ભારતનું ક્રિકેટમાં 'એકતરફી પ્રભુત્વ', ICC પર ભારતને ફાયદો કરાવવાના કેવા આરોપ થાય છે?

ચૅમ્પિયન્સ ટ્રૉફી, દુબઈ, ભારત અને પાકિસ્તાન, આઈસીસી, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ સાથે ભારતના કૅપ્ટન રોહિત શર્મા ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યા બાદ નજરે પડે છે.
    • લેેખક, મૅથ્યૂ હેન્રી
    • પદ, બીબીસી ખેલ પત્રકાર, દુબઈ

આ મૅચનો અંત જ્યાંથી ચૅમ્પિયન્સ ટ્રૉફીની શરૂઆત થઈ ત્યાંથી 1000 કિમી દૂર, અને જ્યાં ચૅમ્પિયન્સ ટ્રૉફીનો અંત થવાનો હતો એ જગ્યાએથી 2000 કિમી દૂર થયો હતો.

ગત રવિવારે દુબઈમાં રમાયેલી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામે ચાર વિકેટે વિજય મેળવ્યો હતો અને 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીનો તાજ પહેર્યો હતો.

ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં મેળવેલા વિજય પછી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ મેળવેલી જીતને કારણે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં ભારતનું સ્થાન સૌથી મજબૂત બન્યું છે. અમદાવાદમાં 50 ઓવરના વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી હારમાંથી પણ ભારત ઉગરી ચૂક્યું છે એવું કહી શકાય.

ભારતના હજારો ક્રિકેટપ્રેમીઓએ દુબઈના રણમાં આ જીતની ઉજવણી કરી હતી. પરંતુ ભારતનું આ ટુર્નામેન્ટમાં અજેયપણું એ આ રમતને જે લોકો ચલાવી રહ્યા છે એવા લોકો માટે ચેતવણી સમાન છે.

ભારતને 'દુબઈનો લાભ' મળ્યો?

ચૅમ્પિયન્સ ટ્રૉફી, દુબઈ, ભારત અને પાકિસ્તાન, આઈસીસી, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની તમામ મૅચ દુબઈમાં એક જ સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યારે અન્ય ટીમોની મૅચ પાકિસ્તાનમાં પણ હતી અને તેમને ભારત સામે રમવા દુબઈ આવવું પડતું હતું.

ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું, પરંતુ ભારતની મૅચો દુબઈમાં રમાઈ હતી.

એવું લાગતું હતું કે દુબઈમાં ભારતની મૅચો એ મુખ્ય આકર્ષણ છે જ્યારે વધ્યું-ઘટ્યું ક્રિકેટ પાકિસ્તાનમાં રમાઈ રહ્યું છે.

તમામ ટીમો ભારતની ટીમના 11 સુપરસ્ટાર્સ સામે રમવા માટે જાણે કે ઉડાણ ભરીને એવી જગ્યાએ જઈ હતી જ્યાં મોટાભાગના હજારો પ્રેક્ષકો પણ આ જ ભારતના ખેલાડીઓનું સમર્થન કરી રહ્યા હતા.

સવાલ એ ઉઠે છે કે જે રીતે દુબઈમાં હાર્દિક પંડ્યાની ઓળખ કરાવતું એનાઉન્સમેન્ટ 'કુંગ-ફુ પાન્ડ્યા' તરીકે કરાવવામાં આવ્યું શું એવી રીતે લાહોરમાં કરાવવામાં આવ્યું હોત?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખરેખર, એવું થયું હોત? એનો જવાબ આપણી પાસે નથી.

ભારતે ડિસેમ્બરમાં જ ઍલાન કરી દીધું હતું કે તે બંને દેશો વચ્ચે લાંબાગાળાથી ચાલી રહેલા તણાવને પગલે પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય.

ભારતના આ નિર્ણય પછીથી જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.

શું ભારત વગર ટુર્નામેન્ટ રમી શકાય? આઈસીસીની આવકનો મોટાભાગનો હિસ્સો, અંદાજે 80 ટકા ભારતના માર્કેટમાંથી આવે છે.

