ખેતી પાકવીમો : વિજય રૂપાણી સરકાર સામે ખેડૂતોને દર વર્ષે પ્રશ્નો કેમ ઊઠે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 'મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના'ની સોમવારે પત્રકારપરિષદમાં જાહેરાત કરી છે.

જોકે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડાદરા ગામના ખેડૂત જયસુખભાઈ દૂધરેજીયા વર્ષ 2018માં પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓને 2020માં પણ નથી ભુલાવી શક્યા.

તેઓ સપ્ટેમ્બર, 2018માં પોતાના ખેતરમાં 15 વીઘામાં વાવેલા કપાસના પાકની ઊપજ અંગેની આશાઓ વ્યક્ત કરતાં જણાવે છે, “એ વર્ષે ખેતી માટે લીધેલાં નાણાંનું વ્યાજ આજ સુધી ચૂકવી રહ્યો છું."

"મને આશા હતી કે પાકનું કુદરતી નુકસાન થયા બાદ વીમાકંપની અમારું નુકસાન ભરપાઈ કરી આપશે, પરંતુ અમને તો ખરેખર થયેલા નુકસાનના 20 ટકા જેટલું પણ વળતર ન મળ્યું, અમારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.”

વિજય રૂપાણીએ યોજનાની જાહેરાત કરતાં કહ્યું, "દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી આફત વખતે ખેડૂતોને વળતર મળી રહે એ માટે આ યોજના તૈયાર કરાઈ છે અને આ યોજનાની કોઈ નોંધણી ફી કે પ્રીમિયમ ચૂકવવાનાં નથી."

વીડિયો કૅપ્શન, વિજય રૂપાણી સરકારની 'કિસાન સહાય યોજના'માં શું ખાસ છે?

મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાકવીમાની પ્રક્રિયાને સરળ કરી દેવાની દિશામાં આ પગલું લીધું છે.

ખેડૂતસંગઠનોના આગેવાનો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મોટા ભાગના ખેડૂતોની દશા જયસુખભાઈ જેવી જ થઈ ગઈ છે.

જયસુખભાઈની જેમ તેઓ પણ સરકારી તંત્ર અને પાકવીમો પૂરો પાડતી ખાનગી કંપનીઓની બેદરકારીનો ભોગ બન્યા છે.

તાજેતરમાં જ ખેડૂતસંગઠન ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા મૂળી અને માણાવદર તાલુકાના ખેડૂતોને વીમાકંપનીઓ દ્વારા ઓછી ચૂકવણી કરી ગેરરીતિ આચરી હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો.

ખેડૂત હિતરક્ષક સમિતિએ દાવો કર્યો હતો કે આ બે તાલુકાના ખેડૂતોને વીમાકંપનીઓ તરફથી ખરેખર ભરપાઈપાત્ર રકમ કરતાં 57 થી 75 ટકા ઓછી રકમ ચૂકવાઈ છે.

નોંધનીય છે કે સંગઠન દ્વારા કરાયેલા આક્ષેપો બાદ હવે ખેડૂતોને પાકવીમાની ચૂકવણીનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

ઉપરાંત જો પાકવીમાની ચૂકવણીની રજૂઆતો અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો સમગ્ર રાજ્યના ખેડૂતોને એક કરી આ મુદ્દાને લઈને ઑનલાઇન આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતસંગઠનો દ્વારા ઉચ્ચારાઈ હતી.

અગાઉ પણ ઘણીવાર પાકનુકસાનીના વળતરની મોડી અને ઓછી ચૂકવણી અને આકારણી મુદ્દે વીમાકંપનીઓ અને સરકારની કામગીરી પર પ્રશ્નો ઊઠ્યા છે.

હાલમાં પણ ખેડૂતસંગઠનો દ્વારા સોશિયલ મીડિયા પર ‘પાકવીમો લુંટાયો’ એવા હૅશટૅગ સાથે વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે.

નોંધનીય છે કે ખેડૂતસંગઠનો દ્વારા પાકવીમાની અપૂરતી ચૂકવણી થઈ હોવાને કારણે હજારો ખેડૂત પરિવારો નાણાકીય ભીડનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

હવે જ્યારે ફરીથી આ વિવાદ ચર્ચામાં આવ્યો છે ત્યારે એ પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે આખરે કેમ વારંવાર રાજ્યમાં પાકવીમા મુદ્દે આટલા વિવાદો સર્જાયા કરે છે?

આ તમામ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે કૃષિક્ષેત્રના નિષ્ણાતો, જાણકારો અને ખેડૂતો સાથે વાત કરી સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કર્યો હતો.

