ગુજરાત : ઘૂંટણની ગાદી ફાટી છતાં 70 વર્ષની વયે દોડમાં મેડલ જીતનાર મહિલાની કહાણી

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"હવે તો લોકો મને દોડતી જોવા ટેવાઈ ગયા છે, પણ મને યાદ છે કે પાંચેક વર્ષ પહેલાં જ્યારે હું મેદાન પર દોડતી ત્યારે ઘણા લોકોને કુતૂહલ થતું કે આ બહેન આ ઉંમરે કેમ દોડે છે? કેટલાક લોકો તો એવું પણ કહેતા કે બહેન આ પાંસઠની ઉંમરે તમે શું માંડ્યું છે? તમે શરીર સાચવો, આમ દોડશો તો તકલીફ થશે. એ વખતે હું તેમને કહેતી કે હું દોડું છું એટલે જ શરીર સચવાય છે."
આ શબ્દો છે સિત્તેર વર્ષના શકુંતલાબહેનના. જે ઉંમરે મહિલાઓ ઘરકામ પણ માંડ કરી શકે, ઉંમરના એ પડાવે શકુંતલાબહેને દોડ સ્પર્ધામાં મેડલો જીત્યા છે.
શકુંતલાબહેને ચારેક મહિના અગાઉ મલેશિયામાં યોજાયેલી માસ્ટર્સ ઍથ્લેટિક્સ ઇવેન્ટમાં 200 મીટર દોડમાં રજત અને 400 મીટર દોડમાં કાંસ્યપદક મેળવ્યા હતા.
પાંસઠથી સિત્તેરનું વયજૂથ ધરાવતા લોકો માટે એ સ્પર્ધા હતી. નેપાળમાં યોજાયેલી સ્પ્રીન્ટ રનિંગ સ્પર્ધામાં એમણે ગોલ્ડ મેડલ મળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સ્તરે તેમણે દોડ – ઍથ્લેટિક્સમાં ઘણા મેડલ મેળવ્યા છે.
અમદાવાદના મોટેરા વિસ્તારમાં ક્લબના એક મેદાનમાં પાંચસો મીટરના બે રાઉન્ડ લગાવ્યા પછી બે ઘૂંટડા પાણી પીને બીબીસી ગુજરાતી સાથે તેઓ વાત માંડે છે.
તેઓ કહે છે કે, "છેલ્લાં બે વર્ષમાં મેં ત્રીસથી વધારે મેડલ્સ મેળવ્યા છે."
પચાસેક વર્ષની વયે તેમની ઍથ્લેટિક્સની સફર શરૂ થઈ હતી.
શકુંતલાબહેન કહે છે કે, "સામાન્ય રીતે આ ઉંમરના પડાવે લોકો નિવૃત્તિનું આયોજન કરતા હોય છે પણ મેં યૂ ટર્ન લઈને યુવાનોની જેમ શરૂઆત કરી. મને સમજાયું કે શારીરિક અને માનસિક રીતે નિરામય રહેવું હોય તો ઉંમરની કોઈ બાધા હોતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'કંઈ પણ થઈ જાય પણ હું ઑપરેશન નહીં કરાવું'

ઇમેજ સ્રોત, Tejas Vaidya
આફત ક્યારેક અવસરમાં પલટાઈ જતી હોય છે. શકુંતલાબહેનના કિસ્સામાં એવું જ થયું હતું.
એમના જીવનમાં એક તબક્કો એવો આવ્યો હતો કે તેઓ ભવિષ્યમાં ચાલી શકશે કે કેમ એવો સવાલ ઊભો થયો હતો.
પોતાની વાત આગળ ધપાવતાં શકુંતલાબહેન કહે છે કે, "હું પિસ્તાળીસ વર્ષની હતી ત્યારે મને મિનીસ્કસ ટેર એટલે કે ગોઠણમાં ગાદી ફાટી જવાની સમસ્યા થઈ હતી. અમદાવાદમાં એકથી વધુ ડૉક્ટર્સને બતાવ્યું તો તેમણે ની-રિપ્લેસમેન્ટ કરાવવાનું કહ્યું હતું."
"મેં નક્કી કર્યું કે કંઈ પણ થઈ જાય પણ હું ઑપરેશન નહીં કરાવું. એ પછી ફિઝિયોથૅરપીની શરૂઆત થઈ. એ વખતે એમાં જે એક્સરસાઇઝથી શરૂઆત થઈ તેમાં મને મજા પડવા લાગી. તેના દ્વારા હું રનિંગ સુધી પહોંચી અને પછી વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી થઈ હતી. એ પછી મેં અમદાવાદમાં ઍરોબિક્સના ક્લાસ પણ શરૂ કર્યા છે."
'શકુંતલાબહેનને જોઈને અમને પણ દોડવાનો રોમાંચ જાગે છે'