શું 29 વર્ષ પછી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલા પાકિસ્તાન પાસેથી છેલ્લી ઘડીએ આયોજન છીનવી લેવું? એ પણ શક્ય નહોતું.

અંતે નિર્ણય એવો થયો કે ભારત તેની ટુર્નામેન્ટ એક જ શહેરમાં રમશે, એક જ હોટલમાં રહેશે, જેનો તેને ટુર્નામેન્ટમાં પણ ફાયદો મળ્યો તેવું કહી શકાય.

ન્યૂઝીલૅન્ડે મૅચ રમવા માટે અંદાજે 7000 કિમીની સફર કાપી હતી જ્યારે ભારતના કોઈ ખેલાડીએ કેટલું અંતર કાપ્યું? હળવા શબ્દોમાં કહીએ તો ફાઇનલમાં રચીન રવીન્દ્રની વિકેટ લીધા પછી કુલદીપ યાદવે ઉજવણી કરવા માટે જેટલી દોટ મૂકી એટલું જ.

જોકે, ભારતે આ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. જોકે, મોહમ્મદ શમી એટલું બોલી ગયા હતા કે પરિસ્થિતિઓની તેમને સેમિફાઇનલ પછી 'ચોક્કસ' મદદ મળી છે. જોકે, એ પહેલાં કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જેમને પણ આવું લાગે છે તેમણે ખુદ વિચારવાની જરૂર છે.

અન્ય ટીમોના ખેલાડીઓ પણ મોટેભાગે આ વિશે બોલ્યા નથી. જોકે, દક્ષિણ આફ્રિકાના ડૅવિડ મિલરે કહ્યું હતું કે તેઓ ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને સમર્થન આપશે.

પ્રાઇવેટમાં તમે કોઈ ખેલાડી સાથે વાત કરો તો ખ્યાલ આવશે કે ભારતની ક્રિકેટમાં જેટલી સત્તા છે તેને નજરઅંદાજ કરી શકાય તેવી નથી અને તેઓ પણ ચિંતિત છે. ક્રિકેટ આ રસ્તે જઈ રહ્યું છે એ આપણે સ્વીકારવું રહ્યું.

ભારતના માર્કેટનો ફાયદો મળે તે રીતે આયોજન

ચૅમ્પિયન્સ ટ્રૉફી, દુબઈ, ભારત અને પાકિસ્તાન, આઈસીસી, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુબઈમાં ભારતીય ટીમના સમર્થકો

2023માં પણ ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલની મિનિટો પહેલાં જ પીચ બદલવાનો જે નિર્ણય થયો હતો તેને લઈને વિવાદ થયો હતો, કથિતપણે એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ પીચથી ભારતના સ્પિનરોને મદદ મળી શકે તેમ હતી.

આઠ મહિના પહેલાં ટી-20 વર્લ્ડકપમાં પણ જ્યારે ભારતે ગુયાનામાં ઇંગ્લૅન્ડને સેમિફાઇનલમાં હરાવ્યું ત્યારે પણ માત્ર રોહિત શર્મા જ એક એવા કૅપ્ટન હતા જેમને ખ્યાલ હતો કે તેમની મૅચો ક્યાં રમાવાની છે.

આ વખતે પણ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતના લોકલ માર્કેટનો ફાયદો મળે એ રીતે મૅચને બપોરે અઢી વાગ્યાથી રમાડવામાં આવી હતી. આ વખતે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ભારતની છેલ્લી ગ્રૂપ મૅચ રવિવારના દિવસે રમાય જેથી કરીને ભારતમાં હાઇએસ્ટ ટીવી વ્યૂઅરશિપનો ફાયદો મળી શકે.

જે રીતે ભારતની આ મૅચનું આયોજન કરવામાં આવ્યું તેનાથી દક્ષિણ આફ્રિકાની ટીમને દુબઈ રમવા જવું પડ્યું હતું અને પછી માત્ર 24 કલાકથી ઓછા સમયમાં પાકિસ્તાન પાછા ફરવું પડ્યું હતું.

અહીં આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જો કોઈ ટીમ ટુર્નામેન્ટની યજમાની કરી રહી છે અને તેને હૉમગ્રાઉન્ડનો ફાયદો મળે છે એ અલગ વસ્તુ છે.