પહેલાં જાણી લઈએ કે તાજેતરમાં સર્જાયેલો પાકવીમા અંગેનો વિવાદ શું છે?

શું ખરેખર ખેડૂતસંગઠનોના દાવા પ્રમાણે પાકવીમાની અપૂરતી ચૂકવણીને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે?

line

શું હતો પાકવીમાનો વિવાદ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પાકવીમાની ચૂકવણી અંગે તાજેતરમાં સર્જાયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “પોતાને ખેડૂતોના શુભચિંતક ગણાવતી ગુજરાત સરકાર પાછલાં અમુક વર્ષોથી પાકવીમા યોજના અંગે ખેડૂતોને ચૂકવાયેલી રકમ અંગેનો હિસાબો આપતી નથી.”

“વર્ષ 2018 માટે પાકવીમા પેટે માણાવદર અને મૂળી તાલુકાના ખેડૂતોને ચૂકવાયેલાં નાણાંના હિસાબ અમે મેળવ્યા ત્યારે સામે આવ્યું કે વીમાકંપનીઓ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને 57 ટકાથી 75 ટકા ઓછી રકમની ચૂકવણી કરાઈ છે.”

ખેડૂતોને થયેલા અન્યાય અંગે વાત કરતાં તેઓ જણાવે છે, “અમારી પાસે આવેલી વિગતો અનુસાર મૂળી તાલુકામાં ક્રૉપકટિંગ (પાક અખતરાનો સર્વે)ના હિસાબો અનુસાર વર્ષ 2018માં તાલુકાના દરેક વીમાધારક ખેડૂતને પ્રતિ હૅક્ટર 55,112 રૂપિયા ચૂકવવાપાત્ર થતા હતા, જ્યારે ખરેખર ચૂકવણી માત્ર 8,800 રૂપિયાની જ કરાઈ છે.”

“જ્યારે માણાવદર તાલુકાના દરેક વીમાધારક ખેડૂતને પ્રતિ હૅક્ટર 64,327 રૂપિયા મળવાપાત્ર હતા, જેના સ્થાને માત્ર 12,070 રૂપિયાની ચૂકવણી કરાઈ છે.”

તેમણે આ સમગ્ર મામલાને રાજ્યવ્યાપી કૌભાંડ ગણાવતાં કહ્યું, “સરકારે સમગ્ર મામલાની તપાસ કરાવી જવાબદારો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ."

"જો સરકાર જવાબદારો સામે પગલાં નહીં લે અને ખેડૂતોને ન્યાય નહીં અપાવે તો હાલ ‘પાકવીમો લુંટાયો’ એવા હૅશટૅગ સાથે શરૂ કરાયેલ સોશિયલ મીડિયા અભિયાનને વધુ ઉગ્ર બનાવાશે અને ખેડૂતો રસ્તા પર ઊતરવા મજબૂર બની જશે.”

“જો રાજ્ય સરકાર આ કૌભાંડના જવાબદારો સામે પગલાં નિષ્ફળ નીવડશે, તો તેનાથી એ બાબત સ્પષ્ટ થઈ જશે કે રાજ્યના મુખ્ય મંત્રી અને કૃષિમંત્રી બિનકાર્યક્ષમ છે, તેમણે તાત્કાલિક રાજીનામાં આપી દેવાં જોઈએ.”

line

‘હજુ સુધી ભરું છું વ્યાજ’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જયસુખભાઈ સપ્ટેમ્બર, 2018માં પાક નિષ્ફળ જવાને લીધે પડેલી આર્થિક સંકડામણને યાદ કરતાં જણાવે છે કે, “મારા 20 વીઘાના ખેતરમાં મેં 15 વીઘામાં કપાસ અને 5 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું."

"એ સમયે આ પાકની ઊપજ સાથે મારી અને મારા પરિવારની ઘણી બધી આશાઓ જોડાયેલી હતી. એ સમય દરમિયાન મેં ખેતી માટે બૅંક પાસેથી 62 હજાર અને ખાનગી નાણાં ધીરનાર પાસેથી 65 હજાર લાવ્યો હતો.”

“મને આશા હતી કે પાક સારો ઊતરશે ને હું બધા લેણદારોના પૈસા ચૂકતે કરી આપીશ, પણ પહેલાં કુદરતે પછી સરકાર અને વીમાકંપનીએ અમારી સાથે દગો કર્યો."

"હું ફેબ્રુઆરી, 2019થી આ તમામ પૈકી કોઈ પણ લેણદારને વ્યાજની ચૂકવણી કરી શક્યો નથી.”

