ટ્રમ્પના ટેરિફ-વૉરના કારણે દુનિયા આર્થિક મંદી તરફ આગળ વધી રહી છે?

બીબીસી ગુજરાતી અમેરિકા યુરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વૉર ડિપ્રેશન મંદી મહામંદી અર્થતંત્ર નાણાકીય કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટેરિફ-વૉરના કારણે ઘણી કંપનીઓના નફાને અસર થવાની ધારણા છે.
    • લેેખક, સાઇમન જૅક
    • પદ, બિઝનેસ ઍડિટર, બીબીસી ન્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરીને વિશ્વભરનાં શૅરબજારોમાં હલચલ મચાવી દીધી છે.

પરંતુ શું તેનો અર્થ એવો છે કે વિશ્વ મંદી તરફ આગળ વધી રહ્યું છે?

સૌ પ્રથમ એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે શૅરબજારમાં જે કંઈ પણ થાય છે તે અર્થતંત્રમાં થઈ રહેલા ફેરફારોથી અલગ હોય છે.

એટલે કે શૅરના ભાવ ઘટે તેનો અર્થ હંમેશા આર્થિક સંકટ નથી હોતો. પરંતુ કેટલીક વખત એવું હોય છે. કોઈ કંપનીના શૅરનો ભાવ ઘટે તેનો અર્થ એવો થયો કે ભવિષ્યમાં તેના નફાના મૂલ્યાંકનમાં ફેરફાર થયો છે.

વાસ્તવમાં શૅરબજારનું અનુમાન છે કે ટેરિફ વધવાના કારણે ચીજવસ્તુઓના ભાવ વધશે. તેના કારણે કંપનીઓના નફામાં ઘટાડો થશે.

પરંતુ તેનો અર્થ એવો નથી કે મંદી પણ આવશે. પરંતુ ટ્રમ્પે ટેરિફની જાહેરાતો કરી ત્યાર પછી મંદીની આશંકા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે છે.

આર્થિક મંદી કોને કહેવાય?

બીબીસી ગુજરાતી અમેરિકા યુરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વૉર ડિપ્રેશન મંદી મહામંદી અર્થતંત્ર નાણાકીય કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવારે દુનિયાભરના શૅરબજારોમાં કડાકો બોલી ગયો હતો.

કોઈ અર્થતંત્રમાં સળંગ બે ક્વાર્ટર સુધી ખર્ચ અથવા નિકાસ ઘટે ત્યારે ત્યાં મંદી આવી એમ માનવામાં આવે છે.

ગયા વર્ષે ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે બ્રિટનના અર્થતંત્રમાં 0.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. ગયા મહિનાનો ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીમાં અર્થતંત્રમાં આટલા જ પ્રમાણમાં ઘટાડો થયો હતો.

બ્રિટનના અર્થતંત્રે ફેબ્રુઆરીમાં કેવો દેખાવ કર્યો હતો તેનું પ્રથમ અનુમાન આગામી શુક્રવારે જાહેર થશે.

બ્રિટનની વાત કરીએ તો હજુ આપણે વધુ આંકડાની રાહ જોવી પડશે.

શૅરબજારમાં ભયાનક નુકસાન

બીબીસી ગુજરાતી અમેરિકા યુરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વૉર ડિપ્રેશન મંદી મહામંદી અર્થતંત્ર નાણાકીય કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બજાર હજુ કેટલાક સમય સુધી અનિશ્ચિત રહે તેવી શક્યતા છે

પરંતુ એક વાત સ્પષ્ટ છે કે દુનિયાભરનાં શૅરબજારોમાં ઉથલપાથલના કારણે ચિંતાજનક સ્તરે નુકસાન થયું છે.

સામાન્ય રીતે બૅન્કોને અર્થતંત્રના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે.

બજારના એક નિષ્ણાતે જણાવ્યું કે "બૅન્ક શૅરોના ભાવમાં કડાકાના કારણે મારા શ્વાસ અદ્ધર થઈ ગયા હતા."

એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એ એવી મોટી બૅન્કો છે જે પશ્ચિમી અર્થતંત્રોની વચ્ચે સીડી તરીકે કામ કરે છે.

આ બંને બૅન્કોના શૅરના ભાવમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. ત્યાર પછી થોડી ખરીદીના કારણે શૅર થોડા સુધર્યા હતા.

પરંતુ વાત માત્ર શૅરબજારોના ઉતાર ચઢાવની નથી. હાલમાં કૉમોડિટી ઍક્સચેન્જિસના કારણે પણ ચિંતા વધતી જાય છે.

કૉમોડિટીના ભાવ પણ ચેતવણીનો સંકેત આપે છે. કૉપર અને ક્રૂડ ઑઇલના ભાવને વૈશ્વિક આર્થિક તંદુરસ્તીનો માપદંડ ગણવામાં આવે છે. ટ્રમ્પે ટેરિફની જાહેર કર્યા પછી તાંબા અને ઑઇલના ભાવમાં 15 ટકાથી વધારે ઘટાડો થયો છે.

અગાઉ ક્યારે મંદી આવી હતી?

બીબીસી ગુજરાતી અમેરિકા યુરોપ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વૉર ડિપ્રેશન મંદી મહામંદી અર્થતંત્ર નાણાકીય કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1930ની મહામંદી દરમિયાન એક બેરોજગાર, નિરાધાર વ્યક્તિ

દુનિયામાં આર્થિક મંદી આવવી એ સામાન્ય ઘટના નથી. હકીકતમાં 'વાસ્તવિક મંદી'નો સમય બહુ ઓછો રહ્યો છે.

અત્યાર સુધીમાં ત્રણ સમયગાળા એવા આવ્યા જેને મંદી ગણવામાં આવ્યા છે.

  • 1930ના દાયકામાં આવેલી મંદીને 'ધ ગ્રેટ ડિપ્રેશન' કહેવામાં આવે છે.
  • 2008માં પેદા થયેલા આર્થિક સંકટને ગ્લોબલ ફાઇનાન્સિયલ ક્રાઇસિસ નામ અપાયું હતું.
  • 2020માં કોવિડ રોગચાળાના કારણે દુનિયાભરનાં અર્થતંત્રોને ફટકો લાગ્યો હતો.

આ વખતે પણ આવું કંઈક થવાની શક્યતા બહુ ઓછી છે. પરંતુ મોટા ભાગના આર્થિક નિષ્ણાતોની નજરમાં અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનમાં મંદીની સંભાવના યથાવત્ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.