'ઓબીસીને વધુ અનામત મળે તે માટે 50 ટકાની ટોચમર્યાદા હઠાવીશું', રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધિવેશનમાં બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, ગોપાલ કટેશિયા અને લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળ્યું હતું, જે બુધવારે સમાપ્ત થયું હતું. આ દરમિયાન પાર્ટીએ ગુજરાતમાં જિલ્લાસ્તરે પાર્ટીના અધ્યક્ષોને નિર્ણય લેવા માટે વધુ સત્તા આપવાનો તથા ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. અહીં પાર્ટી ગત ત્રણ દાયકાથી સત્તા ઉપર નથી.
પાર્ટીએ ઓબીસી, દલિત તથા આદિવાસી જેવી પરંપરાગત વોટબૅન્કને ફરીથી સાધવા માટે દેશમાં જાતિઆધારિત વસતીગણતરી કરાવવાનો તથા અનામત માટેની વર્તમાન 50 ટકાની ટોચમર્યાદાને હઠાવવાની પણ જાહેરાત કરી હતી.
આ સિવાય પાર્ટીએ વકફ સુધાર બિલ મુદ્દે મુસ્લિમ સમુદાયના વિરોધને પણ ટેકો જાહેર કર્યો હતો.
કૉંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે, વર્ષ 2025માં પાર્ટી સંગઠનને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરનો પ્રવાસ ખેડશે અને એઆઈસીસીની માર્ગદર્શિકા મુજબ જિલ્લાસ્તરે કમિટીઓનું ગઠન કરવા માટે માર્ગદર્શન આપશે. તા. 15મી એપ્રિલથી ગુજરાતમાં આ પ્રક્રિયાની શરૂઆત થશે.
પાર્ટીએ ન્યાયપથ - સંકલ્પ,સમર્પણ અને સંઘર્ષનો નારો આપ્યો છે અને દરેકને માટે રાજકીય, આર્થિક તથા સામાજિક ન્યાય માટેની હિમાયત કરી છે તથા આ માટેનો ઠરાવ પણ પસાર કર્યો છે.
'ઓબીસી હોવાની વાત કરતા મોદી જાતિઆધારિત વસતીગણતરી નહીં કરાવે'

ઇમેજ સ્રોત, Bipin Tankaria
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પછાતવર્ગો તથા અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે જ્ઞાતિઆધારિત વસતીગણતરી જરૂરી છે. જાતિઆધારિત વસતીગણતરીને કારણે લોકો શિક્ષણ, નોકરી તથા અન્ય ક્ષેત્રોમાં પોતાના અધિકારોને મેળવવા માટે લડત આપવા સક્ષમ બનશે.
"પરંતુ મોદી આ કામ નથી કરવા માગતા. અગાઉ મોદી પોતાની જ્ઞતિ અંગે બોલતા ન હતા, પરંતુ હમણાં-હમણાંથી વારંવાર આ વાત કરે છે. જો તમને પછાત છો, તો પછી શા માટે પછાત લોકોની ગણતરી નથી કરાવતા? કરાવી દો. તમને કોણ અટકાવે છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તમે તમારા લાભ અને મત માટે પોતે પછાત હોવાની વાત કરો છો, પરંતુ તમે પછાત લોકોની વસતિગણતરી ઇચ્છતા નથી, કારણ કે ધનિકોનું તમારી ઉપર નિયંત્રણ છે. આ એવા લોકો છે કે જે પહેલાંથી જ ગરીબોને કચડી રહ્યા છે અને અમે તેમની વિરુદ્ધ લડી રહ્યા છીએ."

ઇમેજ સ્રોત, handout
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બપોરે અધિવેશનને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે તેલંગણામાં કૉંગ્રેસની સરકાર છે, જ્યાં સરકારે જ્ઞાતિઆધારિત વસતીગણતરી કરાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં પાર્ટીની સરકાર બનશે એટલે આ પ્રકારની રાષ્ટ્રવ્યાપી ગણતરી કરાવશે.
રાહુલ ગાંધીએ કહ્યું, "તેલંગણામાં અમે જ્ઞાતિઆધારિત વસતીગણતરી કરાવવાનું ક્રાંતિકારી પગલું લીધું છે. એના અમુક મહિના પહેલાં મેં સંસદમાં મોદીને કહ્યું હતું કે જ્ઞાતિઆધારિત વસતીગણતરી કરાવો. દેશમાં કેટલા દલિત, અન્ય પછાત વર્ગ, અતિ પછાત વર્ગ તથા અતિદલિત, ઓબીસી, આદિવાસી, મુસ્લિમ તથા સામાન્ય વર્ગના ગરીબ કેટલા લોકો છે, તેનો આંકડો જરૂરી છે."