ઇમેજ સ્રોત, Tejas Vaidya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શકુંતલાબહેનના ઍરોબિક્સ ક્લાસમાં અલગ-અલગ ઉંમરની ઘણી બહેનો આવે છે. ત્યાં ઍરોબિક્સ માટે આવતાં હેમાબહેન સબનાની કહે છે કે, "શકુંતલાબહેનમાંથી અમને ખૂબ પ્રેરણા મળે છે. હું તેમને ત્યાં ઍરોબિક્સ કરવા નિયમિત આવવા માંડી એને લીધે મારે ગળામાં દુખાવાને કારણે જે પટ્ટો પહેરવો પડતો તો હવે નથી પહેરવો પડતો. આ સિવાય ઢીંચણનો દુખાવો પણ દૂર થયો છે. તેમને દોડતા જોઈને અમને પણ દોડવાનો રોમાંચ થાય છે."
રવિના નામના પંચાવન વર્ષીય મહિલા તેમનું વજન ઉતારવા આવ્યાં હતાં અને તેમણે દોડની સ્પર્ધામાં ભાગ લઈને મેડલ્સ પણ મેળવ્યા છે.
તેઓ કહે છે કે, "છ વર્ષ પહેલાં મેં શકુંતલાબહેનને ત્યાં ઍરોબિક્સ શરૂ કર્યું હતું. એ વખતે મારું શરીર એટલું ભારે હતું કે હું કમરથી વળી શકતી નહોતી. મને ત્રણ મહિના તો ઍરોબિક્સ શીખવામાં થયા. ધીમેધીમે શરીર કેળવાયું. હવે હું દોડી તો શકું જ છું, પણ આ સિવાય ડાન્સ પણ કરી શકું છું."
તેઓ કહે છે, "શકુંતલાબહેનમાંથી પ્રેરણા લઈને મેં પણ સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. રાજ્ય સ્તરની દોડની સ્પર્ધા યોજાઈ તેમાં મેં નડિયાદ અને ભુજમાં ભાગ લીધો અને મેડલ્સ પણ મેળવ્યા."
'મમ્મી મારી પાવરહાઉસ છે'

ઇમેજ સ્રોત, Tejas Vaidya
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી કંઈક અલગ કે નવું કરવા માગે તો તેમણે વિઘ્નદોડની જેમ અનેક અંતરાયોમાંથી પસાર થવું પડે છે.
શકુંતલાબહેન કહે છે કે, "એમાંય મોટી ઉંમરની સ્ત્રીઓ કંઈ કરે તો સમાજની ટીકાનો ભોગ બન્યાં વગર રહેતી નથી. પહેલો અંતરાય પરિવારમાંથી જ આવતો હોય છે. પછી પડોશી અને સમાજ પણ એ સ્ત્રીને હતોત્સાહ કરતા હોય છે. મારે પણ આ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. એ સ્થિતિને અવગણીને મેં મારું કામ આગળ વધાર્યું છે. અત્યારે એ લોકો મારા કામની પ્રસંશા કરી રહ્યા છે જેઓ ટીકાકાર હતા."
શકુંતલાબહેનના ઍરોબિક્સ ક્લાસિસમાં તેમનાં દીકરી સૌમ્યા પણ તેમની સાથે ફિટનેસ અંગે તાલીમ અને માર્ગદર્શન આપે છે. સૌમ્યા માતાને પ્રેરણાનું પાવરહાઉસ માને છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
સૌમ્યા કહે છે કે, "કોઈ જ્યારે મારાં મમ્મી સાથે સેલ્ફી લે ત્યારે મને ગૌરવ થાય છે. હું ભલે યુવાન હોઉં પણ સ્ફૂર્તિની બાબતે મારી મમ્મી ચઢિયાતી છે. હું જોઉં છું કે સમાજમાં સ્ત્રી સંસાર તો તરી જાય છે પણ એને સ્વિમિંગ-પૂલમાં જવા માટેની મંજૂરી નથી મળતી. એક સ્ત્રી ત્યારે સફળ નથી થતી જ્યારે એ કોઈ સ્પર્ધામાં મેડલ મેળવે છે, પણ ત્યારે સફળ થાય છે જ્યારે તેનામાંથી અન્ય કોઈ સ્ત્રીને પ્રેરણા મળે છે અને તે સંસાર – સમાજના ઢાંચા તોડીને બહાર આવે છે."
"સ્ત્રીઓ માટે આ જગતમાં અનેક ચોકઠાં કે ઢાંચા છે જેમાં તેને ફિક્સ કરી દેવામાં આવે છે. પછી એ ચોકઠું રસોડું હોય કે પરિવારની પરંપરાના નામે ચાલતી પ્રથા. આ સંજોગોમાં કોઈ સ્ત્રી એ ઢાંચા તોડીને નવો દાખલો બેસાડે છે ત્યારે તેના જેવી અનેક સ્ત્રીને એમાંથી દિશા અને માર્ગદર્શન મળે છે. મારી મમ્મીએ કંઈક આવું જ કર્યું છે."
શકુંતલાબહેન સ્વિમિંગ તેમજ યોગ પણ સરસ રીતે કરે છે.
તેઓ કહે છે કે, "ઍરોબિક્સની રોજની મારી બે કલાકની એક્સરસાઇઝ હોય છે. જેમાં બહેનોને તાલીમ આપું છું. હું એક કિલોમીટર સુધી સળંગ સ્પ્રીન્ટ એટલે કે ફાસ્ટ રનિંગ કરી શકું છું."
જો ધગશ અને આત્મવિશ્વાસ હોય તો વ્યક્તિની ઉંમર એ માત્ર એક નંબર છે. આ વાતની સાબિતી આપતા શકુંતલાબહેનની કહાણી અનેકો મહિલાને અવરોધોને અવગણીને લક્ષ્ય તરફ દોડ લગાવવાં માટે આહ્વાન કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













