સુરતમાં યોજાયેલું કૉંગ્રેસનું એ રાષ્ટ્રીય સંમેલન જેમાં લોકમાન્ય ટિળક પર જૂતું ફેંકાયું હતું

ઇમેજ સ્રોત, www.sriaurobindoinstitute.org/Somnath Paul
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ હતી 26મી ડિસેમ્બર, 1907. સ્થળ હતું સુરત. પ્રસંગ હતો કૉંગ્રેસના 23મા અધિવેશનનો.
આજે જ્યાં વનિતાશ્રમ છે તેની પાસે દિવાળીબાગ નામે ઓળખાતો બંગલો હતો. ત્યાં આ અધિવેશન બોલાવવામાં આવ્યું હતું. તે વખતે કૉંગ્રેસમાં બે ફાંટા હતા. એક નરમ દળ અને બીજું ગરમ દળ. આ ફાંટા કેમ સર્જાયા હતા તેની પૃષ્ઠભૂમિમાં જઈએ તે પહેલાં આપણે 26મી ડિસેમ્બર, 1907ના દિવસે આ સંમેલનમાં શું થયું તેની વાત કરી લઈએ.
26મી ડિસેમ્બરના રોજ શરૂ થયેલા આ અધિવેશનનો મંડપ ચિક્કાર ભરેલો હતો. લગભગ 7,000 પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર હતા. જેમાં ડૉ. રાસબિહારી ઘોષને પ્રમુખ બનાવવાની દરખાસ્ત અમદાવાદ કૉંગ્રેસના નેતા અંબાલાલ સાકરલાલ દેસાઈ દ્વારા રજૂ થઈ. દરખાસ્તને ટેકો આપવા માટે કૉંગ્રેસ આગેવાન સુરેન્દ્રનાથ બેનરજી ઊભા થયા. તેમણે જેવું બોલવાનું શરૂ કર્યું કે સભામાં હોબાળો મચી ગયો.
સભા બરખાસ્ત થઈ ગઈ. કૉંગ્રેસમાં ભંગાણ પડે તેવી સ્થિતિ પેદા થઈ. નરમ દળના નેતા ગોપાલકૃષ્ણ ગોખલે અને ગરમ દળના નેતા બાળ ગંગાધર ટિળક વચ્ચે બેઠકો યોજવાના તમામ પ્રયાસો થયા પરંતુ નિષ્ફળ રહ્યા.
બીજા દિવસે એટલે કે 27મી ડિસેમ્બર, 1907ના રોજ અધિવેશન ફરી મળ્યું.
ટિળકે સભામાં ભાષણ કરવાની મંજૂરી માગી પરંતુ ન મળી. દરમિયાન ડૉ. રાસબિહારી ઘોષને પ્રમુખ ઘોષિત કરી દેવામાં આવ્યા જેને કારણે ટિળકે તેમનો વિરોધ કર્યો. ટિળકનું કહેવું હતું કે હજુ અધ્યક્ષપદની ચૂંટણી થઈ નથી ત્યાં ઘોષ આ ખુરશી પર કેવી રીતે બેસી શકે. ઉપરાંત ઠરાવો મામલે પણ તેમણે સ્પષ્ટતા માગી.
વાદવિવાદ વધી ગયો. વાતાવરણ ગરમ થયું. ટિળક મંચ તરફ ધસી ગયા. કેટલાક નરમદળ તરફી યુવાનો ટિળકને મંચ પરથી ઉતારવા માટે આગળ આવ્યા. ગોખલેએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો અને તેમને અટકાવ્યા.
ટિળક તરફ જૂતું ફેંકવામાં આવ્યું

ઇમેજ સ્રોત, www.sriaurobindoinstitute.org
સભામાં ચાલુ હોબાળા વચ્ચે એક જૂતું ફેંકવામાં આવ્યું. આ જૂતું સુરેન્દ્રનાથ બેનરજી અને ફિરોઝશાહ મહેતાને વાગ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂતું ફેંકવાની ઘટના બાદ સભામાં હોબાળો વધી ગયો. ટિળકને ઉદ્દેશીને નરમ દળના પ્રતિનિધિઓ તિલકને મંચ પરથી 'નીચે ઉતારો' એવી બૂમો પાડવા લાગ્યા પણ ટિળક અડગ રહ્યા.
ટિળકે જવાબ આપ્યો, 'તમારામાં હિંમત હોય તો મને ઊંચકીને મૂકો, આ સિવાય હું નીચે ઊતરવાનો નથી.'
સોર્સ મટિરિયલ ફૉર અ હિસ્ટ્રી ઑફ ધ ફ્રિડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયાના તત્કાલીન બ્રિટિશ સરકારના બૉમ્બે પ્રાંતના આર્કાઇવ્ઝના દસ્તાવેજો ગુજરાતના ઇતિહાસકાર રિઝવાન કાદરીએ મેળવ્યા હતા. આ દસ્તાવેજોમાં પણ ઉલ્લેખ છે કે જૂતું ટિળક તરફ ફેંકવામાં આવ્યું હતું.
આ સરકારી દસ્તાવેજને આધારે રિઝવાન કાદરી કહે છે કે તેમાં એવું લખ્યું છે કે ટિળકે કહ્યું હતું, "તમે મારી સામે કંઈ પણ ફેંકો, કૂડો ફેંકો પણ હું અહીંથી નહીં હઠું."
દરમિયાન ટિળકને ધમકીઓ મળવા લાગી. નરમ દળના પ્રતિનિધિઓ ટિળકને મારવા દોડ્યા પરંતુ મદન મોહન માલવિય અને ગોપાલકૃષ્ણ ગોખલેએ અટકાવ્યા. ગોખલે ખુદ ટિળકને બચાવવા તેમને બાથમાં લઈને ઊભા રહી ગયા.

