કૅન્સર એકવાર મટી જાય તો પણ ફરી કેમ થાય છે, શું સાવચેતી રાખીએ તો બચી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાહિરા કશ્યપને પહેલી વાર વર્ષ 2018માં બ્રેસ્ટ કૅન્સરની ખબર પડી હતી
    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

નિર્દેશક, પ્રોડ્યૂસર અને લેખિકા તાહિરા કશ્યપને ફરી વાર બ્રેસ્ટ કૅન્સર થયું. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર કરેલી એક પોસ્ટમાં તેમણે આ જાણકારી આપી છે.

તાહિરા કશ્યપ, અભિનેતા આયુષ્માન ખુરાનાનાં પત્ની છે. તેમને વર્ષ 2018માં પ્રથમ વખત પોતે કૅન્સરથી પીડાતાં હોવાની ખબર પડી હતી.

ઇન્સ્ટાગ્રામ પર તાહિરા કશ્યપે લખ્યું છે, "સાત વર્ષની પરેશાની કે સતત સ્ક્રીનિંગ (ચેકઅપ) કરાવવાની તાકત, આ દૃષ્ટિકોણ છે અને હું એ પૈકી બીજા વિકલ્પને પસંદ કરું છું. હું બધાને સલાહ આપીશ કે રેગ્યુલર મેમોગ્રામ કરાવતાં રહો. મારા માટે આ બીજો રાઉન્ડ છે."

આ પહેલાં પણ તાહિરા કશ્યપ પોતાના કૅન્સર વિશે ખૂલીને વાત કરતાં રહ્યાં છે.

પોતાના સંઘર્ષને તેઓ સોશિયલ મીડિયા પર શૅર કરતાં રહ્યાં છે. ભલે એ કીમોથૅરપી બાદ તેમનો 'બોલ્ડ લુક' હોય કે તેમની પીઠ પરનું નિશાન. તેમણે કૅન્સર વિરુદ્ધ પોતાના સંઘર્ષને બહાદુરીપૂર્વક રજૂ કર્યો છે.

એક વાર વર્લ્ડ કૅન્સર ડે પર તેમણે પોસ્ટ કરેલું, "આજે મારો દિવસ છે. આપણે આની સાથે જોડાયેલું ટબૂ કે કલંકને હઠાવી દેવાં જોઈએ. આપણે કૅન્સર અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. ભલે કંઈ પણ થાય, પોતાની જાતને પ્રેમ કરો. હું આની સાથે જોડાયેલા ડાઘને અપનાવું છું અને એને પોતાની શાનમાં પદક સ્વરૂપે લઉં છું."

કૅન્સર વિરુદ્ધના જંગમાં આગળ રહ્યાં તાહિરા

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Instagram/tahirakashyap

ઇમેજ કૅપ્શન, કૅન્સર વિરુદ્ધ પોતાના સંઘર્ષ વિશે તાહિરા કશ્યપ સોશિયલ મીડિયા પર જણાવતાં રહ્યાં છે

જર્નાલિઝ્મ અને માસ કૉમ્યુનિકેશનમાં ડિગ્રી હાંસલ કરનારાં તાહિરા કશ્યપ રેડિયો જૉકી રહી ચૂક્યાં છે. એ બાદ તેઓ લેખન તરફ વળ્યાં હતાં.

વર્ષ 2011માં તેમણે પોતાનું પુસ્તક 'આઈ પ્રૉમિસ' લખ્યું. મીડિયામાં છપાયેલી જાણકારી અનુસાર, એ બાદ તેમણે નિર્દેશન પર હાથ અજમાવ્યો અને 'જિંદગી ઇન શૉર્ટ', 'શર્માજી કી બેટી' જેવી ફિલ્મો બનાવી. સાથે જ એ અમુક પુસ્તકો પણ લખી ચૂક્યાં છે.

