કૉંગ્રેસ પાર્ટીના તમામ નિર્ણયો લેતી સર્વોચ્ચ અને શક્તિશાળી સમિતિ CWC શું છે, તે કેવી રીતે નિર્ણયો લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, અમદાવાદ
કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના શાહીબાગસ્થિત સરદાર પટેલ મૅમોરિયલ ખાતે મળી રહ્યું છે. જેમાં તા. આઠમી એપ્રિલના કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે તથા એના બીજા દિવસે એઆઈસીસીનું સત્ર મળશે.
64 વર્ષ બાદ ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે. આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અનેક વખત સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે 'કૉંગ્રેસ પરિવારવાદી પક્ષ છે અને તેની ઉપર ગાંધી પરિવારનું પ્રભુત્વ છે. તેમનું હિત જ પાર્ટી માટે પ્રાથમિકતા બની રહે છે.'
શું ખરેખર એવું છે કે કૉંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર જ તમામ નિર્ણય લે છે? કૉંગ્રેસ પાર્ટી માટેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો કોણ નિર્ણય કરે છે? તેઓ પસંદ થાય છે કે ચૂંટાઈ આવે છે? કૉંગ્રેસ પક્ષના બંધારણના આધારે આવા કેટલાક સવાલોનો જવાબ મેળવવા માટે પ્રયાસ કરીએ.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની શક્તિ

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી) પાર્ટીમાં નીતિવિષયક નિર્ણયો લેવાની શક્તિ ધરાવતી 'સર્વોચ્ચ અને શક્તિશાળી સમિતિ' છે.
હોદ્દાની રુએ કૉંગ્રેસના અધ્યક્ષ આ સમિતિના વડા હોય છે. પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવે છે. હાલ મલ્લિકાર્જુન ખડગે આ પદ પર છે.
પાર્ટીના બંધારણ મુજબ સીડબલ્યુસીમાં કૉંગ્રેસના અધ્યક્ષ, કૉંગ્રેસ પક્ષના હોય તો વર્તમાન વડા પ્રધાન (કે પૂર્વ વડા પ્રધાન), કૉંગ્રેસ સંસદીય દળના નેતા, લોકસભામાં કૉંગ્રેસના નેતા, રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા તથા પૂર્વ અધ્યક્ષો સિવાય 35 સભ્ય હોય છે. જેમાં એસસી, એસટી, ઓબીસી, લઘુમતી, યુવા તથા મહિલાને 50% પ્રતિનિધિત્વ મળે તે સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
પાર્ટી દ્વારા 12 સભ્યોની હાજરીએ વર્કિંગ કમિટીનું કૉરમ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સીડબલ્યુસીની સભ્યસંખ્યા 23ની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અંબિકા સોની, અભિષેક મનુ સિંઘવી, એ.કે. ઍન્ટોની, આનંદ શર્મા, બાળાસાહેબ થોરાટ, ભૂપેન્દ્ર બઘેલ અને ચરણજીતસિંહ ચન્ની આ કમિટીના નોંધપાત્ર સભ્યો છે.
સીડબલ્યૂસીના કાયમી આમંત્રિત અને વિશેષ આમંત્રિત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુલ 35માંથી 18 સભ્યો એઆઈસીસીમાંથી ચૂંટાઈને આવે છે. કૉંગ્રેસના બંધારણીય સુધાર મુજબ એમાંથી ઓછામાં ઓછા છ સભ્યો અનુસૂચિત જનજાતિ (એસ.સી.), અનુસૂચિત જનજાતિ (એસ.ટી.), અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.), લઘુમતી સમાજ, યુવા કે મહિલા હોવા જોઈએ.
આ સિવાય સમિતિમાં 31 જેટલા 'કાયમી નિમંત્રિત સભ્યો' હોય છે. બી.કે. હરિપ્રસાદ, મણિકમ ટાગોર, દીપેન્દર હુડ્ડા, હરીશ રાવત, કન્હૈયા કુમાર, મનીષ તિવારી, પવનકુમાર બંસલ, રાજીવ શુક્લ અને વીરપ્પા મોઇલી આ કૅટેગરીનાં પ્રમુખ નામો છે.
