સુરત: ડોનાલ્ડ ટ્રમ્પના ટૅરિફથી હીરા ઉદ્યોગમાં નોકરીઓ જશે?

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ
સુરતમાં આશરે 8 લાખ રત્ન કલાકારો અને બ્રોકર્સ, ટ્રેડર્સ મળીને 10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં આશરે 8 લાખ રત્ન કલાકારો અને બ્રોકર્સ, ટ્રેડર્સ મળીને 10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા આકરાં ટેરિફના કારણે ભારતીય ડાયમંડ અને જ્વેલરી સેક્ટરને મોટો આંચકો લાગવાનો છે.

ખાસ કરીને સુરતમાં તેની વિશેષ અસર જોવા મળશે જ્યાં આઠથી 10 લાખ લોકો હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને અમેરિકા તેનું મુખ્ય માર્કેટ છે.

અત્યાર સુધી પૉલિશ્ડ ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી લાગતી હતી જે હવે વધારીને 26 ટકા કરવામાં આવી છે.

આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી પર 5.5 ટકાથી સાત ટકા ડ્યૂટી હતી, જે વધીને 31.5 ટકાથી લઈને 33 ટકા થશે.

સિલ્વર જ્વેલરી પરની ડ્યૂટી પાંચ ટકાના બદલે વધીને 31 ટકા થશે. લૅબગ્રોન ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી હતી જે વધીને 26 ટકા થશે.

જાણકારોનો મત છે કે આટલાં ઊંચાં ટેરિફના કારણે ડાયમંડ યુનિટ પાસે કામકાજ ઘટી જવાનો અને પહેલેથી મંદીનો સામનો કરતી આ ઇન્ડસ્ટ્રીમાં બેરોજગારી વધે તેવો ભય ઊભો થયો છે.

સુરતના હીરા ઉદ્યોગ સામે પડકાર

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં રત્ન કલાકારોને યોગ્ય વેતન નથી મળતું તેવી લાંબા સમયથી ફરિયાદ રહી છે.

ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મુશ્કેલ સ્થિતિનો સામનો કરે છે જેમાં વિદેશમાં જ્વેલરીની માંગ ઘટી છે.

ગ્રાહકો ખાસ કરીને લૅબગ્રોન ડાયમંડ (એલજીબી) ખરીદતા થયા છે જે સસ્તા પડે છે. આ ઉપરાંત રશિયાથી આવતા ડાયમંડ પર જી7 સમૂહે પ્રતિબંધ નાખ્યો છે. અમેરિકા અને ચીનનાં બજારોમાં પહેલેથી નરમાઈ હતી.

ભારત એ ડાયમંડ કટિંગ અને પૉલિશિંગનું સૌથી મોટું હબ છે અને દુનિયાભરમાં દર 10માંથી 9 ડાયમંડને ભારતમાં પ્રોસેસ કરવામાં આવે છે. એટલે કે આ ક્ષેત્રે ભારત 80 ટકા બજારનો હિસ્સો ધરાવે છે.

રૉયટર્સના અહેવાલ મુજબ ભારત દર વર્ષે 32 અબજ ડૉલરની જેમ ઍન્ડ જ્વેલરીની નિકાસ કરે છે તેમાં એકલા અમેરિકામાં 10 અબજ ડૉલરની નિકાસ થાય છે, એટલે કે અમેરિકા 30 ટકાથી વધારે માર્કેટ ધરાવે છે. 2023-24ના વર્ષમાં નિકાસમાં 14.5 ટકા ઘટાડો થયો હતો.

સુરત ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ શું માને છે?

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન દિનેશ નાવડિયા

અમેરિકાનું બજાર પહેલાં જેવું આકર્ષક નહીં રહે, નિકાસમાં ઘટાડો થશે અને સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ચોક્કસ અસર પડશે એવું ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ માને છે.

ઇન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ (આઈડીઆઈ)ના ચૅરમૅન તથા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સ્પૉર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ દિનેશ નાવડિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "ટ્રમ્પે લાદેલાં ટેરિફના કારણે હીરા ઉદ્યોગને મોટો આંચકો સહન કરવો પડશે. હીરા ઉદ્યોગની 35 ટકા નિકાસ અમેરિકામાં ડાયરેક્ટ થતી હતી. 2023-24માં તેની 9.98 અબજ ડૉલરની યુએસમાં નિકાસ કરી હતી અને ગયા વર્ષે 11.58 અબજ ડૉલરની નિકાસની અપેક્ષા હતી."