ઇમેજ સ્રોત, SURAT CONGRESS BOOK/SURAT JILA PANCHAYAT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માહોલ વધારે ગરમ થઈ ગયો. જૂતાં ફેંકવાની ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
સ્વાતંત્ર્ય સંગ્રામ સાહિત્યમાળા અંતર્ગત સ્વાતંત્રતા સેનાની ઈશ્વરલાલ દેસાઈએ 'સુરત કૉંગ્રેસ' નામના એક પુસ્તકનું સંપાદન કર્યું છે. જેમાં આ ઘટનાનો વિસ્તારથી ઉલ્લેખ છે.
ઈશ્વરલાલ દેસાઈ લખે છે, "આ ધાંધલ-ધમાલમાં અંબાલાલ સાકરલાલ દેસાઈના દીકરા વૈકુંઠ દેસાઈએ ખુરશી ઉઠાવીને ટિળકને મારવાનો પ્રયાસ કર્યો, પણ આમ થાય તે પહેલાં તો ગરમ દળના માણસો ટિળકને બચાવવા ત્યાં પહોંચી ગયા."
"મંચ પર અને મંડપમાં સર્વત્ર અવ્યવસ્થા અને બૂમાબૂમ થઈ. ગાળાગાળી અને મારામારી ચાલુ થઈ. કેટલાક ઘાયલ થયા. લાઠીઓના ફટકા પડતા હતા, લોહી ઊડતું હતું."
"આ ગરબડ વચ્ચે ડૉ. ઘોષે સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરી. પણ ત્યાં તો કોઈ કોઈને સાંભળે તેવી પરિસ્થિતિ જ રહી ન હતી. આખરે પોલીસ મંડપમાં દાખલ થઈ. તેમણે ધીમે-ધીમે બધાને બહાર કાઢ્યા."
રિઝવાન કાદરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "જ્યારે, અંબાલાલ સાકરલાલ દેસાઈના દીકરા વૈકુંઠ લોકમાન્ય ટિળકને ખુરશી ઉઠાવીને મારવા આગળ ધસીને આવતા હતા તેને રોકવામાં ખુદ અંબાલાલ સાકરલાલ દેસાઈનો હાથ ભાંગી ગયો હતો."
"અંબાલાલ દેસાઈ એક સમયે જ્યારે વડોદરા હાઇકોર્ટ હતી ત્યારે તેમાં ચીફ જસ્ટિસ તરીકે કામ કરતા હતા. તેઓ 1898માં તેમાંથી નિવૃત્ત થયા અને ત્યાર પછી કૉંગ્રેસનાં કામોમાં રસ લેતા થયા. તેઓ એક સમયે ગુજરાત વર્નાક્યૂલર સોસાયટીના પણ પ્રમુખ બન્યા હતા."

