કૉંગ્રેસની 'નવરચના'ની વાતો વચ્ચે પક્ષમાં મહિલા ભાગીદારીની શું સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, કૉંગ્રેસનું અધિવેશન, અમદાવાદ, મહિલા ભાગીદારી

ઇમેજ સ્રોત, Social Media

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં અમદાવાદમાં કૉંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું, જેમાં કૉંગ્રેસના પીઢ નેતાઓએ નરેન્દ્ર મોદી સરકારની આકરી ઝાટકણી કાઢતાં નિવેદનો આપ્યાં અને પક્ષમાં નવચેતન લાવવાની વાત કરી હતી.

અમદાવાદની અસહ્ય ગરમીમાં યોજાયેલા અધિવેશનમાં કૉંગ્રેસ સંગઠનમાં સુધારા કરવાની અને સંગઠનને રિસ્ટ્રક્ચર કરવાની વાતો થઈ હતી. તેમાં જિલ્લાપ્રમુખોને વધારે સત્તા આપવાની પણ ચર્ચા થઈ હતી.

કૉંગ્રેસે હવે ગુજરાતમાં વધારે ફોકસ કરવાની પણ વાત કરી જ્યાં તે છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી દૂર છે.

જોકે, અધિવેશન દરમિયાન એક મુદ્દો એવો હતો, જેના પર ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ હતી. આ મુદ્દો હતો રાજકારણમાં મહિલાઓની ભાગીદારીનો.

કૉંગ્રેસે આ દેશને એકમાત્ર મહિલા વડા પ્રધાન આપ્યાં છે, મહિલા રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રીઓ પણ આપ્યાં છે. પરંતુ નીચલા સ્તરે જોવામાં આવે તો બહુ વખાણવા જેવો દેખાવ નથી.

ગુજરાત સહિતનાં રાજ્યોમાં કૉંગ્રેસના જિલ્લા અને રાજ્ય કક્ષાનાં સંગઠનોમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે ઓછી જોવા મળી રહે છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે માત્ર કૉંગ્રેસમાં જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોમાં મહિલાઓની ભાગીદારી અંગે આવું જ ચિત્ર છે.

કૉંગ્રેસ : ટિકિટની ફાળવણીમાં સગાવાદનો મોટો પ્રશ્ન

મુમતાઝ પટેલ બીબીસી ગુજરાતી કૉંગ્રેસ અધિવેશન ગુજરાત મહિલા અધિવેશન

ઇમેજ સ્રોત, KUSHAL

ઇમેજ કૅપ્શન, અહમદ પટેલનાં પુત્રી કૉંગ્રેસ નેતા મુમતાઝ પટેલ

કૉંગ્રેસે રાજકારણમાં મહિલાઓને આગળ લાવવાની વાતો કરી છે, પરંતુ તેનો અમલ કરવામાં પક્ષ ઘણો પાછળ છે.

ગુજરાતમાં 33માંથી એક પણ જિલ્લામાં કૉંગ્રેસે કોઈ મહિલાને જિલ્લાપ્રમુખનું પદ નથી આપ્યું.

કેટલાંક મહિલા આગેવાનોએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે કૉંગ્રેસમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી.

એક મહિલાએ જણાવ્યું કે કૉંગ્રેસમાં જ્યારે ટિકિટ કે હોદ્દો આપવાની વાત આવે છે ત્યારે ઘણી વાર સક્ષમ મહિલાની ઉપેક્ષા થાય છે. તેની સામે સક્ષમ પુરુષના પરિવારની મહિલા સક્રિય ન હોય તો પણ તેને ટિકિટ મળી જાય છે.

બીજી તરફ ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ અલકા લાંબાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દાવો કર્યો કે, "માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે કૉંગ્રેસ હંમેશાં અગ્રેસર રહી છે."

તેમણે કહ્યું કે, "મહિલા રાજકારણમાં સક્રિય હોય અને મહેનત પણ કરતી હોય, છતાં તેના પરિવારના પુરુષો નેતા હોય તેથી તેમને ટિકિટ ન આપવી એ મહિલા સાથે અન્યાય છે."

અલકા લાંબા કહે છે, "રાજકારણમાં નિષ્ક્રિય મહિલાઓને ટિકિટ આપવી ન જોઈએ તે વાત સાચી. આ અંગે અમને જ્યારે પ્રશ્નો જણાય ત્યાં અમે અવાજ પણ ઉઠાવીએ છીએ."

ગુજરાતમાં મહિલાઓને કૉંગ્રેસમાં જોડાવામાં રસ નથી?

કોંગ્રેસ અધિવેશન

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ખાતે યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત મહિલા કૉંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જેનીબહેન ઠુમ્મરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી કૉંગ્રેસ શાસનમાં નથી. તેથી મહિલાઓના પરિવારો પણ ઇચ્છતા નથી કે તેઓ કૉંગ્રેસમાં જોડાય. જોકે, યૂથ મહિલા કૉંગ્રેસ વિંગ ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે. જે લોકો કામ કરે છે તેને કૉંગ્રેસમાં ચોક્કસ મોકો મળે છે."