તાહિરા કશ્યપની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ તેમને ઘણા લોકોએ સંદેશ લખ્યા છે. તેમાં અભિનેત્રી સોનાલી બેંદ્રેએ લખ્યું, "કોઈ શબ્દ નથી બેબી. તમને પ્રેમ, હિંમત અને પ્રાર્થના મોકલી રહી છું."

સોનાલી બેંદ્રે જાતે કૅન્સરપીડિત રહી ચૂક્યાં છે. તેઓ એ વિશે ખૂલીને બોલતાં રહ્યાં છે અને જાગૃતિ પર ભાર મૂકતાં રહ્યાં છે.

અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ પોસ્ટ કરી છે, "હું તમારી સાથે છું મિત્ર. તમે અમને બધાને બૉલિંગમાં પછાડી દો છે, એ રીતે જ આને પણ પછડાટ આપશો. ખૂબ પ્રેમ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાલી બેંદ્રેએ કૅન્સરથી લડાઈ જીતીને ફિલ્મોમાં વાપસી કરી છે

તાહિરા કશ્યપ જ નહીં, બોલીવૂડ અને હોલીવૂડની ઘણી અભિનેત્રીઓ કૅન્સર સાથે પોતાના સંઘર્ષ અંગે ખૂલીને વાત કરી છે. એ પૈકી ઘણાંને ફરી વાર કૅન્સર થયો છે અને તેઓ સતત એ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.

હાલમાં જ હિના ખાને પોતાના બ્રેસ્ટ કૅન્સર વિશે જાણકારી આપી હતી. તેમજ કિરણ ખેર, લીસા રે, મનીષા કોઇરાલા, છવિ મિત્તલ, મહિમા ચૌધરી જેવાં નામ છે, જેઓ કૅન્સરનો સામનો કરી ચૂક્યાં છે. કેટલાંકની તો હજુ પણ થૅરપી ચાલી રહી છે.

બીજી તરફ, અમેરિકન અભિનેત્રી કેથી બેટ્સ બે વખત કૅન્સરનો સામનો કરી ચૂક્યાં છે. પહેલાં તેમને ઓવેરિયન કૅન્સર થયું હતું અને બાદમાં બ્રેસ્ટ કૅન્સર.

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એન્જલિના જૉલીએ 'પ્રિવેન્ટિવ માસટેક્ટમી' કરાવી, જેથી કૅન્સરના ખતરાથી તેઓ દૂર રહી શકે

ઘણી અભિનેત્રીઓ એવી પણ છે, જેમણે 'બાઇલેટરલ માસટેક્ટમી' એટલે કે બંને સ્તન દૂર કરાવવાનો નિર્ણય લીધો. તે પૈકી કેટલાંકને પ્રારંભિક સ્ટેજનું કૅન્સર હતું કે પછી તેમના પરિવારમાં કોઈને આ બીમારી રહી ચૂકી હતી. અમેરિકન કૉમેડી ડ્રામા સેક્સ ઍૅન્ડ ધ સિટીનાં અભિનેત્રી સિંથિયા નિક્સને 35 વર્ષની ઉંમરમાં રેગ્યુલર મેમોગ્રામ કરાવવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તેમનાં માતાને બ્રેસ્ટ કૅન્સર હતું.

આ પૈકી જ એક અભિનેત્રી એન્જલિના જૉલી પણ છે, જેમણે કૅન્સરથી બચવા માટે 'પ્રિવેન્ટિવ ડબલ માસટેક્ટમી' કરાવી લીધી હતી.

ભારતમાં બ્રેસ્ટ કૅન્સરના કારણે દર વર્ષે હજારો મૃત્યુ

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાયોમેડ સેન્ટ્રલ મેડિકલ પબ્લિક હેલ્થમાં છપાયેલા તાજા રિપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વમાં મહિલાઓમાં થનાર કૅન્સરમાં બ્રેસ્ટ કૅન્સરનું પ્રમાણ સૌથી વધુ જણાઈ આવે છે અને આનાથી અન્ય કૅન્સરની સરખામણીમાં સૌથી વધુ મૃત્યુ પણ થાય છે. તેમજ ભારતમાં 45 વર્ષ અને તેનાથી વધુ વયનાં માત્ર 1.3 ટકા મહિલાઓએ મેમોગ્રાફી કરાવી છે.