વર્ષ 2018માં પોતાને ભોગવવી પડેલ પાકનુકસાની અંગે વાત કરતાં તેઓ કહે છે, “એ સમયે અમારા ખેતરમાં પ્રતિવીઘા માત્ર પાંચ મણ કપાસની ઊપજ થઈ હતી. જે સામાન્ય વર્ષોમાં 20 મણ હોય છે. આમ, સીધેસીધી પાકની ઊપજ 75 ટકા ઘટી ગઈ."

"એ સમયે ઓછા વરસાદ અને ગુલાબી ઈયળના હુમલાને કારણે આવું બન્યું હતું. ઉપરથી એ સમયે અમને અમારી ઊપજનો ભાવ પણ સારો ન મળ્યો, જેથી અમારા માટે તો પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ.”

line

'વીમાકંપનીથી હતી આશા'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2018માં પોતાને ભોગવવા પડેલા નુકસાનને વીમાકંપની અને સરકારની બેદરકારી ગણાવતાં જયસુખભાઈ જણાવે છે , “અમે એ સમયે અમારા ખેતરમાં પાક લેવા માટે જુદી-જુદી જગ્યાએથી નાણાં મેળવી કુલ 1,40,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું."

"પરંતુ પાક બગડતાં માત્ર 70,000 હજાર રૂપિયાની જ ઊપજ થઈ. તેમ છતાં નુકસાનની મને બહુ ચિંતા નહોતી, મને તો લાગી રહ્યું હતું કે આપણે તો પાકનો વીમો લીધો છે. વીમાંકપની બધું નુકસાન ભરપાઈ કરી આપશે. આમ, વીમાકંપની પાસેથી અમને ઘણી આશાઓ હતી.”

વીમાકંપની દ્વારા કરાયેલી પાકવીમાની ચૂકવણીની રકમ વિશે અસંતોષ વ્યક્ત કરતાં તેઓ કહે છે, “પરંતુ વીમાકંપનીએ તો માત્ર 21 હજાર રૂપિયા જ ચૂકવ્યા, અમારી તો મૂડી પણ ઊભી ન થઈ. નફાનું નુકસાન તો જવા દો.”

વર્ષ 2018માં પાક નિષ્ફળ જવાથી પોતાના જીવન પર પડેલી વિપરીત અસર વિશે વાત કરતાં મૂળી તાલુકાના કુંતલપુર ગામના ખેડૂત દશરથભાઈ ખાંભલા જણાવે છે કે, “મારા ખેતરમાં સપ્ટેમ્બર, 2018માં 15 વીઘામાં કપાસ અને 15 વીઘા જમીન પર મગફળી વાવેલી હતી.”

“અમે બૅંક પાસેથી અને ખાનગી નાણાં ધીરનાર પાસેથી પૈસા લાવી ખૂબ જ આશાપૂર્વક ખેતીની શરૂઆત કરી. પરંતુ કમનસીબે એ વર્ષે બિલકુલ વરસાદ જ ન પડતાં મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો. મગફળીમાં સરેરાશ કરતાં 80 ટકાનું અને કપાસમાં સરેરાશ કરતાં 50 ટકા ઓછું ઉત્પાદન થયું.”

“તેમ છતાં અમને આશા હતી કે પાક વેચીને અને વીમાકંપની દ્વારા કરાયેલી ચૂકવણી થકી અમારી પાસે જે પૈસા આવશે તેનાથી અમે અમારી લૉન અને દેવું ચૂકતે કરી દઈશું, પરંતુ અમને મળવાપાત્ર 2,50,000 રૂપિયામાંથી વીમાકંપનીએ અમારાં ખાતાંમાં માત્ર 19,000 રૂપિયા જ નાખ્યા."

"વીમાકંપની એ અમારી છેલ્લી આશા હતી, પરંતુ ત્યાંથી પણ અમને કોઈ રાહત ન મળી શકી અને અમારી પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી ગઈ.”

line

‘જીવન ટુંકાવી લેવા સિવાય નહીં રહે માર્ગ’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સપ્ટેમ્બર, 2018માં પાક નિષ્ફળ જવાને કારણે પોતાને અને પોતાના પરિવારને વેઠવી પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં જયસુખભાઈ જણાવે છે, “મને આશા હતી કે વીમાકંપની તરફથી પૈસા મળશે એટલે અમે લેણદારોનું દેવું ચૂકતે કરીશું અને બાકી બચેલી રકમથી હું મારી કૉલેજની ફી ભરી શકીશ.”

“પરંતુ વીમાકંપની તરફથી છ મહિના સુધી કોઈ જ જવાબ ન આવ્યો અને છ મહિના બાદ માત્ર 21 હજાર મળ્યા. જેથી હું મારી થર્ડ યર બી. કૉમની છેલ્લા સત્રની ફી ન ભરી શક્યો અને મારો અભ્યાસ અધૂરો છૂટી ગયો.”

