લોકમાન્ય ટિળકે બિન-બ્રાહ્મણો અને મહિલાઓનાં શિક્ષણનો કેવો વિરોધ કર્યો હતો? - દૃષ્ટિકોણ

બાળગંગાધર ટિળક

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, બાળગંગાધર ટિળક
    • લેેખક, પરિમલા વી. રાવ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્ર નિર્માણનું કામ સૌને સમાવી લેવાની પ્રક્રિયાથી શક્ય બને છે; જુદા જુદા વિરોધાભાસી જૂથોને પણ નિકટ લાવીને તેમની વચ્ચે સેતુ રચાય તો જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.

એ જમાનાના મહારાષ્ટ્રના સૌથી પ્રખર ચિંતક મહાદેવ ગોવિંદ રાનડે (1842-1901)એ કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણનો પાયો ચાર મહત્ત્વની બાબતોના આધારે નંખાવો જોઈએ. આ ચાર પાયા એટલે ખેડૂતોને સક્ષમ કરવા, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું, સમાજના બધા વર્ગોને શિક્ષણ અને પ્રખર સામાજિક સુધારા.

બી. આર. આંબેડકરે 1842માં રાનડેની જન્મશતાબ્દીની ઉજવણી વખતે જણાવ્યું હતું કે 'રાનડેમાં સહજ એવી પ્રામાણિકતા હતી, ઊંચી કક્ષાની બુદ્ધિમતા હતી. તેઓ માત્ર ધારાશાસ્ત્રી કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જ નહોતા; તેઓ પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી, પ્રથમ હરોળના ઇતિહાસકાર, પ્રથમ હરોળના શિક્ષણશાસ્ત્રી, પ્રથમ હરોળના દિવ્ય પુરૂષ હતા' (બી.આર. આંબેડકર, 1943/2008, p.19).

આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી 1875માં પૂણેની મુલાકાતે હતા, ત્યારે એક જૂથનાં લોકોએ તેમને હિંસાની ધમકીઓ આપી હતી. રાનડે અને જ્યોતિરાવ ફૂલે જાતે તેમની સાથે રહ્યા હતા અને પૂણેની શેરીઓમાંથી તેમના પર લાઠીઓ અને પથ્થરોના વરસાદ વચ્ચેથી બહાર કાઢ્યા હતા.

1880 પછી સિનિયર જજ તરીકે નિમાયા તે પછી રાનડે માટે જાહેરજીવનમાં કેટલીક મર્યાદા આવી ગઈ હતી. તેઓ કોલ્હાપુરના મહારાજા (1901)ની પ્રવૃત્તિઓને સમર્થન આપી શકતા નહોતા, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને માર્ગદર્શન (1885) આપી શકતા નહોતા કે મહેસૂલ માફ કરાવવા સરકાર સાથે વાટાઘાટ માટે રચાયેલી દખ્ખણ સભા (1896)માં જોડાઈ શકે તેમ નહોતા.

જોકે, તેમના નિવાસસ્થાને સાથીઓ સાથે બેઠકો થયા કરતી. તેમના ટેકેદારો ગોપાલ કૃષ્ણ ગોખલે, વિષ્ણુ મોરેશ્વર ભીડે, આર.જી. ભંડારકર, ગંગારામ ભાઉ મશ્કે અને બીજા લોકો તેમની સાથે ચર્ચા પછી તેમના વિચારો પ્રમાણે કામને આગળ વધારતા હતા (દખ્ખણ સભાના દસ્તાવેજો).

રાનડે અને તેમના આ સાથીદારો સામે બાલ ગંગાધર ટિળકનો ભારે વિરોધ હતો (1856-1920).

line

કાર્લ માર્ક્સની પ્રશંસા, ખેડૂતોનો વિરોધ અને જ્ઞાતિ-વ્યવસ્થાનું સમર્થન

બી.આર.આંબેડકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બી.આર.આંબેડકર

સન 1881માં ટિળકે પત્રકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી, પણ તેમના પત્રકારત્વમાં ત્રણ વિરોધાભાસો દેખાઈ આવ્યા હતા.