ઇમેજ સ્રોત, SURAT CONGRESS BOOK/SURAT JILA PANCHAYAT
લેખક અચ્ચુત યાજ્ઞિકે પોતાના પુસ્તક 'અમદાવાદ- રૉયલ સિટી ટુ મૅગા સિટી'માં આ ઘટનાને વર્ણવી છે.
જોકે, તેમણે લખ્યું છે, "ડિસેમ્બર, 1907માં અંબાલાલ દેસાઈ નરમ દળના 81 સભ્યોની સેનાને લઈને અમદાવાદથી સુરત ખાતેના ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના અધિવેશનમાં ગયા હતા. અધિવેશન શરૂ થતાની સાથે જ પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે તણાવ વધ્યો. વૈકુંઠલાલે બાલ ગંગાધર ટિળક પર જૂતું ફેંક્યું પરંતુ તે નિશાન ચૂકી ગયું."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ભોગરાજુ પટ્ટાભી સીતારામૈયાએ કૉંગ્રેસના ઇતિહાસ પર હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ નામનું પુસ્તક લખ્યું છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની, ઇતિહાસકાર અને પત્રકાર હતા. 1938માં કૉંગ્રેસના પ્રમુખપદ માટે તેઓ ગાંધીજીના આગ્રહથી સુભાષચંદ્ર બોઝ સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
સીતારામૈયા સુરતમાં મળેલા કૉંગ્રેસ અધિવેશન વિશે લખે છે, "ટિળક મંચ પર જઈને ભાષણ કરવાનો આગ્રહ કરતા હતા. સ્વાગત સમિતિના ચૅરમૅન(ત્રિભુવનદાસ માલવી)એ અને ડૉ. ઘોષે તેમને ભાષણ કરતા રોક્યા કારણે કે, બંને એ માની ચૂક્યા હતા કે અધ્યક્ષપદે ડૉ. ઘોષની નિયુક્તિ થઈ ગઈ છે. વિવાદ અને ઘોંઘાટ વધી ગયો અને દરમિયાન એક પ્રતિનિધિ તરફથી જૂતું ફેંકવામાં આવ્યું જે સુરેન્દ્રનાથ બેનરજી અને સર ફિરોઝશાહ મહેતાને વાગ્યું. ખુરશીઓ ઊછળી, લાઠીઓ ફરી વળી અને કૉંગ્રેસની સભા સમાપ્ત થઈ."
તેમણે આ જૂતું કોણે ફેંક્યું હતું અને તે કોના તરફ ફેંકવામાં આવ્યું હતું તે સ્પષ્ટપણે નથી લખ્યું.
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના ઇતિહાસ પર 'સૂરત ઇતિહાસ દર્શન' નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. જેમાં ગ્રંથ-2માં લેખક હરેન્દ્રભાઈ શુક્લએ પણ ફોડ પાડ્યો નથી કે આ જૂતું ટિળક પર જ ફેંકવામાં આવ્યું હતું કે નહીં. તેમાં માત્ર ઉલ્લેખ છે કે જૂતું ફેંકવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, SURAT CONGRESS BOOK/SURAT JILA PANCHAYAT
ગુજરાતના જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક 'ગુજરાતમાં કૉંગ્રેસનો ઉદય અને વિકાસ'માં લખે છે, "ડૉ. સુમંત મહેતાએ સુરત કૉંગ્રેસ અધિવેશનનું દિલચસ્પ વર્ણન કરતાં લખ્યું છે: મવાળોનું રહેઠાણ પ્રોફેસર ગજ્જરને ત્યાં હતું, જહાલોનું તોફાની કેન્દ્ર રાયજીનું ઘર હતું."
"ખાપરડે અને ટિળક વગેરેએ સભામાં ભાષણો કરેલાં અને તેમાં હજારો લોકો હતા. ટિળક એટલે આખા દેશમાં પ્રતિષ્ઠિત નરવીર પણ સામે ફિરોઝશાહ મહેતા, ગોખલે, બેનરજી અને બીજા અનેક નેતાઓ હતા."
"જ્યારે આ બંડના પડઘા સંભળાયા ત્યારે અંબાલાલ સાંકરલાલ, સૉલિસિટર ત્રિભુવનદાસ માળવી(સુરત કૉંગ્રેસ અધિવેશનની સ્વાગત કમિટિના પ્રમુખ) વગેરે ગુજરાતીઓ ખોટું સ્વદેશાભિમાન જાગૃત કરવાનો પ્રયત્ન કરતાં."
"તેઓ કહેતા કે મરાઠાઓએ સુરતને બે વખત લૂંટ્યું છે પણ આ વખતે આબરૂ લૂંટવા આવવાના છે. વડોદરાથી ઘણા મિત્રો ગયા હતા. તેમાં શારદાબાઈ અને અબ્બાસ તૈયબજી વગેરે પણ હતાં."
"નાસિક જેલમાં મારી જોડે એક જાદવ નામનો ગુંડા જેવો માણસ હતો તે એમ કહેતો કે એણે 'દક્ષિણી જોડો' ફેંકેલો. તે રાસબિહારી ઘોષને મારવા ગયેલો પરંતુ ફિરોઝશાહ મહેતા કે બેનરજીને લાગ્યો."
તો આ વિશે કનૈયાલાલ મુનશીનું કંઈ અલગ જ કહેવું છે.
તેમણે તેમના પુસ્તક 'સ્વપ્નદૃષ્ટા'માં લખ્યું છે, "વિરોધી માનવ-સાગરે મર્યાદાભંગ કરી. ખુરશી પાડવામાં આવી, દોરીની આડાશ તૂટી ગઈ. પાછળના લોકો આગળ આવી ગયા. પ્રતિનિધિઓ બૂમો પાડવા લાગ્યા- શું ટિળક મહારાજને મારી નાખશે?"
"પુનાના કેસરીને મારી નાખશે? કોની હિંમત છે? નારાયણભાઈએ ગર્જના કરી, તેનું લોહી ઊકળી ઉઠ્યું. તેણે 'ટિળક મહારાજની જય' બોલાવીને નીચે ઝૂકીને એક દક્ષિણી જૂતું ઉઠાવ્યું અને ફિરોઝશાહને માર્યું. તે ફિરોઝશાહ પર પડ્યું અને ત્યાંથી ઊછળીને સુરેન્દ્ર બાબુ પર પડ્યું."
"શું થયું તે કોઈને ખબર ન પડી. સૌના હોશ ઊડી ગયા. ગરમ દળના લોકોએ આક્રમણ કર્યું એ જાણીને સૌ ઊભા થઈ ગયા. તેઓ તેમની મદદ માટે દોડ્યા."
"તેમના આગળ ધસી આવવાને કારણે ગરમ દળના લોકોને એમ થયું કે આ લોકો ટિળક મહારાજ માટે આવ્યા છે. સૌ 'શિવાજી મહારાજની જય' બોલીને આગળ આવી ગયા. નારાયણભાઈએ પ્લૅટફૉર્મ પર કૂદીને ટિળક મહારાજને લાઠી આપી દીધી. નરમ દળના લોકો ધીરેથી પાછલા દરવાજેથી ભાગી ગયા."
સુરત ઇતિહાસ દર્શન પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જે જૂતું ટિળક પર ફેંકવામાં આવ્યું હતું તે જૂતું સુરેન્દ્રનાથ બેનરજી પોતાની સાથે કલકત્તા લઈ ગયા હતા.
તેમાં લખાયું છે, "સુરેન્દ્રનાથે પોતાના ઘરના દિવાનખાનામાં એક કબાટમાં આ જૂતાંને સંગ્રહી રાખ્યું હતું. એકવાર તેમને ત્યાંના મુલાકાતીઓએ કબાડમાં જોડો સંઘરી રાખવાનું કારણ પૂછ્યું તો સુરેન્દ્રનાથે જણાવ્યું કે મેં દેશ માટે આટલાં બધાં કામો કર્યાં તેના બદલામાં મને આ બક્ષિસ મળી છે, તે યાદગીરીપૂરે એ સાચવી રાખી છે."
આ જૂતું મહારાષ્ટ્રીયન જૂતું તરીકે વિખ્યાત થયું હતું. કેટલાક પુસ્તકોમાં તેનો મિસાઇલ તરીકે પણ ઉપયોગ થયો છે. તે અણીદાર, બ્રાઉન રંગનું અને દક્ષિણમાં પહેરવામાં આવતું હોય તેવું જૂતું હતું.
બનારસમાં ભંગાણના ભણકારા