“આ સિવાય નાણાકીય ભીડને કારણે એ દરમિયાન મારા ભાઈનાં લગ્ન પણ પાછાં ઠેલવાં પડ્યાં હતાં.”

દશરથભાઈ જણાવે છે, “એ દરમિયાન મારી બહેનનાં લગ્ન હતાં. પાક નિષ્ફળ ગયો અને વીમાકંપની તરફથી પણ ત્યારે પૈસા નહોતા મળ્યા."

"છેલ્લે અમે ખાનગી નાણાંધીરનાર પાસેથી વ્યાજે નાણાં લઈને તેનાં લગ્ન કર્યાં, અમને હતું કે વીમાકંપની નાણાં આપશે ત્યારે આ દેવું ચૂકતે કરી દઈશું. જોકે એવું ન બન્યું હાલ 1,20,000ના દેવામાં વ્યાજનો વધારો થઈને કુલ દેવું 2 લાખ થઈ ચૂક્યું છે.”

વીડિયો કૅપ્શન, પંજાબ : લોન માફીથી ખેડૂતોને ખરેખર ફાયદો થશે?

અપૂરતી ચૂકવણીની અવળી અસર પોતાની પુત્રીઓના ભણતર પર પડી હોવાનું જણાવતાં તેઓ કહે છે કે, “એ સમય દરમિયાન નાણાકીય તંગી સર્જાવાને કારણે અને કોઈ પણ બાજુથી આવક ઊભી થવાની આશા ન દેખાતી હોવાને કારણે મેં મારી ત્રણ પુત્રીઓને ખાનગી સ્કૂલમાંથી કાઢી લઈ તેમનું ઍડમિશન ગામની સરકારી શાળામાં કરાવ્યું હતું.”

તેઓ કહે છે કે, “જો સરકાર કે વીમાકંપની ટૂંક સમયમાં અમારા બાકીનાં લેણાં નીકળતાં નાણાં ચૂકવી આપે તો જ અમે દેવાના બોજામાંથી છૂટી શકીએ એવું છે. નહીંતર કાં તો વ્યાજના જંજાળમાંથી છૂટવા જમીન વેચવી પડશે અથવા તો અંતિમ પગલું ભરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહીં રહે.”

જયસુખભાઈ જણાવે છે કે, “વીમાકંપની દ્વારા ઓછી રકમની ચૂકવણી કરાઈ હોવાની ફરિયાદ સ્થાનિક હોદ્દેદારો અને નેતાઓને કરતાં તેમણે કોઈ પણ કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો."

"આમ, પહેલાં વીમાકંપની અને પછી સત્તાધીશો દ્વારા મામલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દેવાતાં અમે બિલકુલ નોધારું અનુભવી રહ્યા છીએ.”

line

ક્રૉપકટિંગ અને પાકનુકસાની વળતરનો વીમો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્રૉપકટિંગમાં પડેલી ઘટપેટે પાકવીમા હેઠળ મળતી રકમ અને પાકનુકસાનીના વળતરપેટે મળતા વીમાની રકમ વચ્ચેનો પ્રાથમિક તફાવત સમજાવતાં સાગરભાઈ જણાવે છે, “ખેડૂતો દ્વારા લેવાયેલ પાક પાછલાં પાંચ વર્ષની સરખામણીએ કેટલો વધુ કે ઓછો નોંધાયો છે, તે જાણવા માટે અનુસરાતી પદ્ધતિને ક્રૉપકટિંગ કહેવામાં આવે છે.”

“આ પ્રક્રિયા કંપનીના અધિકારીઓ, જિલ્લાના કલેક્ટર અને ઍગ્રિકલ્ચર ઑફિસરની બનેલી એક ડિસ્ટ્રિક્ટ લેવલ મૉનિટરિંગ કમિટી દ્વારા અનુસરવામાં આવે છે."

"સમગ્ર એકમમાં થયેલા પાક અંગે અંદાજ મેળવવા માટે ખેતીવિભાગની એક વ્યક્તિ, કંપનીનો એક પ્રતિનિધિ, જે-તે ગામના તલાટી અને ગ્રામસેવક વગેરે જઈને એકમના ખેતરોમાંથી યાદૃચ્છિકપણે પ્લૉટ નક્કી કરી, એ પ્લૉટ પર થયેલા પાકને લણી લઈ, તેના પરથી આ વર્ષે વિસ્તારમાં થયેલ વાસ્તવિક પાક અંગે અંદાજ મેળવે છે."