કૅન્સર અંગે લોકસભામાં એવો સવાલ પૂછાયો હતો કે શું કૅન્સરના મામલામાં વૃદ્ધિ થશે અને શું બ્રેસ્ટ કૅન્સર ભારત અને વૈશ્વિક સ્તરે સૌથી સામાન્ય કૅન્સર છે?

આ પ્રશ્ન અંગે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી પ્રો. સત્યપાલસિંહ બઘેલે જવાબ આપ્યો હતો કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નૅશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (આઈસીએમઆર-એનસીઆરપી) પ્રમાણે, ભારતમાં કૅન્સરના મામલા વર્ષ 2022માં 14.61 હતા, જે 2025માં વધીને 15.7 લાખ સુધી પહોંચી ગયા છે.

બ્રેસ્ટ કૅન્સર અંગે તેમણે કહ્યું કે ગ્લોબલ કૅન્સર ઑબ્ઝર્વેટરી, આઈએઆરસી-ડબ્લ્યૂએચઓ 2022 પ્રમાણે, બ્રેસ્ટ કૅન્સર વૈશ્વિક સ્તરે સૌથી સામાન્ય કૅન્સર છે. જવાબમાં બતાવાયું કે વર્ષ 2022માં ભારતમાં બ્રેસ્ટ કૅન્સરથી 98,337 મહિલાઓનાં મૃત્યુ થયાં. આ સંખ્યા સમગ્ર વિશ્વમાં આ કૅન્સરથી થતાં મૃત્યુ બાબતે સૌથી વધુ છે.

ફરી કૅન્સર થવો : તાહિરા કશ્યપના કેસ બાદ ચર્ચા

તાહિરા કશ્યપનો કેસ સામે આવ્યા બાદ શું કૅન્સરનો રોગ પાછો આવી શકે એ મામલે ચર્ચા થઈ રહી છે. શું કૅન્સરનો પૂરો ઇલાજ શક્ય નથી?

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઇએચ) પ્રમાણે, જ્યારે કૅન્સરનો રોગ ઇલાજ બાદ પાછો ફરે છે તો ડૉક્ટર આને 'રિકરન્સ' કે 'રિકરંટ કૅન્સર' કહે છે. આનાથી દર્દીને ઝાટકો લાગે છે, ગુસ્સો આવે છે, દુ:ખ અને ડર મહેસૂસ થાય છે.

એનઆઇએચની વેબસાઇટ પર છપાયેલી જાણકારી પ્રમાણે, રિકરંટ કૅન્સર એ કૅન્સર કોશિકાઓથી શરૂ થાય છે, જે પહેલાંના ઇલાજ દરમિયાન સંપૂર્ણપણે દૂર ન થઈ શકી કે નષ્ટ ન થઈ શકી. પરંતુ આનો અર્થ એવો બિલકુલ નથી કે જે ઇલાજ કરાયો હતો, એ ખોટો હતો.

કૅન્સરનો ઇલાજ કરનારાં નિષ્ણાતો (ઑન્કોલૉજિસ્ટ) ડૉ. રાશિ અગ્રવાલ કહે છે કે કૅન્સર એક ક્રૉનિક એટલે કે લાંબી બીમારી છે. એ શરીરમાં ધીરે ધીરે વધે છે. આવી સ્થિતિમાં ઇલાજ દરમિયાન કેટલાક કૅન્સર સેલ્સ છૂટી જાય છે. એ સેલ્સ ધીરે ધીરે એકઠા થઈ જાય છે અને આ વાતને જ કૅન્સર રિકરન્સ કે રિપ્લેસ કહેવાય છે. સાથે જ આપણે એ પણ જોવું જોઈએ કે હવે લોકો કૅન્સર હોવા છતાં લાંબું જીવન જીવી રહ્યા છે. તેથી ફરી વાર કૅન્સર થવાના મામલા જોવા મળી રહ્યા છે.