ઇમેજ સ્રોત, Indian National Congress
કૉંગ્રેસમાં ભંગાણનાં બીજ બનારસમાં વર્ષ 1905માં જ્યારે તેનું અધિવેશન યોજાયું ત્યારે જ રોપાઈ ગયાં હતાં. તે વખતે બ્રિટનના પ્રિન્સ ઑફ વૅલ્સ ભારત આવ્યા હતા.
તેમના સ્વાગત માટેનો સંદેશો મોકલવા માટે ગોપાલકૃષ્ણ ગોખલેને વિચાર આવ્યો. આ પ્રસ્તાવ તેમણે કૉંગ્રેસ સમક્ષ મૂક્યો.
આ પ્રસ્તાવનો બાળ ગંગાધર ટિળકે જોરદાર વિરોધ કર્યો.
તેમણે કહ્યું કે હું ત્યારે જ સ્વાગત સંદેશ આપીશ જ્યારે કૉંગ્રેસ વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવવાના ઠરાવો કૉંગ્રેસમાં માન્ય કરાવવામાં આવે.
છેવટે ન સ્વાગતનો સંદેશ મોકલવામાં આવ્યો ન ટિળકના સૂચવેલા કોઈ ઠરાવ પસાર થયા.
ટિળકની વાતનું લાલા લજપતરાયે સમર્થન કર્યું હતું. કૉંગ્રેસના પ્રવાહો બદલાવાની શરૂઆતના સંકેત બનારસના કૉંગ્રેસના અધિવેશનમાં જ મળી ગયા હતા. એક તરફ 'નરમ દળ' હતું અને બીજી તરફ 'ગરમ દળ' હતું.
20મી જુલાઈ, 1905ના રોજ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસનું સંમેલન 1906માં કલકત્તામાં ભરાયું હતું. આ સંમેલનમાં લોકમાન્ય ટિળક કે પછી લાલા લાજપતરાય પ્રમુખ બને તેવી વાતો વહેતી થઈ હતી. પણ ઘણાં પુસ્તકોમાં ઉલ્લેખ છે કે 'નરમ દળના નેતાઓ નહોતા ઇચ્છા હતા' કે આ બંને પૈકી કોઈ પ્રમુખ બને.
સુરત કૉંગ્રેસ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરતા ઈશ્વરલાલ દેસાઈએ લખ્યું છે કે આ વિરોધને કારણે નરમ દળે દાદાભાઈ નવરોજીનું નામ પ્રમુખપદે સૂચવ્યું. કૉંગ્રેસમાં તેમના નામનો કોઈ વિરોધ કરી શકે તેમ નહોતું. પરંતુ સ્વદેશી અપનાવવાનો અને વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર કરવાનો ઠરાવ ન પસાર કરાવવાનો ગરમ દળની મનસા પાર પડી ગઈ.
દાદાભાઈ નવરોજીએ 'સ્વરાજ'નો મંત્ર આપ્યો અને સ્વદેશી અપનાવવાનો અને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનું પણ આહ્વાન કર્યું.
નાગપુરને બદલે સુરત

ઇમેજ સ્રોત, Indian National Congress
કલકત્તામાં દાદાભાઈ નવરોજીને કારણે નરમ દળ અને ગરમ દળ વચ્ચેના ભાગલા અટકી ગયા પરંતુ લાવા ગરમ થઈ રહ્યો હતો, કલકત્તા કૉંગ્રેસમાંથી પરત ફરતા ફિરોઝશાહ મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે અને લોકમાન્ય ટિળક મળ્યા.
સુરત કૉંગ્રેસ પુસ્તકમાં ઉલ્લેખ છે કે તે વખતે ફિરોઝશાહ મહેતાએ ટિળકને કહ્યું કે 'સ્વદેશીનો પ્રસ્તાવ તમે કલકત્તામાં પસાર કરાવી ગયા પરંતુ મુંબઈમાં તેની તમને કોઈ સફળતા ન મળત.'
ટિળકે જવાબમાં કહ્યું, "તમે મુંબઈની શી વાત કરો છો, તમારું આહ્વાન હું ઝીલી લઉં છુ. સિંહની કેશવાળી પકડીને તેને તેની ગુફામાંથી ખેંચી જવાની શક્તિ મારી પાસે છે."
ફિરોઝશાહ મહેતા તે વખતે 'મુંબઈના મૃગેન્દ્ર' અને 'મુંબઈના શેર' કહેવાતા.
તેથી તેમને લાગ્યું કે આ ઉલ્લેખ તેમના માટે છે પરંતુ ગોખલેએ વચ્ચે પડતા ફિરોઝશાહને કહ્યું, "મહેતા, તમારી ભૂલ થાય છે. આ માણસની શક્તિ પારખવાનું શક્ય નથી."
કૉંગ્રેસનું હવે પછીનું સંમેલન નાગપુરમાં યોજાવાનું હતું. સ્વાગત સમિતિના 314 સભ્યોના મતોની મદદથી પ્રમુખની વરણી કરવાનું નક્કી કરી દેવાયું હતું. દાદાસાહેબ ખારપડે અને અન્ય લોકોએ લોકમાન્ય ટિળકને પ્રમુખ બનાવવાની વાત મૂકી.
આ જ વાતને લઈને ગરમ દળ અને નરમ દળ વચ્ચે મતભેદો શરૂ થયા. ફિરોઝશાહ મહેતાએ ડૉ. રાસબિહારી ઘોષનું નામ મૂક્યું.
'સુરત ઇતિહાસ દર્શન'માં લખવામાં આવ્યું છે, "અધ્યક્ષપદના નામને લઈને કોકડું નહીં ઉકેલાતાં છેવટે નાગપુરના મવાળપંથીઓએ નાગપુરમાં અમારે માટે કૉંગ્રેસ ભરવાનું શક્ય નથી એમ કહીને હાથ ધોઈ નાખ્યા."
દરમિયાનમાં સુરતના પ્રતિનિધિમંડળે મુંબઈ આવીને સુરતમાં કૉંગ્રેસ ભરવા માટે આમંત્રણ આપ્યું.
સુરત ઇતિહાસ દર્શનમાં ઉલ્લેખ છે કે તેનાથી ટિળકને અસંતોષ થયો. ટિળકે તેમના સમાચારપત્ર 'કેસરી'માં લખ્યું, "આ ફેરફારથી ઝગડો મટશે એમ ફિરોઝશાહે ન સમજવું જોઈએ. નવાજૂના પક્ષનો ઝઘડો નવા પક્ષનો વિજય નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આજે સુરત મળી ગયું તેથી આવતી સાલ પણ એવી બીજી કોઈ સલામત જગ્યા મળી જશે એવું કોઈએ માની લેવાની જરૂર નથી. એટલું જ નહીં સુરત સુદ્ધાં સલામત છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે."
ટિળકે પોતાનું સૂચવાયેલું નામ પરત લીધું અને તેમણે લાલા લાજપતરાયનું નામ આગળ કર્યું. પરંતુ નરમ દળના નેતાઓ ડૉ. રાસબિહારી ઘોષના નામ પર મક્કમ હતા.
જોકે, પાછળથી લાલા લાજપતરાયે પણ પોતાનું નામ આગળ ન ધરવા અનુરોધ કર્યો હતો જેથી કૉંગ્રેસમાં મડાગાંઠ ન સર્જાય.