તેઓ કહે છે, "આ વાસ્તવિક પાકના વજન અંગેનો અંદાજ મેળવી પાછલાં પાંચ વર્ષ દરમિયાન આ એકમમાં થયેલા કુલ પાકના વજનની સરેરાશ સાથે તેની સરખામણી કરવામાં આવે છે."

"જો વાસ્તવિક પાકનું વજન ભૂતકાળની સરેરાશ કરતાં ઓછું હોય તો આ ઘટ બદલ પ્રતિ હૅક્ટર વળતર વીમાકંપનીએ ખેડૂતને ચૂકવી આપવું પડે.”

“જ્યારે બીજી તરફ વધુ, ઓછો વરસાદ, વાતાવરણીય મુશ્કેલીઓને કારણે કોઈ એકમ કે જિલ્લાના ખેડૂતોનો પાક બગડે અને તેમને નુકસાની વેઠવાનો વારો આવે ત્યારે જે-તે ખેડૂતો દ્વારા વ્યક્તિગતપણે પોતાને થયેલ નુકસાનની ભરપાઈ માટે વીમાકંપની સમક્ષ દાવો કરવાનો હોય છે."

"જ્યારે ક્રૉપકટિંગમાં પડેલી ઘટ અંગે નુકસાની વળતર મેળવવા માટે આવો કોઈ દાવો કરવાનો હોતો નથી.”

line

પાકવીમા અંગે સવાલો ઉઠવાનાં કારણો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હવે વાત કરીએ કે આખરે કેમ ગુજરાતમાં પાકવીમા મુદ્દે વારંવાર ખેડૂતોએ આંદોલન કરવાં પડે છે? કેમ વારંવાર રજૂઆતો છતાં પાકવીમાને લઈને ખેડૂતોની મુશ્કેલીઓનો ઉકેલ નથી લવાતો?

આ પ્રશ્ન અંગે વાત કરતાં ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલભાઈ આંબલીયા જણાવે છે કે, “સરકારને ખેડૂતોની મુશ્કેલીઓ ઘટે અને તેમના માટે જોગવાઈ કરાયેલ તમામ લાભ તેમને મળી રહે એ સુનિશ્ચિત કરવામાં કોઈ રસ નથી.”

આગળ સરકારને ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટેનાં પગલાં લેવામાં રસ ન હોવાની વાત કરતાં તેઓ કહે છે, “વીમાકંપનીઓ દ્વારા ખેડૂતો પાકવીમા યોજનામાં નિશ્ચિત કરાયેલી જોગવાઈઓનું પાલન નથી થતું."

"પાકનુકસાનીનો દાવો કરવાથી માંડીને તેની આકારણી અને ચૂકવણી સુધી નિશ્ચિત સમયમર્યાદાનું પાલન નથી કરાતું. જ્યારે બીજી તરફ ખેડૂતોએ હંમેશાં આ સમયમર્યાદાઓનું પાલન કરવાનું હોય છે.”

“દાવો કર્યાના નવ માસ બાદ પણ એક પણ રૂપિયો વળતર પેટે ચૂકવાયો નથી. તેથી કંપનીઓની આવી બેદરકારી અને કંપનીઓને છાવરવાની સરકારની નીતિઓ વિરુદ્ધ ખેડૂતોનાં મનમાં ભારોભાર અસંતોષ જન્મ્યો છે. જે અવારનવાર આંદોલનો અને વિરોધપ્રદર્શન તરીકે જાહેરમાં દેખાઈ આવે છે.”

વીમાકંપનીઓની ગેરરીતિઓ અંગે ધ્યાન દોરતાં તેઓ જણાવે છે, “એક તરફ તો પાકવીમાના પૈસા ચૂકવવામાં વર્ષોનો સમય લગાડી દેવાય છે અને બીજી તરફ જો ક્યારેક પૈસા ચૂકવાઈ જાય તો પણ અપૂરતી અને ક્ષુલ્લક રકમની ચૂકવણી કરીને તેમની દરિદ્રતાની મજાક કરાય છે.”

વીડિયો કૅપ્શન, UPSC 2019: બ્યુટીક્વિનની સફળતાની કહાણી
line

ખાનગી કંપનીઓ અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠ?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આને આયોજિત ભ્રષ્ટાચાર ગણાવતાં ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ ગિરધરભાઈ વાઘેલા જણાવે છે, “ખેડૂતોને પાકવીમાની ચૂકવણીમાં સામે આવેલી આ ગફલતમાં માત્ર કોઈ એક સરકારી અધિકારી દોષિત ન હોઈ શકે. ભ્રષ્ટાચાર ખાનગી વીમાકંપનીઓ અને સરકારની સાંઠગાંઠને કારણે જ શક્ય બન્યો છે.”