અમેરિકન કૅન્સર સોસાયટી પર રહેલી જાણકારી અનુસાર, કૅન્સર ફરી વાર થવાની કેટલીક શક્યતા છે, એ વાતનું અનુમાન લગાવવું અતિશય મુશ્કેલ છે. પરંતુ જો એ ઝડપથી વધનારો, ફેલતો કે ઍડ્વાન્સ સ્ટેજમાં હોય, તો તેના ફરી વાર આવવાની સંભાવના રહે છે.

કૅન્સરની વાપસીના પ્રકાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, તાહિરા કશ્યપ, આયુષ્માન ખુરાના, બ્રેસ્ટ કૅન્સર, કૅન્સર, હેલ્થ, બોલીવૂડ

બીજી તરફ ઉપલબ્ધ જાણકારીથી એ વાતની ખબર પડે છે કે કૅન્સરના અલગ અલગ પ્રકારની વાપસી થાય છે. તેમાં એક સ્થિતિ પહેલાં જ્યાં કૅન્સરની શરૂઆત થઈ હતી, એ જ સ્થળે ફરી કૅન્સરનો રોગ પાછો ફરે. આને લોકલ રિકરન્સ કહે છે.

બીજી સ્થિતિ રિજનલ રિકરન્સ કહેવાય છે. આમાં કૅન્સર એ ક્ષેત્રના લિંફ નોડ્સમાં પાછો ફરે છે, જ્યાંથી તેની શરૂઆત થઈ હતી. લિંફ નોડ્સ આપણા રોગપ્રતિકારક તંત્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. બીજી બાજુ, જ્યારે કૅન્સર શરીરના કોઈ અન્ય ભાગમાં ફેલાય છે, તો તેને ડિસ્ટન્ટ રિકરન્સ કહે છે.

ડૉ. રાશિ અગ્રવાલ કહે છે કે, "કૅન્સરના ઘણા પ્રકાર છે, અમુકમાં જ્યાં દવા, કીમોથૅરપી વગેરેથી ઇલાજ લાંબા સમય સુધી ચાલે છે. તો કેટલાક મામલામાં આવું સંભવ નથી હોતું. જેમ કે બ્રેસ્ટ કૅન્સરમાં ઓછાંમાં ઓછાં દસ વર્ષ સુધી દવાઓ અપાય છે, જેથી તેના સેલ્સ સક્રિય ન થઈ શકે. જોકે, હવે બ્રેસ્ટ કૅન્સરનો રોગ 20 વર્ષની છોકરીઓમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યારે પહેલાં એ 40 વર્ષ કરતાં વધુ ઉંમરે થતો હતો. કૅન્સરના પરત ફરવાનું કારણ ટ્યુમર ફૅક્ટર હોઈ શકે છે, જે ખરાબ હોય. જો સેલ્સ ટ્રિપલ નૅગેટિવ હોય. તો ગમે એટલા ઇલાજ છતાં તેના નિષ્ફળ જવાના ચાન્સ વધુ હોય છે."

ખાનગી હૉસ્પિટલમાં ઑનકોલૉજિસ્ટ સ્વસ્તિ કહે છે કે, "જો સરળ ભાષામાં સમજીએ તો આપણા શરીરમાં જનીન હોય છે જે કૅન્સરને બનતું રોકે છે. જો કૅન્સર બનાવનારા સેલ્સ વધી જાય તો તેનાથી બચાવની પ્રક્રિયા કમજોર પડી જાય છે."