હાલની જોગવાઈ પ્રમાણે, કૉંગ્રેસના સભ્યને 'વિશેષ આમંત્રિત સભ્ય'ની શ્રેણી હેઠળ પણ આમંત્રણ મળી શકે છે. આ યાદીમાં હાલ 15 જેટલા સભ્યો છે, જેમાં લાલજી દેસાઈ, અલ્કા લાંબા, પરિણીતી શિંદે, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને યશોમતિ ઠાકૂર આ શ્રેણી હેઠળનાં મુખ્ય નામો છે.
સામાન્ય કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાઈ આવે એ પછી તેઓ સીડબલ્યૂસીમાં ફેરફાર કરતા હોય છે. વર્ષ 2022માં શશિ થરૂરની સામે મલ્લિકાર્જુન ખડગે ચૂંટાઈ આવ્યા હતા, એ પછી તેમણે પુનર્ગઠન કર્યું હતું.
સામાજિક વર્ગ, લિંગ, ઉંમર ઉપરાંત કાર્યકરની પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પિતતા, સંગઠન અને પ્રદેશનાં સમીકરણોને પણ સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. નેતા ફંડ મૅનેજર હોય કે લોકપ્રિયતા ધરાવતો હોય, તો પણ તેને સીડબલ્યૂસીમાં સ્થાન ન મળે, એવું પણ બની શકે.
સામાન્ય રીતે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય જ સીડબલ્યૂસીમાં સ્થાન મળે છે, પરંતુ અસામાન્ય સંજોગોમાં એઆઈસીસીના સભ્ય ન હોય તેવા સભ્યને પણ સ્થાન મળી શકે છે. જો તે છ મહિનામાં એઆઈસીસીમાંથી ચૂંટાઈ ન આવે તો તેમનું સીડબલ્યૂસીનું સભ્યપદ રદ થાય છે.
જો કોઈને સીડબલ્યૂસી માટે નૉમિનેટ કરવા હોય તો ઓછામાં ઓછા 12 સભ્ય તેનો પ્રસ્તાવ અને અનુમોદન કરે તે જરૂરી છે.
જોકે, જાણકારો તિરુપતિ (1992) તથા કલકત્તાના (1997) સેશનને ચૂંટણીની દૃષ્ટિએ યાદગાર માને છે, કારણ કે ત્યારે ખરા અર્થમાં રસાકસી થઈ હતી.
સીડબલ્યુસીનાં મુખ્ય કામો

ઇમેજ સ્રોત, Getty Images
- સીડબલ્યુસી કૉંગ્રેસના અધ્યક્ષને નિમી શકે છે કે હઠાવી શકે છે, એટલે ટૅક્નિકલ રીતે તે પાર્ટીમાં તે સર્વોચ્ચ સમિતિ છે. તે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા, રિટર્નિંગ ઑફિસર તથા તારીખ નક્કી કરી શકે છે.
- સીડબલ્યુસી દ્વારા કૉંગ્રેસની ઇલેક્શન કમિટીનું ગઠન કરવામાં આવે છે, જેમાં 12 સભ્યો હોય છે, જેમાં કૉંગ્રેસના અધ્યક્ષ, લોકસભામાં પાર્ટીના નેતા તથા રાજ્યસભામાં ગૃહના નેતા હોય જ છે. આ સમિતિ ઉમેદવારોની યાદી, ચૂંટણી પ્રચારઅભિયાન તથા ચૂંટણીલક્ષી માર્ગદર્શનનું કામ કરે છે.
- કૉંગ્રેસ સંસદીય બોર્ડનું ગઠન કૉંગ્રેસની વર્કિંગ કમિટી કરે છે. હોદાની રુએ કૉંગ્રેસના અધ્યક્ષ એ પાર્લામેન્ટ્રી બોર્ડના વડા હોય છે. તેમાં કૉંગ્રેસ પક્ષના જો હોય તો વડા પ્રધાન તથા પાંચ સભ્યોની સમિતિનું ઘડતર કરે છે.