તેમણે કહ્યું કે "હવે 100 ડૉલરની ચીજનો ભાવ વધીને 126 ડૉલર થઈ જાય તો સ્વભાવિક છે કે માંગને અસર થવાની છે."

દિનેશ નાવડિયાએ બીબીસીને જણાવ્યું કે "ટેરિફની જાહેરાત પછી તમામ ઑર્ડર અટકી ગયા છે. હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં થોભો અને રાહ જુઓની સ્થિતિ છે."

અગ્રણી ડાયમંડ નિકાસકાર કંપની સંઘવી એક્સ્પૉર્ટ્સના ચૅરમૅન ચંદ્રકાંત સંઘવી માને છે કે હીરા ઉદ્યોગમાં પહેલેથી માંગ નબળી હતી તેવામાં આ વધુ એક ફટકો છે.

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, PRAJAKTA POL/BBC

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે મોટી યોજનાઓ સાથે શરૂ કરવામાં આવેલા ડાયમંડ બુર્સનું કામકાજ પણ ઘટી શકે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચંદ્રકાંત સંઘવીએ કહ્યું કે "ડાયમંડ ખરીદતી ઘણી કંપનીઓએ આ રેટ પર ખરીદી અટકાવી દીધી છે. ભારતના સ્થાનિક બજારને કદાચ વાંધો નહીં આવે. યુરોપમાં પણ કદાચ માંગ જળવાઈ રહેશે. પરંતુ અમેરિકાએ મહત્ત્વનું બજાર છે અને તેની ખોટ ભરવી મુશ્કેલ છે."

તેમણે કહ્યું કે, "લૅબગ્રોન ડાયમંડના કારણે પહેલેથી રિયલ ડાયમંડની માંગને અસર થઈ હતી. આ ચીજ પહેલેથી કિંમતી છે અને હવે ટેરિફના કારણે કિંમત ઘણી વધી જશે."

સુરતમાં મૅન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા સુધીરભાઈ મોવળિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "રફ ડાયમંડના ભાવ સ્થિર થવાથી સ્થિતિમાં ધીમો સુધારો જોવા મળતો હતો, પરંતુ ટેરિફે બધું અસ્થિર કરી નાખ્યું છે."

તેઓ કહે છે, "સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની લગભગ 80 ટકા નિકાસ અમેરિકામાં થાય છે. આ ઉપરાંત દુબઈ, હૉંગ-કૉંગ, ઑસ્ટ્રેલિયા અને યુરોપનાં બજારો પણ છે. પરંતુ અમેરિકાની તોલે આવી શકે એવું કોઈ માર્કેટ નથી. તેથી નવાં ટેરિફના દર સૌને નડશે."

તેવી જ રીતે સુરતમાં ડાયમંડ યુનિટ ચલાવતા અન્ય એક ઉત્પાદક વિવેક ધામતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "તાજેતરમાં બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને થોડી ખરીદી શરૂ થઈ હતી, તેવામાં ટેરિફ નાખવામાં આવ્યો જેનાથી ઉદ્યોગને આંચકો લાગ્યો છે."

રોજગારી પર અસર પડવાની શક્યતા

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, ANI

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના દિનેશ નાવડિયાના કહેવા પ્રમાણે, "હીરા ઉદ્યોગની સમસ્યાથી વ્યાપક રોજગારી પર પણ અસર જોવા મળશે કારણ કે સુરતમાં લગભગ 8 લાખ રત્ન કલાકારો છે અને બીજા દોઢ લાખ લોકો પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેમાં ઉત્પાદકો, બ્રોકર્સ અને ટ્રેડર્સ સામેલ છે. આવી સ્થિતિમાં અફવાઓનું બજાર પણ ગરમ છે."

સુરતમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે સૌથી મોટું ડાયમંડ બુર્સ પણ બનાવવામાં આવ્યું છે જે પેન્ટાગોન કરતાં પણ વધુ ક્ષેત્રફળ ધરાવે છે.

ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દિનેશ નાવડિયા માને છે કે ડાયમંડ બુર્સ એક ટ્રેડ સેન્ટર જ છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામકાજ જ ઘટી જશે ત્યારે ડાયમંડ બુર્સની કામગીરીને પણ અસર પડશે.

જોકે, તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ પૉઝિટિવ છે. તેઓ માને છે કે સોનાનો ભાવ 10 ગ્રામે 45 હજારથી વધીને 90 હજાર થયો તો પણ ભારતમાં સોનાની ખરીદીમાં 13 ટકા વધારો થયો હતો. તેથી જેમને ડાયમંડ કે જ્વેલરી ખરીદવી છે, તેઓ ખરીદી કરવાના જ છે."