ઇમેજ સ્રોત, Indian National Congress
સુરત અધિવેશનના સપ્તાહ પહેલા 23મી ડિસેમ્બરે ટિળક સુરત આવી પહોંચ્યા.
'સુરત ઇતિહાસ દર્શન'માં લખવામાં આવ્યું છે કે બંને પક્ષો તરફથી પ્રચાર શરૂ થયો. એક તરફ અંબાલાલ સાંકરલાલની સભા થાય તો બીજી તરફ ટિળકનો પ્રચાર થાય.
એક સભામાં ટિળકે કહ્યું, "રાષ્ટ્રીય સભામાં તડાં પડાવવા કે ઝઘડો કરાવવાના ઉદ્દેશથી હું અહીં નથી આવ્યો. કલકત્તામાં સ્વદેશીને અપનાવવાના અને વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર અંગેના જે ઠરાવો પસાર કરાવવાના છે તેમાંથી પીછેહઠ કરવા દઈશું નહીં. આજે જેમના હાથમાં સત્તાનાં સૂત્રો છે તેમણે આ ઠરાવને તિલાંજલી આપવાનો વિચાર પ્રગટ કર્યો છે. આવું અનિષ્ઠ થાય તે નહીં ચાલે."
24મી તારીખે લાલા લાજપતરાય પણ આવી પહોંચ્યા. તેઓ હદપારીની સજા ભોગવીને સીધા બર્માથી સુરત આવ્યા હતા.
લેખક અચ્ચુત યાજ્ઞિકે તેમના પુસ્તક 'ધ શેપિંગ ઑફ મૉર્ડન ગુજરાત'માં લખ્યું છે, "કલકત્તામાં પસાર થયેલા અનેક ઠરાવો પૈકી ચાર મહત્ત્વના મનાતા હતા."
"જેમાં સ્વરાજ, વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર, સ્વદેશીનો વ્યાપ વધારવો અને શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તર પર સુધારનો સમાવેશ થતો હતો."
"પહેલાં આ સંમેલન નાગપુરમાં થવાનું હતું પરંતુ જે પ્રકારે ગરમ દળના નેતાઓ જેવા કે ટિળક, અરવિંદો ઘોષ, અજિતસિંહ અને અન્યની પકડ પક્ષ પર મજબૂત બનતી હતી તે જોતા મવાળ પક્ષને લાગ્યું કે નાગપુર ટિળક માટે સરળ મંચ સાબિત થશે. તેથી નરમ દળના નેતાઓ કે જેમાં ફિરોઝશાહ મહેતા, ગોખલે, દિનશા વાચા હતા તેમણે આ સ્થળ સુરત કરાવડાવ્યું હતું."

ઇમેજ સ્રોત, NIRDESH SINGH
હવે ધમાલ આ મુદ્દાને લઈને જ હતી.
જોકે, સભા પહેલાં સમાધાનના પ્રયાસો પણ થયા. 25મી ડિસેમ્બરે ગોખલેએ તૈયાર કરેલા ઠરાવોની એક પ્રત ટિળકને મળી. બ્રિટિશ વસાહતો જેવું સ્વરાજ હિંદને મળે તેવું ધ્યેય રાખવાની તેમાં વાત હતી. તે પૈકીની વાતોને લઈને ટિળકનો ભયંકર વિરોધ હતો.
ખુદ લાલા લાજપતરાયે બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા પરંતુ તે વ્યર્થ નીવડ્યા.
26મી ડિસેમ્બરે કૉંગ્રેસના અધિવેશનનો આરંભ થયો ત્યારે માત્ર બોલાચાલી જ થઈ જ્યારે 27મી ડિસેમ્બરે ધાંધલ-ધમાલ થઈ. અને અંતે કૉંગ્રેસના ભાગલા પડી ગયા. આખી ઘટના 'સુરત સ્પ્લિટ' તરીકે ઓળખાય છે.
સુરત કૉંગ્રેસમાં દસ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળી ચૂકેલા 84 વર્ષના સુનીલભાઈ ભૂખણવાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "આ અધિવેશન બાદ લોકમાન્ય ટિળક આખા દેશમાં મહાનાયક તરીકે ઊભરી આવ્યા હતા. જે જોડો ટિળક મહારાજ તરફ ફેંકવામાં આવ્યો હતો તે મહારાષ્ટ્રિયન જોડો તરીકે વિખ્યાત બન્યો હતો."
"સુરત ખાતે મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં થયેલી મારામારીનાં વર્ણનો અનેક પુસ્તકોમાં જોવા મળે છે."
આ ઘટનાની પળેપળની માહિતી બ્રિટિશ સરકાર મેળવતી હતી. પોલીસ આખા અધિવેશન પર નજર રાખતી હતી.