પ્રથમ તો, બ્રિટિશ અખબારોમાં પ્રગટ થતા કાર્લ માર્ક્સના ઉદ્દામવાદી વિચારોને તેમણે વખાણ્યા હતા અને લેખોનું પોતાના પ્રકાશનોમાં પુનઃપ્રકાશન કર્યું હતું (1 May 1881).

બીજું, તેમણે નવા પસાર કરાયેલા ડેક્કન એગ્રિકલ્ચરલ રિલિફ ઍક્ટનો વિરોધ કર્યો હતો. આ કાયદામાં દેવા નીચે ડૂબી ગયેલા મહારાષ્ટ્રના ગરીબ ખેડૂતોની રહીસહી ઘરવખરી જપ્ત કરવા સામે કે દેવું પરત ના ચૂકવવા બદલ તેમની ધરપકડ કરવાની વાત પર પ્રતિબંધ મૂકાયો હતો.

ત્રીજું, તેમણે જ્ઞાતિ પ્રથાની તરફેણ કરી હતી (ધ મહ્રાટ્ટા, 10 July 1881, ધ પ્રોસ્કેપ્કટ્સ ઑફ હિંદુ કાસ્ટ).

જીવનભર તેમની વિચારસરણીના પાયામાં આ ત્રણ બાબતો યથાવત જ રહી હતી.

1884માં રાનડે અને બીજા સુધારકોએ પ્રથમ કન્યા શાળા ખોલી (હૂઝુર પાગા) અને ઍઇજ ઑફ કન્સૅન્ટ ખરડો (કન્યાની લગ્નની ઉંમર) આવ્યો તે પછી ટિળકની વિચારસરણીમાં સ્ત્રીદ્વેષ કે નારી ધિક્કારનો ઉમેરો થયો હતો.

line

ખેડૂતોને જેલ મોકલવાની માગ

ટિળક

ઇમેજ સ્રોત, NIRDESH SINGH

ધ મહ્રાટ્ટા અખબાર કોઈ કૉર્પોરેટ માલિકીનું નહોતું, એ ટિળકની સુવાંગ માલિકીનું હતું અને 1881-1897 સુધી તેઓ તેના તંત્રી અને માલિક હતા. અને બાદમાં મૃત્યુ સુધી એન.સી. કેલકર સાથે સહતંત્રી તરીકે ભૂમિકા નિભાવતા રહ્યા હતા.

ડેક્કન એગ્રિકલ્ચરિસ્ટ્સ રિલીફ બિલ એમ.જી. રાનડે અને વિલિયમ વેડરબર્ને તૈયાર કર્યું હતું, જેથી 1874-79ના દુકાળનો ભોગ બનેલા ખેડૂતોને રાહત આપી શકાય.

જમીન મહેસુલ તરીકે 10થી 20 રૂપિયા માંડ ભરી શકતા ખેડૂતોની માથે શાહૂકારોનું 1000થી 2000 સુધીનું દેવું થઈ ગયું હતું.

દુકાળનો માર અને માથે દેવાના બોજને કારણે ખેડૂતો વ્યાજખોરો સામે ભારે રોષે ભરાયા હતા. વાસુદેવ બલવંત ફડકે નામના ચિતપાવન બ્રાહ્મણ અને તેમના અસ્પૃશ્ય તથા આદિવાસી સમાજના સાથીઓ દૌલતિયા રામોસી, બાબોજી ચમાર, સખારામ મહાર, અને કોન્ડુ માંગની સાથે મળીને ધિરધાર કરનારા સામેનું આંદોલન ઉપાડી લીધું હતું.

ટિળકે ફડકેના બળવાને 'ભાન ભૂલેલા માણસનું આ માથામેળ વિનાનું કામ' ગણાવ્યું હતું અને ટીકા કરતાં કહ્યું કે તેમણે 'લૂંટફાટ કરવાના હેતુ સાથે ટોળકી જમાવી છે.' (ધ મહ્રાટ્ટા, 9 October 1881).