તેમનું કહેવું છે કે, "માત્ર મહિલા હોવાને કારણે નહીં, પરંતુ સક્ષમ હોય તેને જ જિલ્લાપ્રમુખ બનાવવા જોઈએ. સક્ષમ મહિલાઓને તક મળવી જોઈએ."

કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલનું માનવું છે કે, "કૉંગ્રેસ પાર્ટીએ હંમેશાં મહિલા અનામતની હિમાયત કરી છે. કૉંગ્રેસ પાર્ટીમાં મહિલાઓને અનામતની જરૂર નથી દરેકને મોકો મળી રહ્યો છે."

કૉંગ્રેસ હવે વધુ મહિલાઓને આકર્ષવા માટે ઑનલાઇન સભ્યપદનું અભિયાન ચલાવે છે.

ગુજરાત મહિલા કૉંગ્રેસપ્રમુખ ગીતાબહેન પટેલે જણાવ્યું કે, "અમે હવે ગામે ગામ અને બૂથ સુધી પહોંચી રહ્યા છીએ. અમે દરેક બૂથમાં પાંચ મહિલાઓને ટ્રેનિંગ આપીને તૈયાર કરી રહ્યા છીએ."

મુમતાઝ પટેલે જણાવ્યું કે, "મહિલાઓ રાજકારણમાં ઓછી છે તે વાત અમે સ્વીકારીએ છીએ અને એટલા જ માટે અમે મહિલાઓની ભાગીદારી વધારવા માટે જાગૃતિ ફેલાવી રહ્યા છીએ."

ગુજરાતના સહપ્રભારી રામકિશન ઓઝાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમે ક્યારેય એવું નથી માનતા કે મહિલાઓ ઓછું કામ કરે છે. મહિલાઓ સામાન્ય રીતે રાજકારણમાં ઓછી જ આવે છે. પરંતુ હવે ભણેલી યુવતીઓ, સેવાકીય કામ કરતી યુવતીઓ રાજકારણમાં જોડાય છે. જિલ્લાપ્રમુખોની નિમણૂકમાં મહિલાઓની નિમણૂક પર ધ્યાન આપવામાં આવશે."

મહિલા અનામત બિલથી ચિત્ર બદલી શકાશે?

ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ અલકા લાંબાએ જણાવ્યું કે, "મહિલાઓની ભાગીદારી વધારવા અંગે વર્કિંગ કમિટીની દરેક મિટિંગમાં ચર્ચા કરવામાં આવે છે અને તેનો અમલ પણ થઈ રહ્યો છે. કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી અને નવી જોડાઈ રહેલી મહિલાઓની રાજકીય રીતે કેળવવા માટે ટ્રેનિંગની શરૂઆત કરી છે."

તેમણે કહ્યું કે, "મહિલા અનામતનું બિલ સંસદમાં પસાર થઈ ગયું છે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તે જલદીથી લાગુ કરવામાં આવે. મહિલા અનામત આપવામાં આવે ત્યારે ચૂંટણી લડવા અને નેતૃત્વ કરવા વધારે સક્ષમ મહિલાઓ હોય તે અંગે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ."

"અમે નૅશનલ કક્ષાએ દીલ્હીમાં બે ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. હવે અમે રાજ્યોમાં જઈને મહિલાઓને ટ્રેનિંગ આપવાના છીએ. જેની શરૂઆત અમે બિહારથી કરી રહ્યા છીએ. બિહારના પટણામાં 18-19 એપ્રિલના રોજ ટ્રેનિંગનું આયોજન છે."

અલકા લાંબાએ વધુમાં જણાવ્યું હતું કે, "બિહાર રાજ્યમાં ઓછામાં ઓછા બે જિલ્લાપ્રમુખની જવાબદારી મળી શકે છે. તેમજ ઉત્તર પ્રદેશમાં પણ મહિલાઓને જિલ્લા પ્રમુખની જવાબદારી આપવા અંગે નામ માંગવામાં આવ્યાં છે. માત્ર બિહાર, ઉત્તર પ્રદેશ નહીં, પરંતુ આવનાર દિવસોમાં દરેક રાજ્યમાં રાજ્ય અને જિલ્લા સ્તરે મહિલાઓને મહત્ત્વની જવાબદારી આપવામાં આવશે."

'ચૂંટણી લડવી અત્યંત ખર્ચાળ કામ, મહિલાઓને પોસાય નહીં'

પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી

ઇમેજ સ્રોત, KUSHAL

ઇમેજ કૅપ્શન, પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી

ભારતમાં ચૂંટણી લડવી એ કોઈ સરળ કામ નથી. તેના માટે જંગી ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે છે અને ઘણી વખત મહિલાઓ માટે આ શક્ય નથી હોતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પુરુષોની માનસિકતા છે કે તેઓ પોતાના ભાઈ દૂરનાં સગાંસંબંધીઓ પર ચૂંટણી લડવા માટે પૈસા ખર્ચ કરશે. પરંતુ મહિલાઓને રાજકારણમાં લાવવા માટે પૈસા ખર્ચતા નથી એ અફસોસની વાત છે. અત્યારના સમયમાં ચૂંટણી લડવી મોંઘી થઈ રહી છે. ચૂંટણીઓના ખર્ચ અંગે જાણીને મહિલાઓથી હઠી જાય છે."

