રાહુલ ગાંધી બે મહિનામાં ત્રીજી વખત ગુજરાત કેમ આવી રહ્યા છે, શું આ કૉંગ્રેસની 'કાયાપલટ'ના પ્રયાસ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, રાજકારણ, રાહુલ ગાંધી, ભાજપ, ગુજરાતીમાં સમાચાર, ગુજરાતી સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, અમદાવાદ, અરવલ્લી, મોડાસા, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

અમદાવાદમાં ગત મંગળ અને બુધવારે યોજાયેલ કૉંગ્રેસ અધિવેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં આગામી સમયમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પાર્ટીમાં પાયાના સંગઠનમાં કેટલાંક 'આમૂલ પરિવર્તનો' કરવાની જાહેરાત કરી હતી.

કૉંગ્રેસના નેતાઓ અનુસાર રાહુલ ગાંધીએ અધિવેશન મારફતે વર્ષ 2027માં 'ભાજપનો ગઢ' મનાતા ગુજરાતમાં સરકાર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે.

હવે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપ્યાના માત્ર છ જ દિવસમાં (15 અને 16 એપ્રિલ 2025) રાહુલ ગાંધી જ્યારે ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ વાતને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને 'પક્ષના નવસર્જન'ના તેમના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.

નોંધનીય છે કે કૉંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીની ઉપર પ્રમાણેની જાહેરાત બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શનિવારે કૉંગ્રેસના મોવડી મંડળે જિલ્લાઓને સશક્ત બનાવવા માટેના પાઇલટ પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત કરી છે.

ગોહિલે પોતાના વીડિયો નિવેદનમાં કહ્યું કે "એઆઇસીસી જરનલ સેક્રેટરી મુકુલ વાસનિકની આગેવાનીમાં એક સમિતિ રચાઈ હતી, જેણે સમગ્ર દેશમાં જિલ્લા સમિતિઓને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ એનો અભ્યાસ કર્યો હતો. તેની ભલામણ અનુસાર પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે."

બીબીસી ગુજરાતીએ રાહુલ ગાંધીના ગુજરાતમાં પુન:આગમનનું નિમિત્ત અને એ પાછળની રાજકીય વ્યૂહરચના જાણવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીની બે મહિનામાં સતત ત્રીજી ગુજરાત મુલાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, રાજકારણ, રાહુલ ગાંધી, ભાજપ, ગુજરાતીમાં સમાચાર, ગુજરાતી સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, અમદાવાદ, અરવલ્લી, મોડાસા, અમદાવાદ

ઇમેજ સ્રોત, @drmanishdoshi

ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

નોંધનીય છે કે ગત બે માસમાં રાહુલ ગાંધીની આ સતત ત્રીજી ગુજરાત મુલાકાત હશે.

પ્રથમ વખત તેઓ સાત-આઠ માર્ચના રોજ પોતાની અમદાવાદ મુલાકાતમાં પક્ષના પીઢ નેતા, આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે બીજી વખત તાજેતરમાં 8-9 એપ્રિલે યોજાઈ ગયેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે તેઓ ગુજરાત આવ્યા હતા.

હવે ફરી એક વાર 15-16 એપ્રિલે તેઓ ગુજરાત આવવાના છે.

રાહુલ ગાંધીની આ વખતની મુલાકાતનું મહત્ત્વ જણાવતાં ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જણાવે છે :

"કૉંગ્રેસે હવે જિલ્લા સ્તરના એકમોને વધુ સશક્ત બનાવવા માટે કમર કસી છે. તેના અનુસંધાને આ હેતુ માટે કમિટી બનાવવાની જાહેરાત કરાઈ છે. સંગઠનને સશક્ત બનાવવા માટેની અમારી આ કવાયત શરૂ થઈ રહી છે. એના ભાગરૂપે રાહુલજી છેલ્લા બે મહિનામાં ત્રણ વખત ગુજરાત આવ્યા છે."

રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કૉંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે એવી વાત કરતાં મનીષ દોશી કહે છે કે "15 એપ્રિલે રાહુલ ગાંધી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી) દ્વારા પસંદ કરાયેલા 41 એઆઇસીસીના નિરીક્ષકો અને 183 જેટલા પ્રદેશ કૉંગેસ કમિટીના (પીસીસી) નિરીક્ષકો સાથે કઈ રીતે નવી પદ્ધતિ લાગુ કરીને જિલ્લા કૉંગ્રેસ અને શહેર કૉંગ્રેસના પ્રમુખની પસંદગી કરવી એ મુદ્દે વાત કરશે."

"જિલ્લા દીઠ એઆઇસીસીના એક નિરીક્ષક અને પીસીસીના ચાર નિરીક્ષકો સહિત પાંચ સભ્યોની કમિટી બનશે. જે લોકોએ જે-તે જિલ્લામાં રૂબરૂ જઈને સ્થાનિક કક્ષાએ બધા સાથે વાર્તાલાપ કરીને જે પદ્ધતિ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સમિતિ નક્કી કરવા જઈ રહી છે એ પ્રમાણે જિલ્લા કૉંગ્રેસના પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે."