ઇમેજ સ્રોત, GUJARAT SAHITYA AKADAMI, GANDHINAGAR
આ અધિવેશન પર મુંબઈ વિશે કેટલાંક છાપાંઓએ ખબર છાપી હતી કે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાકની ધરપકડ કરી હતી પરંતુ સુરત પોલીસે આ ખબરને અફવા ગણાવી હતી.
કનૈયાલાલ મુનશી તેમના પુસ્તક સ્વપ્નદૃષ્ટામાં લખે છે કે તે સમયે આખા શહેરમાં માહોલ જાણે કે બે જૂથોમાં વિભાજિત થઈ ગયો હતો.
તે સમયે મુનશી મુંબઈમાં એલએલબીનો અભ્યાસ કરતા હતા અને સુરતના અધિવેશનમાં ભાગ લેવા માટે ખાસ મુંબઈથી આવ્યા હતા.
તેઓ લખે છે, "લાલા લાજપતરાયનાં શાંત વચનો, અજિતસિંહ(ભગતસિંહના કાકા)ના જ્વાલા સમા શબ્દો, ટિળકનાં મહેણાં અને આક્ષેપો, ખાપરડેના બીભત્સ ટૂચકા ભરેલું ભાષણ સભાને ગજાવતું હતું."
"સુરતમાં શેરીએ-શેરીએ, ઘરે-ઘરે બબ્બે પક્ષો- જહાલ અને મવાળ પડી ગયા હતા. મવાળ બાપના પુત્રે પિતાનું ઘર છોડી દીધું હતું. જહાલ અને મવાળ ભાઈઓ જમતાં-જમતાં, થાળી-વાટકીએ મારામારી કરતા હતા. ઓટલે બેસીને ગપ્પા મારતી સહેલીઓએ અબોલા લીધા હતા. જ્યારે જહાલ પિતાની પુત્રીને મવાળ પતિએ પિયરે જતી બંધ કરી દીધી હતી."
જોકે, ગાંધીવાદી અને કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે, "એ વાત સાચી કે સુરતમાં માહોલ ગરમ હતો, અફવાઓનું બજાર જોર પર હતું પરંતુ આ બધાં અતિશયોક્તિભર્યાં વર્ણનો છે. તેમણે આ પુસ્તક નવલકથાની શૈલીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે."
નેતાઓનો વાણીવિલાસ

ઇમેજ સ્રોત, Indian National Congress
રિઝવાન કાદરી તેમના પુસ્તક ગુજરાતમાં કૉંગ્રેસનો ઉદય અને વિકાસ-1885થી 1922માં લખે છે, "સુરતના કૉંગ્રેસના અધિવેશનમાં જે થયું તે સંદર્ભમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા સ્થાનિક નેતાઓએ એક સભા બીજી જાન્યુઆરી, 1908માં ચોક બજાર પાસે બોલાવવામાં આવી હતી. જેમાં ભગુભાઈ દ્વારકાદાસ, ગાંગાદાસ ભરતિયા, તૈયબભાઈ મસ્કતી, ત્રિભુવનદાસ માળવી, માણેકજી જંબુસરિયા અને શાવકશા હોરમસજી ખસુખાં વગેરે 36 જણાએ સહી કરીને ટિળકનો વિરોધ કર્યો હતો."
આ પુસ્તકમાં લખાયું છે કે "આ સભામાં બોલતા અંબાલાલ સાકરલાલે કહ્યું કે પુણેમાં 'કેસરી' નામનું પત્ર નીકળે છે. તેમાં સુરત માટે એક શબ્દ કહ્યો છે. સુરત તો સર ફિરોઝશાહને ફેરે જવાની ખાડી છે. સુરતીઓને માટે 'નામર્દ અને હિ#ડાઓ' વગેરે શબ્દો લખ્યા છે. તેમણે કહ્યું હતું કે 26મીની રાત્રે આપણા શહેરનો એક માણસ મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું કે આજનું તોફાન ગરમ દળના લોકોએ કરાવ્યું છે. તમે તેનો નિકાલ નહીં કરો તો કાલે વધુ તોફાન થશે."
જોકે, ટિળક તરફી નેતાઓએ આ આરોપો ફગાવ્યા હતા. તેમણે ઉલ્ટા નરમ દળના નેતાઓ પર તોફાન કરાવવાનો આરોપ લગાવ્યો.
તેમણે આરોપ લગાવ્યો કે 'નરમ દળ તરફી સ્વાગત સમિતિના લોકોએ સભામાં ગુંડાઓને લાઠી સાથે બોલાવ્યા હતા.'
સુરતમાં સભા થઈ તે પહેલાં જ્યારે નાગપુરની જગ્યાએ અધિવેશનનું સ્થળ સુરત કરવામાં આવ્યું ત્યારે ટિળકે કેસરીમાં લખ્યું હતું, "પોતાની ગલીમાં તો કૂતરાં પણ સિંહ બની જાય છે."
નરમપંથીઓને લાગ્યું કે આ તેમના નેતા ફિરોઝશાહ મહેતાને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે. કારણકે, તેઓ મુંબઈના શેર નામે ઓળખાતા હતા.
તેથી નરમપંથી નેતોએ કેસરી પેપરને બાળવાની અને તેને નહીં ખરીદવાની વાત પણ કરી.
ટિળક પણ વારંવાર નરમ દળના નેતાઓને ભિક્ષુકો સાથે સરખાવતા અને અંગ્રેજો સાથેની તેમની વાતચીતને ભિક્ષાવૃત્તિ કહેતા.