ચંદ્રકાંત સંઘવીએ કહ્યું, "કોરોના પછી હીરા ઉદ્યોગમાં ઘણી સારી માંગ હતી. પરંતુ છેલ્લા 12 મહિનાથી વર્કર્સ પાસે કામ ઘટી ગયું હતું. અમુક કંપનીઓ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જરૂર પૂરતું જ કામ કરાવે છે. ટેરિફના કારણે વપરાશ અને ડિમાન્ડ બંને ઘટશે જેમાં રત્ન કલાકારોએ પણ સહન કરવાનું આવશે."

વિવેક ધામતે જણાવ્યું કે, "અમારે ત્યાં રત્ન કલાકારને સામાન્ય રીતે શરૂઆતમાં 15થી 20 હજારનો પગાર મળતો હોય છે. અનુભવી રત્ન કલાકારોના પગાર માસિક 60થી 70 હજાર સુધી પહોંચી શકે, પરંતુ મંદીના સમયમાં પગાર ઘટીને 35 હજાર સુધી આવી જાય એવું પણ બની શકે."

તેમણે કહ્યું કે, "નવા ટેરિફ પર અમેરિકન ગ્રાહકો કેવો પ્રતિભાવ આપે છે તે જોવાનું રહેશે. ડાયમંડ મોંઘા થવાથી તેની ડિમાન્ડ ઘટશે તે નક્કી છે, પરંતુ કેટલો ઘટાડો થાય છે તેના માટે લગભગ એક મહિનો રાહ જોવી પડશે."

હીરાઉદ્યોગનો વિકલ્પ કયો?

બીબીસી ગુજરાતી હીરા ડાયમંડ અમેરિકા ટેરિફ વૉર ડોનાલ્ડ ટ્રમ્પ નિકાસ રત્ન કલાકાર હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

આ દરમિયાન હીરા ઉદ્યોગના કામદારોને લાગે છે કે અમેરિકાએ વધારેલાં ટેરિફનું કારણ આગળ ધરીને માલિકો દ્વારા તેમનું વધારે શોષણ કરવામાં આવશે.

ડાયમંડ વર્કર યુનિયન(ગુજરાત)ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "છેલ્લા એક વર્ષમાં આર્થિક સંકડામણના કારણે કંઈ કેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. જો અમેરિકન ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં વધુ ખરાબ સ્થિતિ આવશે તો અંતે રત્ન કલાકારોએ જ ભોગવવું પડશે, માલિકોને કોઈ તકલીફ પડવાની નથી."

ભાવેશ ટાંકે કહ્યું કે "સ્થિતિ કપરી બનશે તો રત્ન કલાકારોએ આ ઉદ્યોગને કાયમ માટે છોડવો પડશે. ઘણા યુવાનો કંટાળીને પોતાની ખેતીમાં પાછા વળ્યા છે અથવા નાનો મોટો ધંધો શરૂ કર્યો છે. ઘણા લોકો ટેક્સ્ટાઈલ ફેક્ટરીઓમાં રોજગારી શોધી રહ્યા છે, જોકે ત્યાં પણ શોષણ તો થાય જ છે."

તેમના કહેવા મુજબ "રત્ન કલાકારોની આર્થિક હાલત નહીં સુધરે, તેમના પગાર નિયમિત નહીં થાય અને મોંઘવારી મુજબ વેતન નહીં મળે તો લોકો આ ઉદ્યોગમાંથી નીકળી જશે. હીરાના કારખાનેદારો કારીગરને શોધશે તો પણ માણસો નહીં મળે."

સુધીરભાઈ મોવળિયા પણ માને છે કે, આગામી દિવસોમાં ડાયમંડ યુનિટોએ વેકેશન રાખવું પડે તેવી શક્યતા છે. હીરાના કારીગરો પણ બીજા વ્યવસાય તરફ વળી શકે છે.

તેઓ કહે છે કે, "અગાઉ મોટા ભાગે સૌરાષ્ટ્રના યુવાનો આ ક્ષેત્રમાં આવતા હતા. હવે મશીનરી આવવાના કારણે રાજ્ય બહારના લોકો પણ રત્ન કલાકાર તરીકે આવી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મહિને 20થી 20 હજાર કમાવા કરતા બીજા ઉદ્યોગમાં વધુ કમાણી મળે તો તેઓ બીજે જતા રહે તેવું બનતું હોય છે."

નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - 1800-599-0019

ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્મુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 9868396824, 9868396841, 011-22574820

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ - 080 - 26995000

વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 011 2980 2980

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.