ગાંધીએ ઉમેર્યું, "વાત માત્ર જ્ઞાતિઆધારિત વસતીગણતરીની નથી. એ તો એક પગલું માત્ર છે. હું એ જાણવા માગું છું કે કોને કેટલો હિસ્સો મળે છે. દલિતો અને આદિવાસીઓ ધમધોખતા તડકામાં કામ કરે છે, ત્યારે તેમનું સન્માન થવું જોઈએ. એના માટે (આ રીતે) ઍક્સ-રે કાઢવો જરૂરી છે."
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે જ્ઞાતિઆધારિત વસતીગણતરી નહીં થાય. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું :
"દલિત, આદિવાસી, સામાન્યવર્ગના ગરીબ અને લઘુમતીની સંખ્યા કેટલી છે અને તેમને શું મળે છે, તેના વિશે તેઓ જાણવા કે સમજવા નથી માગતા. તેમનું કહેવું છે કે તેઓ આ વાતને છુપાવવા માગે છે. મેં તેમને મોઢેમોઢ કહ્યું હતું કે તમે જેટલું છુપાવવા ઇચ્છો, પરંતુ અમે લોકસભા તથા રાજ્યસભામાં તમારી હાજરીમાં જ્ઞાતિઆધારિત વસતીગણતરીનો કાયદો ઘડીશું. અમે એ કરી દેખાડ્યું છે."
'ઓબીસીને લાભ અપાવવા અનામત ઉપરની 50 ટકાની ટોચમર્યાદા હઠાવીશું'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેલંગણામાં ઓબીસી, દલિત, આદિવાસી તથા લઘુમતીની સંખ્યા 90 ટકા જેટલી છે. આમ છતાં રાજ્યના કૉર્પોરેટોમાં તેમનો એકપણ માણસ ન હતો.
રાહુલ ગાંધીએ કહ્યું, "જ્ઞાતિઆધારિત વસતિગણતરી બાદ તર જ અમારા મુખ્ય મંત્રીએ ઓબીસી અનામતને 42 ટકા કરી દીધું. આપણે જ્યારે સંપત્તિ, ભાગીદારી, કૉર્પોરેટ ભારત, ખાનગી હૉસ્પિટલો, ખાનગી શૈક્ષણિકવ્યવસ્થાની વાત કરીએ છીએ, ત્યારે 90 ટકા લોકો તેમાં સામેલ જ નથી."
"મોદી પછાત, દલિત, આદિવાસી અંગે આખોદિવસ વાત કરે છે, પરંતુ જ્યારે તેમને હિસ્સો અને ભાગીદારી આપવાની વાત આવે, ત્યારે ભાજપના નેતાઓ મૌન થઈ જાય છે."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "હું ફરીથી કહું છું કે અમે 50 ટકાની દિવાલને દેશભરમાંથી તોડી નાખીશું. અમે જે તેલંગણામાં કર્યું છે, તે દેશભરમાં કરીને દેખાડીશું."
મુસ્લિમ સમાજને સમર્થન આપવા મામલે ખડગેએ શું કહ્યું
ખડગેએ કહ્યું હતું કે કૉંગ્રેસ તથા ઇન્ડિયા અલાયન્સે સંસદના બંને ગૃહમાં વકફ સુધાર ખરડાનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું, "અમે વકફ સુધાર બિલના વિરોધનો પ્રસ્તાવ પસાર કર્યો છે. હું મુસ્લિમો, ખ્રિસ્તો તથા દેશભરના લઘુમતી સમુદાયના લોકોને ખાતરી આપવા માગું છું કે કૉંગ્રેસ હંમેશાં તેમની પડખે રહેશે. અમે તમારા માટે લડી રહ્યા છીએ અને સંસદમાં પણ લડ્યા હતા."
ખડગેના કહેવ પ્રમાણે આ મુદ્દે કૉંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનના ઘટકદળો એક છે. તેમણે કહ્યું, "જે રીતે અમે સાથે મળીને વકફ સુધાર બિલનો વિરોધ કર્યો, તે તમે જોયું હશે...ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત બનાવવાની જરૂર છે."
રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલીએ મંદિરની મુલાકાત લીધી હતી. એ પછી કથિત રીતે ભાજપના નેતાઓએ મંદિરનું શુદ્ધિકરણ કરાવડાવ્યું હતું. એ વાતને યાદ કરાવતા રાહુલ ગાંધીએ કહ્યું :
"તેઓ પોતાને હિંદુ કહે છે, પરંતુ તેઓ દલિતોને મંદિરમાં પ્રવેશવા નથી દેતા. જો કોઈ પ્રવેશે તો મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અમે પણ હિંદુ છીએ, પરંતુ અમારો ધર્મ આવો નથી. અમારો ધર્મ બધાંનું સન્માન કરે છે. ભાજપના દરેક કાર્યકરના હૃદયમાં દલિત તતા પછાતવર્ગના લોકો વિરુદ્ધની માનસિક્તા છે."
જિલ્લાધ્યક્ષો સત્તાનાં નવાં કેન્દ્રો બનશે

ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસ અધ્યક્ષ, કૉંગ્રેસ વર્કિંગ કમિટી તથા વરિષ્ઠ નેતાઓની બેઠકમાં કૉંગ્રેસના જિલ્લાધ્યક્ષોને વધુ મહત્ત્વ આપવાનું નક્કી થયું છે. રાહુલ ગાંધીએ કહ્યું :
અમે તેમને પક્ષનો પાયો બનાવવા માગીએ છીએ. અમે અમારી પાર્ટીના જિલ્લાધ્યક્ષો તથા સમિતિઓને વધુ સત્તા અને જવાબદારીઓ આપવા માગીએ છીએ."
કૉંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે કહ્યું, "રાહુલ ગાંધી દેશના બધા રાજ્યની સફર ખેડશે અને જિલ્લા સમિતિઓના ગઠન માટે માર્ગદર્શન આપશે. તેમણે ઉમેર્યું કે તા. 15મી એપ્રિલથી ગુજરાતમાં તેની શરૂઆત થશે."
કૉંગ્રેસના નેતા સચીન પાઇલટે કહ્યું હતું કે પક્ષના ઉમેદવારને ચૂંટવામાં પાર્ટીના જિલ્લાધ્યક્ષનો પણ મત જાણવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2025ને પાર્ટી સંગઠન વર્ષ તરીકે ઊજવશે.
ગુજરાત પર ફોકસ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
કૉંગ્રેસના અધિવેશનમાં ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરતો ઠરાવ પણ પસાર કરાયો હતો.
જેમાં આદિવાસીઓના જમીનના અધિકારો, યુવાનો માટે રોજગારી, પશુપાલકો માટે ગોચરની જમીનો, દરેક જિલ્લામાં કૃષિ સંબંધિત ઉદ્યોગો સ્થાપિત કરવા અને ડ્રગ સ્મગલિંગ જેવી સમસ્યાઓના સમાધાન જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, "અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીની બેઠકમાં રાજ્ય સંબંધિત ઠરાવો પસાર નથી કરાતા પણ અમે આ વખતે ગુજરાત સંબંધિત ઠરાવ પસાર કરી રહ્યા છીએ."
ત્યારે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીની બેઠકને સંબોધિત કરતા કૉંગ્રેસ નેતા શશિ થરૂરે કૉંગ્રેસને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોટાભાગના મતદાતાઓ યુવાનો છે જે ઇતિહાસના મહત્ત્વ સાથે જોડાણ નથી અનુભવતા.
થરૂરે કહ્યું કે, "કૉંગ્રેસ હવે પુનરુત્થાન માટે તૈયાર છે અને અમદાવાદમાં યોજાયેલું અધિવેશન આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ બની રહેશે પરંતુ પાર્ટી સામે મોટા પડકારો છે."
તેમણે કહ્યું કે, "ગુજરાતની પવિત્ર ધરતી પર અમે સાબરમતી નદીના કાંઠેથી, મહાત્મા ગાંધી, સરદાર પટેલની ધરતી પરથી સંદેશ આપવા માગીએ છીએ કે કૉંગ્રેસ અહીં પોતાની જાતને પુનર્જીવિત કરી રહી છે, અને આવતીકાલના પડકારોનો સામનો કરવા તૈયાર છે."
શશિ થરૂરે કહ્યું કે, "ગુજરાતમાં જ્યાં પાર્ટી ત્રણ દાયકાથી સત્તામાં નથી ત્યાં હવે પાર્ટી પુનરુત્થાનના આરે ઊભી છે. અહીં ગુજરાતમાં આજે અનેક પ્રતિનિધિઓ છે, તમારા બધા સામે પાર્ટીને ફરી બેઠી કરવાની મોટી લડાઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