“ખેડૂતોને ખાનગી વીમાકંપનીઓ દ્વારા તેમના ખરેખર નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવે તો સરકારને પોતાની છબિ ચમકાવવા માટેનાં નાણાંકંપનીઓ નહીં આપી શકે, તેથી કંપનીઓને નાણાકીય મોરચે રાહત રહે એ હેતુથી ગરીબ ખેડૂતોના હકના પૈસાની ઓછી ચૂકવણી કરાઈ છે.”

તેઓ કહે છે કે, “જો આવું ન હોય તો કેમ સરકાર ક્રૉપકટિંગના આંકડા જાહેર નથી કરતી? આ બાબત જ પોતાને ખેડૂતોની હિતેચ્છુ ગણાવતી સરકારની સાચી છબિ રજૂ કરવા માટે પૂરતી છે.”

સાગર રબારી પાકવીમાક્ષેત્રે ખાનગીકરણને આ સમસ્યાનું મૂળ ગણાવે છે.

તેઓ કહે છે, “ક્રૉપકટિંગની તમામ માહિતી કલેક્ટર અને ઍગ્રિકલ્ચર ડિરેક્ટર દ્વારા વીમાકંપનીઓને પહોંચાડવામાં આવે છે. આ ત્રણેયની સાંઠગાંઠથી જ આટલા મોટા પાયે પાકવીમાની ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થઈ શકે છે, પરંતુ આ બધું માત્ર અધિકારીઓ અને કંપનીઓ દ્વારા થતું હોય તે શક્ય નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

નોંધનીય છે કે વર્ષ 2019માં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ઘણા જિલ્લામાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

ત્યાર બાદ ખેડૂતો દ્વારા પાકવીમાકંપનીઓ પાસેથી નુકસાની વળતર મેળવવા માટે દાવો કરાયો હતો, પરંતુ એ સમયે વળતરની ચૂકવણી સમયસર ન કરાતાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા સરકાર સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત વખતે પત્રકારપરિષદમાં પત્રકારો દ્વારા મુખ્ય મંત્રીને પાકવીમામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જોકે તેમણે આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ મુદ્દે સ્પષ્ટતા કરતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, “ખેડૂતોને વીમાકંપનીઓ પાસેથી મહત્તમ વળતર અપાવવાનો પ્રયત્ન કરીશું."

"વીમાંકપનીઓ દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની સમયસર યોગ્ય ભરપાઈ થાય તે માટે કંપનીઓ પર દબાણ ઊભું કરીશું. જરૂર પડ્યે આ મામલે કેન્દ્ર સરકારની મદદ પણ લઈશું.”

જે-તે વખતે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે “પાકનુકસાનીની આકારણી માટે સરકારે ચાર વીમા કંપનીઓને કામ સોંપ્યું છે. પાકવીમો ભરનાર તમામ ખેડૂતોને પાકનુકસાની અંગે વળતર ચૂકવવાના આદેશો અપાઈ ગયા છે.”

જોકે, ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે મુખ્ય મંત્રી અને કૃષિમંત્રીની જાહેરાતો છતાં હજુ સુધી ઘણા ખેડૂતોને ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે થયેલ પાકનુકસાનીનું વળતર નથી ચૂકવાયું.

ખેડૂતોને ઉત્પાદનમાં પડેલી ઘટ માટે ઓછું વળતર ચૂકવાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, એ મામલે સરકારની પ્રતિક્રિયા મેળવવા માટે કૃષિમંત્રી આર. સી. ફળદુનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.

line

પાકવીમામાં કેવી રીતે થાય છે ગરબડ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પાકવીમામાં વીમાકંપનીઓ અને સરકારની સાંઠગાંઠ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પાકવીમાકંપનીના એક કર્મચારી સાથે વાત કરી.

તેમણે પોતાનું નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું, “વીમાકંપની દ્વારા સમગ્ર તાલુકામાં આવેલાં કુલ ગામો પૈકી ત્રીજા ભાગનાં ગામોને પસંદ કરી ત્યાં થયેલા પાકનો અંદાજ મેળવવા માટે સર્વે અને ક્રૉપકટિંગની કામગીરી હાથ ધરાય છે.”

“પસંદ કરાયેલાં ગામો પૈકી દરેક ગામમાંથી બે ખેતરો સર્વેની કામગીરી માટે પસંદ કરાય છે. આ કામગીરીમાં વીમાકંપનીના પ્રતિનિધિ, ગ્રામસેવક, પંચ અને અન્ય સરકારી અધિકારીઓ હાજર હોય છે.”

