 6 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો તે પૂરો થતાં થતાં 60 હજાર કરોડ રૂપિયાનો થઈ ગયો.
મુખ્ય મંત્રી હતો ત્યારે તેને પૂરો કરાવવા મારે ઉપવાસ પર ઊતરવું પડ્યું હતું. આજ તેનાથી 4 કરોડ લોકોને પીવાનું પાણી મળે છે.
પાણીની તકલીફ રાજસ્થાન અને ગુજરાતના લોકો જાણે છે અને એટલા માટે જ અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે.

'મેક ઇન ઇન્ડિયાની મજાક ઉડાવવામાં આવી'

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદીએ ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે કૃષિ આપણી ગ્રામિણ વ્યવસ્થાની કરોડરજ્જુ છે અને આપણે જૂની પરંપરાઓથી બહાર આવવું પડશે.
ખેડૂતોની ભલાઈ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. મોદીએ આંકડા વિશે બોલતાં કહ્યું કે આંકડાઓનો દરેક રીતે ઉપયોગ કરી શકાય છે.
આ જ સદનમાં જ્યારે આપણે 11માં અને 13માં સ્થાન પર પહોંચ્યા હતા ત્યારે બધાએ બિરદાવ્યા હતા પરંતુ હવે જ્યારે 6 નંબર પહોંચી ગયા છીએ તો એવું લાગે છે કે જાણે શું થઈ ગયું.
મેક ઇન ઇન્ડિયાની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી, પરંતુ શું કોઈ તેની જરૂરિયાતથી ઇન્કાર કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