- હાર-જીતની સમીક્ષા, પાર્ટીની ભાવિ વ્યૂહરચના, પાર્ટીને માર્ગદર્શન તથા દિશાનિર્દેશ, મહત્ત્વપૂર્ણ નિર્ણયો જેવા કામો આ કમિટી કરે છે.
- કાર્યકરોને પાર્ટી વિશે માહિતી આપવા તથા પક્ષની રાજકીય તથા સૈદ્ધાંતિક વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ રાખવા માટે સમયાંતરે તાલીમનું આયોજન કરે છે, જેને લેવી સભ્ય માટે ફરજિયાત હોય છે. આ સિવાય જરૂર જણાય તો ચોક્કસ પ્રકારની વિશેષ તાલીમનું આયોજન કરે છે.

- આવકવેરો ભરતા પાર્ટીના દરેક સભ્યે રૂ. એક હજારનું દાન દરવર્ષે પાર્ટીને આપવાનું હોય છે. આ સિવાય રાજ્યસભા કે લોકસભાના કૉંગ્રેસના સંસદસભ્ય, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્યે વર્ષમાં ઓછામાં ઓછો એક પગાર પાર્ટીને આપવાનો હોય છે. સીડબલ્યુસી ઇચ્છે તો ઠરાવ કરીને અન્ય પ્રકારની જરૂરિયાત માટે ફંડ આપવા કાર્યકરોને કહી શકે છે.
- કૉંગ્રેસ દ્વારા શિક્ષણ અને સાક્ષરતાનો પ્રચાર, વિકલાંગ લોકોને સમાનતા, એસસી તથા એસટી સમુદાયનું સશક્તિકરણ, જીવલેણ બીમારીથી પીડાતા લોકોની સેવા, અસ્પૃશ્યતાને દૂર કરવી જેવા 15થી વધુ કામો નક્કી કરવામાં આવ્યાં છે. વર્કિંગ કમિટી ઇચ્છે તો વધુ કેટલાંક કામોને હાથ ધરી શકે છે.
- ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી તથા પ્રદેશ કૉંગ્રેસ કમિટી સહિતના સ્તરોએ તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળે, એ બાબત ઉપર સીડબલ્યૂસી દેખરેખ રાખે છે.
- તાલુકા, જિલ્લા અને રાજ્યનાં (કે કેન્દ્રશાસિત પ્રદેશ) સ્તરે પાર્ટીનાં પ્રાદેશિક એકમોનું જવાબદારી નિર્ધારણ પ્રદેશ કૉંગ્રેસ કમિટી કરે છે, પરંતુ આ માટ તેણે સીડબલ્યૂસીની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તે જરૂર પડ્યે બે એકમોને મર્જ કરી શકે છે અથવા તો નવા એકમની જાહેરાત કરી શકે છે.
- અલગ-અલગ સ્તરો ઉપર પ્રદેશમાં આંતરિક ચૂંટણીઓ યોજાય, તેના માટેના નિયમ સીડબલ્યૂસી દ્વારા ઘડવામાં આવે છે.
- સભ્યોનાં નામોની યાદી નક્કી કરવા માટેની સમયમર્યાદા સીડબલ્યૂસી દ્વારા નક્કી કરવામા આવે છે.
કૉંગ્રેસ પક્ષનું માળખું

ઇમેજ સ્રોત, ANI
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ પાર્ટીવિષયક નિર્ણયો લેતી કેન્દ્રીય કમિટી છે, જેમાં સેંકડોથી લઈને હજારો સભ્ય હોય શકે છે. સીડબલ્યૂસીના સભ્ય એઆઈસીસીના સભ્ય હોય છે અને જો ન હોય તો બનવું પડે છે. તેમાં રાજ્યસ્તરેથી ચૂંટાઈ આવેલા સભ્યો હોય છે.