તેઓ આગળ જણાવે છે કે, “વીમો લેતી વખતે જ કંપની પાસે ખેડૂતની અને તેના ખેતરની તમામ માહિતી પહોંચી જતી હોય છે. તેથી તેમને અગાઉથી ખબર હોય છે કે કયા ખેતરને કુદરતનો માર વધારે નડવાનો નથી."

"ઉદાહરણ તરીકે ખેતરની પસંદગી કરતી વખતે કૅનાલની નજીક આવેલા કે પાણીની પૂરતી વ્યવસ્થા ધરાવતા ખેતરો જ વીમાકંપની દ્વારા સર્વેની કામગીરી માટે પસંદ કરવામાં આવે છે."

"જેથી સર્વે દરમિયાન પસંદ કરાયેલ પ્લૉટમાંથી પાકનું સારું ઉત્પાદન બતાવી શકાય.”

પાકવીમાની કંપનીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાનો દાવો કરતાં તેઓ જણાવે છે, “વીમાકંપનીના ઉપલા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી કરનાર તમામ લોકોને સૂચના આપી દેવાય છે કે કોઈ પણ ભોગે પાકનું વજન વધારે આવવું જોઈએ એવી વ્યવસ્થા કરવાની છે, જો એવું નહીં કરો તો તમને નોકરીમાંથી છૂટા કરી દઈશું."

"જેથી સર્વેની કામગીરી કરનાર લોકો દબાણ હેઠળ સારા ખેતરો જ પસંદ કરે છે અને કોઈ પણ રીતે ચોપડે વધુ પાકઉત્પાદન બતાવવાનો પ્રયત્ન કરે છે.”

“તેમ છતાં જો ક્યારેક સર્વેની કામગીરી કરનાર પ્રતિનિધિઓ દ્વારા ભૂલ થાય તો વીમા કંપની દ્વારા કરાયેલી કામગીરીને ન્યાયાલયમાં ન પડકારાય તે સુનિશ્ચિત કરવા માટે વીમાકંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂત વિરુદ્ધ ઑબ્જેક્શન રજિસ્ટર કરાવવામાં આવે છે."

"ઑબ્જેક્શન દ્વારા વીમાકંપનીઓ ઓછા પાક માટે ખેડૂતને જ જવાબદાર ઠેરવે છે કે તેમણે અમુક કારણોસર પાકની માવજત સરખી નથી કરી, તે કારણે પાક ઓછો ઊતર્યો છે. જેથી ન્યાયાલયની કાર્યવાહીથી કંપની સુરક્ષિત થઈ જાય છે.”

આ સમગ્ર કાર્યવાહીમાં સરકાર અને પાકવીમા કંપનીઓની સાંઠગાંઠ હોવાના સંકેત આપતાં તેઓ જણાવે છે કે, “તાલુકા સ્તરે તૈયાર કરાયેલા આ આંકડા આગળ રાજ્ય સ્તરે મોકલવામાં આવે છે, ત્યાર બાદ જો કોઈ તાલુકાને વીમો ચૂકવવાપાત્ર થતો હોય તો વીમાકંપનીની અનુકૂળતા અનુસાર ઓછો વીમો મંજૂર કરાય છે."

"આ સમગ્ર ગેરરીતિ નેતાઓની સહાય અને મંજૂરી વગર શક્ય જ નથી. ઉપરની સૂચના પ્રમાણે જ તાલુકા અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ પણ ખેડૂતોને અન્યાયકારી આ કાર્યવાહીમાં તેમનો સાથ આપતાં હોય છે.”

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

line

'પાકવીમા યોજના' અને 'કિસાન સહાય યોજના'માં શું ફેર છે?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Twitter/@vijayrupanibjp

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ યોજનાની જાહેરાત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે "પાકવીમા યોજનામાં જે ખેડૂતો પ્રીમિયમ ભરે છે, એમને જ લાગુ પડે છે અને એમને જ લાભ મળે. આ વર્ષથી કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક પ્રીમિયમની શરૂઆત કરી છે."

જ્યારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં પ્રીમિયમ ભરવાનો કોઈ બાધ નથી, મુખ્ય મંત્રીના કહેવા પ્રમાણે રાજ્યના તમામ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકવા માટે સક્ષમ છે.

વિજય રૂપાણીએ કહ્યું "મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે."

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ જણાવ્યું કે "આ યોજના ઝીરો પ્રીમિયમ આધારિત છે. આમાં ખેડૂતે અડધો ટકો પણ પ્રીમિયમ ભરવાનું થતું નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "વનઅધિકાર અંતર્ગત જેમને સનદ મળી છે, એવા આદિવાસી ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે."