'ગમે ત્યાં મૅચ રમાઈ હોત, ભારતની ટીમ જ પ્રબળ દાવેદાર'

ચૅમ્પિયન્સ ટ્રૉફી, દુબઈ, ભારત અને પાકિસ્તાન, આઈસીસી, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની વિજેતા ટીમ

જોકે, આ બધી બાબતોમાં ભારતના ખેલાડીઓનો કોઈ વાંક નથી.

રોહિત અને કોહલી 50 ઓવરની રમતના મહાન ખેલાડીઓ પૈકીના એક છે એ વાતમાં કોઈ બે-મત નથી. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ અને ચોગ્ગો ફટકારીને જીતાડનાર રવીન્દ્ર જાડેજા પણ એ જ શ્રેણીમાં આવે છે.

ભારતની ટીમની તાકાતને જોતાં એવું પ્રતીત થાય છે કે જ્યાં પણ ટુર્નામેન્ટ રમાઈ હોત, એ ભારતે જ જીતી હોત. ભારતની ટીમનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું કે જસપ્રીત બુમરાહ ટીમમાં નથી એ પણ ભુલાઈ ગયું.

2031 સુધી દર વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફી, ટી-20 કે પછી 50 ઓવરનો વર્લ્ડકપ- એવું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે એ કદાચ 'પૈસાનું ઉત્પાદન કરતી' આઇપીએલની સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટને ટકાવી શકે.

પરંતુ તેના બદલે વારંવાર તેના આયોજનને કારણે, સમાન પૅટર્નમાં આયોજનને કારણે કદાચ જેટલો બદલાવ તેનાથી અપેક્ષિત હતો તે શક્ય બન્યો નથી.

ભારતની સાથે સેમિફાઇનલમાં રમી રહેલાં ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા કે ન્યૂઝીલૅન્ડ જેવાં દેશોના પ્રિન્ટ મીડિયામાં કામ કરતા કોઈ પત્રકારો પણ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં હાજર નહોતા.

આ ટુર્નામેન્ટનો કાર્યક્રમ પણ માત્ર 57 દિવસ પહેલાં જ જાહેર થયો હતો.

ગુયાનામાં જે સેમીફાઇનલ રમાઈ હતી ત્યાં જવા માટે તો બ્રિટન જેવા દેશોમાંથી ફ્લાઇટ્સની પણ કમી હતી અને આ દેશમાં જવા માટે અમેરિકી સત્તાવાળાઓએ તો સુરક્ષાના ધોરણસર ન જવા માટે પણ સલાહ આપી હતી.

દુર્ભાગ્યવશ, ક્રિકેટમાં આવી બાબતોને વધુ ધ્યાને લેવામાં આવતી નથી.

હવે પછી રમાનાર વિમૅન્સ વર્લ્ડકપ અને પુરુષોના ટી-20 વર્લ્ડકપમાં પણ આવી જ કંઈક પરિસ્થિતિઓ રહેશે તેવી શક્યતા છે.

બંનેનું મુખ્ય આયોજન ભારતમાં છે અને ટી-20નું આયોજન શ્રીલંકામાં સંયુક્તપણે છે. પણ જો પાકિસ્તાન ક્વૉલિફાઈ થશે તો તેને શું ભારત જેવો 'લાભ' મળશે કે નહીં એ જોવાનું રહ્યું.

એ સિવાય ચૅમ્પિયન્સ ટ્રૉફીની ટુર્નામેન્ટમાં ઘણી આશાસ્પદ ઘટનાઓ પણ બની છે.

ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન જોશ ઇંગ્લિશની ઇંગ્લૅન્ડ સામેની સદી હોય કે પછી રચીન રવીન્દ્રનો સતત આગામી પેઢીના સ્ટાર તરીકે ઉદય હોય, કે પછી અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈની સદી- આ બધી ઘટનાઓએ ક્રિકેટની રમતને જોઈતું ઇંધણ અવશ્ય પૂરું પાડ્યું છે.

એ પણ સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ઘટની ગુણવત્તા એ મોટો ખતરો નથી, પરંતુ તેના પ્રત્યેની ઉદાસીનતા જરૂર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.