દોશી આગળ જણાવે છે કે 16 તારીખે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કૉંગ્રેસના આગેવાનો-કાર્યકરો સાથે વાતચીત કરશે.

મનીષ દોશીના જણાવ્યાનુસાર આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પોતે અગાઉ વ્યક્ત કરેલા જિલ્લા કૉંગ્રેસને સશક્ત કરવાના નિર્ધારના અમલીકરણની પ્રક્રિયાની શરૂઆત કરશે. અને તેની શરૂઆત કૉંગ્રેસના કાર્યકરો-આગેવાનો સાથે સીધા સંવાદથી થવાની છે.

આ સમગ્ર કવાયત ગુજરાતમાં કૉંગ્રેસના સંગઠનના 'નવસર્જન' માટે કઈ રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થશે એ અંગે વાત કરતાં મનીષ દોશી કહે છે, "સૌથી મહત્ત્વની વાત એ છે કે પાછલા કેટલાક સમયથી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોઈએ એ પ્રકારની મજબૂતીનો અભાવ જોવા મળતો હતો. અમે સ્વીકારીએ છીએ કે અમારી કામ કરવાની પદ્ધતિમાં અમુક મર્યાદાઓ રહી હશે. પરંતુ રાહુલજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જનતાને ન્યાય અપાવવો હોય અને એની લડત લડવી હોય અને એ માટે કૉંગ્રેસ માધ્યમ બનવાનું હશે તો તેના માટે સંગઠનને મજબૂત કરવાની જરૂર પડશે. મજબૂત સંગઠનથી જ કૉંગ્રેસ ન્યાયની આ લડત સારી રીતે લડી શકશે."

તેઓ આગળ કહે છે કે, "તાજેતરમાં સંપન્ન થયેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અમારી ટૅગલાઇન 'સંકલ્પ- સમર્પણ-સંઘર્ષ'ની હતી. તાજેતરની શરૂઆત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ શરૂઆત સાથે અમે જનતાના મુદ્દે લડવાનો સંકલ્પ લઈએ છીએ. સંગઠનને મજબૂત કરીને અમે જનતાના મુદ્દે લડીશું."

મનીષ દોશી આગળ કહે છે, "જિલ્લા સ્તરે કૉંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે અમે જિલ્લાપ્રમુખ અને કાર્યકરોને પ્રેરિત કરીશું. અને એમાં રાહુલ ગાંધી ચાવરૂપ ભૂમિકા ભજવશે."

'જિલ્લા કૉંગ્રેસ કમિટીના સશક્તીકરણની પ્રક્રિયાની શરૂઆત'

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, રાજકારણ, રાહુલ ગાંધી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ

શનિવારે શક્તિસિંહ ગોહિલે પોતાના એક વીડિયો નિવેદનમાં એઆઇસીસી દ્વારા સમગ્ર દેશમાં પાર્ટીના જિલ્લા સ્તરના સંગઠનને સશક્ત બનાવવા માટે જાહેર કરેલી નિરીક્ષકોની પ્રથમ યાદી અને ગુજરાતથી આના પાઇલટ પ્રોજેક્ટની શરૂઆતના સમાચાર આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "જિલ્લા કૉંગ્રેસના પ્રમુખોને વધુ સશક્ત બનાવવા માટે શું કરી શકાય એ માટે રચાયેલી સમિતિએ ખૂબ લંબાણપૂર્વક અભ્યાસ કરીને એક રિપોર્ટ આપ્યો હતો. ત્યાર બાદ એઆઇસીસીના મહામંત્રીઓએ આના પર મંથન કર્યું હતું. દેશભરના જિલ્લા કૉંગ્રેસપ્રમુખો સાથે સંવાદ બાદ કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ જિલ્લાના સશક્તીકરણ માટેની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી છે."

"આ કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી થાય તો સારું એવી મેં રજૂઆત કરી હતી. મને આનંદ છે કે એઆઇસીસીએ આ દરખાસ્ત મંજૂર રાખી છે. અને આ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી કરવાનું નક્કી કર્યું છે."

શક્તિસિંહ ગોહિલ જણાવે છે કે, "એઆઇસીસી દ્વારા પસંદ કરાયેલા નિરીક્ષકોની 15 તારીખે રાહુલ ગાંધીજીની હાજરીમાં તાલીમ અને આગળની રૂપરેખા માટેની ચર્ચાવિચારણા હાથ ધરાશે. જ્યારે 16 તારીખે આ પાઇલટ પ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીની હાજરીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાર્યકરો સાથે સંવાદ સાથે જિલ્લા સશક્તીકરણની પ્રક્રિયાની શરૂઆત થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.