ઇમેજ સ્રોત, www.sriaurobindoinstitute.org/Somnath Paul
જાણીતા કર્મશીલ, ગાંધીવાદી પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, "બંને પક્ષોએ વાણીવિલાસ કર્યો હતો. મવાળ પંથીઓએ સુરતમાં ટિળકની મુલાકાતને શિવાજીની લૂંટ સાથે સરખાવી હતી. તો જહાલ પંથીઓએ ડૉ. રાસ બિહારી ઘોષને ભાગ બિલાડી ઘોષ કહેવામાં પણ નાનમ ન અનુભવી હતી. આ બધું વાતચીતમાં થતું પરંતુ આરોપો અને પ્રત્યારોપોમાં શબ્દોની મર્યાદા ન હતી."
પ્રકાશ ન. શાહ એમ પણ કહે છે કે આ પ્રસંગે અરવિંદો ઘોષને ન ભૂલી શકાય. તેઓ કહે છે, "તેમણે પણ આ અધિવેશનને નિષ્ફળ બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અને તે તેમણે ખુદ સ્વીકાર્યું છે. તેઓએ પત્રોમાં લખ્યું છે કે ટિળકને પૂછ્યા વગર મેં આ અધિવેશનમાં મવાળ પંથી નેતા ન ફાવે તેવા પ્રયત્નો કર્યા હતા."
"જોકે, જૂતા ફેંકવામાં કે ખુરશી ફેંકવામાં કે પછી લાઠી ચલાવવામાં તેમનો હાથ છે કે નહીં તે વાત ક્યાંય લખાઈ નથી."
રિઝવાન કાદરી લખે છે, "અંબાલાલ દેસાઈનાં ભાષણો અને લેખોનો અભ્યાસ કરતા એવી પ્રતિતી થયા વગર નહીં રહે કે આ પીઢ નેતાએ સુરતના અધિવેશન પ્રસંગે જે રીતે ટિળક સામે શબ્દપ્રયોગ કર્યા છે તે બતાવે છે કે રાજકારણમાં વિવાદાત્મક તેમજ ખંડન-મંડન તરકી પત્રિકાઓ અને ભાષણબાજીઓ લોકોનાં ટોળાં ભેગાં કરવામાં અને લોકલાગણી ઉશ્કેરવામાં આજની જેમ તે સમયે પણ કામ્યાબ પુરવાર થતી."

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
રિઝવાન કાદરી આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "તે સમયની ભાષામાં અને આજની ભાષામાં કોઈ ફેરફાર થયો નથી. આજે જે પ્રકારે ચૂંટણીનાં ભાષણોમાં ભાષાનો ઉપયોગ થાય છે તે જ પ્રકારની ભાષા તે સમયે પણ પ્રચારમાં વપરાતી હતી."
સુરતનું ઇતિહાસ દર્શન પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બ્રિટનના લંડન ટાઇમ્સ અને ટિળકના કટ્ટર દુશ્મન ગણાતા સર વૅલેન્ટાઇન શિરોલે સુરતમાં જે થયું તેનો દોષ ટિળકના માથે નાખી દીઘો હતો. ટિળકને તેમણે અનિષ્ટસૂચક વ્યક્તિ તરીકે ગણાવીને તેમને કૉંગ્રેસમાં ભંગાણ માટે જવાબદાર ઠેરવ્યા હતા.
ડેઇલી ન્યૂઝના પ્રતિનિધિ તરીકે એક માત્ર બ્રિટિશ પત્રકાર નેવિન્સને લખેલાં લખાણોમાં ટિળકને દોષી ગણાવાયા નથી. પરંતુ તેમનાં લખાણોમાં તેમણે ટિળકનું ગૌરવ વધાર્યું હતું.
અમદાવાદનું પ્રજાબંધુ અને સુરતનું ગુજરાતમિત્ર. આ બંને અખબારોએ પણ આ વિશે લખ્યું હતું.
આ અખબારોએ કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું અને હિંસા થઈ તેની આકરી ટીકા કરી હતી. ગુજરાતમિત્રએ ટિળક સામે લેખો લખ્યા. જેમાં તેમણે લખ્યું કે 'શિવાજીએ સુરતને બે વખત લૂંટ્યું હતું જ્યારે ટિળકે સુરત અને ગુજરાતની લાજ લૂંટી છે.'
સમાધાનના પ્રયાસો

ઇમેજ સ્રોત, SURAT CORPORATION
નરમ દળના નેતાઓએ જાહેરનામું બહાર પાડ્યું જેમાં લખ્યું હતું, "સામ્રાજ્યમાં રહીને વસાહતીઓ જે પ્રકારનું સ્વરાજ ભોગવે છે તેવું સ્વરાજ હિંદને મળે તે અમારું ધ્યેય છે. તે માટે અમે કાયદેસર ચળવળ કરવા માગીએ છીએ. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે બધાએ સભામાં શિસ્ત જાળવવું અને આગેવાનોની આજ્ઞા માનવી. જેમને આ વાત માન્ય હોય તેઓ 28મી ડિસેમ્બરે બપોરે કૉંગ્રેસના મંડપમાં આવે."
નિવેદનની નીચે નરમ દળના આગેવાનો ડૉ. ઘોષ કે જેઓ હવે પ્રમુખપદે નિયુક્ત થયા હતા તેમની, ફિરોઝશાહ મહેતાની, સુરેન્દ્રનાથ બેનરજીની, મદનમોહન માલવિયાની તથા ગોખલેની સહી હતી.
નરમ દળે આ પ્રકાનો નિર્ણય કર્યો છતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્નો થયા.
મોતીલાલ નહેરુ, લાલા હરકિશનલાલ જેવા લોકોએ આ માટે પ્રયત્નો આદર્યા.
ટિળક છેવટે ડૉ. ઘોષની ચૂંટણીનો વિરોધ પરત લેવા તૈયાર થયા પરંતુ તેમણે કલકત્તા ખાતે પસાર થયેલા ઠરાવોને કૉંગ્રેસે વળગી રહેવું જોઈએ તેવો આગ્રહ વ્યક્ત કર્યો.
તેમણે એમ પણ આગ્રહ કર્યો કે ડૉ. ઘોષના ભાષણમાં ગરમ દળના નેતાઓ વિશે જે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે તે પણ લખાણમાંથી દૂર કરવો જોઈએ.
પંરતુ, બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થયું.

ઇમેજ સ્રોત, NIRDESH SINGH
ગોખલેએ એક નિવેદન બહાર પાડ્યું, "સરકાર સામે વાદ કરવો હોય કે ઊભા થવું હોય તો બંને પક્ષ વચ્ચે એકતા હોવી જોઈએ. સરકારની મદદ વગર આપણાં કામો નહીં જ થાય. જો આપણે સરકારની વિરુદ્ધ જઈશું તો સરકાર ઘડી માત્રમાં તમારું ગળું ભીંસી નાખે."
ફિરોઝશાહ મહેતાએ 30મી ડિસેમ્બરે ટાઇમ્સ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું, "દેશના રાજકારભારોમાં સુધારો કરાવવાનું કૉંગ્રેસનું ધ્યેય છે. બ્રિટિશ સરકારને બદલે જનતાનો કારભાર થાય તે માનવામાં આવે તેવી વાત નથી. જેની શક્યતા પણ નથી. જેમને કૉંગ્રેસની આ નીતિ માન્ય ન હોય તેમને કૉંગ્રેસનું સભ્યપદ નહીં મળે."
ફિરોઝશાહ મહેતાએ ત્યાં સુધી કહ્યું હતું કે ટિળક હવે રાજદ્વારી દૃષ્ટિએ મૃત્યુ પામ્યા છે.
સુરત કૉંગ્રેસના પુસ્તકમાં ઈશ્વરલાલ દેસાઈ લખે છે, "એક પક્ષ ટિળકને ભંગાણ માટે દોષપાત્ર ગણતો હતો અને બીજો તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવી ચર્ચા કરતો હતો."
"આમ કૉંગ્રેસના ઇતિહાસનો પહેલો ખંડ સુરતમાં સમાપ્ત થયો. સુરતમાં જે ફાટફૂટ પડી તે અટલ હતી. આ જુદા પ્રવાહોનો અંગ્રેજ સરકારે લાભ ઉઠાવ્યો અને દમનનો દોર છૂટો મૂક્યો."

ઇમેજ સ્રોત, Getty Images
સુરતમાં કૉંગ્રેસમાં ભંગાણ થયા બાદ લખનૌમાં વર્ષ 1916માં મળેલી કૉંગ્રેસમાં લોકોએ ભારે ઉત્સાહ પ્રકટાવ્યો હતો. કારણ એ હતું કે આ બેઠકમાં સુરતમાં ભંગાણ થયું પછી ટિળક પહેલી વખત કૉંગ્રેસના અધિવેશનમાં આવવાના હતા.
આ બેઠકમાં ટિળક સાથે ડૉ. રાસબિહારી ઘોષ, સુરેન્દ્રનાથ બેનરજી સાથે બેઠેલા જોવા મળ્યા.
સભાના પ્રમુખ અંબિકાચરણે સભાને કહ્યું, "સુરતના ઝઘડા પછી લખનૌમાં આપણી વચ્ચે આવેલા મારા મિત્ર ટિળકનું હું આનંદ અને અંત:કરણપૂર્વક સ્વાગત કરું છું. હું ઇચ્છું છું કે તેમનો હવે આપણને વિયોગ નહીં થાય."
લખનૌ કૉંગ્રેસના પ્રમુખ અંબિકાચરણ મજૂમદાર હતા અને સ્વાગત સમિતિના પ્રમુખ જગત નારાયણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું, "રાષ્ટ્રવાદીઓ(ગરમ દળના નેતાઓ) તથા મુસ્લિમો(મુસ્લિમ લીગ)ને કૉંગ્રેસમાં દાખલ થવા બદલ ધન્યવાદ. જે કૉંગ્રેસના ફ્રૅન્ચ ગાર્ડનમાં ભાગલા પડ્યા હતા તે કૉંગ્રેસ લખનૌના કેસરબાગમાં એક થાય છે તેનો મને સંતોષ છે."
જે ફિરોઝશાહ મહેતાએ ટિળક વિશે કહ્યું હતું કે તેમનું રાજદ્વારી મૃત્યુ થયું છે તેઓ આ કૉંગ્રેસના મિલન પ્રસંગમાં હાજરી નહોતા આપી શક્યા કારણકે તેમનું નિધન આ અધિવેશનના એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1915માં થઈ ગયું હતું. ગોખલેનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
આ સંમેલનમાં ગાંધીજી પહેલી વખત કૉંગ્રેસના સંમેલનમાં સામેલ થયા. અહીં જ પહેલી લખત ગાંધીજીની જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત પણ થઈ. લખનૌથી જ કૉંગ્રેસને નવી દિશા અને નવું નેતૃત્વ મળવાની શરૂઆત થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