ડેટા ઍનાલિટિક્સ, વ્યવસાયિકો, કિસાન, આદિવાસી, માછીમાર, સંપત્તિ અને સંસાધન, કૉમ્યુનિકેશન, કૉમ્યુનિકેશન સ્ટ્રેટજી, કૉંગ્રેસ સંદેશ, કંટ્રૉલ રુમ, ઍક્સ સર્વિસમૅન, વિદેશ બાબતો, ફરિયાદ વિભાગ, હિંદી વિભાગ, ઇન્ડિયન ઓવરસિઝ ડિપાર્ટમેન્ટ, જવાહરલાલ મંચ, મીડિયા પૅનલ, માઇનૉરિટી ડિપાર્ટમેન્ટ, ઓબીસી ડિપાર્ટમેન્ટ, રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન, એસસી ડિપાર્ટમેન્ટ, પ્રવક્તા, વરિષ્ઠ પ્રવક્તા, સોશિયલ મીડિયા તથા ડિજિટલ પ્લૅટફૉર્મ, કાયદા-માનવાધિકાર અને આરટીઆઈ, તાલીમ વિભાગ, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને વિચાર વિભાગ વગેરે તેનાં ઘટક છે.
કોર ગ્રૂપ, કૉમ્યુનિકેશન તથા પબ્લિસિટીની પેટા સમિતિ, શિસ્ત સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ભાવિ પડકારોને જોવાની સમિતિ, ચૂંટણીઢંઢેરા અને સરકારી કાર્યક્રમોનો પેટાસમૂહ, ચૂંટણી પહેલાંના ગઠબંધન માટેની કમિટી, પ્રચાર અને પ્રકાશન સમિતિ, રાજકીય બાબતોનો સમૂહ, ઍમ્પાવર્ડ ઍક્શન ગ્રૂપ ઑફ લિડર્સ વગેરે જેવી સમિતિઓ પણ તેમાં કામ કરે છે.
આનુષંગિક સંગઠનોની વાત કરીએ તો કૉંગ્રેસ સેવાદળ પાર્ટીનું પ્રતિબદ્ધ દળ છે, જે સામાન્ય રીતે પાર્ટીના વિચારોનો ફેલાવો કરે છે તથા મોટાં આયોજનોમાં સંચાલનની કામગીરી કરે છે. ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ યુવાનો માટે, નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન વિદ્યાર્થીઓ માટે તથા મહિલા કૉંગ્રેસ સ્ત્રીઓ માટે કામ કરે છે.
ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસએ (ઇન્ટુક) શ્રમિકો માટે તથા નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયનએ (એનએસયુઆઈ) વિદ્યાર્થીઓ માટે કામ કરતું સંગઠન છે.
ભાજપમાં કેવી વ્યવસ્થા છે?

ઇમેજ સ્રોત, T. NARAYAN/BLOOMBERG VIA GETTY IMAGES
ગુજરાત અને રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસની મુખ્ય સ્પર્ધા ભાજપ સાથે છે એટલે બંનેની કાર્યપદ્ધતિની સરખામણી થવી પણ સ્વાભાવિક છે.
ભાજપમાં સંસદીય દળએ પક્ષ સંદર્ભે નીતિ નિર્ધારણ કરતી સર્વોચ્ચ સમિતિ છે, જેમાં 11 સભ્ય હોય છે.
જે ચૂંટણી દરમિયાન ઉમેદવારોનાં નામો ઉપર મંજૂરીની મહોર મારે છે તથા કોઈપણ રાજ્યમાં પાર્ટીની સરકારનું ગઠન થાય તે માટે નિરીક્ષકોને મોકલે છે. ભાજપના અધ્યક્ષ તેમની નિમણૂક કરે છે.
હાલમાં આ સમિતિમાં પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, બી. એસ. યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ અને બી. એલ. સંતોષ જેવા સભ્યો છે. આ કમિટીમાં એકમાત્ર મહિલા સભ્ય ડૉ. સુધા યાદવ છે.
નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવા એ વાતનો નિર્ણય વર્ષ 2013માં આ સમિતિએ જ લીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