અલકા લાંબાએ જણાવ્યું હતું કે,"મહિલાઓમાં આર્થિક ક્ષમતા વધે તે માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ. પોતાનો અવાજ ઉઠાવવા માટે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ હોય એ જરૂરી છે."

પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શેલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, "મહિલાઓની સંખ્યા દરેક ક્ષેત્રોમાં ઓછી જ છે. મહિલાઓ દેશની અડધી આબાદી છે. મહિલાઓની ભાગીદારી દરેક ક્ષેત્રમાં તે વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ."

રાજકીય વિશ્લેષકોએ શું કહ્યું?

પ્રોફેસર સોનલ પંડ્યા

ઇમેજ સ્રોત, SONAL PADYA FB

ઇમેજ કૅપ્શન, પ્રોફેસર સોનલ પંડ્યા

નિષ્ણાતો માને છે કે રાજકારણમાં મહિલાઓને તેમનું યોગ્ય સ્થાન આપવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા છે.

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનનાં વડાં પ્રોફેસર સોનલ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હતું કે, "કોઈ પણ પાર્ટીનાં પોસ્ટર અને હોર્ડિંગમાં તમને હંમેશાં મહિલાઓની ગેરહાજરી વર્તાશે. મહિલાઓને ભાગીદારીની ટકાવારી ચોક્કસ વધવી જોઈએ. પરંતુ મહત્ત્વનું એ છે કે મહિલાઓના મુદ્દાનું મહત્ત્વ વધવું જોઈએ. મહિલાઓના મુદ્દાઓ અંગે વિધાનસભા, લોકસભા અને રાજ્યસભા ગૃહોમાં ચર્ચાવા જોઈએ."

તેમણે કહ્યું કે, "આ કોઈ એક પાર્ટીની વાત નથી, પરંતુ દરેક રાજકીય પાર્ટીના આંતરિક માળખામાં મહિલાઓને પોતાના મુદ્દાઓ અંગે સ્વતંત્ર અવાજને સ્વીકારી શકે તેવું વાતાવરણ જોવા મળતું નથી."

"આપણા દેશમાં પક્ષીય રાજનીતિ છે. જેથી પાર્ટીઓનું આંતરિક જે કલ્ચર હોય છે તેનું પ્રતિબિંબ સરકારોમાં પણ જોવા મળશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલી મહિલાઓ કેટલી સ્વતંત્ર રીતે કામ કરી શકે છે તે અંગે પણ અભ્યાસ કરવો જોઈએ. જે મહિલાઓ ગ્રાસરૂટ પર કામ કરે છે તે જ મહિલાઓ ગૃહ સુધી પહોંચશે. તેમને લીડરશિપની તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે."

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સંસદમાં મહિલાઓની ભાગીદારી 13 ટકા જ છે. પંચાયતોમાં અનામતને કારણે મહિલાઓ ચૂંટાય છે પરંતુ નિર્ણય લેવાની બાબાતમાં મહિલાઓની ભાગીદારી જોવા મળતી નથી. દરેક રાજકીય પક્ષમાં નિર્ણય લેવાની બાબતમાં મહિલાઓને અવગણવામાં આવે છે."

વિદ્યુત જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ સંગઠનમાં સુધારાની વાત કરે છે ત્યારે તેમને જિલ્લાપ્રમુખોને નીમવામાં પણ ઓછામાં ઓછી એક તૃતિયાંશ મહિલાઓને જિલ્લાપ્રમુખ બનાવવાં જોઈએ. મહિલાઓને માત્ર નિમણૂક કરવાની નહીં, પરંતુ નિર્ણાયક ભૂમિકા હોવી જોઈએ."

ગુજરાત કૉંગ્રેસમાં મહિલાઓની ભાગીદારી કેટલી?

ગુજરાતમાં મહિલાઓને ભાગીદારી આપવામાં કૉંગ્રેસનો દેખાવ બિરદાવવાલાયક નથી.

2024ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 26 ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંથી 22 પુરુષ હતા અને ચાર બેઠક પર મહિલા ઉમેદવારો હતાં. જે પૈકી તમામ પુરુષ ઉમેદવારો હારી ગયા હતા જ્યારે ચાર મહિલા ઉમેદવાર પૈકી એક ઉમેદવાર ગેનીબહેન જીત્યાં હતાં.

હવે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે તે જીતવા મહિલા મતદારોને આકર્ષવા કૉંગ્રેસ વ્યૂહરચના બનાવી રહી છે, 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ સહિત છ મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે, જેમાં 50 ટકા મહિલા અનામત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.