"આ અગાઉ પાકવીમા યોજનામાં આદિવાસી ખેડીતોને લાભ મળતો ન હતો. આ યોજનામાં એમને પણ લાભ આપણે આપવા જઈ રહ્યા છે."

10 ઇંચથી ઓછો વરસાદ હશે તો એને દુષ્કાળ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી વરસાદ સારો છે તો બહુ જૂજ એવા તાલુકા હશે જ્યાં 10 ઇંચ તો ઓછો વરસાદ હોય.

33 ટકાથી ઓછું નુકસાન થયું હશે તો સહાય નહીં મળે.

line

શું છે પ્રધાન મંત્રી પાક વીમા યોજના?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફેબ્રુઆરી, 2016માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરાઈ હતી.

જેનો હેતુ કુદરતી આપત્તિઓ અને સમસ્યાઓને કારણે ખેડૂતોને ભોગવવો પડતા પાકનુકસાન માટે વળતર ચૂકવવાનો જણાવાયો હતો.

આ યોજના જે ખેડૂતોએ લૉન લીધી હોય, જેમણે લૉન ન લીધી હોય, ભાડે ખેતર રાખીને ખેડનાર ખેડૂતો અને પાકવિભાજનની શરતે ખેતી કરતાં ખેડૂતો તમામને પાકવીમાનું રક્ષણ પૂરું પાડવા માટે ઘડવામાં આવી હતી.

આમ, નાના-મોટા લગભગ તમામ ખેડૂતોને આ યોજના વડે પાકવીમા યોજના હેઠળ આવરી લેવાયા છે.

આ યોજના હેઠળ જુદાં-જુદાં રાજ્યો દ્વારા નક્કી કરાયેલા મુખ્ય અને ગૌણ પાકોની નુકસાની માટે ખેડૂતોને વળતર ચૂકવવાની જોગવાઈ છે.

તે સિવાય ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને કારણે થયેલ પાકની નુકસાની માટે પણ વળતર ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું છે.

વીડિયો કૅપ્શન, ગુજરાત : બનાસકાંઠાના એક પોલીયોગ્રસ્ત ખેડૂતની પ્રેરણાદાયી કહાણી

આ યોજનાની મુખ્ય વાત એ છે કે તેમાં ખેડૂતને પાકની વાવણીથી લઈને લણણી બાદના સમય દરમિયાન થતાં નુકસાનીનું વળતર ચૂકવવાનું ઠરાવાયું છે.

વડા પ્રધાન પાકવીમા યોજના હેઠળ ખેડૂતોને ખરીફપાકનો વીમો ઉતરાવવા માટે કુલ વીમાની રકમના બે ટકા પ્રીમિયમ ચૂકવવાનું હોય છે.

જ્યારે રવીપાક અને વેપારી-બાગાયતી પાકો માટે પ્રીમિયમનો દર અનુક્રમે દોઢ અને પાંચ ટકાનો હોય છે.

નોંધનીય છે કે આ યોજનામાં ખેડૂતો દ્વારા ચૂકવાતી રકમ ઉપરાંત ચૂકવાતી પ્રીમિયમની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્તપણે ચૂકવવામાં આવે છે.

વડા પ્રધાન પાકવીમા યોજના અંતર્ગત પાકવીમાની નુકસાની પેટે દાવો કરવા માટે ખેડૂતોએ ત્રણ દિવસમાં અરજી કરવાની હોય છે.

જે પછીના સાત દિવસની અંદર જે-તે વીમાકંપની દ્વારા નુકસાનીની આકારણી કરવાનું કામ પૂરું કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે.

આકારણી કરાયા પછીના 15 દિવસની અંદર જ વીમાકંપની દ્વારા ખેડૂતોને નાણાંની ચૂકવણી કરી દેવાનું ઠરાવવામાં આવ્યું છે.

પરંતુ, જાણકારોને મતે ભાગ્યે જ વીમાકંપની દ્વારા આ સમયમર્યાદાનું પાલન કરવામાં આવે છે.

સામાન્યપણે પાકનુકસાનીનું વળતર ચૂકવવામાં વીમાકંપનીઓ દ્વારા સરળતાથી છ મહિના પસાર કરી દેવામાં આવે છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સમયમર્યાદા બાદ પણ દાવાની રકમ કરતાં ખૂબ જ ઓછાં નાણાં ચૂકવાતાં હોવાની પણ વ્યાપક ફરિયાદો ખાનગી વીમાકંપનીઓ વિરુદ્ધ અવારનવાર ઊઠતી રહે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો