પ્રિયાંશ આર્ય : વર્ષ પહેલાં IPLમાં 'અનસોલ્ડ' રહેનાર પ્લેયરની ઓવરમાં છ છગ્ગાથી 'ફાસ્ટેસ્ટ સદી' સુધીની સફર

ઇમેજ સ્રોત, BCCI/IPL
મંગળવારે આઇપીએલની 22મી મૅચમાં પંજાબ કિંગ્સનો પાંચ પાંચ વખત આઇપીએલની વિજેતા બનેલી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ સામે ભવ્ય વિજય થયો હતો.
પંજાબ માટે જીતના હીરો રહ્યા હતા માત્ર 24 વર્ષીય પ્રિયાંશ આર્ય, જેમણે માત્ર 39 બૉલમાં આ સિઝનની સૌથી ફાસ્ટેસ્ટ સદી નોંધાવીને ચેન્નાઈની હારનો પાયો નાંખ્યો હતો. તેમણે 42 બૉલમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સની ટીમે પંજાબના મહારાજ યાદવીન્દ્રસિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી મૅચમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પંજાબે 20 ઓવરમાં પ્રિયાંશની ઇનિંગના દમ પર છ વિકેટના નુકસાને 219 રન ખડકી દીધા હતા.
જેના જવાબમાં ચેન્નાઈ સુપરકિંગ્સ પાંચ વિકેટે 201 રન જ બનાવી શકી હતી. પંજાબની ટીમ 18 રને આ મૅચ જીતી ગઈ હતી. શતકવીર પ્રિયાંશ આર્ય મેન ઑફ ધ મૅચ બન્યા હતા.
પ્રિયાંશની ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબના ઓપનર અને લેફ્ટ હેન્ડર બૅટ્સમૅન પ્રિયાંશ એક બાજુ ક્રીઝ પર ટકેલા હતા, જ્યારે પંજાબના અન્ય ટૉપ ઑર્ડર બૅટ્સમૅન તેમનો સારો સાથ નહોતા આપી શક્યા. એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી. છતાં પ્રિયાંશે પોતાની ફટકાબાજી ચાલુ રાખી.
આ ફટકાબાજીના દમ પર તેઓ નવ છગ્ગાની સાથે આઇપીએલના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી નોંધાવનાર ખેલાડી બની ગયા.
નોંધનીય છે કે આ યાદીમાં પ્રથમ ક્રમે યુસુફ પઠાણ છે. જેમણે વર્ષ 2010ની આઇપીએલ સિઝનમાં માત્ર 37 બૉલમાં સદી ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયાંશે પોતાની ઇનિંગની શરૂઆત જ પૉઇન્ટ ઉપરથી છગ્ગો ફટકારીને કરી હતી. જોકે, ઇનિંગના બીજા બૉલે, 35 અને 74 રનના વ્યક્તિગત સ્કોર પર તેમના કૅચ છૂટી ગયા હતા અને આઉટ થતાં થતાં બચ્યા હતા. આમ, તેમને કુલ ત્રણ વખત જીવનદાન મળ્યાં હતાં. તેમણે આ તકનો જાણે ભરપૂર લાભ ઉઠાવ્યો હોય એમ પોતાની ઇનિંગમાં ચારેકોર શૉટ ફટકારવાનું ચાલુ રાખ્યું.
પોતાની પ્રથમ આઇપીએલ ઝનમાં રમી રહેલા પ્રિયાંશે આ ઇનિંગમાં પોતાના શૉટ્સના વૈવિધ્યથી ઘણાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
દિલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં છ છગ્ગાથી બન્યું મોટું નામ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ઑગસ્ટ 2024માં પ્રિયાંશે દિલ્હી પ્રીમિયર લીગમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને ભારતીય ક્રિકેટજગતના માંધાતાઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
બાદમાં આઇપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સે આ યુવાન ખેલાડીને 3.8 કરોડ રૂ.ની જંગી રકમ ચૂકવી પોતાની ટીમમાં સામેલ કરતાં તેઓ સમાચારોમાં છવાઈ ગયા હતા.
મંગળવારે ન્યૂ ચંદીગઢના મેદાનમાં પોતાની દમદાર બેટિંગથી આ યુવાને પોતાની પ્રતિભાનો દમ પણ દેખાડી દીધો.
ચેન્નાઈના અનુભવી બૉલરો પ્રિયાંશના ઝંઝાવાતને રોકવામાં નિષ્ફળ સાબિત થયા.
વર્ષ 2024માં દિલ્હી પ્રીમિયર લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝની ટીમમાંથી રમતી વખતે પ્રિયાંશે નૉર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સના સ્પિનર મનન ભારદ્વાજની ઓવરમાં છ છગ્ગા ફટકારી વર્ષ 2007ના ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં યુવરાજસિંહ કરી બતાવેલા કંઈક આવા જ કારનામાની ઝલક દેખાડી હતી.
પ્રિયાંશ : 2024ની આઇપીએલ હરાજીમાં રહ્યા 'અનસોલ્ડ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબ કિંગ્સની વેબસાઇટ પર મુકાયેલી વિગતો અનુસાર પ્રિયાંશનો જન્મ દિલ્હીમાં 18 જાન્યુઆરી 2001ના રોજ થયો હતો.
તેઓ ડાબોડી બૅટ્સમૅન હોવાની સાથોસાથ જમણા હાથે ઑફ બ્રેક બૉલિંગ પણ કરે છે.
માત્ર સાત વર્ષની ઉંમરથી કારકિર્દીનો આરંભ કરી સંજય ભારદ્વાજની મેન્ટરશિપ હેઠળ પ્રિયાંશ એક ક્રિકેટર તરીકે ઘડાયા.
નોંધનીય છે કે ભારદ્વાજ ગૌતમ ગંભીર અને ઉન્મુક્તચંદના પણ કોચ રહી ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટવિશ્વમાં પ્રિયાંશ વર્ષ 2023-24માં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીથી જાણીતું નામ બની ગયા.
તેઓ દિલ્હી માટે આ ટુર્નામેન્ટમાં ટૉપ સ્કોરર રહ્યા હતા.
2024માં આઇપીએલની હરાજીમાં તેઓ 'અનસોલ્ડ' રહ્યા હતા.
જેનાથી તેમનું મનોબળ વધુ દૃઢ બન્યું.
વર્ષ 2024માં દિલ્હી પ્રીમિયર લીગની પ્રથમ સિઝન રમાઈ રહી હતી. આ ટુર્નામેન્ટમાં આર્યે આઠ ઇનિંગમાં 576 રનનો ખડકલો કરી દીધો.
પુરાની દિલ્હીની ટીમ સામે આ ટુર્નામેન્ટમાં તેમણે 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે નૉર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સ સામે તો માત્ર 50 બૉલમાં 120 રન ખડકી દીધા હતા.
આ જ ઇનિંગમાં તેમણે છ બૉલમાં છ છગ્ગા ફટકારવાનું કારનામું પણ કરી બતાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