સરકારે ફડકેની ધરપકડ કરી, મુકદ્દમો ચલાવીને એડનની જેલમાં મોકલી આપ્યા, જ્યાં 1883માં તેમનું અવસાન થયું. ભવિષ્યમાં ખેડૂતો આવી મુશ્કેલીમાં ના મૂકાય તે માટે રાનડે અને વેડરબર્ને સૂચન કર્યું હતું કે શેતકરી (ખેતી) બૅન્કની રચના કરવી અને ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ આપવું.

ટિળકે આવા કાયદાની અને ખેતી બૅન્કની સતત ટીકાઓ કરી હતી અને ધિરધાર કરનારાને 'ખેડૂતોનાં તારણહાર' ગણાવતા રહ્યા હતા. શાહુકારોનું દેવું ના ચૂકવે તેમને જેલમાં નાખવાનો કાયદો ફરી લાવવા માટે ટિળકે સરકારને વિનંતી કરી હતી.

આખરી 1885માં સરકારે આવી બૅન્કોની સ્થાપના કરવાનું ટાળ્યું અને તે રીતે પ્રથમ વાર ટિળકને ફાવતું મળ્યું. મહારાષ્ટ્રના ખેડૂતોની વિરુદ્ધમાં જિંદગીભર ટિળકે આવો અભિગમ રાખ્યો હતો.

1897ના દુકાળ વખતે ગોપાલ કૃષ્ણ ગોખલે અને તેમની સંસ્થા દખ્ખણ સભાએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને ખેડૂતોને રાહત અપાવવામાં સફળતા મેળવી હતી.

રાહત કાર્યો થાય તેમાં રોજમદારીના દરમાં વધારો કરાવ્યો હતો, 48.2 લાખ રૂપિયાની રાહત અપાવી હતી અને 64.2 લાખની માફ કરાવ્યા હતા.

ટિળકે દખ્ખણ સભાની ટીકા કરીને કહ્યું કે, આતો પાંજરાપોળ છે અને તેમણે સામી રયોતવારી જમીનની મહેસૂલ બંધ કરવાની માગણીનું આંદોલન ચલાવ્યું હતું.

તેમની માગણી હતી કે ધિરધાર કરનારા જમીન ધરાવતા હોય તેમને પણ વેરામાં રાહત આપવી. (ધ મહ્રાટ્ટા, 25 February 1900, સસ્પેન્શન એન્ડ રેમિશન રેવન્યૂ વિષય પર તંત્રીલેખ).

line

“ખેડૂતોનાં બાળકોનું શિક્ષણ, પૈસાની બરબાદી”

રાજ્યસભામાં ટિળકનું તૈલચિત્ર

ઇમેજ સ્રોત, RAJYA SABHA

ટિળક ખેડૂતોનો વિરોધ કરતાં હતા તેની પાછળનું કારણ તેમની વર્ણ વ્યવસ્થાની તરફેણ કરતી વિચારસરણી હતી.

તેમણે પોતાના શિક્ષણના એજન્ડામાં સતત વર્ણ વ્યવસ્થાની વાત ચલાવી હતી.

ટિળક કહેતા હતા કે 'કણબી (ખેડૂત)ના છોરાંઓને વાંચવાનું, લખવાનું શીખવવું કે ઇતિહાસ, ભૂગોળ અને ગણિત ભણાવવું તેનો વ્યવહારુ જીવનમાં કોઈ ફાયદો નથી.'

'તેનાથી તેમને ફાયદાને બદલે હાનિ જ વધારે થાય છે,' એમ તેઓ કહેતા.

એમનું કહેવું હતું કે બિન-બ્રાહ્મણોને માત્ર 'સામાન્ય વ્યવસાય સુથારી, લુહારી કામ, કડિયાકામ અને દરજી કામ, તેમના દરજ્જા અને (સમાજમાં તેમના) સ્થાન અનુસાર જ શીખવવા જોઈએ.'

1881માં પૂના સાર્વજનિક સભાએ માગણી કરી હતી કે સરકારે 200ની વસતી ધરાવતા દરેક ગામમાં શાળા ખોલવી જોઈએ. ટિળકે તેનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે 'કણબીના છોકરાઓને શિક્ષણ આપવું એ નાણાંનો નર્યો વેડફાટ જ છે.'