તેઓ જણાવે છે કે ફરી વાર કૅન્સરનો રોગ થવાની આશંકા એ વાત પર નિર્ભર કરે છે કે તેની શરૂઆત શરીરમાં ક્યારે થઈ, એ કેટલો ફેલાયો અને તેની ખબર ક્યારે પડી.

"એનો ઇલાજ છે"

હાલના સમયમાં તો યુવાન છોકરીઓમાં પણ બ્રેસ્ટ કૅન્સરના કેસ જોવા મળી રહ્યા છે, તો શું તેમનામાં રિકરંસની આશંકા વધુ માનવામાં આવે? આ સવાલના જવાબમાં ડૉ. સ્વસ્તિ કહે છે કે, "આ એ વાત પર આધારિત છે કે મહિલાને કયા સ્ટેજમાં ખબર પડી. તેનું ટ્યુમર કેવું હતું, અને તેણે પૂરો ઇલાજ કરાવ્યો કે નહીં. અમે દર્દીને હંમેશાં જણાવીએ છીએ કે કૅન્સર ફરી થઈ શકે છે, પરંતુ તેમાં ગભરાવવું ન જોઈએ, કારણ કે એનો ઇલાજ છે."

આ વાતને જ આગળ વધારતાં ડૉ. રાશિ જણાવે છે કે, "એવું પણ જોવામાં આવે છે કે આવાં મહિલાઓનું સ્વાસ્થ્ય કેવું હતું? કારણ કે ઘણી વાર કૅન્સર ફરી વાર થવાનું કારણ પર્યાવરણ પણ હોય છે. જો તમે એવી આબોહવામાં રહી રહ્યાં હો જે ખૂબ પ્રદૂષિત હોય તો એ પણ તમારા શરીરમાં કૅન્સર ફરી વાર આવવામાં ભૂમિકા ભજવી શકે છે."

ડૉક્ટર જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કૅન્સર ફ્રી જાહેર કરી દેવાયા બાદ પણ તેની મેડિકલ તપાસ ચાલતી રહી છે. આવી વ્યક્તિને બે વર્ષ સુધી દર ત્રણ મહિને બોલાવવામાં આવે છે. ત્રીજા વર્ષમાં દર ચાર મહિના બાદ, ચોથા અને પાંચમા વર્ષમાં દર છ માસ બાદ ડૉક્ટર પાસે જવાનું હોય છે. આ સાથે જ દર્દીને સેલ્ફ ચેકઅપ પણ નિયમિતપણે કરતા રહેવું જોઈએ.

સાથે જ ધૂમ્રપાન કરવા, તમાકુ કે દારૂ પીવા પર પાબંદી લગાવી દેવાય છે. આ સિવાય ડૉક્ટર ખાણીપીણીની સારી આદતો પર ભાર આપે છે, જે દર્દીની સ્થિતિ પ્રમાણે નક્કી કરાય છે. નિયમિત કસરત પર પણ ભાર અપાય છે.

ડૉક્ટરો એવી સલાહ આપે છે કે આ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ :

  • નૉન-સ્ટિક કુકવેર
  • હેર ડાય
  • પ્રદૂષણ
  • પ્રિઝર્વેટિવયુક્ત ખાદ્યપદાર્થ
  • પ્લાસ્ટિકનો ઉપયોગ
  • ફળ અને શાકભાજીમાં ભેળવાતા કેમિકલ

સાથે જ તેમનું કહેવું છે કે પર્યાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે, અને હવે કંઈ પણ સંપૂર્ણપણે શુદ્ધ નથી રહી ગયું. આવી સ્થિતિમાં લોકોએ જાતે જ ધ્યાન આપવું પડશે. જોકે, કોરોના મહામારીને કારણે એક હકારાત્મક વાત એ બની છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત થયા છે.

એક જવાબદાર સમાજ તરીકે આપણે વિચારવું જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીઓ માટે શું છોડી જઈ રહ્યા છીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.