સૌ માટે શિક્ષણના રાનડેના વિચારનો પણ તેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે 'સરકારી ભંડોળ એટલે વેરો ભરનારાનાં નાણાં અને માત્ર કરદાતાને જ એ નક્કી કરવાનો અધિકાર છે કે તે ક્યાં વપરાવા જોઈએ' (ધ મહ્રાટ્ટા, 15 May 1881, અવર સિસ્ટમ ઑફ એજ્યુકેશન-અ ડિફિટ ઍન્ડ અ ક્યૉર).

line

અંગ્રેજી શિક્ષણનો વિરોધ ક્યારેય કર્યો ન હતો

રાજ્યસભામાં ટિળકના તૈલચિત્ર સામે વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, RAJYASABHA.GOV.IN

ઇમેજ કૅપ્શન, રાજ્યસભામાં ટિળકના તૈલચિત્ર સામે વડા પ્રધાન મોદી

બૉમ્બે યુનિવર્સિટીમાં વધુ બિન-બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે પ્રવેશ પરિક્ષાને સરળ બનાવવાની રાનડેની માગણીનો પણ ટિળકે વિરોધ કર્યો હતો. (ધ મહ્રાટ્ટા, 7 August 1881, અવર યુનિવર્સિટી વન).

ટિળકને અંગ્રેજી શિક્ષણનો વિરોધ નહોતો, કેમ કે તેઓ માનતા હતા કે 'દેશમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું તે પહેલાં; આપણે અજ્ઞાની લોકો હતાં.'

તેમની ઇચ્છા એવી હતી કે શિક્ષણ માત્ર જમીનમાલિક બ્રાહ્મણોને જ મળે, ગરીબ બ્રાહ્મણને પણ ના મળવું જોઈએ. (ધ મહ્રાટ્ટા, 21 August 1881, અવર યુનિર્સિટી થ્રી).

તેમના આવા વિચારોને કારણે બિન-બ્રાહ્મણો તરફથી ભારે વિરોધ જાગ્યો હતો. તેથી તેમણે 1891થી રાષ્ટ્ર નિર્માણના પાયા તરીકે જ્ઞાતિપ્રથાની તરફેણ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે લખ્યું કે 'આપણા માટે એ ભેદ કરવો બહુ મુશ્કેલ બની જશે કે ભણેલો આધુનિક બ્રાહ્મણ કોણ છે અને ભણેલો આધુનિક બિન-બ્રાહ્મણ કોણ છે... બળવાની ભાવના બહાર આવી ગઈ છે' (ધ મહ્રાટ્ટા, 22 March 1891, આપણે હવે શું કરવું? તંત્રી લેખ).

તેમણે જોશભેર તંત્રીલેખ લખ્યો હતો 'ધ કાસ્ટ એન્ડ ધ કાસ્ટ અલૉન હેઝ પાવર' (10 May 1891), અને તેમાં એવી દલીલો કરી હતી કે 'હિંદુ રાષ્ટ્ર માને છે કે જો જ્ઞાતિઓનો પ્રભાવ ના હોત કો હિંદુ રાષ્ટ્ર ક્યારનું ય ખતમ થઈ ગયું હોત.

રાનડે જેવા સુધારકો 'જ્ઞાતિઓને ખતમ કરી રહ્યા છે અને તે રીતે રાષ્ટ્રની શક્તિને મારી રહ્યા છે.'

તેમણે સેક્યુલર એજ્યુકેશનને નકારી કાઢ્યું હતું, કેમ કે તેમના મતે તેના કારણે સુધારકોનું આવું 'નિહિલિઝમ' પેદા થયું છે.

તેમણે આગ્રહ રાખ્યો કે શાળાઓમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ અને તે ધર્મશિક્ષામાં (ધાર્મિક) 'માન્યતાઓ જ શીખવાની હોય ચોખ્ખેચોખ્ખી. શાળાના વિદ્યાર્થીઓને હઠાગ્રહ રીતે કહી દેવાનું હોય કે ઇશ્વર છે … હાસ્તો; ઇશ્વરના અસ્તિત્વના પુરાવા માગનારાને સોટી ફટકારીને ચૂપ કરી દેવાના હોય' (ધ મહ્રાટ્ટા, 3 July 1904, રિલિજન ઍજ્યુકેશન, તંત્રીલેખ).

ટિળકનો આગ્રહ હતો કે ભારતીયોને હોમ રૂલ લીગની જરૂર છે, કેમ કે 'જ્ઞાતિપ્રથા (ચતુર્વણ) બ્રિટિશ શાસનમાં નબળી પડી ગઈ છે.' તેમણે જામખંડીના બિન-બ્રાહ્મણ અમલદારની નિંદા કરી હતી (ધ મહ્રાટ્ટા, 21 April 1901, નોન-બ્રાહ્મિન ક્રેઝ, તંત્રીલેખ).

તેમણે કોલ્હાપુરના મહારાજની એમ કહીને ટીકા કરી હતી કે તેમણે 'મગજનું સંતુલન ગુમાવી દીધું છે' (ધ મહ્રાટ્ટા, 15 November. 1903).

line

છોકરીઓનાં સ્કૂલના શિક્ષણના વિરોધમાં હતા ટિળક

ટિળકનું મૅગેઝિન

ઇમેજ સ્રોત, NIRDESH SINGH

જ્ઞાતિપ્રથાનો બચાવ કરવામાં ટિળકે સંકેશ્વરના શંકરાચાર્ય સહિત કોઈને છોડ્યાં નહોતાં (ધ મહ્રાટ્ટા, 31 August 1902), અને આદિ શંકરની પણ નિંદા કરી હતી.

કન્યા શિક્ષણ સામે પણ ટિળકે ભારે વિરોધ કર્યો હતો. રાનડેએ પૂણેમાં ખોલેલી કન્યાશાળામાં સાર્વત્રિક અભ્યાસક્રમ અપનાવાયો હતો. તેના કારણે કન્યાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી હતી.

રાનડે માનતા હતા કે 'રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું શિક્ષણ આવશ્યક છે.' તેમની શાળામાં મરાઠા, કણબી, સોનાર, યહૂદી અને અછૂતોમાંથી ધર્મપરિર્તન કરનારા સહિતના ખ્રિસ્તી પરિવારોની દીકરીઓ ભણવા આવતી હતી.

આ રીતે બધી જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને સાથે ભણાવવાની અને સાર્વત્રિક અભ્યાસક્રમ રાખવાની વાત પર પણ ટિળકે પ્રહારો કર્યા હતા.

ટિળકે કહ્યું કે 'અંગ્રેજી શિક્ષણને કારણે સ્ત્રીઓમાં નારીપણું ઓછું થયું છે અને તેઓ સુખી સાંસારિક જીવન જીવી શકતી નથી.' (ધ મહ્રાટ્ટા, 28 September 1884).

ટિળકની માગણી હતી કે કન્યાઓને માત્ર 'દેશી ભાષા, નૈતિકશાસ્ત્ર, ભરતગૂંથણ' જ શીખવવું જોઈએ. કન્યાઓ 11થી 5 વાગ્યા સુધી શાળામાં રહે તેનો પણ તેમણે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે છોકરીઓને માત્ર ત્રણ જ કલાક ભણાવવી જોઈએ, અને તે પણ સવારે કે સાંજે જેથી છોકરીઓ ઘરકામ કરી શકે. (ધ મહ્રાટ્ટા, 18 September 1887 કરિકલમ ઑફ ધ ફિમેલ હાઈસ્કૂલ).

રાનડેને ચેતવણી આપતા ટિળકે લખ્યું હતું કે 'અભ્યાસક્રમ તાકીદે બદલી નાખવામાં નહીં આવે તો પણ આપણે નવાઈ ના પામવી કે રકમાબાઇ જેવી સ્ત્રીઓ તેમના પતિઓને તરછોડી દે.'

line

ભારતમાં કાયદાકીય રીતે છૂટાછેડા લેનારાં પ્રથમ મહિલા રકમાબાઇ

ભારતમાં કાયદાકીય રીતે છૂટાછેડા લેનારાં પ્રથમ મહિલા રકમાબાઇ

ઇમેજ સ્રોત, STREEMUKTI.IN

ઇમેજ કૅપ્શન, ભારતમાં કાયદાકીય રીતે છૂટાછેડા લેનારાં પ્રથમ મહિલા રકમાબાઇ

રકમાબાઇ યુવાન શિક્ષિત નારી હતાં, જેમણે પોતાના માથાફરેલ પતિ દાદાજી ભિકાજી સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ કેસ પતિ તરફથી સંભવિત ઘરેલું હિંસાનો કેસ હતો. ટિળકે તે મુદ્દાને 'સમગ્ર હિંદુ કોમનો અગત્યનો મુદ્દો બનાવી દીધો.'

ટિળકે પોતાના અઠવાડિકના આઠ પાનાંમાંથી છ પાનાં દાદાજી માટે ફાળવીને તેની ખુલ્લી તરફેણ કરી હતી. ટિળકની દલીલ હતી કે 'રકમાબાઇ પતિ સાથે રહેવાનો ઇનકાર કરે તો તેને જેલમાં મોકલી જોઈએ.'

તેમની માગણી હતી કે 'રકમાબાઇઓ, સરસ્વતીબાઇઓ (પંડિતા રમાબાઇ)ને પણ ચોર, ધૂતારા અને હત્યારાઓને સજા થાય તેવી સજા થવી જોઈએ.' (ધ મહ્રાટ્ટા, 12 June 1887).

રકમાબાઇ કેસમાં ઍજ ઑફ કન્સેન્ટનો મામલો પણ જોડાઈ ગયો હતો, કેમ કે તેમનાં લગ્ન થયા ત્યારે તેઓ કિશોરી જ હતાં.

આ ડિબેટની શરૂઆત બી.એમ. મલબારીએ કન્યાઓની લગ્નની ઉંમર 10થી વધારીને 12ની કરવાનું કહ્યું ત્યારે થઈ હતી.

ટિળકે બહુ ખરાબ રીતે જી.જી. આગરકર, એમ.જી. રાનડે, જી.કે. ગોખલે અને બીજા સુધારકોને ઉતારી પાડ્યા હતા.

આમાંના ઘણા લખાણો અહીં દર્શાવી શકાય નહીં તેવી ભાષામાં લખાયેલા હતાં.

આ ડિબેટ 1890માં ઉગ્ર બની, કેમ કે 10 વર્ષનાં એક કિશોરી ફૂલમોની, તેમનાં 30 વર્ષનાં પતિ હરી મૈતી સાથે સમાગમ વખતે મૃત્યુ પામ્યાં. ટિળકે મૈતીની ભેર તાણી અને સલાહ આપી કે તેણે બિચારાએ પત્ની ગુમાવી છે, ત્યારે 'તેના માથે અયોગ્ય રીતે ટીકાનો મારો ચલાવવો જોઈએ નહીં'. (ધ મહ્રાટ્ટા, 10 August 1890, કલકત્તા ચાઇલ્ડ-વાઇફ મર્ડર કેસ, તંત્રીલેખ).

કિશોરી સાથેની આ કરુણાંતિકા પછી સમાજના બધા વર્ગોમાં સહાનુભૂતિ જાગી હતી અને તેના કારણે લગ્નલાયક ઉંમર વધારવાનો કાયદો 1891માં પસાર કરી દેવાયો.

1900ની સાલ પછી ટિળક રાષ્ટ્રીય સ્તરે જાણીતા થયા તે પછી તેમના આવા અભિગમમાં ફેર પડ્યો હતો ખરો? એવા કોઈ પુરાવા નથી. ટિળક બ્રિટિશ સરકારની એ માટે ટીકા કરતા રહ્યા કેમ કે તેમણે 'જમીનદારો અને ધિરધાર કરનારાનાં કબજામાંથી ખેડૂતોને સ્વતંત્ર કરી દીધા છે' (ધ મહ્રાટ્ટા, 8 November 1903, ઇનામદાર્સ ગ્રિવન્સીઝ, તંત્રીલેખ).

ઇનામદાર અને ખોત જેવા મોટા જમીનદાર પરિવારોની તેઓ ખુલ્લેઆમ તરફેણ કરતા રહ્યા અને ખેડૂતોનાં સશક્તિકરણનો વિરોધ કરતા રહ્યા. (ધ મહ્રાટ્ટા, 27 September 1903. ધ ખોતી બિલ, તંત્રીલેખ).

ડી.કે. કર્વેએ 1916માં પૂણેમાં મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ત્યારે ટિળકે કહ્યું કે 'આપણે હિંદુ કન્યાઓનો વિચાર પુત્રવધુ તરીકે જ કરવો રહ્યો, કે જે પતિના ઘરે વિશેષ ફરજો બજાવી શકે.'

ટિળકે કર્વે સામે માગણી કરી કે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ માત્ર 'રસોઇ, ઘરેલું હિસાબકિતાબ, બાળઉછેર' પૂરતો મર્યાદિત રાખવો જોઈએ. (ધ મહ્રાટ્ટા, 27 February 1916, ઇન્ડિયન વિમેન્સ યુનિવર્સિટી).

કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવ્યું ત્યારે ટિળકે પોતાના અખબારમાં તેનો વિરોધ કર્યો. ટિળકના ટેકેદારોએ મ્યુનિસિપાલિટીમાં તેનો વિરોધ કર્યો હતો. (ધ મહ્રાટ્ટા, 17 August 1919, ફ્રી એન્ડ કમ્પલ્સરી ઍજ્યુકેશન).

સુધારાના આવા પ્રયાસોનો સતત વિરોધ કરવાની સાથે ટિળકે બ્રિટનની કમ્યુનિસ્ટ પાર્ટીના ભારતીય સભ્યો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. તેમણે લેનિનના અને રશિયન ક્રાંતિના વખાણ પણ કર્યા હતા.

line

માર્ક્સવાદી ઇતિહાકારોએ ટિળકને હીરો બનાવ્યા

લોકમાન્ય ટિળક વિચારમંચ પૂણે

ઇમેજ સ્રોત, LOKAMANY TILAK VICHAR MANCH, PUNE

ઇમેજ કૅપ્શન, લોકમાન્ય ટિળક વિચારમંચ પૂણે

સોવિયેત અને ભારતના માર્ક્સવાદી ઇતિહાસકારો ટિળકને સ્વતંત્રતાની લડાઈના મહાન લડવૈયા માનતા રહ્યા છે, જ્યારે સર્વસમાવેશક ભારતના અસલી ઘડવૈયાઓ રાનડે, ગોખલે અને અન્યોની મોડરેટ તરીકે અવગણના કરતા રહ્યા છે.

તેઓ રાનડેનું પ્રદાન તો ભૂલી ગયા, પરંતુ ટિળકની ખેડૂતવિરોધી, મહિલાવિરોધી અને જ્ઞાતિવાદી ઝુંબેશને પણ ભૂલી ગયા. માત્ર તેઓ જેલમાં ગયા અને 1908માં કાપડ મિલોમાં હડતાળ એ જ યાદ રાખવામાં આવ્યું.

એક સદી પછી આજેય મહારાષ્ટ્રના દેવાળિયા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, જ્ઞાતિવાદની હિંસા ઉગ્ર બની છે, અને સ્ત્રીઓ ભેદભાવનો સામનો કરી રહી છે.

1880માં ટિળકને મહારાષ્ટ્ર બહુ વાઇબ્રન્ટ લાગતું હતું, પણ 1920માં તેઓ ગયા ત્યારે મહારાષ્ટ્ર તરડાઈ ગયેલું હતું. તેમણે કરેલા અતિરેક માટે સામ્રાજ્યવાદી શાસનનું બહાનું ચાલી શકે તેમ નથી.

(આ લેખિકાનાં અંગત વિચાર છે. પરિમલા વી રાવ દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસનાં પ્રોફેસર છે. એમણે ટિળક પર Foundations of Tilak's Nationalism: Discrimination, Education and Hindutva નામનું પુસ્તક પણ લખ્યું છે. આ લેખ એમણે ટિળકની પુણ્યતિથિને 100 વર્ષ થવા પર લખ્યો છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો